વલ્લભદાસ જમનાદાસ અક્કડ

From Ekatra Wiki
Revision as of 15:34, 8 March 2023 by Meghdhanu (talk | contribs) (+)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અક્કડ વલ્લભદાસ જમનાદાસ (૧૮-૨-૧૯૦૪): ચરિત્રકાર, નિબંધકાર, બાળસાહિત્યકાર. જન્મ વતન સુરતમાં. ત્યાં જ શિક્ષણ પ્રાપ્ત કરી ૧૯૨૧માં મૅટ્રિક. સ્વાતંત્ર્ય સંગ્રામના ગાળામાં ૧૯૩૦-૩૨માં જેલવાસ. ૧૯૪૨થી ૧૯૬૮ સુધી ‘ગુજરાત મિત્ર'માં કટારલેખક.

નટવરલાલ માળવી સાથે ‘ધૂપસળી' (૧૯૨૬)નો અનુવાદ આપ્યા પછી મૌલિક લખાણ તરફ વળ્યા. ‘બાળડાયરી' (નટવરલાલ માળવી સાથે, ૧૯૨૮)માં બાળકોના મનભાવ આલેખ્યા છે, તો બાળપત્રો' (૧૯૩૦)ની શૈલી બાળમાનસને અનુરૂપ જણાય છે. ‘ફૂલમાળ' (૧૯૬૧)માં સંપ, ઈશ્વર, રાષ્ટ્રપ્રેમ વગેરે વિષયો પર બાળ-કિશોરોપયોગી બોધાત્મક વાર્તા પ્રસંગો છે. વલ્લભદાસનાં બાળોપયોગી ચરિત્રો ઉલ્લેખનીય છે. ‘વિનોબા' (૧૯૫૮) વિનોબાના બાળપણના પ્રસંગો સાથે ભૂદાન-પ્રવૃત્તિને આવરી લેતું સાદું ચરિત્ર છે. ‘કવિવર ટાગોર અને પં. મોતીલાલ નહેરુ' (૧૯૬૦)માં ચરિત્રનાયકોના સળંગ જીવનનું ટૂંકું આલેખન છે. આપણા વિદ્યમાન કવિઓ અને વિદ્વાનોને પ્રાથમિક પરિચય આપતું ‘કવિઓ અને વિદ્વાનો' (૧૯૬૨) અને ભારત તેમ જ ગુજરાતના કેટલાક સુખ્યાત કેળવણીકારોનો પરિચય કરાવતું ‘કેટલાક કેળવણીકારો' (૧૯૬૨) સરળ અને સુવાચ્ય પુસ્તક છે. ‘સંતસુવાસ' (૧૯૬૨) કેટલાક સંતોનાં રેખાંકનો આપે છે. ચરિત્રસાહિત્યની દૃષ્ટિએ મહત્ત્વનું પુસ્તક ‘માદામ ભીખાઈજી કામા' (૧૯૬૨)માં વિદેશમાં આપણી રાષ્ટ્રીય અસ્મિતાને વ્યક્ત કરનાર પારસી નારીનું ગૌરવપૂર્ણ ચરિત્ર નિરૂપાયું છે. ઉપરાંત, એમણે ‘હિન્દુસ્તાની પ્રવેશિકા' (પરમેષ્ઠી જૈન સાથે, ૧૯૩૯) અને ‘રાષ્ટ્રભાષા પ્રારંભિની' (પરમેષ્ઠી જૈન સાથે, ૧૯૪૦), ‘બાપુની સ્વરાજ યાત્રા' (૧૯૩૦), ‘ભારતના ઇતિહાસની વાતો' (૧૯૩૬) પુસ્તકા આપ્યાં છે.