ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/કવિતાનો સમાજસંદર્ભ – યશવંત શુક્લ, 1915

From Ekatra Wiki
Revision as of 17:08, 16 March 2023 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


21. Yashvant shukla.jpg ૨૧
યશવંત શુક્લ
(૮.૪.૧૯૧૫ – ૨૧.૧૦.૧૯૯૯)
કવિતાનો સમાજસંદર્ભ
 

પેકિંગ મ્યુઝિયમમાં નવમા સૈકાની એક હાથીદાંતની સાદડી જોઈ. એ હાથીદાંતની છે એમ કોઈ કહે નહીં તો પહેલી નજરે એ આબાદ ઘાસની સાદડી લાગે. એની ઝીણી નકશી, એનો ગૂંથણીદાર વીંટો, એનો પીળચટો રંગ સાદડી તૈયાર કરવા પાછળ પ્રાચીન ચીની કલાકારે લીધેલા પરિશ્રમની સાક્ષી પૂરતાં હતાં. હાથીદાંત જેવો પ્રમાણમાં ઠીક મોંઘો અને ઘણો જ કઠણ પદાર્થ પ્રમાણમાં ઘણા સસ્તા અને ઘણા પોચા ઘાસ રૂપે પ્રતીત થાય એવી કરામત પ્રયોજવાથી કલાકારે શું સિદ્ધ કર્યું એવો પ્રશ્ન વ્યવહારની ભૂમિકાએથી આ સાદડીને અનુલક્ષીને કોઈ પ્રાજ્ઞ પુરુષ પૂછે તો એના સામું જોઈ રહેવું પડે. પણ કલાની ભૂમિકાએ તો પ્રશ્નમાં જ જવાબ સમાઈ જાય છે. કલાકારે પોતાની કલા માટે ઉપાદાન બદલાવી લીધું અને આપત્તિ વહોરી લીધી એ જ એનું સામર્થ્ય. હાથીદાંતની બધી અવળાઈઓને જેર કરીને સાદડીના નિર્માણમાં અનુકૂળ થવા એને ફરજ પાડી, હાથીદાંત જેવો કઠણ પદાર્થ કલાકારનાં આંગળાં અને આંખને વશ વર્તીને પોચા ઘાસનો અણસારો આપી શકે એવો કહ્યાગરો બની ગયો એ જ એની સિદ્ધિ. ઉપાદાન પરનો કાબૂ કલાકારની મોટામાં મોટી સિદ્ધિ છે. શબ્દની કલા કવિતામાં પણ, શબ્દ સ્વયં કોઈ પદાર્થ કે ભાવ નથી પણ પદાર્થ કે ભાવનો સંકેત માત્ર છે. શબ્દને પ્રયોજીને કવિ શબ્દની સૃષ્ટિ સરજતો નથી પણ ભાવની સૃષ્ટિ સરજે છે. શબ્દ પોતે પદાર્થ કે ભાવનો વાચક છે, સંકેત છે, અને રૂઢાર્થની અપેક્ષાએ મનુષ્યના સામાજિક વારસાનો અંશ છે. શબ્દ, એટલે અવાજ, વત્તેઓછે અંશે નિશ્ચિત એવા સમાજમાન્ય અર્થનું પ્રતીક છે. પણ કવિ જ્યારે એને પ્રયોજે છે ત્યારે માત્ર અવાજ લેખે અથવા સમાજમાન્ય અર્થના માત્ર પ્રતીક લેખે પ્રયોજતો નથી. સંકેતની અથવા સંકેતોની સહસ્થિતિની વ્યવસ્થામાંથી એ પોતાને ઈષ્ટ એવી ભાવસૃષ્ટિનું નિર્માણ કરે છે. પદાર્થો, વ્યવહારો, મૂલ્યો અને ભાવોનું બનેલું ઘટનાજગત એ એક વસ્તુ છે, એ ઘટનાજગતમાં વ્યવહરતો અને તેનો તાગ લેવા મથતો સંકેતમય શબ્દ એ બીજી વસ્તુ છે. જ્યારે શબ્દ અસલ સંકેતનો વિલય સાધીને કવિએ નિર્મેલા તેના નવા સંકેતની ભાવસૃષ્ટિરૂપ કાવ્ય એ ત્રીજી જ વસ્તુ છે. આ ત્રણે વસ્તુઓનો આન્તરસંબંધ અળપાય નહીં એ રીતે શબ્દના સમાજમાન્ય અથવા રૂઢિપ્રાપ્ત અર્થને જતો કરી કાવ્યમાં શબ્દના નવા અર્થની નિર્મિતિ થતી હોય છે. ઉત્તમ કવિ ભાષાની સંકેતશક્તિને પણ આ પ્રક્રિયા દ્વારા જ વિકસાવતો હોય છે. કાવ્યમાં અર્થની નિર્મિતિ થાય છે એમ મેં હમણાં કહ્યું. ભાષામાં અવાજ એ પદાર્થ ભાવનો સંકેત છે પણ કાવ્યમાં પ્રયોજાયેલો શબ્દ એ સંકેતનો પણ સંકેત છે. પણ જેમ ભાષામાં તેમ કાવ્યમાં પણ શબ્દ પોતાનું સંકેતપણું છેક વિસારતો નથી. એનો નાદ-અંશ તેનો તે જ રહે છે, નાદગત લધ કવિને જે ભાવસૃષ્ટિ ઇષ્ટ છે તેને મૂર્ત થવા દેવામાં સહાય કરે છે પણ નાદગત રૂઢિસિદ્ધ અર્થ પોતાનો વિલય સાધવાની પ્રક્રિયામાં પણ પોતાની દ્વારા નવા અર્થને જ પ્રગટાવે છે. કાવ્યમાં શબ્દ આ રીતે સંકેતનો પણ સંકેત બને છે. (આ આખીયે ચર્ચામાં શબ્દ એટલે કોઈ એક પૃથક શબ્દની વાત નથી પણ શબ્દ સમસ્તની વાત છે એ સ્પષ્ટ કરવાની ભાગ્યે જરૂર હોય.) આપણી નવી ઘડાતી કાવ્યરુચિ કાવ્યમાં અર્થની શોધ કરવી તેને મિથ્યા પ્રવૃત્તિ ગણવા લાગી છે અને મર્યાદિત અર્થમાં તે સાચું પણ છે. કાવ્યમાં પ્રયોજાયેલાં શબ્દનો રૂઢિસિદ્ધ અર્થ શબ્દકોશે નોંધેલો હોય છે તે સ્વયં ભાવકને કાવ્ય સુધી પહોંચાડતો નથી એટલે અંશે એ સાચું છે. સહૃદયની કેળવાયેલી રસેન્દ્રિય પોતાના પુરુષાર્થથી સંકેતનો સંકેત ગ્રહી લે એવી કાવ્યની અપેક્ષા છે. પણ સંકેતનો સંકેત તે રૂઢાર્થના વિલોપનમાંથી જન્મેલો કાવ્યસિદ્ધ અને વિશિષ્ટ તોયે અર્થ જ છે. અર્થનિર્મિતિની આ પ્રક્રિયામાં રૂઢિપ્રાપ્ત મૂળ અર્થ અવબોધનું ઇંગિત બનવા જેટલી ગરજ સારે એટલો એનો પણ ઉપયોગ છે જ. કાવ્યમાં જ્યાં સુધી શબ્દ છે ત્યાં સુધી અર્થ એને વળગેલો રહેશે જ. અર્થની બાદબાકી થતાં શબ્દ કેવળ એના મૂળ અર્થનો-નાદનો-વાચક બની છે, અને કેવળ નાદ એ કાવ્યનું વાસ્તવિક ઉપાદાન નથી, જેમ આંકડા કે બીજી આકૃતિલીલા પણ નથી. હજુ સુધી તો નથી જ. કાવ્યસર્જનની પ્રક્રિયા કોઈ પણ નિમિત્તે પ્રત્યક્ષાનુભૂતિ થતાં પૂરી થાય છે એમ કહીએ ત્યારે પણ એકની અનુભૂતિ બીજાની બને એ અપેક્ષા તો એમાં રહે જ છે. કાવ્યને માત્ર કવિને નહીં – ઇષ્ટ અર્થનું ભાવકમાં ઉપાદાન દ્વારા સંક્રમણ થાય એ પ્રક્રિયા કાવ્યાનુભવ માટે અનિવાર્ય છે. કાવ્ય શબ્દ દ્વારા બને છે, વિચાર દ્વારા નહીં, એમ કહીએ ત્યાં પણ અર્થને તજનારો શબ્દ ઉદ્દિષ્ટ નથી. અર્થ એટલે માત્ર વિચાર નહીં, અર્થ એટલે શબ્દ દ્વારા જે કંઈ સૂચવાય તે. નાદ, અર્થ અને લય ત્રણે સંયુક્ત રીતે કાવ્યનું ઉપાદાન હોવાથી બીજી કલાઓની અપેક્ષાએ કવિતાકલા સહૃદયની રસવૃત્તિ, બૌદ્ધિક કક્ષા અને કલ્પનાશક્તિની મદદથી અવબોધની નિ:સીમ શક્યતાઓ તાગી શકે છે. પણ જે કાવ્ય મુદ્દલ અવબોધક્ષમ ન હોય તે કાવ્ય છે કે અકાવ્ય તેનો નિર્ણય જ ન કરી શકાય. કાવ્યાકાવ્યનો વિવેક કાવ્યસર્જનને પ્રસ્તુત ન હોય એમ સ્વીકારીએ તોપણ જે કાવ્ય એકલા કવિને માટે જ હોય, અથવા ક્યારેક કવિ ઉપરાંત કવિના એકાદ બે સ્વજન માટે જ હોય તે સાચા અને પૂરા અર્થમાં કવિતા નથી, એમ કહેવામાં ભારે જોખમ છે. ટી. એસ. એલિયટે એક બીજા સંદર્ભમાં કહ્યું છે કે, ઉત્તમ કવિતામાં સામાજિકતાના થોડા ઘણા અંશો રહેવાના જ, તે આ સંદર્ભમાં પણ સાચું છે. કવિ નિજાનંદ માટે કવિકર્મમાં પ્રવૃત્ત થાય એ સમજી શકાય એવું છે, એ પોતે જ પોતાનો પ્રથમ ભાવક હોઈ શકે છે, પણ જે કવિતા કવિથી છૂટીને બીજા ભાવકો સુધી પહોંચી શકતી નથી તે કવિતા છે કે નહીં તે ચોક્કસપણે કહેવાનું આપણી પાસે કોઈ સાધન નથી. આજ સુધીમાં જે કાવ્યો સહૃદયોએ માણ્યાં છે, એમની ખૂબીઓ પ્રમાણી છે. ખામીઓ નોંધી છે તે કવિચિત્તમાંથી નીસરીને ભાવકના ચિત્તમાં સરનારાં-સરી શકનારાં કાવ્યો રહ્યાં છે. આના અનુસંધાનમાં કહેવું જોઈશે કે અબોધ અને અવબોધ વચ્ચેના મધુર બેચેની પ્રેરનારા અંતરાલની અથવા કાવ્યના એક કરતાં વધુ અર્થઘટનની શક્યતાઓની વાત ન્યારી છે. આ બંને પરિસ્થિતિઓ અવબોધનો સૈદ્ધાન્તિક વિરોધ સૂચવનારી પરિસ્થિતિઓ નથી, પણ કાવ્યના તાત્પર્યગ્રહણની બૌદ્ધિક મુશ્કેલીઓ છે, જે ક્યારેક કવિના પ્રમાદે તો ક્યારેક ભાવકના પ્રમાદે સરજેલી હોય છે.

“બીજું, વ્હાલા શિર મુકી જિહાં ભાર લાગે શું કહેતા,
ત્યાં સૂતેલું વજન...”

– એ પંક્તિઓનો કવિને ઉદ્દિષ્ટ અને અનુદ્દિષ્ટ એમ બેઉ પ્રકારનો અર્થ સૂચવાયો છે તે આનું દૃષ્ટાન્ત છે. એમાં ‘જિહાં’ જેવો રોજિંદો શબ્દ ભારે મુશ્કેલી ઊભી કરી ગયો, કેમકે ‘જિહાં’ એટલે ‘ખોળામાં’ એવો એક માત્ર અર્થ એમાંથી સ્ફુરી રહે છે એમ તો કવિની સાક્ષીએ જ કહી શકાય. ભૂમિતિના પ્રમેયની માફક કે નૈયાયિકના પ્રતિપાદનની માફક એક વચનનો એક જ અર્થ સંભવે છે અને બીજો ન જ સંભવે એવું કાવ્યમાં નથી બનતું માટે તો કવિતા એ કવિતા છે. આના સમર્થનમાં કવિ સુન્દરમ્નું “તે રમ્ય રાત્રે” કાવ્યનો નિર્દેશ કરીશ. એ કાવ્યમાં કવિએ તો અનિર્વાચ્ય કૌશલથી એક ગતિશીલ ચિત્ર ઉપસાવ્યું છે. પણ ક્યાં સ્પર્શી, ક્યાં ગ્રહવી એવી જે મૂંઝવણ એ કાવ્યનો પુરુષ થનારો અનુભવે છે તેવી ક્યાં સ્પર્શવો, ક્યાં ગ્રહવોની મૂંઝવણ કાવ્યની સ્ત્રી થનારી અનુભવતી નથી, એને એ ગૂંચ નડી શકતી નથી, એમ જ્યારે કવિ કહે છે ત્યારે એમને શું સૂચવવું છે? પુરુષ સલજ્જ, વિવેકી, સૌન્દર્યરાશિ પ્રત્યે સૂક્ષ્મકોમલ વ્યવહારનો પુરસ્કર્તા છે, અને સ્ત્રી નિર્લજ્જ, એક ઘા ને બે કટકા કરનારી, મતીલી, સિદ્ધાન્તહીન અને આક્રમક છે, એ? કે પછી સૌન્દર્યાનુભવ નીતિનિરપેક્ષ એ વક્તવ્ય કવિને અભિપ્રેત છે? કે પછી કેવળ એક રમણીય મૂંઝવણ ચિત્રિત કરવાનું જ કવિનું પ્રયોજન છે? હજી આ સંબંધમાં પ્રશ્નો અને વિકલ્પો સૂચવી શકાય એમ છે પણ અહીં એ નોંધવાની જરૂર નથી. મારું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આ મુશ્કેલી અર્થઘટનની છે, અવબોધની નથી. અવબોધ અને અર્થઘટન એકબીજા સાથે ઓતપ્રોત થઈ શકે તેવાં હોવા છતાં તાત્ત્વિક અર્થમાં ભિન્ન છે. અર્થ અને લયના સાજ સહિત નાદ ભાવને મૂર્તતા અર્પે એ અવબોધની પ્રક્રિયા છે. આટલે સુધી કવિએ ભાવકને સહાયરૂપ થવું આવશ્યક છે. આ અવબોધની પ્રક્રિયા પરિપૂર્ણ થઈ ન હોય ત્યાં સુધી કાવ્યનિર્મિતિ થઈ હોય કે ન હોય તે બધું સરખું જ છે. પછીનો તે તાત્પર્યગ્રહણનો બૌદ્ધિક ઇલાકો છે, જેમાં મતમતાન્તરોને ખાસ્સો અવકાશ છે, પણ જો અવગોધ નહીં તો કાવ્ય પણ નહીં જ. અવબોધની પ્રક્રિયા સંપૂર્ણ કરવા માટે ભાવકનો સહકાર પણ અત્યંત અપેક્ષિત છે. કવિની મનોદશા, લાગણી, સૌન્દર્યાનુભૂતિ, શ્રદ્ધા કે રહસ્યપ્રાપ્તિ શબ્દના ઊભરા આવે અને શબ્દ એનું લાગણીમય સ્વરૂપ સરજી ભાવકના સંવિતમાં એ સંક્રાન્ત કરે એ કાવ્યાનુભવની, અવબોધ કે અવગમનની સનાતન અપેક્ષા છે. કવિની લાગણીથી શબ્દ ‘ચાર્જ’ થતાં એટલે કે એનું નાદતત્ત્વ, લયતત્ત્વ અને સંકેતત્વ લાગણીમાં રૂપાન્તર પામતાં તે સહસા અવબોધક્ષમ બને છે. રુચિભેદે, તાત્પર્યભેદે પણ પ્રક્રિયા આની આ જ રહે છે. આધુનિક ગુજરાતી કવિતા રુચિનો વિશિષ્ટ આમળો પામીને શુદ્ધ કાવ્યતત્ત્વની શોધ કરી રહી છે. વિવેચનાની પણ નવી દિશાઓ ખૂલી રહી છે, અને કાવ્યસર્જન અધિક પ્રગલ્ભ અને પ્રયોગશીલ બન્યું છે ત્યારે અવબોધ કરતાં આત્મતોષ ઉપર વધારે ભાર મુકાઈ જતો હોય એ સ્વાભાવિક છે; પણ અંતે તો કાવ્યનિર્મિત કેવળ આત્મનેપદી કે કેવળ પરસ્મૈપદી પ્રવૃત્તિ ન રહેતાં ઉભયપદી પ્રવૃત્તિ બનવાને જ સરજાયેલી છે. [‘સંસ્કૃતિ’, ઑગસ્ટ 1963]