શાંતિલાલ પુરુષોત્તમ આચાર્ય

From Ekatra Wiki
Revision as of 02:12, 10 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "આચાર્ય શાંતિલાલ પુરુષોત્તમ (૨૫-૧૦-૧૯૩૩): બોલીવિજ્ઞાનવિદ. જન્મ જામનગર જિલ્લાના લતીપુરમાં. પ્રાથમિક શિક્ષણ લતીપુરમાં અને માધ્યમિક શિક્ષણ જામનગરમાં. ૧૯૫૩માં એસ.એસ.સી., ૧૯૫૭માં અલિયાબ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

આચાર્ય શાંતિલાલ પુરુષોત્તમ (૨૫-૧૦-૧૯૩૩): બોલીવિજ્ઞાનવિદ. જન્મ જામનગર જિલ્લાના લતીપુરમાં. પ્રાથમિક શિક્ષણ લતીપુરમાં અને માધ્યમિક શિક્ષણ જામનગરમાં. ૧૯૫૩માં એસ.એસ.સી., ૧૯૫૭માં અલિયાબાડાથી બી.એ., ૧૯૫૯માં એમ.એ. ૧૯૫૮થી ગૂજરાત વિદ્યાપીઠના કોશવિભાગ સાથે સંલગ્ન. ૧૯૬૦માં સરદાર વલ્લભભાઈ કૉલેજ, અમદાવાદમાં અધ્યાપન. ૧૯૬૦માં ડો. પ્રબોધ પંડિતના માર્ગદર્શન નીચે ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૬૨-૬૪માં ગુજરાત યુનિવર્સિટી ભાષાભવનમાં. ૧૯૬૪થી ફરી ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાઈ આદિવાસી સંશોધન કેન્દ્રના અધિકારી અને ૧૯૬૭થી ઉપનિયામક. ગુજરાતી ભાષામાં બોલીવિજ્ઞાનના ક્ષેત્રે વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરી સામગ્રી સાથે સંનિષ્ઠાથી કામ પાડનાર આ લેખકે ભાષાકીય તેમ જ સાંસ્કૃતિક દૃષ્ટિએ પોતાના અધ્યયનનાં નોંધપાત્ર તારણો આપ્યાં છે. ‘કચ્છી શબ્દાવલિ' (૧૯૬૫) અને ભીલી ગુજરાતી શબ્દાવલિ' (૧૯૬પ) અનુક્રમે કચ્છી ભાષા અને ભીલી ગુજરાતી ભાષાના નાનકડા કોશ છે. બોલીનો અભ્યાસ ઇચ્છનારાઓને તાત્કાલિક ઉપયોગમાં આવે એવી સામગ્રી એમાં છે. ‘સેગ્મેન્ટલ ફોનિમ્ઝ ઑવ કચ્છી' (૧૯૬૬)માં કચ્છી ભાષાના ધ્વનિઓનો અભ્યાસ પ્રસ્તુત છે. ‘ગુજરાતી ભીલી વાતચીત' (૧૯૬૭)માં ભીલી ભાષાના નમૂનાઓનો વધુ અભ્યાસ કરાયેલો છે. ‘ચોધરીઓ અને ચોધરી શબ્દાવલિ’ (૧૯૬૯)માં દક્ષિણ ગુજરાતની મહત્ત્વની આદિવાસી ચૌધરી જાતિની બોલી અને તે દ્વારા એમના સમાજનો અને એમની સંસ્કારિતાનો પરિચય છે. ‘ભાષાવિવેચન’ (૧૯૭૩) ભાષાના હાર્દને સમજવામાં ઉપયોગી થાય તેવા લેખોનો સંચય છે. આ લેખો અવલોકન કે ચર્ચાના સ્વરૂપમાં છે, પણ એમાં અભ્યાસની દૃષ્ટિ જોઈ શકાય છે. એમનું ‘ડૉ. પ્રબોધ પંડિત’ (૧૯૭૭) ગુજરાતી ગ્રંથકાર શ્રેણીનું પુસ્તક છે, જેમાં આદરપૂર્વક પ્રબોધ પંડિતનું ચરિત્ર આપી ભાષાવિજ્ઞાનક્ષેત્રે તેમણે કરેલા પ્રદાનને ઉપસાવવાને સંનિષ્ઠ અને સવિસ્તર પ્રયત્ન થયો છે. ‘હાલારી બોલી' (૧૯૭૮) એમનો શોધપ્રબંધ છે. ‘બોલીવિજ્ઞાન: કેટલાક પ્રશ્નો' (૧૯૮૪)માં ખાસ તો બોલીવિજ્ઞાનમાં ધ્વનિમુદ્રિત પટ્ટીને ઉતારવાના પ્રશ્નોની ચર્ચા કરી છે.