ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જયંતી દલાલ/ઉત્તરા

From Ekatra Wiki
Revision as of 09:09, 28 June 2021 by NileshValanki (talk | contribs)
Jump to navigation Jump to search
ઉત્તરા

જયંતી દલાલ

છત સામે નજર ટેકવીને ઉત્તરા જાગતી પડી રહી. એની આંખમાં નીંદ ન હતી. છેલ્લા ચાર માસ – જ્યારથી એ શ્રીધર સાથે પરણી – તેની એક એક ક્ષણ જાણે હજાર હજાર વિષધરના ડંખ જેમ એના સ્વાભિમાનને કોરી રહી હતી.

પડખે જ શ્રીધર આરામની, સંતોષની નિદ્રા લેતો હતો. સ્વામિત્વના સંતોષ ખાતર ઉત્તરાનો જમણો હાથ એણે પોતાના માથા નીચે રાખ્યો હતો. સ્વસ્થતાની, ધન્યતાની મીઠી મહોર એના ચહેરે રમતી હતી.

છત સામેથી ઉત્તરાએ એની નજર શ્રીધર સામે ફેરવી. વિજયનું ગુમાન આ ચહેરે કેવું ઝળકતું હતું! જાણે એનાં બિડાયેલાં પોપચાં, સહેજ ફૂલતાં નસકોરાં, સહુ એના વિજયનો નાદ ગજવતાં હતાં.

ઉત્તરા એ દેખી ન શકી. એણે એની નજરને પાછી છત પર ફેરવી. અગણિત વાર એને યાદ આવી ગયેલી વસ્તુઓની સ્મૃતિએ પાછો હલ્લો કર્યો.

એની નજરે ચઢી એક કન્યા: નમણી, સુંદર, સંગેમરમરની પૂતળી જેવી. પુરદ્વારની વાંકી છટાદાર કમાન જેવી એની ભ્રમરો હતી. શબનમ ઝીલી સ્વસ્થ બનેલી મોગરાની કળી જેવી, નીતરતી એની આંખો હતી. પોતે કમનીય છે એ તે જાણતી હતી. પણ હજુ એનું ગુમાન એને ન હતું. બધું જ એને સુંદર લાગતું હતું. કશુંય અરૂપ એણે દીઠું ન હતું.

એના કંઠમાં મીઠી હલક હતી. એની નૃત્યછટા ગમે તેને મુગ્ધ કરે તેવી હતી. નિજાનંદમાં એ મસ્ત હતી. ક્યાંય એ દુઃખદર્દ જોતી અને એની આંખમાં આંસુ આવતાં. પણ ગીત અને નૃત્યની સાધનામાં એ એને વિસારે પાડતી. દુનિયાથી એ અજાણ હતી; અને અજાણ રહેવા પણ માગતી હતી.

પણ દુનિયા પોતાની જાતથી એ અજાણ રહે એમ ક્યાં ઇચ્છતી હતી? એટલે જ ઉત્તરાને દુનિયાએ પોતાનો પરિચય કરાવી દીધો, અને એ પરિચયે ઉત્તરા ત્રાસી ઊઠી. અચાનક જ પોતાના તાનમાં મસ્ત ઉત્તરાને સમજાયું કે કેટલીક જુવાન પુરુષઆંખો એને ભરખી રહી હતી. એ નજરમાં એને એવી કશી ભયંકરતા લાગી કે એ સમસમી રહી. એને રાની પશુઓની યાદ આવી. એમાં એને શિકારવૃત્તિ જણાઈ. એ ટાળવા ઉતાવળે પગલે એ ત્યાંથી ચાલી તો સ્પષ્ટ રીતે પાછળથી તાળીનો અવાજ અને સિસોટી સંભળાયાં.

આ નજર, આ તાળી, આ સિસોટી શું હતાં? ઉત્તરાને એ ન સમજાયાં. પણ એથી તો એને કશો અદીઠ ભય લાગવા માંડ્યો. શું હતું આ? આ લોક એને આવી નજરે કેમ જોતા હતા? અને એને કમકમાં કેમ આવતાં હતાં?

લે, તુંય ખરી! આટલું રૂપ છે તે બિચારા કોઈ આંખ ભરીને જુએ પણ નહીં?’

રૂપ! આંખ ભરીને જુએ! પોતે સોનેરી રજથી રંગાયેલી સંધ્યા હતી? કે મીઠાઈની વાનગી હતી? રૂપ! આંખ ભરીને જુએ?

ઝનૂને ચડેલો પવન એક જ ઝપાટે નાનકડા ટમટમતા દીવાને ઓલવી દે છે, પણ એ જ પવન આગને ચામર ઢાળી વડવાનલ બનાવી મૂકે છે. દુનિયાના આ પહેલા જ્ઞાને ઉત્તરાના એ નાનકડા દીપકને બુઝાવી દીધો. ઉત્તરા વધુ એકાંતિક બનતી ગઈ. જે રૂપ લોકોને આંખ ભરવા મીઠું લાગતું હતું તેને એ આરસીમાં કલાકો લગી નીરખતી. ન જાણે કેમ પણ એ સામે પણ એને આંખ ભરવા જેવું શું હતું, તે જ સમજાતું નહોતું અને આંખ ભરે એ સામે પણ એને વાંધો ન હતો. જ્યારે એ આંખમાં તૃષ્ણા અને લોલુપતાની ક્રૂરતાને પારખતી ત્યારે એને ધ્રુજારી વછૂટતી. ગરીબડા, ઉલ્લાસે ગરદન ફુલાવતાં પારેવડાંને બિલાડીનો શિકાર થતાં એણે જોયાં હતાં. પેલી નજર અને આ શિકાર વચ્ચે એને ન સમજાયું એવું સામ્ય હતું, એટલું એને લાગ્યું. કશી નિરાધારીની ખાડમાં કોઈએ એને ધકેલી દીધી હોય એવું એને લાગ્યું.

દુનિયાના આ પહેલા સંપર્કે એને એક બીજી વસ્તુની પણ જાણ કરી દીધી. એ સ્ત્રી હતી. પણ એટલો જ માત્ર એનો અપરાધ ન હતો. એ રૂપાળી હતી. હા, આંખ ભરીને જુએ, તાળી મારે કે સિસોટી વગાડે, ક્યારેક કોઈ કોઈ ઠેકાણેથી કાંકરી પણ મારી લે, એવી રૂપાળી હતી.

બહાવરી આંખે એણે દુનિયાને જોવા માંડી. એણે જોયું કે દુનિયા માત્ર એની સાથે જ આમ ન’તી વર્તતી. બીજાઓને પણ રૂપાળા હોવાની, સ્ત્રી હોવાની કિંમત ભરપાઈ કરવી પડતી હતી. પણ એ હોશિયાર હતા. કશી અવનવી કિન્નાખોરીથી એ એનો બદલો લેતા. ઉત્તરા માટે કિંમત આપવી કે વસૂલ કરવી, બંને અશક્ય હતાં.

સુંદરતા! શાં શાં સ્વપ્નાં એણે સુંદરતાની ભાવના પર રચ્યાં હતાં! નિર્મળ, પાશવી સ્વામિત્વના અણસાર સરખાથી દૂર રહેલાં એ સ્વપ્નાં પર દુનિયાના નવા અને ભયંકર દર્શને જડતાની ગ્રંથિના ઓળા પાથર્યા. ઉત્તરા વધુ આપરખી બની પણ સાથે એ વધુ સચેત પણ બની. કોક દૃષ્ટિમાં રહેલી સરલતા કે ભક્તિ પણ હવે એને કશી વિકૃત થયેલી વસ્તુ જણાતી અને એથીયે વિશેષ તો એ આ આખી વસ્તુ સંપ્રજ્ઞ બની તે હતું.

અને આટલું ઓછું હોય એમ હવે એના પર નનામા પત્રો આવવા લાગ્યા. પોતાનાં અતિશયોક્તિભર્યાં વર્ણનો ક્યારેક એને પોતાની જાતને ધન્ય માનવા પ્રેરતાં. પણ જ્યાં એ એ જ અનહદ કાવ્યશક્તિ એમની માગણીમાં પરિણમતી અને પોતાના દેહના અવયવોનાં, એ અજાણ્યાં એવાં નામ સહિત, એમાં ચેડાં આવતાં, ત્યારે એને પોતાની જાત ઉપર ધિક્કાર વછૂટતો. આ બધું પોતાના માનવી તરીકેના સ્વમાન અને સ્વીકારથી વિરુદ્ધનું લાગતું.

ઘણી વાર એને થતું: રૂપ હોવું અને સ્ત્રી હોવું એ તે શું ગુના જેવું છે? અને એ જ ગુનાની સજા, પેલી લોલુપતાભરેલી આંખો, નનામા લેખો અને એમાં રહેલી, એના રોમરોમને આગની ચિનગારીથી જલાવી દેતી વાતો, કુત્સિત શબ્દો અને એથી પણ વધુ કુત્સિત અણસારા હતી! આ વાતો જો હોઈ શકે તો માત્ર બે–ના, ના. દ્વૈત મિટાવી દઈ એક બનેલી વ્યક્તિ વચ્ચે જ હોઈ શકે. માત્ર એ સ્ત્રી હતી અને રૂપાળી હતી માટે કોઈ પણ રસ્તે જનારને આમ વર્તવાનો અધિકાર મળી જતો હતો! હાય રે રૂપ!

મનની વરાળ એ ક્યારેક બહેનપણી આગળ ઠાલવતી.

‘આ શેની સજા છે?’

‘પાગલ, આ સજા નથી. આ તો તારું પરમ શસ્ત્ર છે. એની પટાબાજી શીખી લે અને જગતને જીત.’

બહેનપણીએ દુનિયાની સાથે વર્તવાની તરકીબ શીખવતી હોય તેમ કહ્યું. પણ ઉત્તરાને તો આ વસ્તુએ વધુ પરેશાન કરી મૂકી. એનું સ્ત્રીત્વ એ હથિયાર! એનું રૂપ એ શસ્ત્ર! અને આની પટાબાજી કરી એ કયું જગત જીતવાની હતી! અને બધાં બ્રહ્માંડ જિતાતાં તોય એનો શો અર્થ હતો! જીવન અને સુંદરતા ઃ આ શું આટલાં પામર હતાં!

બહાવરી બની ઉત્તરા આનો જવાબ ઢૂંઢતી. સુખ, સંતોષ, જીવન, સૌંદર્ય સહુની એને કલ્પના હતી. છતાં આ જ જો હકીકત હોય તો એ કલ્પનામાત્ર ક્રૂર પરિહાસ હતી.

ઉત્તરાએ મન મનાવ્યું કે દુનિયાથી અળગી રહેલી એ આ પરિસ્થિતિને જીતી શકશે. જીતી નહીં શકે તોય હારવું પડે એવી પરિસ્થિતિમાં તો નહીં જ મુકાય. રૂપ અને સ્ત્રીત્વને એ હથિયાર બનાવવા નહોતી ચાહતી. આખીયે સ્થિતિ એને પોતાના લોપ જેવી લાગતી હતી. મરીને જીવનારા વિશે એણે સાંભળ્યું હતું, પણ આ તો જીવન અને મરણ બંનેનો નકાર હતો. સ્વમાનનો ભંગ, કશી અનુચિત, માનભંગ કરતી, આદમિયત નકારતી પરિસ્થિતિની ગુલામીનો સ્વીકાર એ મરણ હતું. એ મરણ પછી ભલે શ્વાસ ચાલુ હોય. જીવન — સુરખીભર્યું, સંતોષી, સ્વમાની જીવન – અશક્ય હતું. ના, ના, એ જીવન જ ન હોઈ શકે; કારણ કે એમાં સુંદરતા ન હતી. એ તો હતી માત્ર હાડચામની ભૂખ. જંગલની રીત, પશુની રીત. સમજુ માણસ, અક્કલવાન હોવાનો દાવો કરતો માણસ પણ આટલો પ્રાકૃત, આટલો જડ, આટલો અબુધ હતો?

સ્ત્રી અને પુરુષ: ઉત્તરાની કલ્પના દોડતી હતી. જીવનનો આનંદ ભોગવતાં, સુંદરતા, સરળતા લેતાં અને દેતાં, સ્ત્રીપુરુષને એ કલ્પતી હતી. ન’તી તેમાં લોલુપતા. ન’તા તેમાં કશાય કોઈનાય સ્વમાન કે આપરખાપણાને પડકારતા સ્વામિત્વ કે હથિયારના ખડખડાટ. જીવનને પૂર્ણ કરવાનો, જીવન માણવાનો આ જ એક માર્ગ હતોપણ દુનિયાએ કેવો માર્ગ લીધો હતો? ખાંડ ખાઈ મોં ભાંગી નાખી મીઠા પકવાનના સ્વાદથી અજાણ રહેનારને દુનિયા અણસમજુ કહે છે. ત્યારે આને દુનિયા શું કહેશે? પણ દુનિયા કયે મોંએ એને ભાંડશે?

ઉત્તરાનું ચિત્ત ચિંતામાં ડૂબી જતું. મથામણ છતાંયે એને એક વસ્તુ ન’તી સમજાતી. દુનિયા આવી હતી? કલ્પનાનો છેહ ઉત્તરાને મૂંઝવી જતો.

અને આટલું ઓછું હોય એમ જ ચિંતામાંથી એક નવી વાત જન્મી. ઉત્તરાને પોતાનામાં કશું ન સમજાય એવું પરિવર્તન થતું લાગ્યું. આને જ પેલાઓ સ્ત્રીત્વની જાગૃતિ કહેતા હતા? અજાણે જ કશા અણચિંતવ્યા વિચારો દળકટક સાથે ઊતરી પડતા. આરસી સાથે સદા ઝઘડતી ઉત્તરા, રૂપને શાપ ગણવાની હદ લગી આવેલી ઉત્તરા, આરસીમાં પોતાનું પ્રતિબિંબ જોતાં જ મલકી જતી. આ મલકાટ એના ગૂઢ મનોવ્યાપારને પણ નહોતો સમજાતો. બીજી જ પળે નફફટ થઈ એ આરસી સામું જોતી: જાણે પેલી પ્રતિબિંબિત મૂર્તિને આહ્વાન ન દેતી હોય!: ‘હુંય રૂપાળી છું હોં!’

પણ સાથે જ કશી વેદના થતી હોય એમ એ ચહેરો કરમાઈ જતો. આ જ રૂપ, આ જ સ્ત્રીત્વ અને… અને આ જ દુનિયા!

ઉત્તરા રોઈ પડી. એનું દ્રવતું હૈયું પેલી નીતરતી આંખોમાં આવીને બેઠું.

નિરાધારીનો એકરાર કોને કહેવો? પેલા જગત જીતવાની શિખામણ દેનારાઓને? એનો શો અર્થ હતો? જ્યાં દૃષ્ટિ જ જુદી હતી, સુખ-સંતોષના ખ્યાલ જ નિરાળા હતા ત્યાં આવી વાતનો અર્થ જ ન હતો.

બધાની ફરિયાદ હતી: ઉત્તરા અતડી થતી જતી હતી. બહેનપણીઓ મજાક કરતી હતી: ‘બહેનબા હમણાં તો બહુ અભિમાની થયાં છે; પણ રૂપરંગનાં અભિમાન ખોટા.’ શિખામણ, આપનિરાશાની કડવાશ, ઈર્ષ્યા અને નરી સરળ મસ્તી સહુ એમાં સૂર પુરાવતાં. સહુને એ મજાક ગમતી. માત્ર ઉત્તરા એથી ધૂંધવાતી.

એક બાજુ ન કળાય એવો કશો તલસાટ એને સતાવી જતો, પેલા તલસાટ અને એને અંગે આવતાં માનસિક પરિવર્તન સહુને આ હેમાળો અમાનુષી, પાશવી, જંગલી, ગણાવતો.

દુનિયાએ એની છેડ ચાલુ રાખી હતી. ના, હવે તો એ છેડ, અણસારા, સિસોટી, તાળી અને નનામા હલકટ કાગળોથી આગળ વધી હતી. મીઠાઈ પર માખીઓ બણબણે, એમ ઉત્તરાની આજુબાજુય પુરુષોનું ઝુંડ બણબણતું હતું. સહુ ઉત્તરાની આંખ પામવા યત્ન કરતા હતા. કોક ચબરાકપણાનું પ્રદર્શન કરતા, કોક વારસાની મિલકત ઉડાવતા. સહુ એને આંજી દેવાનો યત્ન કરનારા હતા.

એ પ્રશંસાના અવિરત વહેતા સૂર, પ્રશંસા પામનારીને પોતાની કરવાની – માલિકીહક્કે પોતાની કરવાની – માગણી જ હતી એમ જ ઉત્તરાને લાગતું. એની સાદી સમજ, એની કલ્પના, સુંદરતા અને જીવનના ખ્યાલ સહુ સમાનતાના હતા. જીવનના આનંદમાં કોઈ લેતું નથી, બધા દે છે એવી કાંક એની સમજ હતી. પણ આ કાદવિયામાં તો માત્ર માલિકીપણું ખદબદતું હતું. સ્વામિત્વની બદબૂ એમાં હતી.

સમાનતા મેળવવાની, જીવનમાં સાચું સુખ પામવાની, સ્વમાની રહેવાની એની કોશિશને દુનિયા બનાવટ સમજતી. કોકે એને ‘માનુનીનાં નખરાં’ પણ કહ્યાં. એના હૈયામાં કેટલી સચ્ચાઈ હતી એ જોવા કોણ તૈયાર હતું?

અને વળી પાછી એક નવી વાત આવી. પેલા રૂપભમરાઓએ નવી વાત એ કહેવા માંડી કે એ ગુલામ થવા તૈયાર હતા. બસ, આખીયે વસ્તુ માત્ર સોદો બની જતી. કવિઓએ ગાયેલો પ્રેમ, સમાજના સ્તંભોએ ઉદ્બોધેલું જીવન, સહુનો ધર્મ માત્ર આટલામાં આવી રહ્યો હતો: ‘વેચાવ’, ‘ગુલામ બનો.’ જીવનની સૌરભનો આ કેવો ક્રૂર ઉપહાસ હતો?!

ઉત્તરાનું મન વધુ ને વધુ ખિન્ન બનતું જતું હતું. એના હૈયામાં જ ખેલાતા પાણીપતને શમાવવા જતાં એ વધુ એકાંતિક, વધુ અતડી, વધુ આપરખી બનતી હતી. પાણી પર કાગળની હોડીઓ સરે એમ જીવનવહેણ પર બીજાને સરતાં એ જોઈ રહેતી. કેટલાં સુખી એ હતાં? હા. એ સુખી હતાં; કારણ કે એ જીવનને માત્ર ક્ષણિક આનંદની ઉછામણી સમજતાં હતાં. એમાં કશું શાશ્વત હોય છે, ચિરંજીવ હોય છે, પ્રેરણાદાયી હોય છે, એ એમાંથી કોણે જાણ્યું હતું?

સુખ! કોણે જાણ્યું છે સુખ શું હોય છે એ? ક્યારેય માનવીને એનો તાગ મળ્યો છે? આંધળાનો હાથી!

ઉત્તરાએ છત સામેથી નજર ઉઠાવી ફરી એક વાર શ્રીધરના ચહેરા પર ગોઠવી. કેવી સંતોષની નીંદમાં પડ્યો હતો! આરામની નિદ્રા: સુખનાં સ્વપ્નાં. વિજયનો મદ. જીવ ભરીને વરસાદ વરસાવી રહે છે તેવું કાંક શ્રીધરને ચહેરે રમતું હતું. આ શું હતું? શા માટે ઉત્તરા એમાં ભાગીદાર નથી થઈ શકતી?

ઉત્તરાને એ પ્રસંગ યાદ આવ્યો ત્યારે રાત અને દિવસોની મથામણ પછી એણે શ્રીધર સાથે જીવનસંગી થવા કબૂલ્યું હતું. પોતાના હૈયાની એક એક વાત એણે શ્રીધરને કહી હતી. સ્વામિત્વની નફરતનો પણ એણે ખુલ્લે દિલે એકરાર કરી દીધો હતો. એનાં રૂપ અને સ્ત્રીત્વની દુનિયાએ કરેલી અજુગતી છેડતી અને એનાં પોતાના પર નીપજેલાં પરિણામ પણ એણે કહ્યાં.

‘હું સાચી છું કે નહિ તે તો હું નથી જાણતી પણ આ સિવાય મને બીજી કશી લાગણી નથી થતી. સુંદરતાના, મારા પોતાના જીવનના ખ્યાલ, બનવાજોગ છે કે એ લાગણીથી ડંખાયેલા હોય. પણ આ વાત ઊંઘતાં કે જાગતાં હું નથી ભૂલી શકતી.’

શ્રીધરને મન તો આ જાણે કવિતા હતી. એણે કહ્યું: ‘ઉત્તરા, તને પામીને હું મારી જાતને ધન્ય માનું છું. અન્ય મારા સદ્ભાગ્યની અદેખાઈ કરે એમાં મને કોઈનો વાંક કાઢવા જેવું નથી લાગતું. રૂપ સાથે તારામાં તો હું એક ઉન્નત આત્મા જોઉં છું. હવે હું અને તું જુદાં નથી રહેતાં. હવે હું અને તું નહીં – આપણે.’

કેટલા મીઠા, આશ્વાસન દેતા, નવજીવનની પ્રેરણા દેતા શબ્દો! ઉત્તરાને પોતાનાં ‘તપ’ ફળ્યાં લગ્યાં.

અને એ પરણ્યાં. હજુય ઉત્તરાની આંખ આગળથી એ દૃશ્યાવલિ હટતી ન હતી. બધું ધન્ય હતું. હવે સ્વપ્નાંની પાંખે ઊડવાનું ન હતું. સ્વપ્નાંની તો ધરતી પર બિછાત કરી હતી. એ પર ધીરા પગલે ચાલવાનું હતું. જીવનનું સાફલ્ય પામવાનું હતું.

ઉત્તરાને થયું: કલ્પનાએ કેવો અકલ્પ્યો દ્રોહ દીધો? હા, એ સ્વપ્નાંની જ બિછાત થઈ હતી. એને ધૂળભેળાં કરીને જ ચાલવાનું હતું.

ઉત્તરા એનો બધો મનોવ્યાપાર ભૂલી શકી ન હતી. એની ગાંઠ તો હૈયામાં ઊંડી ને ઊંડી જડ ઘાલીને બેઠી હતી. ક્યાંક એણે વાંચ્યું પણ હતું. હાડમાં પડેલી કડી ઊંડી ઊતરીને હાડકાં સાથે જડાઈ બેઠી હતી. જીવનની એક જ કસોટી, સુખદુઃખનો એક જ નિકષ – અને એમાં શ્રીધર ક્યાં હતો?

ઉત્તરાનું હૃદય ધડકી ઊઠ્યું. પેલો પ્રસંગ!

ઉત્તરા શ્રીધરને વીંટળાઈ વળી હતી, ચારે આંખો એક જ તારે પરોવાયેલી હતી. બે હૈયાં એકશ્વાસે ધબકતાં હતાં. અને એણે પૂછ્યું: ‘શ્રી, તું મને ચાહે છે?’ અંતરના ઊંડાણમાં ઘર કરી બેઠેલી શંકા એને વારંવાર એ જ પૂછવા પ્રેરતી. અને એણે પૂછ્યું.

અને શ્રીધરે શું જવાબ વાળ્યો?

એણે ઉત્તરાને પોતાના બાહુમાં સમાવી દઈ જબરી ભીંસ દીધી. ઉત્તરાના અધર પર એણે ચુંબન ચોડ્યું. એણે કાંઈ જવાબ ન દીધો, પણ શ્રીધરની આંખમાં ઉત્તરાએ જવાબ વાંચી લીધો: ‘હું તને ચાહું છું એની આથી વધુ કઈ સાબિતી તારે જોઈએ છે?’

ઉત્તરાને જાણે કોઈએ પહાડના શિખર ઉપરથી ગબડાવી દીધી હોય એવું થયું. જેનો ભય હતો એ જ સાચું થયું? જે ટાળવાને એણે મથામણ કરી એ જ એના જીવનમાં આગળ આવીને ઊભું! એનો સ્વીકાર માત્ર એ સ્ત્રી હોવાના કારણે હતો? એના પ્રેમનો અંગીકાર માત્ર એ રૂપાળી હોવાથી થયો હતો? આ સ્વમાનભરી જિંદગી હતી? આ સમાનતા હતી? આ ‘આપણે’નો પાયો હતો?

ઉત્તરાની વિચારમાળા તૂટી. ઊંઘમાં પડખું ફરતાં શ્રીધરનો હાથ ઉત્તરાની છાતી પર પડ્યો. ઉત્તરાને કોઈએ બળતો અંગારો ચાંપ્યો હોય એવું થયું.

ઊંઘમાંય આ પુરુષને એનો સ્વામીભાવ છોડતો ન હતો. એ માલિક હતો. ઉત્તરા સ્ત્રી હતી. એનું સર્વસ્વ એ પુરુષના ઉપભોગ માટે હતું! સ્ત્રી અને ગુલામ! પુરુષ અને સ્વામી!

ઉત્તરાના અંતરમાં વલોપાત જાગ્યો. ના, ના. આ જીવન ન જ હોઈ શકે. આ જો જીવન હોય તો એવા જીવનનો કશો અર્થ નથી. સ્વમાન વિનાનું જીવન, ઓશિયાળું જીવન, એ તો બદનામી છે. જીવન કદીયે બદનામી ન હોઈ શકે.

ફરીથી એણે શ્રીધરના ચહેરા સામું જોયું. એ જ પરમ સંતોષનું તેજ ત્યાં હતું. વંકાયેલો હોઠ જાણે વક્રતાથી ઉત્તરાને કહેતો ન હોય: સ્ત્રી, તું મારી છે, મારી છે.

ઉત્તરાથી આ ન દેખી ખમાયું. સફાળી એ ઊભી થઈ ગઈ અને ચાલી નીકળી.

અંધારી ચૌદશના તારાગણ એકમેક સાથે હોડ બકતા ઝગતા હતા. જાણે ઉત્તરાને કહેતા ન હોય? જો, આને સ્વમાન કહે છે! આને જિંદગી કહેવાય!