ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મધુ રાય/મકાન

From Ekatra Wiki
Revision as of 09:42, 28 June 2021 by NileshValanki (talk | contribs)
Jump to navigation Jump to search
મકાન

મધુ રાય

તમે નહીં માનો, પણ હરિયો બહુ પૅક માણસ હતો. આમ સિધાનવાદી, પણ કોઈ એને દબાવી જાય ઈ વાતમાં માલ નહીં. પણ એમ ગોળ ગોળ વાત કરવા કરતાં પેટછૂટી વાત જ કરી દેવી સારી, કાં?

જાણે એવું થિયું ને, કે હરિયાને મન થિયું કામે જાવાનું. એટલે એણે તો લીધી એક નોકરી. નોકરી કંઈ જેવીતેવી નો’તી. સરકારી ઑફિસમાં ફસ્ટક્લાસ ટેબલખુરસીવારી નોકરી હતી. ફાઇલિંગનું કામ, ને કારકુનનો હોદ્દો. હરિયાને માથે એક જ સાહેબ, અવલકારકુન. ને અવલકારકુનની હરિયા ઉપર મેરબાની પૂરેપૂરી, એટલે હરિયાને વેલુમોડું થાય તો ડોરા ન કાઢે. ઊલટાનું હરિયાના ઘર પાસેથી બસ ઊપડવાનો ટાઇમ, હરિયાને ઑફિસે પોંચવાનો ટાઇમ બધું ગણી, હરિયાને સગવડે ઑફિસ બેચાર મિનિટ મોડા આવવાની છૂટ હતી.

હરિયો રોજ નવ સુડતાલીસની બસ પકડે, ને બસ પૂરી થાય યાં ઊતરે, યાંથી ઑફિસ ઢૂંકડી જ હતી. બરોબર દસ ને દસ મિનિટે બસમાંથી ઊતરે, હાથમાં ટિકિટ ધરી રાખે, ને નીચે ટીટી ઊભો હોય એને પધરાવી હાલવા માંડે, રોજનો આ નિયમ, મહિનાના પચીસે દિવસ, ને વરસના બારે મહિના આમ ચાલતું’તું, બસ એક જ ઠેકાણે ઊભી રહે, હરિયો આગલા બારણામાંથી ઊતરે, ડાબા હાથનું કાંડા ઘડિયાળ જોવે, જમણા હાથે ઓલા ટીટી માસ્તરને ટિકિટ પકડાવે ને હાલવા માંડે. રોજના નિયમને કારણે ઊતરવાની, ટિકિટ પધરાવવાની, અને ઘડિયાળ જોવાની એક ફિક્સ પદ્ધતિ પડી ગઈ હતી, અને હરિયાને એ ફાવી ગ્યું’તું. કોકાદિ ટીટી આઘોપાછો ઊભો હોય તો હરિયાનો પિત્તો જાય, પણ એવી વાતમાં તી કંઈ બાઝવા બેસાય છે? ટીટી આઘોપાછો હોય તો એને ગોતીને ટિકિત પકડાવવા બે ડગલાં હાલવું પડે, પણ! ટિકિટ આપવી એટલે આપવી – એક જાતનું કામ સમજો ને.

બસ, હરિયાનું કામ આમ થાળે પડી ગયું’તું, ને એના બીજા સ્ટાફની મોબત મળી’તી, ને કાગળિયાં જોઈને એને મજા પડતી’તી, કામ વધારે આવે તયેં એને વધારે પાનો ચડતો’તો એટલે મોટાસાહેબ બી રાજી. એકાદિક વાર તો મોટાસાહેબે હરિયાને થૅન્ક યુ પણ કૈ દીધેલું. હરિયાને કામ બઉ વાલું એટલે એને તો કામથી કામ બીજી કોઈ લપનછપન નહીં. પાંચપંદર મિનિટ મોડું થાય આવવામાં ઈ વાત સાચી, પણ હરિયો છૂટવા ટાણે એટલું વધારે બેસીને સાટું વારી દેતો’તો. સિધાનવાદી હતો’ને ગધનો.

ને એવામાં ભગવાનને કરવું ને ગોટો થૈ ગયો. થિયું એવું ને કે એક દિ’ હરિયો ઠાવકો થૈને બસમાંથી ઊતરે છે, પધતિ પ્રમાણે ડાબો પગ હેઠો મૂકી જમણો પગ મૂકે છે, ઘડિયાળ જોવે છે, ને ટિકિટ પકડાવવા હાથ લંબાવે છે, ને ટીટી ન દેખાણો. હરિયાનો પિત્તો તો ગયો. પણ કયે કેને? આડુંઅવરું જોયું તો ટીટીમાસ્તર દેખાય જ નહીં ને. એઠલે હરિયાએ તો માંઈડું હાલવા. મનમાં કીધું કે આવા ને આવા… ને ટિકિટને હાથમાં ને હાથમાં ચોળીચોળીને નાનકડો ગોળી જેવો ડૂચો બનાવી દીધો. નાનકડી લખોટડી જેવી કાગળની ઈ ગોળી, પાસે એક મકાન ચણાતું’તું એનું સિમેન્ટ-કોંક્રિટ મિક્સર હતું, એમાં કૅરમના સ્ટ્રાઇકરની જેમ આંગળીનો ધક્કો મારીને નાખી દીધી. કોંક્રિટ-મિક્સર તો વકાસેલા મોઢે ગોળગોળ ફરતું જ હતું, એમાં હરિયાએ તાકીને ટિકિટની ગોળી નાખી’તી એટલે ગોળી તો સટ દઈને વઈ ગઈ સિમેન્ટ ભેગી.

ને આમ ને આમ ત્રણ મહિના નીકળી ગયા. ઓલો ટિકિટ લેવાવાળો દેખાય જ નહીં, ને હરિયાએ નવી પદ્ધતિ પણ ફિક્સ કરી નાખી. બસમાંથી ઊતરવું, ગોળી વાળીને ટિકિટ તાકીને મિક્સરના મોઢામાં મારવી, ને ઑફિસભેરા થઈ જાવું. કોઈદિ’ હરિયો નિશાન ચૂકતો નહીં, એટલે હરિયાને એમાંય મજા આવવા માંડી. ત્રણ મહિનામાંથી ચાર મહિના, પાંચ મહિના નીકળી ગયા, મકાન ચણાતું જાય છે, ચલાતું જાય છે, રોજ સિમેન્ટ મિક્સ થાય છે અને એક દિ’ મકાન ચણાઈને પૂરું થઈ ગયું. એવાકમાં ટીટી માસ્તર પાછો ડ્યુટી ઉપર આવી ગયો, ને હરિયાએ વરી પાછો જૂનો નિયમ સાધી લીધો.

હવે રોજ હરિયો બસમાંથી ઊતરીને ઑફિસે જાતાં ઓલું મોટું મકાન જોવે. જોતો જોતો જાય ને વિચાર કરે કે આમાં મારી છ મહિનાની ટિકિટુંય બંધાઈ ગઈ છે, સિમેન્ટ ભેરી. હરિયો જીવનનો જરાક પોચો. રોજ એને રઈ રઈને થાય કે ભલે જરાક તો જરાક, પણ સિમેન્ટને ઠેકાણે એની ટિકિટના કાગળનો ‘ભેગ’ તો થિયો કેવાય ને! ન કરે નારાયણ ને જો મકાન એટલા જ કારણે સહેજ કાચું બંધાણું હોય તો?

રોજ હરિયાનો જીવ આમ કચવાયા કરે. રોજ એને થાય કે છોકરમત કરી નાખી. ટિકિટું એમાં નાખી ન હોત તો કંઈ નો’તું. પણ હવે તો થાવા કાળ થઈ ગયું.

ને એમ ને એમ બેચાર મહિના ચાયલું. અને એક દિ’ હરિયાને ઈ મકાનમાં નૈ-જેવી એક પેન્સિલની લીટી જેવી તડ દેખાણાનો વહેમ ગ્યો. જરાક ઊભો રઈને જોવા ગ્યો ને પછી ગુનો થૈ ગયો હોય એમ ઑફિસભેરો થૈ ગ્યો. ઑફિસમાં આખો દિ’ એને ઈ લીટા જેવી તડ દેખાણી. નજરની સામે તરવરે ને હરિયાનો જીવ કપાય જાય. ઘરે જાતાં પાછો જરાક ઊભો રઈને જોવા મૈંડો. ઘરે પોંચીને એનો જ વિચાર કરતો રિયો ને ખાતાંખાતાં કોરિયો હાથમાં રઈ ગ્યો. હરિયો તો કંઈ કોચવાય, કોચવાય. આંખમાં ઝરઝરિયાં આવી ગ્યાં, બોલો.

ને પછી તો રોજ હરિયો બસમાંથી ઊતરે તયેં એના પેટમાં ફાળ પડે. ગધડીની ઓલી તડ ક્યાંક વધી તો નથી ને. ને ઈ તડ તો જાણે જાય વધતી. રોજ કટકી કટકી વધે, ને રોજ હરિયો જીવ બાળે. પોતાને ને પોતાને એવી ગારું દિયે, એવી ગારું દિયે કે આપણાથી તો બોલાયે નંઈ. ને ઓલી તડ તો વધતી વધતી આવી ગઈ ઠેઠ નીચે સુધી, ને હરિયે તો જઈને હાથે અડાડી આયવો. આવડું મોટું મકાન, એમાં મલકના માણસ ઑફિસું ચલાવે, આવે જાય, ને કોક દિ’ ગધડીનું પડી જાય તો ઈ બધાય કચરાઈ જ જાય કે બીજું કંઈ? ને હરિયાને થાય કે મારી બસની ટિકિટુંનો ‘ભેગ’ થિયો અટલે જ અટલા બધા નિરદોસ માણસ કચડાઈ જાસે.

ને પછી તો તડું વધવા મંડી, કંઈ વધવા મંડી, પેન્સિલની લાઇનમાંથી કિત્તાની લાઇન જેવી જાડી, ને આડી ને અવળી ને ઊભી ને ત્રાંસી, ચારે કોર મકાન આખામાં તડું જ તડું દેખાવા મંડી. હરિયાના તો મોવારા ધોરા થઈ ગ્યા, એનાથી તો ન ખવાય, ન પિવાય, ન ઑફિસમાં કામ થાય, ને વારે વારે પાણી આવી જાય, ને હરિયાથી તે રેવાણું નંઈ. એટલે એણે તો ભગવાનને ઇયાદ કૈરા. ને ભગવાન ભેરી હરિયાને સારાસારી પેલ્લેથી જ. અટલે ભગવાનને તો આવી હેડકી, ને બીજે દિ’જ આવી પૂઈગા અંતરજામિ. પોતે ને કિયે કે કાં ગગા, શું થિયું.

હરિયાએ તો માંડીને વાત કરીને, પછી હાથ જોડીને ક્યે કે જોવો ભગવાન તમે તો અંતરજામિ છો, એટલે તમારાથી તો શું અજાયણું છે. પણ આ થાતાં થૈ ગ્યું છે, ને મારા મનમાં કંઈ પાપ નોતું. ને આ જેટલું પાપ કેવાતું હોય એનો હિસાબ કરીને મને હિસાબે જી સજા થાતી હોય ઈ કરી દિયો, આપણાથી હવે નથી વેઠાતું, ને ભગવાન તો શું દાંત કાઢે, કે શું દાંત કાઢે કેવાની વાત નંઈ. હરિયાએ વાત પૂરી કરી એટલે ભગવાન કયે, કે ઘેલા, તું તો ફોસીનો ફોસી જ રિયો. આવી વાતમાં તી કંઈ બીવાનું હોય?

હરિયો ક્યે કે કાં, મારી ટિકિટું છ મહિનાની હતી. મને તો વહેમ છે કે છયે છ મહિનાની ટિકિટુંની જ ઈ લાઇન થઈ છે, ને એની તડું પડી છે. ને ભગવાન ક્યે હાલતો થા હાલતો વાંગડ.

હરિયો તો આભો જ થઈ ગ્યો, જાણે એનું પાપ કંઈ સારામાયલું જ પાપ નથી ગણાતું ઈ વાતથી એને ખોટું લાગી ગ્યું. ભગવાન કયે કે આવાયે પૈડાં છે ને કંઈ! પણ હરિયો માયનો નંઈ અટલે ભગવાને એને માથે હાથ ફેરવીને સમજાવ્યું કે જો, ગાંડા, ઈ મકાન તો બૈનું ઈ પેલાં જ પડી ગ્યું છે.

એક તો જાણે તારાથી કૈંક મોટાં મોટાં પાપ કરનારાંનાં પેટનું પાણીયે હાલતું નથી. ઓલું મકાન તો મેં કયું એમ બનતાં પહેલાં જ પડી ગ્યું છે, ને એનું કારણ તારી ટિકિટું નથી, પણ આ મકાનને આવાં બીજાં બધાંય મકાનમાં સૌથી પેલાં તો પાયા ખોદવાવારાએ કામચોરી કરી છે, ને પછી સિમેન્ટવારાએ ભેગ કૈરો છે, ને પછી ઈંટુવારાએ ભેગ કૈરો છે, ને એમ પેલેથી છેલે સુધી મકાનની ચીજેચીજમાં કચાસ આવી ગઈ છે. ઈ મકાન તો હસે તયેં પડસે, એનો હરખસોક તું ન કરતો. તું તો તારે જ કરવાનું હોય ઈ જ કૈરા કરજે, ને બાકી બધું મારી ઉપર મૂકી દેજે.

તો હરિયાને શાંતિ થવાને બદલે ઝાળ લાગી ગૈ. ગધડીના બધાય ભેગ કરે, બધાય પોતાનું સાજ કરવાનો વેંત પાડે, ઈ બધું થાતું થાતું આપણા જેવાની જ કાંધે કે બીજું કાંઈ? તો તો પછી આનો અરથ ઈ જ થિયો ને કે ખાલી આ એક જ મકાનમાં તડું નથી પડી, આખી દુનિયા ભાંગી જવાની છે. તો ભગવાને કયું કે હવે તું સઈમજો.

હરિયાને થિયું કે આ તો એક બરતરા ઓછી કરવા ગ્યા એમાં મોટી બરતરા આવી. ભગવાન કયે કે આમ જ ચાયલા કરે છે, હરિભાઈ, તું તારે જેવો છો એવો જ રેજે, ફોસી તો ફોસી, પણ પાપમાં ન પડતો, ને બીજાનાં કામના વિચારમાં ને વિચારમાં દુઃખી ન થાતો.

ભગવાન તો કઈને અલોપ થઈ ગ્યા, પણ એમ કંઈ કીધે બધું પતી જાય છે? હરિયાને તો તે દિથી જ્યાં ને ત્યાં ફાટ દેખાય છે, તડ દેખાય છે; આ ભાંગશે, ઓલું તૂટશે, ને ઈ બધું આખી દુનિયાના બધાય માણસોએ, ને ભગવાને, કબૂલીને જ બાંયધું છે, કે ઈ તો બનતાં પેલાં તૂટવાનું છે, તો કરો મારા ભાઈ પેટ ભરીને ભેગ – ભલે કચાસ રિયે, ને ભલે ભાંગે વેલું કે મોડું સામસામી તાળિયું લઈને વેવાર હાયલા કરે છે.

તે દિથી હરિયો ખાય-પીયે તો છે, મારા ભાઈ, પણ તે દિ’થી પેટ ભરીને હઈસો નથી.