દુલેરાય લખાભાઈ કારાણી

From Ekatra Wiki
Revision as of 02:25, 18 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કારાણી દુલેરાય લખાભાઈ,: ‘જળકમળ’, ‘હસતારામ’ (૨૬-૨-૧૮૯૬, ૨૬-૨-૧૯૮૯) ઃ કચ્છના લોકસાહિત્યકાર. જન્મસ્થળ મુંદ્રા (કચ્છ). દસમા ધોરણ સુધીનો અભ્યાસ. અંગ્રેજી, ગુજરાતી, ઉર્દૂ, સિંધી, વ્રજ અને કચ્છ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કારાણી દુલેરાય લખાભાઈ,: ‘જળકમળ’, ‘હસતારામ’ (૨૬-૨-૧૮૯૬, ૨૬-૨-૧૯૮૯) ઃ કચ્છના લોકસાહિત્યકાર. જન્મસ્થળ મુંદ્રા (કચ્છ). દસમા ધોરણ સુધીનો અભ્યાસ. અંગ્રેજી, ગુજરાતી, ઉર્દૂ, સિંધી, વ્રજ અને કચ્છી ભાષાના જાણકાર. મુંદ્રા અને ગુંદિયાળામાં શિક્ષક. ત્યારબાદ કેળવણીખાતામાં નાયબ શિક્ષણાધિકારી.૧૯૪૯માં નિવૃત્ત થયા પછી સોનગઢ (સૌરાષ્ટ્ર)માં જૈન છાત્રાલયમાં ૨૫ વર્ષ સુપરિન્ટેન્ડેન્ટ. વ્યવસાયને કારણે કચ્છના ગ્રામપ્રદેશોમાં પ્રવાસ કરવા મળેલી સુવિધાનો ઉપયોગ એમણે સંત-ભજનિકોની વાણી, તેમના જીવનપ્રસંગો, શૌર્યકથાઓ, ભક્તિકથાઓ તથા ભજન, છંદ, પિરોલી, કચ્છી કહેવતો અને કવિતા, કાફીઓ એમ અનેક પ્રકારનું લોકસાહિત્ય એકત્ર કરવામાં કર્યો. કચ્છી લોકસાહિત્યના ક્ષેત્રે અનેક પ્રકારનાં સંશોધનો-સંપાદનો કરીને કચ્છની સંસ્કૃતિની સાથે સાથે તેનાં ડુંગરા, ગુફાઓ, વનસ્પતિ, નદીઓ તેમ જ રણનો પણ લોકોને પરિચય કરાવ્યો અને કચ્છના મેઘાણીનું બિરુદ મેળવ્યું. એમનું સાહિત્ય મુખ્યત્વે કચ્છી-ગુજરાતી ભાષામાં અને સંશોધિત લોકસાહિત્યની પ્રાપ્ત સામગ્રીને આધારે સર્જાયેલું છે. ‘કારાણી-કાવ્યકુંજ : ભા. ૧ થી ૫ (૧૯૩૫-૧૯૭૮)નાં એમનાં, લોકગીતોના આસ્વાદ્ય ઢાળોમાં અને છંદમાં લખાયેલાં ગીતો-કાવ્યોમાં જીવનનાં ગહનતમ રહસ્યો અને ઘેરા આનંદની કાવ્યોચિત ને હૃદયસ્પર્શી અભિવ્યક્તિ થઈ છે. ‘સોનલબાવની અથવા ઘરભંગજી ગાથા...’ (૧૯૬૫) એ પોતાની પત્નીના મૃત્યુ-પ્રસંગે એંસી જેટલાં કવિતામાં લખાયેલી કરુણપ્રશસ્તિ છે. ‘ગાંધીબાવની’ (૧૯૪૮) હિદી વ્રજ ભાષામાં, ‘શાહ લતીફનો રસાલો’ (૧૯૭૯) સિંધી ભાષામાં, ‘શાયર નઝીર’ (૧૯૭૯) ઉર્દૂમાં અને ‘કચ્છીકિસ્સાબાવની’ (૧૯૮૩) કચ્છી ભાષામાં લખાયેલી એમની કાવ્યકૃતિઓ છે. ‘કચ્છના કલાધરો’ (૧૯૩૪), ‘કચ્છના સંતો અને કવિઓ : ભા. ૧-૨’ (૧૯૫૯, ૧૯૬૪), ‘મેકણદાદા’ (૧૯૬૦), ‘કચ્છની રસધાર’ના ૧ થી ૪ ભાગ વગેરે પુસ્તકોમાં કચ્છની ઉજ્જ્વળ લોકગાથાઓ, શૌર્યકથાઓ તેમ જ સંત-ભજનિકો અને વીરપુરુષોનાં જીવનચરિત્રો પ્રેરક અને રસપ્રદ શૈલીમાં આપ્યાં છે. ‘જામ ચનેસર’ (૧૯૬૬), ‘જામ રાવળ’ (૧૯૬૮) અને ‘જામ લક્ષરાજ’ (૧૯૭૯) એ નવલકથાના સ્વરૂપમાં લખાયેલી ઇતિહાસકથાઓ છે. ‘જાડેજા વીર ખેંગાર’ (૧૯૬૯), ‘જગડુ દાતાર’ (૧૯૭૧), ‘જામ અબડો’ અને ‘ઝારેજો યુદ્ધ’ કચ્છી લોકવાણીના સામર્થ્યની પ્રતીતિ કરાવતાં એમનાં નાટકો છે. કચ્છી બોલીના મર્મીલા ચોટદાર સંવાદો, લોકકંઠે ગુંજી રહે તેવાં ગીતો અને જીવંત કથાવસ્તુને કારણે તખ્તા ઉપર પણ આ નાટકો સફળ બન્યાં છે. એમણે ‘કચ્છી–ગુજરાતી શબ્દકોશ’ (૧૯૮૨) તૈયાર કર્યો છે અને ‘કારા ડુંગરા કચ્છના’ (૧૯૬૩)માં કચ્છનો ઇતિહાસ આપ્યો છે. ઉપરાંત ‘કચ્છનાં રસઝરણાં’ (૧૯૨૮), કચ્છી કહેવતો’ (૧૯૩૦), ‘કચ્છનું સાહિત્ય’ (૧૯૬૫), ‘કચ્છ કથામૃત’ (૧૯૭૦), કચ્છી પિરોલી’ (૧૯૭૪), ‘કચ્છી બાલ અખાણી’ (૧૯૮૧) વગેરે પુસ્તકો આપીને એમણે કચ્છની ભાતીગળ લોકસંસ્કૃતિનો વારસો જાળવી રાખવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે.