દલપતરામ કવીશ્વર

From Ekatra Wiki
Revision as of 02:18, 15 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કવીશ્વર દલપતરામ (૧૯૩૩, ૧૯૩૪, ૧૯૪૦, ૧૯૪૧) : ત્રણ ભાગ પણ ચાર દળદાર ગ્રંથોમાં કવિ ન્હાનાલાલે લખેલું પિતૃચરિત્ર. ઉપલબ્ધ બધી પ્રકાશિત સામગ્રી ઉપરાંત કવિએ, પિતાએ અંતિમ અવસ્થામાં પોતાના જી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કવીશ્વર દલપતરામ (૧૯૩૩, ૧૯૩૪, ૧૯૪૦, ૧૯૪૧) : ત્રણ ભાગ પણ ચાર દળદાર ગ્રંથોમાં કવિ ન્હાનાલાલે લખેલું પિતૃચરિત્ર. ઉપલબ્ધ બધી પ્રકાશિત સામગ્રી ઉપરાંત કવિએ, પિતાએ અંતિમ અવસ્થામાં પોતાના જીવનપ્રસંગો વિશે કરાવેલી નોંધોનો ઉપયોગ કરી શ્રમપૂર્વક એ તૈયાર કર્યું છે. કુટુંબના પૂર્વજો, દલપતરામનો ઉછેર, તેમને પિંગળનો અભ્યાસ અને કવિતાલેખનનો પ્રારંભ, તેમનું અમદાવાદમાં આગમન, ફૉર્બસને ગુજરાતી શીખવવા ઉપરાંત ‘રાસમાળા'ની આધારસામગ્રી મેળવી આપવાની તેમની સહાય, તેમનું ગુજરાતભ્રમણ, સરકારી તથા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની તેમની સેવા, તેમનું જીવનના પૂર્વાર્ધનું કલુષિત પણ ઉત્તરાર્ધનું મીઠું દાંપત્યજીવન, તેમણે બજાવેલી સ્વામીનારાયણ સંપ્રદાયની તથા ગુજરાતી સાહિત્યની સેવા – આ સર્વની પ્રમાણભૂત વિગતપ્રચુર માહિતી આ ચરિત્ર આપે છે. ફૉર્બસ સાથેના પિતાના આત્મીય સંબંધને કવિએ પ્રસ્તુત ચરિત્રમાં સારી એવી જગ્યા આપી છે તે, દલપતરામના જીવન અને કાર્યને તે બન્યાં તેવાં બનાવવામાં ફૉર્બસનો મહત્ત્વનો ફાળો જોતાં ઉચિત કરે. દલપતરામના કાર્યની મુલવણી કરતાં તેમને માટે ‘પ્રજાના પુરોહિત', ‘દેશમાળી', ‘નવયુગના વાલ્મીકિ’, ‘સુધારાની વેલીઓના સંસ્થાપક’, અર્વાચીન ગુજરાતના ‘હવારના સૂર્ય જેવા પ્રશસ્તિશબ્દો વાપરતા ન્હાનાલાલને નર્મદના પણ એવી પ્રશસ્તિના સમાન અધિકારને ખ્યાલ હોવાથી નર્મદને પણ આ ચરિત્રમાં એમણે ઘણાં પૃષ્ઠો આપ્યાં છે. નર્મદની અને દલપતરામની વચ્ચે ‘ધ્યેયભેદ ન હતો, શૈલીભેદ હતો’ એમ જણાવી નર્મદને ‘વીર’ અને દલપતરામને ‘ધીર’, નર્મદને ‘ક્રાંતિવાદી’ અને દલપતરામને ‘વિકાસવાદી', નર્મદને રજોગુણીના અર્થમાં ‘રાજર્ષિ અને દલપતરામને ‘બ્રહ્મર્ષિ’ એવાં વિશેષણોથી નવાજી કવિએ પિતાની સરસાઈ સ્થાપવા પ્રયાસ કર્યો છે તેમાં તેમ જ પિતાની એમની અતિસ્તુતિમાં તથ્યાંશ ઓછો નથી. આ ચરિત્રમાં તેના નાયકના પિતા ડાહ્યા વેદિયા તથા પ્રથમ પત્નીનાં તેમ જ ફૉર્બસ અને નર્મદ ઉપરાંત કરસનદાસ મૂળજી, રાયચંદ શેઠ આદિ વ્યક્તિઓનાં રેખાચિત્રો પણ સારો ઉઠાવ પામ્યાં છે. અંદર પૃષ્ઠભૂ તરીકે ૧૯મા શતકના ગુજરાતને જે સાંસ્કૃતિક ઇતિહાસ–કવિના શબ્દોમાં, ‘દલપત આયુષ્યને ઝરૂખેથી કીધેલું ૧૯ મી સદીનું ગુજરાતદર્શન’ વિસ્તારથી રજૂ થયેલ છે, જેનું દસ્તાવેજી ઇતિહાસમૂલ્ય ઘણું હોઈ તેને આ ચરિત્રગ્રંથની આગવી વિશિષ્ટતા ગણવી પડે તેમ છે. એવી જ વિશિષ્ટતા આ ગ્રંથના વાચનને એકંદરે આસ્વાદ્ય બનાવતી તેના કવિ-લેખકની અલંકારપ્રિય, સમાસપ્રચુર અને વાગ્મિતાના સારા-માઠા બેઉ અંશોવાળી લાક્ષણિક ગદ્યશૈલીની પણ ગણાવાય. પથરાટ અને પુનરુકિતના દોષ છતાં આ બૃહત્ દલપતચરિત્ર ગુજરાતી ચરિત્રસાહિત્યની એક મૂલ્યવાન કૃતિ છે.