હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા

From Ekatra Wiki
Revision as of 03:37, 18 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કાંટાવાળા હરગોવિંદદાસ દ્વારકાદાસ (૧૬-૭-૧૮૪૪, ૩૧-૩-૧૯૩૦) : કવિ, લેખક. વતન ઉમરેઠ. ૧૮૬૪માં મૅટ્રિક થઈ રાજકોટની ટ્રેનિંગ કૉલેજના આચાર્ય. ત્યાં ‘વિજ્ઞાન વિલાસ’ સામયિક ચલાવ્યું. ૧૮૭૫-૭૬માં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કાંટાવાળા હરગોવિંદદાસ દ્વારકાદાસ (૧૬-૭-૧૮૪૪, ૩૧-૩-૧૯૩૦) : કવિ, લેખક. વતન ઉમરેઠ. ૧૮૬૪માં મૅટ્રિક થઈ રાજકોટની ટ્રેનિંગ કૉલેજના આચાર્ય. ત્યાં ‘વિજ્ઞાન વિલાસ’ સામયિક ચલાવ્યું. ૧૮૭૫-૭૬માં વડોદરા રાજ્યના કેળવણીખાતામાં જોડાયા અને ત્યાં ઘણાં વર્ષો કામ કરી રાજ્યના મિલિટરી સેક્રેટરી તરીકે નિમાયા. ૧૯૦૩માં રાવબહાદુરનો ઇલ્કાબ મળ્યો. ૧૯૦૫માં લુણાવાડાના દીવાનનું કાર્ય સંભાળ્યું. ૧૯૨૦માં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા. ‘પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક’ અને ‘સાહિત્ય'ના તંત્રી. ‘પ્રાચીન કાવ્યમાળા'ના સંપાદક. એમની સાહિત્યસેવાની કદર રૂપે ગાયકવાડ સરકારે એમને ‘સાહિત્યમાર્તંડ’ સુવર્ણચંદ્રકથી નવાજેલા. વડોદરામાં મૃત્યુ. ‘ગુજરાત શાળાપત્ર’માં વિદ્યાર્થી-અવસ્થા દરમિયાન લખવા માંડ્યા ત્યારથી હરગોવિંદદાસની લેખનપ્રવૃત્તિનો આરંભ થયો. ‘પાણીપત અથવા કુરુક્ષેત્ર’ (૧૮૬૪) એમનું દેશપ્રેમ અને વીરરસથી યુકત કાવ્ય છે. એમાં યુદ્ધવર્ણનો સારાં છે અને કવિની સુધારક, સ્વદેશી વૃત્તિ એમાં જોવા મળે છે. ‘વિશ્વની વિચિત્રતા’ (૧૯૧૩) એ એમનો, તત્કાલીન ધર્મભેદ, જ્ઞાતિભેદ, બાળલગ્નપ્રથા, ન્યાયતંત્ર ઇત્યાદિ વિશેનાં કટાક્ષાત્મક કાવ્યોનો સંચય છે. ‘અંધેરી નગરીનો ગંર્ધવસેન’ (૧૮૮૧) રજવાડી પ્રથાને તાકતી કટાક્ષસભર વાર્તા છે. ‘બે બહેનો’ (૧૮૯૧) હિન્દુ કુટુંબજીવનને વ્યક્ત કરતી, રમૂજી શૈલીમાં લખાયેલી બોધપ્રધાન અને શિથિલ સામાજિક વાર્તા છે. ‘રાણી રૂપમતી’ રોમાન્સકથા છે. ‘ટચુકડી સો વાતો' : ભા.૧થી ૫ (૧૯૨૧, ૧૯૨૩, ૧૯૨૩, ૧૯૨૪, ૧૯૨૫)માં એમણે દાદીમાને મુખે સાંભળેલી બોધપ્રધાન, રમૂજી અને ચતુરાઈભરી બાળવાર્તાઓ સાદી શૈલીમાં આપી છે અને તત્કાલીન સમયમાં ઉપયોગી બાળસાહિત્યની કૃતિઓ તરીકે એનું મહત્ત્વ ઘણું છે. ‘દેશી કારીગરીને ઉત્તેજન’ : ભા. ૧-૨(૧૮૭૭)માં એમણે સ્વદેશી, લોકભોગ્ય, આર્થિક દૃષ્ટિએ દેશી હુન્નર-ઉદ્યોગની સ્થિતિ વર્ણવી એના ઉત્તેજનમાં સ્વદેશી હિતને જોયું છે. ‘કેળવણીનું શસ્ત્ર અને તેની કળા' : ભા. ૧-૨ ભારતીય અને પાશ્ચાત્ય શિક્ષણ પદ્ધતિના ક્રમિક વિકાસને. નિરૂપતા અને તત્કાલીન શિક્ષણની ઊણપોને દૂર કરવાનું સૂચવતો અભ્યાસપૂર્ણ ગ્રંથ છે.

એ વિશેષ જાણીતા છે. ‘પ્રાચીન કાવ્યમાળા'ના સંપાદક તરીકે. આ શ્રેણીનાં ૩૫ પુસ્તકો દ્વારા ગુજરાતી ભાષાના જૂના કવિઓની કૃતિઓને હસ્તપ્રતોને આધારે પ્રકાશમાં લાવવાનું પ્રશસ્ય કાર્ય એમણે કર્યું છે. આ પ્રકાશનશ્રેણી પ્રેમાનંદનાં કહેવાતાં નાટકો અને વલ્લભનાં કહેવાતાં આખ્યાનોનું નિમિત્ત બની હતી અને વિવાદો ઊભા થયા હતા.

સંસ્કૃત અને અંગ્રેજી ગ્રંથોની સહાયથી લખાયેલું ‘સંસારસુધારો’ (૧૯૦૧) તત્કાલીન રૂઢિઓ અને વહેમો વિરુદ્ધ સુધારાનું નિરૂપણ કરે છે. ‘નીતિ અને લૌકિક ધર્મ વિશે પ્રશ્નોત્તરી’ (૧૮૭૯) એ પુસ્તક નીતિ, ધર્મ અને વ્યવહાર-વિવેક પ્રબોધતું, અંગ્રેજી ગ્રંથનું ભાષાંતર છે. આ ઉપરાંત, કેળવણીકાર તરીકે એમણે ગણિત, ભૂગોળ, નામું, વ્યાકરણ ઇત્યાદિ વિષયો પર સંપૂર્ણ પાઠ્યપુસ્તકો તૈયાર કરેલાં છે.