કાશીરામ ભાઈશંકર ઓઝા

Revision as of 14:43, 11 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઓઝા કાશીરામ ભાઈશંકર, ‘પ્રેમી’ (9-2-1886, 1954): કવિ, નવલકથાકાર, ચરિત્રકાર, વતન-જન્મસ્થળ પાલીતાણા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે પાલીતાણા અને ભાવનગરમાં. 1914થી 1922 વડોદરાના ‘હિન્દવિજય’ સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ઓઝા કાશીરામ ભાઈશંકર, ‘પ્રેમી’ (9-2-1886, 1954): કવિ, નવલકથાકાર, ચરિત્રકાર, વતન-જન્મસ્થળ પાલીતાણા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે પાલીતાણા અને ભાવનગરમાં. 1914થી 1922 વડોદરાના ‘હિન્દવિજય’ સાપ્તાહિકના સહતંત્રી. પછીથી દયા-પ્રચારિણી મહાસભાના મદદનીશ મંત્રી અને એ નાતે ઉપદેશક. એમણે ‘ગંગાલહરી’ની ઘાટાએ નર્મદાનાં સૌંદર્યધામોનું વર્ણન કરતું ‘નર્મદાશતક’, વડોદરાના મહિલા મંડળે કરેલા રાસ-ગરબાના કાર્યક્રમો નિમિત્તે રચેલી રાસકૃતિઓનો સંગ્રહ ‘રાસમંજરી’ (1925), ‘અંબિકા કાવ્યમાળા’ (1926), ‘શિવપ્રાર્થના’ (1928) અને ‘સોમનાથ પ્રતિષ્ઠા મહોત્સવ’ (1921) જેવી કાવ્યકૃતિઓ ઉપરાંત ‘ચાર યોગીની વાર્તા’ (1913) નામની આત્મકથનાત્મક શૈલીની નવલકથા તથા ગાંધીજી, તિલક, ન્હાનાલા, સયાજીરાવ, શેઠ અમૃતલાલ લાલજી અને દુર્ગાશંકર રૂગનાશ શાસ્ત્રી જેવી વ્યક્તિઓનો સ્તુતિરૂપ પરિચય કરાવતી ‘તિલક વિરહ બાવની’, ‘સયાજી યશ બાવની’, ‘સ્નેહનગરનાં સંસ્મરણો’, ‘બાપુજી’, ‘ન્હાનાલાલ જન્મ-સુવર્ણમહોત્સવ’ (1927) અને ‘દુર્ગાશંકર રૂગનાથ શાસ્ત્રીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર’ વગેરે નોંધપાત્ર પુસ્તકો આપ્યાં છે. એમણે ‘કૃષ્ણ ભજનસંગ્રહ’ (1912)નું સંપાદન કર્યું છે; તો બ્રહ્માંડપુરાણમાં નિરૂપિત ‘ઉત્તરગીતા’ (1924) અને પંડિત જગન્નાથ-રચિત ‘ગંગાલહરી’ (1930) જેવાં સમશ્લોકી ભાષાન્તરો પણ કર્યા છે.

ઓઝા કેશવલાલ ત્રિભોવનદાસ: ગઝલ–કવ્વાલીના સ્વરૂપમાં રણછોડજી ભગવાનના શયન–મંગળ–શૃંગાર–રાજભોગ આદિ પ્રસંગોને વર્ણવતી કૃતિઓનો સંગ્રહ ‘રણછોડરાયની સાત સમાની ઝાંખી’ (૧૯૧૫)ના કર્તા.