અનવરમિયાં અજામિયાં કાજી

From Ekatra Wiki
Revision as of 02:25, 16 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કાજી અનવરમિયાં અજામિયાં, ‘જ્ઞાની (૧૮૪૩, ૨૨-૧૦-૧૯૧૬) : કવિ. જન્મ વિસનગરમાં. પિતા અજામિયાં અનુમિયાં. પૂર્વજો મૂળ અરબસ્તાનના. ત્યાંથી ગુજરાતમાં પાટણમાં આવી વસેલા અને કાજીનું કામ કરતા. વિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કાજી અનવરમિયાં અજામિયાં, ‘જ્ઞાની (૧૮૪૩, ૨૨-૧૦-૧૯૧૬) : કવિ. જન્મ વિસનગરમાં. પિતા અજામિયાં અનુમિયાં. પૂર્વજો મૂળ અરબસ્તાનના. ત્યાંથી ગુજરાતમાં પાટણમાં આવી વસેલા અને કાજીનું કામ કરતા. વિસનગર કસ્બો કામગીરી માટે બક્ષિસ મળેલો, તેથી ત્યાં વસવાટ બાલ્યાવસ્થાથી જ ધર્મ, ઈશ્વર, સંત-સાધુ-સંન્યાસી જેવા વૈરાગ્યવાન પુરુષોનું એમને આકર્ષણ. પોતે ૧૨ વર્ષના હતા ત્યારે એક પ્રેમમસ્ત સૈયદ સાહેબ વિસનગરમાં આવેલા, જેની એમણે ખૂબ સેવા કરી અને પ્રભુપ્રેમનો. રંગ પાકો થયો. એ પછી એ જંગલ કે કબ્રસ્તાનમાં એકાંતવાસ કરતા અને પ્રભુધ્યાનમાં મસ્ત રહેતા. પાછળથી સંબંધીઓ અને ભક્તોના આગ્રહથી કાજીવાડાની એક જની મસ્જિદમાં રહ્યા. ૧૮૮૧માં મક્કા-મદીનાની હજ કરેલી. બાદ, આત્મકલ્યાણ અને પરોપકારનાં કાર્યોમાં મગ્ન. પાછળથી બીમારી અસાધ્ય બનતાં પાલનપુર ગયેલા અને ત્યાં અવસાન પામ્યા. પાલનપુરમાં એમની દરગાહ ઉપર સુંદર રોજો બનાવેલ છે અને ત્યાં દર વર્ષે ઉરસ ભરાય છે. ષડ્દર્શનના જ્ઞાતા અને યોગવિદ્યામાં પારંગત એવા એમને સર્વધર્મ પ્રત્યે સમભાવ હતો. એમના ‘નવરકાવ્ય’માં પ્રેમભક્તિનાં કાવ્યો અને સુંદર ભજનો પ્રાપ્ત થાય છે. એમનાં પદોમાં તત્ત્વદર્શનનો સચોટ રણકાર સંભળાય છે. ગુજરાતી અને ઉર્દૂ એમ બંને ભાષામાં એમણે રચનાઓ કરી છે. એમનાં ગુજરાતીનાં પદોમાં દયારામની મીઠાશ છે. પ્રેમભક્તિને સૂફીવાદની પરિભાષામાં – ઉર્દૂમાં સમજાવવાની બીના ગુજરાતી સાહિત્યમાં અપૂર્વ છે. લાઘવ અને પાસાદાર ઉક્તિઓ એમની રચનાઓનું બળ છે. ગુજરાતી ભાષાના સંતકવિઓમાં એમનું સ્થાન નોંધપાત્ર છે.