મફત જીવરામ ઓઝા

From Ekatra Wiki
Revision as of 06:00, 12 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઓઝા મફત જીવરામ (૧-૩-૧૯૪૪): કવિ, નવલકથાકાર, વિવેચક, સંપાદક. જન્મ વતન મહેસાણા જિલ્લાના જામળામાં. શાળાનો અભ્યાસ મહેસાણા જિલ્લાના સોજામાં. ૧૯૬૨માં એસ.એસ.સી., ૧૯૬૭માં ગુજરાતી–હિન્દી વિષયો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઓઝા મફત જીવરામ (૧-૩-૧૯૪૪): કવિ, નવલકથાકાર, વિવેચક, સંપાદક. જન્મ વતન મહેસાણા જિલ્લાના જામળામાં. શાળાનો અભ્યાસ મહેસાણા જિલ્લાના સોજામાં. ૧૯૬૨માં એસ.એસ.સી., ૧૯૬૭માં ગુજરાતી–હિન્દી વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ., ૧૯૬૯માં એ જ યુનિવર્સિટીમાંથી ગુજરાતી–સંસ્કૃત વિષયો સાથે એમ.એ., ૧૯૭૮માં પીએચ.ડી. અમદાવાદની સરસપુર આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં, વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં અધ્યાપક. પછીથી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં અધ્યાપક. ‘ધુમ્મસનું આ નગર' (૧૯૭૪), ‘પડઘાનું ચકરાતું આકાશ’ (૧૯૭૫), ‘અશુભ' (૧૯૭૬), ‘શ્વાસ ભીતરથી ફોરે’ (૧૯૭૮), ‘અપડાઉન' (૧૯૮૪) આધુનિક વલણોને પ્રગટ કરનારા એમના કાવ્યસંગ્રહો છે. પરંપરાથી સહેજ જુદી પડતી એમની નવલકથાઓમાં ‘ઘૂઘવતા સાગરનાં મૌન' (૧૯૭૩), ‘પીળું કરેણનું ફૂલ' (૧૯૭૫), ‘પથ્થરની કાયા આંસુનાં દર્પણ' (૧૯૭૬), ‘સપનાં બધાં મજાનાં’ (૧૯૭૭), ‘અમે તો પાનખરનાં ફૂલ' (૧૯૭૮), ‘અમે તરસ્યા સાજન' (૧૯૭૯), ‘સૂરજ ડૂબે મૃગજળમાં' (૧૯૮૧), ‘સાતમો પુરુષ' (૧૯૮૨), ‘સોનેરી સપનાંની રાખ' (૧૯૮૪), ‘આંસુનો ઊગ્યો ગુલમહોર' (૧૯૮૪), ‘મૃગજળ તો દૂરનાં દૂર' (૧૯૮૫), ‘ચહેરા વચ્ચે લોહીની નદી' (૧૯૮૫) મુખ્ય છે. ‘કાચના મહેલની રાણી' (૧૯૭૪), ‘તડકામાં ઓગળતો સૂર્ય’ (૧૯૮૩) એમના વાર્તાસંગ્રહો છે; તો ‘લીલા પીળા જ્વાલામુખી’ (૧૯૭૮) એમનો એકાંકીસંગ્રહ છે. ‘પળપળનાં પ્રતિબિંબ’ (૧૯૮૫) એમનો નિબંધસંગ્રહ છે. ‘ઉન્નતભ્રૂ' (૧૯૭૫), ‘ઉદ્ઘોષ' (૧૯૭૭), ‘ઉન્મિતિ' (૧૯૭૮), ‘રાવજી પટેલ' (૧૯૮૧), ‘સંવિત્તિ' (૧૯૮૫) એમના વિવેચન-સંગ્રહો છે. ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા’ (૧૯૮૦) એમનો શોધનિબંધ છે. આપણાં સાહિત્યસ્વરૂપો પર, આપણી સર્જકપ્રતિભાઓ પર, તેમ જ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્યને અનુલક્ષીને કવિતા, ટૂંકી વાર્તા, એકાંકી, નિબંધ, વિવેચન પર એમણે સંપાદનો કરેલાં છે. ‘પ્રયોગશીલ ગુજરાતી ટૂંકી વાર્તા’ (૧૯૮૬) અને ‘એકોક્તિસંચય’ (૧૯૮૬) એમનાં સંપાદનો છે; તો ‘ધૂમકેતુની ભાવસૃષ્ટિ' (૧૯૭૩), ‘શબ્દયોગ' (૧૯૮૪)ના એ સહસંપાદક છે.