છોટાલાલ માનસિંગ કામદાર

From Ekatra Wiki
Revision as of 17:44, 17 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કામદાર છોટાલાલ માનસિંગ, ‘ચક્રમ’, ‘સૂર્યકાન્ત’ (૪-૨-૧૮૯૮, ૧૯૮૩) : ચરિત્રલેખક, અનુવાદક. જન્મ સૌરાષ્ટ્રના મોટા દેવળિયા ગામમાં. વતન જેતપુર. પ્રાથમિક શિક્ષણ જેતપુરમાં, માધ્યમિક શિક્ષણ જે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કામદાર છોટાલાલ માનસિંગ, ‘ચક્રમ’, ‘સૂર્યકાન્ત’ (૪-૨-૧૮૯૮, ૧૯૮૩) : ચરિત્રલેખક, અનુવાદક. જન્મ સૌરાષ્ટ્રના મોટા દેવળિયા ગામમાં. વતન જેતપુર. પ્રાથમિક શિક્ષણ જેતપુરમાં, માધ્યમિક શિક્ષણ જેતપુર અને જૂનાગઢમાં. ૧૯૧૬માં મૅટ્રિક. ૧૯૨૦માં જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાંથી બી.એ. ૧૯૨૦થી ૧૯૨૭ સુધી મુંબઈમાં વિભિન્ન ક્ષેત્રોમાં નોકરી. દરમિયાનમાં ત્યાં જ પુસ્તકવિક્રેતા ‘સી. જમનાદાસની કં.’ની સ્થાપના કરી. ૧૯૨૭થી ૧૯૫૮ સુધી વાંકાનેરમાં હાઈસ્કૂલમાં શિક્ષક. બાળસાહિત્યમાં વિશેષ રસ. એમની ચરિત્રાત્મક કૃતિઓમાં ‘બુદ્ધિસાગર’ (૧૯૫૨), રાજાજી, નટેસન, દીનબંધુ ને લાધા સંગાદિનાં લખાણોને આધારે થયેલું, મહાત્મા ગાંધીના જીવનના કેટલાક પ્રસંગોનું સંકલન ‘ગાંધીજીના જીવનપ્રસંગો : ૧, ૨, ૩, ૪’ (૧૯૬૧) અને ભારતીય તેમ જ વિદેશીય વિભૂતિઓના રોચક જીવનપ્રસંગોનું સંકલન ‘મને નીરખવા ગમે’ (૧૯૬૪)નો સમાવેશ થાય છે. ‘બૂકર ટી. વૉશિંગ્ટનનું આત્મચરિત્ર’ (પૂર્વાર્ધ) (બી. સંવ. આ. ૧૯૩૬), ‘ભારતભક્ત ગોખલેનાં સંસ્મરણો’ (૧૯૩૬) એ એમણે કરેલાં ભાષાંતરો છે. સામાન્ય જ્ઞાનવિષયક અને ખગોળવિષયક એમના અનેક પ્રકીર્ણ ગ્રંથોમાં ‘જામનગરનું સૂર્યગ્રહણ’ (૧૯૩૬), ‘વિશ્વદર્શન’ (૧૯૩૮), ‘જગતમાં જાણવા જેવું’ (૧૯૪૫), ‘વિશ્વની વિચિત્રતાઓ’ (૧૯૫૦), ‘પ્રેરક કથાઓ’ (૧૯૬૨) વગેરે મુખ્ય છે. આ ઉપરાંત એમણે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયનાં મૂળે બંગાળીમાંથી અંગ્રેજીમાં અનુવાદ પામેલાં નાટકોનું ગુજરાતીમાં ‘હરીન્દ્રનાં બે નાટકો’ (અન્ય સાથે, ૧૯૩૩) નામે ભાષાંતર કર્યું છે.