રૂપશંકર ઉદયશંકર ઓઝા

From Ekatra Wiki
Revision as of 06:08, 12 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઓઝા રૂપશંકર ઉદયશંકર, ‘પાન્થ', ‘સંચિત્' (૧૭-૮-૧૮૬૬, ૧૩-૧-૧૯૩૨): કવિ અને નાટ્યકાર. જન્મ રાજકોટ જિલ્લાના વસાવડમાં. વતન ગોંડલ. અભ્યાસ અંગ્રેજી ચાર ધોરણ. સોળ વર્ષની ઉંમરે જૂનાગઢના દરબારી છાપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઓઝા રૂપશંકર ઉદયશંકર, ‘પાન્થ', ‘સંચિત્' (૧૭-૮-૧૮૬૬, ૧૩-૧-૧૯૩૨): કવિ અને નાટ્યકાર. જન્મ રાજકોટ જિલ્લાના વસાવડમાં. વતન ગોંડલ. અભ્યાસ અંગ્રેજી ચાર ધોરણ. સોળ વર્ષની ઉંમરે જૂનાગઢના દરબારી છાપખાનામાં. તે વખતે ‘જ્ઞાનદીપક’ માસિક શરૂ કર્યું. પછી બગસરા પાસેના લુંધિયા તાલુકાના કાઠી દરબારના કારભારી. ૧૮૯૧માં હડાળાના વાજસૂરવાળા અને કવિ કલાપી સાથે પરિચય તથા તેમની સાથે હિંદની મુસાફરી. પ્રવાસ દરમિયાન કલાપી સાથે મૈત્રીસંબંધ. ૧૮૯૫માં કલાપીના આમંત્રણથી લાઠીમાં, ‘કલાપીનો સાહિત્યદરબાર’ના સંચાલક. થોડો વખત લાઠીમાં ડેપ્યુટી કારભારી અને મુખ્ય કારભારી. પછી થોડો સમય હડાળામાં. કેટલોક વખત મુંબઈ જઈ વેપાર. આયુષ્યનાં છેલ્લાં વર્ષોમાં મોરબી આવી ત્યાં ખેતીનાં ઓજારો વેચવાનું કામ. આ બધાં વર્ષો દરમિયાન કલાપીના સાહિત્યને પ્રગટ કરવામાં ઘણી વ્યક્તિઓને સહાય. ‘મહાબત વિરહ' (૧૮૮૪) એ જૂનાગઢના નવાબ મહાબતખાનના મૃત્યુ નિમિત્તે મહાબતખાનના જીવનને આલેખતી ગદ્યપદ્યમિશ્રિત રચના એમના સહકર્તૃત્વની નીપજ છે. ‘સંચિત્નાં કાવ્યો' (૧૯૩૮)માં ભજન, ગઝલ, ખંડકાવ્ય પ્રકારનાં કાવ્યો છે, જેમાં ઈશ્વરભક્તિ, પ્રણય અને દેશભક્તિ મુખ્ય ભાવ છે. એમની ઘણી રચનાઓ પર કલાપીની અસર છે. ‘કલાપીનું સાક્ષરજીવન' (૧૯૧૬)એ પોરબંદરમાં ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદ વખતે લખેલો કલાપીના સાક્ષરજીવન અને વ્યક્તિત્વનો પરિચય કરાવતો નિબંધ છે. ‘કલાપીના સંવાદો’ (૧૯૦૯), ‘કાશ્મિરનો પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વપ્ન' (૧૯૧૨) એમનાં સંપાદનો છે. ‘જ્ઞાનદીપક’ અને ‘સૌરાષ્ટ્ર દર્પણ’ સામયિકોમાં પ્રગટ થયેલી સહલેખનની ‘ઉદયપ્રકાશ’, ‘રાણકદેવી-રાખેંગાર’ વગેરે નાટ્યરચનાઓ તથા બીજાં કેટલાંક પ્રકીર્ણ કાવ્યો અને લેખો એમની પાસેથી મળ્યાં છે.