ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/અસ્તિત્વવાદ: એક વિશ્લેષણ – ભોગીલાલ ગાંધી, 1911

From Ekatra Wiki
Revision as of 11:10, 19 March 2023 by Kamalthobhani (talk | contribs)
Jump to navigation Jump to search


19. Bhogilal gandhi.jpg ૧૯
ભોગીલાલ ગાંધી
અસ્તિત્વવાદ: એક વિશ્લેષણ
 

[1]

1

સૌથી પહેલાં એક વાત કહી નાખવી જરૂરી છે કે અસ્તિત્વવાદ પરંપરાગત (traditional) અથવા પ્રશિષ્ટ (classical) ગણાતા તત્ત્વજ્ઞાનની શાખાઓની તુલનાએ તર્કબદ્ધ તત્ત્વજ્ઞાનની શાખા નથી કે જેથી તેનું અથઇતિ નિરૂપણ કરી ‘ઇતિ સિદ્ધમ્’ થઈ શકે. અસ્તિત્વવાદને તત્ત્વજ્ઞાનની એક શાખા કહેવા કરતાં એક ચિંતનધારા કહેવી વધુ યોગ્ય ઠરશે. આ અસ્તિત્વવાદી વિચારધારાની કેટલીક વિશેષતાઓ આરંભમાં જ જોઈ લઈએ. એક તો, અસ્તિત્વવાદી ચિંતનધારાનો ઉદ્ભવ ટ્રેડિશનલ-ક્લાસિકલ તત્ત્વજ્ઞાનની પરંપરા સામેના પ્રત્યાઘાત રૂપે થયો છે. બીજું એ કે, આ ચિંતનધારાના પ્રમુખ ચિંતકોમાં પણ પરસ્પર આભ-જમીનનો ફેર છે – એક છેડે પૂર્ણ ઈશ્વરનિષ્ઠ આસ્તિક કિર્કેગાર્ડ જેવા તેના મૂળ પ્રવર્તક છે; તો બીજે છેડે પૂર્ણ અનીશ્વરવાદી તરીકે ઓળખતા આધુનિક ચિંતક સાર્ત્ર છે. એટલું જ નહિ પણ આ એક એવું ચિંતનક્ષેત્ર છે જેમાં તેના ખુદ પ્રણેતા કિર્કેગાર્ડથી માંડી સાર્ત્ર સુધીના સૌ ચિંતકો પેરેડૉક્સિસની પરિભાષામાં મોટા ભાગનું ચિંતન રજૂ કરતા રહ્યા છે. બલ્કે, પેરેડૉક્સિસ અસ્તિત્વવાદી ચિંતનનું એક અનિવાર્ય લક્ષણ છે, એવું તેઓ પોતે જ પ્રતિપાદન કરે છે. છતાં, એકંદરે અસ્તિત્વવાદીઓનું સૌથી મોટું પ્રદાન હોય તો તે વ્યક્તિગત માનવીના ગૌરવની પુન:પ્રતિષ્ઠા કરવામાં છે. અનેક શક્યતાવાળો નક્કર માનવી, જુઓ તો ખરા, કેવી absurd દશામાં ફેંકાઈ ગયેલો છે! એક બાજુ માનવીની લાચારી અને બીજી બાજુ તેના પર સ્વાતંત્ર્યનો અભિશાપ! આધુનિક અસ્તિત્વવાદી ચિંતનનો પ્રભાવ ઓગણીસમી સદીથી શરૂ થયો છે અને વીસમી સદી દરમ્યાન તેનો પ્રભાવ અનુભવાય છે: "માનવીનું સામર્થ્ય ‘સ્વ’(self) સિવાયના પ્રત્યેક ક્ષેત્રે ઘણું બધું વધ્યું છે, કર્મોના ક્ષેત્રે માનવીના વ્યક્તિત્વને વામન બનાવનારી આટલી કઠોર ઘટનાઓ ભાગ્યે જ જોવા મળે છે. ઇતિહાસમાં આજ પૂર્વે ભાગ્યે જ એવું બનવા પામ્યું છે કે જ્યારે પાશવી હકીકતોએ વિચાર ઉપર આટલો કાબૂ જમાવ્યો હોય; અથવા વૈયક્તિક સદ્ગુણ સામૂહિક કેન્દ્ર(focus)માં આટલા વિસ્તૃતપણે ઝાંખો બન્યો હોય!" ખૂબીની વાત તો એ છે કે વ્યક્તિ-માનવીની આવી અકળામણ પ્રગટ કરનારો આ લેખક કોઈ તત્ત્વચિંતક નથી, કોઈ ગુફાવાસી સર્જક-કલાકાર નથી, આ તો છે સર વિન્સેન્ટ ચર્ચિલ—દુનિયાનો ખાસો ધીંગો આદમી! બીજું, ઉપરનાને પૂરક બને તેવું, અવતરણ છે ઇતિહાસવિદ્ આર્નોલ્ડ ટૉયન્બીનું: "આજથી એક વા દોઢ સદી પૂર્વે – પ્રચંડ નૂતન સામાજિક પરિબળો પ્રગટતાં થયાં તે પૂર્વે – આ વિરાટ માનવસમૂહ મૂળભૂત રીતે જે બૌદ્ધિક અને નૈતિક ધોરણ પર હતો તે આજેય એમ ને એમ રહ્યો છે!" અસ્તિત્વવાદનો પ્રણેતા કિકેગાર્ડ પોતે પણ એ વાતથી બેચેન છે કે માનવીય સંબંધો એક બાજુ વિસ્તાર પામી રહ્યા છે, બીજી બાજુ છીછરા બની રહ્યા છે. એક બાજુ આપણે વધુ વસ્તુઓ વિશે અને ઘણા બધા માનવીઓ વિશે વાતો કરતા થયા છીએ; બીજી બાજુ, એમને વિશેનું સાચું જ્ઞાન વધુ ને વધુ ગુમાવતા રહ્યા છીએ. આપણે કોક ને કોક અમૂર્તતાને આગળ ધરીને નક્કર માનવી સાથેના આવેગપૂર્ણ, ઘનિષ્ટ જવાબદારીપૂર્વકના સંબંધને ટાળીએ છીએ....  તો, મહાન જર્મન ચિંતક યેસ્પર્સના મતે, આજે સવાલ કેવળ ઔદ્યોગિક યંત્રનો, નોકરશાહી તંત્રનો અને સર્વભક્ષી રાજ્યનો જ નથી; અથવા ઉદ્દામ ક્રાંતિકારી સૂત્રોવાળા તમતમતા સિદ્ધાન્ત-સૂત્રોનો જ નથી; પરંતુ, વિજ્ઞાન, બુદ્ધિવાદ અને નૈતિક કાનૂનમાંથી શ્રદ્ધા દ્વારા લદાતી સલામતીનો છે, જે વ્યક્તિમાનવ અને તેની સર્વાંગી જવાબદારી વચ્ચે પડદારૂપ બનીને તેને સાચું અસ્તિત્વ અનુભવવા દેતી નથી. આ ઉપરથી એમ માનવું કે અસ્તિત્વવાદ ઓગણીસમી-વીસમી સદીનું ફરજંદ છે તો તે ભૂલભરેલું ગણાશે. આપણે, બહુ બહુ તો, એટલું કહી શકીએ કે ઉદ્યોગવાદી અતિકેન્દ્રિત સમાજનાં દૂષણો મુખ્યત: alienation અને dehumanization પ્રગટ થતાં ગયાં તેમ તેમ આ તત્ત્વચિંતનનો પ્રભાવ વરતાતો ગયો. બાકી, આ તત્ત્વચિંતનના મૂળમાં માનવ અસ્તિત્વની જે મૂળભૂત સમસ્યા રહેલી છે તે તો અનાદિ કાળની છે. આથી જ તો, કિર્કેગાર્ડ (1813–1855)ની પૂર્વેના અને પછીના અનેક તત્ત્વચિંતકોનો તાર આ ચિંતન સાથે સંધાતો જોવા મળે છે, જેમાં જ્યૂ અને ખ્રિસ્તી ધર્મચિંતકો છે; ઉપરાંત પાસ્કલ, સ્પેન્સર, નિત્સે, ફુરબાક, માર્ક્સ, તૉલ્સ્તૉય. ઓર્તેગા ગેસેટ, એરિક ફ્રૉમ, ટૉયન્બી તથા ભારતીય વેદાન્તી તત્ત્વજ્ઞાનીઓનો પણ ઉલ્લેખ થઈ શકે. સેન્ટ એક્વિનાસને તો ‘સાચા અસ્તિત્વવાદી’ તરીકેનું બિરુદ અપાઈ પણ ચૂક્યું છે!

2

અસ્તિત્વવાદમાં મધ્યવર્તી કંઈ હોય તો તે માનવીય અસ્તિત્વ છે આ અસ્તિત્વનું રહસ્ય સમજીએ. માનવીના સંદર્ભમાં existence શબ્દનો અર્થ ec static(not static) એટલે કે projecting, standing out, e-mergingના અર્થમાં બહાર પડવું, ઉત્સ્ફૂર્ત થવું, પ્રગટ થવું એવો છે. આમ, અસ્તિત્વ કોઈ બંધિયાર કે જડ ઘટના નથી, કોઈ સ્થૂળ પદાર્થ નથી. એ તો સતત પોતાની જાતને ઓળાંડવા મથતું સત્ છે. being[2]ની અને projectingની સ્થિતિમાં transcending એવું તત્ત્વ છે. દુનિયાના અસંખ્ય પદાર્થો being-in-the-world છે. ત્યારે માનવઅસ્તિત્વ જ being-in-the-world છે. માનવીનું હોવું એ ચીજ–પદાર્થની જેમ સ્થળગત (spatial) નથી, એ સમયગત (temporal) છે; અને એની સ્થળગતતા ગતિશીલ છે. એટલે જ તો અસ્તિત્વવાદમાં રજૂ થતો માનવી હરતો-ફરતો વ્યક્તિરૂપ માનવી છે. નક્કર અને નિશ્ચિત રૂપધારી માનવી છે. જગતની બીજી જડ વસ્તુઓની જેમ – પથ્થર કે પુસ્તકની જેમ – તે કેવળ સ્થળમાં સીમિત થઈ ને જમીન ઉપર કે કબાટમાં passively વસતો નથી; એ પોતાના અધિકૃત અસ્તિત્વ દ્વારા actively જીવતો હોય છે જેની અસ્તિત્વવાદી શક્યતાઓનો કોઈ અંત નથી. બીજો મુદ્દો એ સમજવો રહે છે કે અસ્તિત્વવાદમાં ‘હું વિચારું છું તેથી કરીને હું છું’ એવો Cartesian તર્ક અસ્થાને છે. એથી ઊલટું, ‘હું છું તેથી કરીને વિચારું છું’ એમ તે માને છે. એટલે કે અસ્તિત્વવાદમાં essence નહિ પણ existenceનું પ્રામુખ્ય છે. જો કે existence વચ્ચેના સંબંધ અંગે કિર્કેગાર્ડ, યેસ્પર્સ, ગેબ્રિયેલ તથા માર્સેલ જેવા આસ્તિકો અને હેડેગર, સાર્ત્ર જેવા નાસ્તિકો વચ્ચે અસંમતિ હોય એ સ્વાભાવિક છે. આ છતાં, અસ્તિત્વવાદના પાયામાં જે સૂત્ર મહદંશે સ્વીકૃત બન્યું છે તે એ છે કે ‘existence preceds essence.’ માનવીના સંદર્ભમાં existence એટલે માનવ વાસ્તવતા; અને essence એટલે માનવસ્વભાવ અથવા માનવપ્રકૃતિ, સત્ત્વ, જ્ઞાન: એવા અર્થો કરવામાં આવે છે. આ મત અનુસાર માનવીની હયાતી માનવઅસ્તિત્વ, માનવપ્રકૃતિ અને ચેતનાની પૂર્વવર્તી છે અથવા actual (વાસ્તવતા) પ્રથમ અને virtual (મૂલ્ય) એ પછી. પરંતુ એ ભૂલવું ન જોઈએ કે અસ્તિત્વવાદીઓની આ માન્યતા કંઈ ભૌતિકવાદીઓ (materialists)ની ફૉર્મ્યુલા નથી કેમ કે, અહીં તો, અસ્તિત્વનું રહસ્ય જ આત્મલક્ષિતા (subjectivity)માં રહેલું છે; તેમને મતે અધિકૃત અસ્તિત્વ એની આત્મલક્ષિતા દ્વારા જ પ્રગટે છે. બીજી એક વાત ફોડ પાડવા જેવી છે. અસ્તિત્વવાદી ચિંતન મોટે ભાગે એવી છાપ ઊભી કરે છે કે existenceનું જ મહત્ત્વ છે, essenceનું નહિ. મને આ સમજ અયથાર્થ લાગે છે. ઉપર જોયું તેમ અસ્તિત્વવાદમાં essenceનો ઇન્કાર નથી; બલ્કે સ્વીકાર પણ છે. તેના existence વચ્ચેના સંબંધનો પણ તેમાં સ્વીકાર છે. તેઓ જેના પર ભાર મૂકે છે તે, આપણે જોઈ ગયા તેમ, અસ્તિત્વની અગ્રિમતા વા પ્રમુખતા છે. પરંતુ, ઊંડો વિચાર કરતાં આનો અર્થ તો એમ થયો કે માનવ-અસ્તિત્વની પ્રત્યેક સ્થિતિમાં પૂર્વસિદ્ધ અને તત્કાલપ્રાપ્ત essence પણ હોવાનું જ. પ્રત્યેક ક્ષણના isમાં existence અને essence બંને હોવાનાં. કદાચ આપણે એમ કહી શકીએ કે હરેક ક્ષણનું existence તેના પૂર્વસિદ્ધ essence સહિત, નવા essenceને સિદ્ધ કરતું પોતાનું રૂપાન્તર કર્યે જ જાય છે. મારી દૃષ્ટિએ તો, આ આખી પ્રક્રિયા existenceના સમૃદ્ધીકરણની છે. આ રીતે જોતાં, માનવીને હમેશાં તેની પૂર્વસિદ્ધ પ્રકૃતિ, જ્ઞાન અને ચેતના હોવાનાં; મૂલ્ય અને ઇતિહાસ પણ. કોઈ પણ ક્ષણનું માનવ-અસ્તિત્વ તેના આ અંતર્ગત essence–ગુણ–લક્ષણોનો ઇન્કાર કરી શકે નહિ. આ રીતે, માનવીને કેવળ વર્તમાન જ નથી, ભૂતકાળ અને ભવિષ્ય બંને છે. આમ છતાં, એ પણ સમજવા જેવું છે કે માનવ-અસ્તિત્વ, આપણે આગળ જોઈ ગયા તેમ, સતત becoming અને projecting છે. એની એ ગતિ અખંડ અને અનંત છે. આથી કરીને પૂર્વનિર્ણીત (a-priori) ધોરણો, ઇતિહાસ, મૂલ્યો, સ્વભાવ અથવા જ્ઞાન ઉપર આધાર રાખીને તે નિરાંત ભોગવી ન શકે; કેમકે, એ બધાં તો, દરેક ક્ષણના અસ્તિત્વની સાથોસાથ નવેસરથી સતત સિદ્ધ થનારાં હોઈને અસ્તિત્વ એમની નિર્ણાયકતાનો સ્વીકાર ન કરી શકે. આમ, માનવી માટે સદાકાળ સતત નવેસરથી નિર્ણય લેવાની જરૂરત ઊભી રહેવાની. આ વાત સાર્ત્ર પોતાની રીતે રજૂ કરતાં સમજાવે છે કે આપણી સામે હરતો-ફરતો, લખતો-બોલતો, નક્કર જીવન જીવતો માનવી પૃથ્વીની રંગભૂમિ પર પ્રથમ દેખાય છે, તે પછી જ તે પોતાને વ્યાખ્યાબદ્ધ કરે છે. ના, માનવી વ્યાખ્યાબદ્ધ થઈ શકતો જ નથી; કેમ કે પ્રારંભે એ તો nothing[3] છે; અને પાછળથી તે something બને છે, એ પોતે જે થનાર છે તે સિદ્ધિ તેની પોતાની જ હશે. કોઈ માનવીય પ્રકૃતિએ કે કોઈ દૈવી વિધાતાએ એ પૂર્વનિર્ણીત કરેલી નથી. માનવી તેના અસ્તિત્વની દિશામાં ફલાંગ મારીને જ પોતાની વિભાવના સરજે છે. બીજા પદાર્થોનો તો કોઈક સર્જનાર હોય છે. દા.ત. ખુરસી બનાવનાર મિસ્રીની પાસે ખુરસીની કોઈક પૂર્વકલ્પના હોય છે; અને તે અનુસાર તે ખુરસી સરજે છે. પરંતુ, એક વાર ઈશ્વરનું અસ્તિત્વ ઇન્કાર્યા પછી માનવી માટે આવી કોઈ પૂર્વયોજના શક્ય નથી. માનવી પોતે જ ‘યોજના’ છે. આ ‘યોજના’ પોતે જ પોતાની સંવિત્તિ ધરાવે છે. આ ‘યોજના’ની પૂર્વે કશું જ નથી. એટલે કે પોતે યોજેલી યોજના અનુસાર માનવી ‘બને છે’– પોતે ઇચ્છેલી રીતે નહિ, (ઇચ્છામાં જે જાગ્રત નિર્ણયની વાત છે તે ભૌતિકવાદી સાર્ત્રને સ્વીકાર્ય નથી. પરંતુ, તે ઉમેરે છે કે આપણે આપણું સર્જન કર્યા પછી ‘ઇચ્છા’ પ્રવેશે છે. ટૂંકમાં, સાર્ત્ર પૂર્વચેતનાનો ફાળો બાદ કરે છે, જે આપણે આગળ જોયું તેમ અયુક્તિક છે.) આગળ જતાં તે એમ પણ ઉમેરે છે કે ‘માનવી પોતાને માટે પોતે જવાબદાર છે. અને આ રીતની પોતાની જવાબદારીમાં સર્વ મનુષ્યની જવાબદારી આવી જાય છે.’ માનવી પોતાની પસંદગી કરે છે તેમાં જ તે સર્વ માનવીની પસંદગી કરી લે છે—’ આનો અર્થ એ છે કે જ્યારે આપણે પસંદગી દ્વારા આપણી જાતને સંડોવીએ છીએ ત્યારે આપણા તે કર્મ દ્વારા આપણી જાતને સંડોવીએ છીએ ત્યારે આપણા તે કર્મ દ્વારા સમસ્ત માનવજાત એમાં સંડોવાઈ જાય છે. માનવીને શિરે આવા પ્રકારના નિર્ણયની સ્વતંત્રતા લદાયેલી છે. સાર્ત્રના મતે "Man is condemned to be free." સાર્ત્ર જેવા ઇશ્વરમાં નહિ માનનારા માટે જ આવું છે એમ નથી. આસ્તિત્વવાદી ચિંતનના મુખ્ય પુરસ્કર્તા અને પ્રખર આસ્તિક કિર્કેગાર્ડે પણ માનવીને માથે લદાયેલા આ શાપની વાત ઘૂંટી છે. એ એમ કહે છે કે ઈશ્વરના અસ્તિત્વને કારણે તો માનવીની ભાંજગડ વધી ગઈ છે! આ વાત સમજાવવા તે અબ્રાહામનું દૃષ્ટાંત આપે છે: ઈશ્વરે અબ્રાહામને તેના દીકરાનો બલિ આપવાની આજ્ઞા કરી છે.[4] આ આજ્ઞા અબ્રાહામ માટે આત્મનિર્ણયની સમસ્યા ઊભી કરે છે: શું ઈશ્વર આવી આજ્ઞા આપી શકે? પિતાને શું પોતાના અપત્યનો વધ કરવાની સ્વતંત્રતા હોઈ શકે? એ કૃત્યમાં માનવીનું અને ઈશ્વરનું એકેયનું ગૌરવ હોઈ શકે? વળી, આ ઈશ્વરની જ આજ્ઞા છે, અંતરાત્માનો જ અવાજ છે, અતિથિના વેશમાં ખરેખર ભગવાન પોતે જ છે, એવું શાના જોરે માનવું? અરે, ઈશ્વરની જ આવી આજ્ઞા હોય તોય શું માનવીએ એ શિરે ધરાવવી રહી? શા માટે? કિર્કેગાર્ડ કહે છે કે માનવી માટે આ પ્રશ્નપરંપરાની સ્થિતિ છે. અને માનવીએ, અંતે તો, અપાર વેદનામાંથી પસાર થઈનેય, પોતાનો નિર્ણય પોતે જ કરવો રહે છે, માનવીને બુદ્ધિ મળી છે. કાં તો એ બુદ્ધિ ચલાવીને તે નિર્ણય કરે છે; અગર તો એ બુદ્ધિનું સમર્પણ ઈશ્વરને ચરણે કરે છે. આ બેમાંથીય એક નિર્ણય તો એણે જ કરવાનો રહે છે. પરંતુ, કિર્કેગાર્ડના મતે, ઈશ્વરની સમક્ષ માનવીએ ‘સ્વતંત્ર’પણે નિર્ણય લેવો પડે એ પરિસ્થિતિ absurd છે. ‘I am ashamed I am!’ આ શરમ જ તો માનવીના અસ્તિત્વનું વાજબી કારણ છે. એમ તે ઉમેરે છે. આમ, કિર્કેગાર્ડની દૃષ્ટિએ માનવી હમેશાં હેમ્લેટની સ્થિતિમાં છે either/orનો વિકલ્પ ‘સારા’ કે ‘નરસા’ નિર્ણય પરત્વેનો નથી; પરંતુ પસંદગી કરવી કે ન કરવી એ બાબતનીય પસંદગીનો મૂળભૂત સવાલ છે. પસંદગી ન કરીનેય માણસ, અંતે તો, પસંદગી કરે જ છે! કિર્કેગાર્ડથી સાર્ત્ર—સૌ—એ વાત પર ભાર મૂકે છે કે માણસ જે ક્ષણે જે કંઈ નિર્ણય કરે છે તે નિર્ણય જ તેના પૂરતું સાચું ‘મૂલ્ય’ છે. માનવી આ પસંદગી દ્વારા સમસ્ત માનવજાત સાથે પોતાને ‘સંડોવે’ છે. આ સંડોવણી જ એની ચિંતા(anxiety)નું કારણ છે માનવીનું આ એક અંતર્ગત લક્ષણ છે. આ દ્વારા તે એની જવાબદારીનો વિસ્તાર અનુભવે છે; પરંતુ એથી જ તો, એ ભાન જ, એના વિષાદ(ennui)નું કારણ બને છે, જેમાંથી તે કદી છટકી શકવાનો નથી.  દરેક માનવીની આ total જવાબદારી તેની total એકાંતિકતાનું પણ કારણ બને છે. માનવીને માથે ઠોકાયેલ આ સાચું અસ્તિત્વ છે. આવું અસ્તિત્વ ભારે તપશ્ચર્યા–વેદના અને દુ:ખમાંથી સતત પસાર થયા વિના અનુભવવાનું શક્ય નથી. આમ કહીને સાર્ત્ર નૈતિક મૂલ્યની લગોલગ આવી જાય છે. તે સૂચવે છે કે દરેક જણે પોતાના પ્રત્યેક કર્મ પૂર્વ પોતાને સવાલ પૂછવો જોઈએ કે — શું હું ખરેખર એ પ્રકારનો માનવી છું જેને એવી રીતે વર્તવાનો અધિકાર છે કે તેનાં કાર્યોમાંથી માનવજાત તેનું માર્ગદર્શન પ્રાપ્ત કરે?

3

અસ્તિત્વવાદી તત્ત્વદૃષ્ટિએ માનવી જન્મથી જ ત્રણ સ્થિતિમાં ફેંકાયેલો છે. માનવીના અસ્તિત્વની આ મૂળભૂત સમસ્યા છે. સૌથી પ્રથમ તો, ઇશ્વરમાં માનનારા માટેય, ઈશ્વરનું અસ્તિત્વ એક વાર સ્વીકાર્યા પછી, માનવીનું અલગ સ્વતંત્ર અસ્તિત્વ હોવું એ જ એક જબરજસ્ત absurdity છે, જે કદી કેમેય દૂર થનાર નથી. તે જ રીતે, માનવી અને વિશ્વનો વિચાર કરતાં નવી અસ્તિત્વમૂલક સમસ્યા દેખાય છે: એક તો, માનવી પોતે જ પોતાનાથી અયુક્ત (disunited) છે. બીજું એ કે, માનવી વિશ્વથી પણ અયુક્ત છે. આ પણ એકે રીતે ટળાય નહિ એવી structural situation છે. ત્રીજી વાત એ છે કે વ્યક્તિ અને સમષ્ટિ વચ્ચેનો સંબંધ અથવા એક વ્યક્તિનો બીજી વ્યક્તિ સાથેનો સંબંધ પણ સંઘર્ષ-યુક્ત છે. હેડેગર વ્યક્તિ અને સમષ્ટિ વચ્ચેનો સંબંધ સમજાવતાં લખે છે: being-in-the world એ being-with-the world પણ છે. હું other (અન્ય) સાથે મારું વિશ્વ જીવું છું. આ ફરજિયાત ‘સહજીવન’ છે. આ સંદર્ભમાં વ્યક્તિ અને સમષ્ટિના સંબંધ અંગેનું ચિંતન આગળ ચલાવતાં હેડેગર કહે છે, આ વિશ્વમાં I નથી, you નથી; I અને you વચ્ચે પરસ્પર માનવીય સંબંધ જેવું કંઈ નથી. સૌ કોઈ ત્રીજો પુરુષ હોય તેવું છે. "One would like to go"ના અર્થમાં impersonal ONE જ રહી ગયો છે. આ One એ તો objectified human being છે એટલે કે Unauthentic છે— અને તે I ઉપર પ્રભુત્વ જમાવે છે. આથી કરીને, આ સંબંધને અંતે, Iનું અધિકૃત અસ્તિત્વ પણ નાશ પામે છે. બલ્કે, દરેક માનવીમાંનો objectified ‘One’ જીવનને બોદલું બનાવી દે છે – નટના જેવું, સાવ દંભી નહિ તોય, બનાવટી તો ખરું જ. તો વળી, સાર્ત્ર સવાયો માર્ક્સ બનીને વર્ગસંઘર્ષના છેલ્લા પાટલે બેસી ગયો છે. તે કહે છે: I-alter અથવા ego-alter એટલે કે હું અને અન્ય વચ્ચે સદાકાળ સંઘર્ષનો સંબંધ રહેવાનો છે. કેમ કે દરેક ‘હું’ ‘અન્ય’ માટે object–સાધન છે. એમાંય વળી આ અન્ય (alter) કંઈ ખુરસી જેવો નિર્જીવ પદાર્થ નથી, એ તો ‘હું’ને (મને) object તરીકે જોનાર અને તે રીતે વર્તનાર માનવી છે. મારું નિશ્ચિત સ્થાન, નિશ્ચિત મૂલ્ય આ ‘અન્ય’ની દૃષ્ટિએ નક્કી થાય છે. એના ધોરણે હું ગૌરવ કે નિંદા અનુભવું છું. અન્ય જે રીતે, મને જુએ છે તે રીતે હું મને ઓળખું છું! આમ, એક રીતે, આ અન્ય મારી objectivity માટે અનિવાર્ય છે: કેમ કે મારી સમસ્ત સૃષ્ટિના રૂપાન્તરમાં એ ભાગ ભજવે છે. પરંતુ, સાથોસાથ, આ અન્ય મારા subject તરીકેના આંતરિક અસ્તિત્વને ઇન્કારે છે. મારા ego(I)ની સામે બીજો ego (I) આડે આવી ઊભો રહે છે. આથી અન્ય સાથેનો સંબંધ આંતરિક થઈ શકતો નથી. આમ, આ વિશ્વમાં હું અન્યને અને અન્ય મને, એક બાજુ, objectivity અર્પે છે; બીજી બાજુ, જે અધિકૃત અસ્તિત્વનું સત્ત્વ છે તે subjectivityને જ ઉચ્છેદે છે! બલ્કે, I અને alter વચ્ચે સામસામા ઘર્ષણનો સંબંધ માનવ અસ્તિત્વ સાથે જ સંકળાયેલો છે. કેમ કે ‘અન્ય’ સાથેનો મારો (‘હું’નો) સંબંધ કદીય આંતરિક– subjective થઈ શકવાનો નથી. alter મને object, thing, inert તરીકે સ્થાપવા મથે છે, ને હું alterને એ રીતે સ્થાપવા મથું છું. પરસ્પરના આ ઘર્ષણમાં મારી અને અન્યની સ્વતંત્રતા જે સાચા અસ્તિત્વની ચાવી છે તે ખંડિત થાય છે. સાર્ત્રને મન આ સંબંધ "Hell is others No exit"ની સ્થિતિનો છે. સાર્ત્ર કહે છે: જો હું મારા આ વિચ્છેદને નાબૂદ કરવા વિશ્વ સાથે મારી જાતની સંપૂર્ણ તદાકારતા સાધી લઉં તો તે હું મારા અસ્તિત્વને અને સાથોસાથ મારે માટેના વિશ્વને ઇન્કારીને જ કરી શકું.

4

આ તો તત્ત્વજ્ઞાનવિષયક situational absurdityની વાત થઈ. પરંતુ, માનવી કંઈ તત્ત્વજ્ઞાનના લૉજિકમાં જ વસતો નથી. જગતના અનેક તત્ત્વજ્ઞાનીઓએ ગહન તાત્ત્વિક કોયડાઓ (absurdities અને paradoxiesથી ભરેલા!) રજૂ કરીને અંતે માનવીનું ઊર્ધ્વીકરણ અથવા તેની મુક્તિ-મુક્તતાનો માર્ગ ચીધ્યો છે. જોકે અસ્તિત્વવાદીઓ પોતે આવા કોઈ ઉકેલનો સ્વીકાર કરતા નથી એવું વારંવાર જાતે પ્રતિપાદન કરે છે; છતાં જો એમણે પોતાના સિદ્ધાંત મુજબ અમૂર્ત (abstract) માનવી નહિ પરંતુ નક્કર અસ્તિત્વ અને વ્યક્તિત્વ ધરાવતા માનવીની સિફારસ કરવાનો દાવો સિદ્ધ કરવો હશે તો તેમણે માનવીના શ્રેયની દૃષ્ટિએ ચિંતન કર્યા વિના છૂટકો જ નથી. અહીં જ હું અસ્તિત્વવાદના એક ઢંકાઈ ગયેલા દૃષ્ટિબિંદુ તરફ વધુ ધ્યાન ખંચવા માગું છું – જોકે અસ્તિત્વવાદીઓ પોતે પોતાના જે કથનો, તારણો અણે વિધાનોને ગૌણ ગણે છે તેમને હું મારી દૃષ્ટિએ વિશેષ મહત્ત્વનાં લેખું છું; અને તેની ચાવી અધિકૃત અને બિનઅધિકૃત અસ્તિત્વ (authentic existence અને unauthentic existence) અંગેની તેમની પોતાની ચર્ચામાં રહેલી છે એમ હું માનું છું. થોડીક વિગતે જોઈએ. અસ્તિત્વવાદના પ્રણેતા કિર્કેગાર્ડના મતે કેટલાક માનવીઓ રંગભૂમિના નટ સમું અસ્તિત્વ જીવે છે. તેઓ તેમના boredomને દૂર કરવા હજાર વલખાં મારે છે; હજાર પાઠ ભજવે છે; જે–તે વસ્તુને વળગવા તત્પર બને છે. પરંતુ અધિકૃત અસ્તિત્વ તો બીજું જ માગે છે: સવાલ તો જીવન સાથે—અસ્તિત્વ સાથે—ગંભીરતાથી ઉષ્માપૂર્ણ સંબંધ બાંધવાનો છે, અને તે ઉપરછલ્લાં વલખાં દ્વારા શક્ય નથી. એ કક્ષાએ સાચો સંતોષ પામી શકાતો નથી. તેની નિરાશા અને તેનો આનંદ બેઉ ઉપલકિયાં નીવડે છે. સાચો ઉપાય તો આંતરિકતાના ઉન્મેષ સાથે દરેક ક્ષણને પ્રત્યેક વસ્તુ-વિચાર-નિર્ણય સાથે જોડવામાં રહેલો છે. એટલે કે પોતાને idintify કર્યા વિના commit કરવાની આ સમસ્યા છે. આમ, અસ્તિત્વમાં દરેક ક્ષણનું મહત્ત્વ છે. આ પ્રત્યેક ક્ષણ સમયની અનંત ગતિની ગમે તે એક un-differentiated પળ નથી; પરંતુ તે સ્પષ્ટ, નિશ્ચિત, આગવા આકારવાળી ક્ષણ બને છે. આવી ક્ષણ જ સાચા અધીકૃત અસ્તિત્વનું સુખ આપી શકે, આવી ક્ષણ જ સાચા અધિકૃત ભવિષ્યની કડી બની શકે; આવી ક્ષણમાં જ તો સાચા અધિકૃત ભૂતકાળનો સ્વીકાર સમાયેલો છે. પોતાની જ વાડમાં પુરાઈ રહેલી વ્યક્તિ વિશે કિર્કેગાર્ડ જે વાક્યપ્રયોગ કરે છે તે નોંધપાત્ર છે: "he is truly demoniac!" અલબત્ત, તે માનવીની સાચી પ્રતિષ્ઠાનો પંથ ઈશ્વર સાથેના subjective સંબંધને બનાવવામાં જુએ છે. તેને મતે, આ સંબંધમાં જ માનવી ઈશ્વર સમક્ષ વિશ્રંભમાં (in privacy) એકાકી, અન્ય સાધારણીકરણની પ્રક્રિયાથી પર, ઊભો હોય છે. સાચા અસ્તિત્વનું અને તેના ઊર્ધ્વીકરણનું લક્ષણ તે આ રીતે ગણાવે છે: "From the person, over the things, to the person." બલ્કે, જડ પદાર્થથી આરંભ કરીને અંતે જડ પદાર્થની સ્થિતિમાં જ ગતિ કરવાનું લક્ષણ નહિ; એથી ઊલટું વ્યક્તિમાંથી આરંભી વ્યક્તિ સુધી પહોંચવું.  કિર્કેગાર્ડ વર્તમાન યુગના માનવી સામે પસંદગી રજૂ કરે છે: કાં તો, સામૂહિક સંગઠનમાં વ્યક્તિત્વરહિત અને સ્વાતંત્ર્યરહિત જિંદગી સ્વીકારી કે જેમાં સ્વતંત્ર રીતે જ્ઞાન પ્રાપ્ત કરવાની અને જવાબદારીપૂર્વકનાં કાર્યો બજાવવાની કોઈ જ શક્યતા ન હોય; સ્વાતંત્ર્યની એ ખોટ પૂરવા માટેના વળતરરૂપે, બહુ બહુ તો, આ ધરતી પર સ્વર્ગ પ્રાપ્ત કરાવનારી ભૌતિક સુખાકારીનું સ્વપ્ન જોયા કરવું જે કદી પણ માનવીની સાચી વાસ્તવતા બની શકનાર નથી. અથવા તો, એવું વ્યક્તિગત જીવન કે જેમાં સ્વાતંત્ર્ય હોય અને જવાબદારીપૂર્ણ કાર્યની શક્યતા હોય; જેમાં શ્રમપૂર્ણ, વેદનાપૂર્ણ અને ભયપૂર્ણ જીવન જીવવાની અનિવાર્યતા હોય... આ બેમાંથી એક માનવીએ જાતે જાગ્રત રીતે પસંદ કરવું રહ્યું. યેસ્પર્સ પણ માનવીના ત્રણ પ્રકાર ગણાવે છે. એક: બધામાંથી રાજીનામું આપી દઈ જે-છે-તેને સહેવામાં માનનારો; બીજો: આખા વિશ્વનો, માયા તરીકે, ઇન્કાર કરનારો. ત્રીજો અને અધિકૃત અસ્તિત્વવાદી માર્ગ તે પોતાનામાં અંતર્મુખ બનીને અસ્તિત્વમાં પ્રગટ થઈ રહેલા પરત્વ(transcendence) પ્રતિની ગતિનો. અલબત્ત, માનવી માટે પૂર્ણસર્વાતીતતા શક્ય નથી એમ તે કહે છે. અજ્ઞાન કદીય પૂર્ણજ્ઞાન નહિ બની શકે; પરંતુ આ નિષ્ફળતા સહિતનો પુરૂષાર્થ માનવીને વધુ ઉચ્ચતર, સૂક્ષ્મતર નૂતન self-aware-ness (સંવિત્તિ) તરફ દોરી જશે એમ તે માને છે; અને આ કક્ષાએ reason અને subjectivity વચ્ચેનો વિસંવાદ ઓછો થઈ ગયો હશે, એવી એની શ્રદ્ધા છે. અંતે, યેસ્પર્સ પ્રેમ દ્વારા સંવાદ સ્થાપવાની શક્યતા જુએ છે. તે એ વાત સ્વીકારે છે કે— અસ્તિત્વ સમાજમાં અને સમાજ દ્વારા છે. અસ્તિત્વ સર્વપ્રથમ સમાજિક સ્થિતિ (social situation)માં રહેલું છે. તેથી માણસને ઐતિહાસિક બંધનો પણ છે, એ કંઈ વિચ્છિન્ન અણુ નથી. એ કુટુંબમાં-સમૂહમાં-જીવે છે અને તેને સમાજિક જવાબદારી પણ છે. આ જવાબદારી તે આંતરિક communicationના સંબંધ દ્વારા પાર પાડી શકે છે, અન્યથા નહિ. આને તે loving-struggle તરીકે ઓળખાવે છે. સાર્ત્ર પણ, જોકે, પ્રેમ દ્વારા I-alterના ઘર્ષણની ધાર બુઠ્ઠી કરવાનું સ્વીકારે છે, પરંતુ તે તો પ્રેમનાય બે પ્રકાર ગણાવે છે. એક sadism અને બીજો masochism. પોતે જ કબૂલે છે કે આ બંને (બલ્કે બેઉ વિકૃતિઓ?) એક યા બીજા પ્રકારના દમનનાં રૂપ છે. એમ કહીને સાર્ત્ર અખંડ વિગ્રહના અને ચરમ નાસ્તિકતાના માળખામાં પુરાઈ રહેવા માગે છે! હેડેગર એવું પણ સૂચવે છે કે માનવી એના સમયને ખાવાના ઊંઘવાના, રમવાના સમય તરીકે ભાંગી નાખે છે તે દુન્યવી-સંસારી સમય (mundane time) શુદ્ધ ક્ષણ (pure instant) નથી. પદાર્થો સાથે તદાદાર બની ગયેલો સમય તો objectified છે; તે પોતાની જ અધિકૃતતા ગુમાવી બેઠેલો છે. એની દ્વારા અધિકૃત અનુભવ અશક્ય છે આનો અર્થ એવો થયો કે સાચા અસ્તિત્વનો અનુભવ વૈજ્ઞાનિક ઘડિયાળી સમય (scientific time) વા સંસારી સમય (mundane time) દ્વારા અશક્ય છે. સાચા અસ્તિત્વની બાબતમાં હેડેગર એમ પણ માને છે કે દરેક માણસની લાગણીનો સ્રોત બાહ્ય પદાર્થો જ હોય તો તેનો અનુભવ ‘નીચલી કક્ષા’ના અસ્તિત્વનો રહેવાનો. પરિણામે નીચલી કક્ષાનાં અસંતોષ, ઉદાસીનતા પ્રગટવાનાં; પરંતુ, અસ્તિત્વવાદી ઉદાસીનતા બીજા જ પ્રકારની છે. તેના મૂળમાં તો એ હકીકત છે કે માનવી પોતાને વિરાટ વિશ્વમાં ફેંકાયેલો જુએ છે અને તે એકલતા–અટૂલા–પણું અનુભવે છે. આ એકલતા તેની સાચી ઉદાસીનતા છે. આ માટેની ગુરુકિલ્લી હોય તો તે એ છે કે દરેક માનવીએ પોતાની પ્રત્યેક ક્ષણે પોતાના પ્રત્યેક કર્મમાં સ્વનિર્ણયની જવાબદારી ઉઠાવવી રહી. એટલે કે ઈશ્વર કે તત્ત્વદર્શન, ધર્મસંસ્થા, સમાજ વા રાજ્ય.ઇતિહાસ કે પરંપરા કશું જ તેને માટે નિર્ણાયક માર્ગદર્શક નથી. માણસે પોતાનો વધસ્તંભ (cross) પોતે જ ખભે ઊઠાવીને મૃત્યુપંથ કાપવાનો છે. હેડેગર ‘objectified one’ની ચર્ચા દરમ્યાન પણ ‘અધિકૃત અસ્તિત્વ’ની અનુભૂતિનો રાહ સૂચવે છે: માનવીએ ‘one’ની પકડમાંથી છૂટી જઈ શુદ્ધ subjective selfનું ખરાખરીનું અસ્તિત્વ અનુભવતા થવું જોઈએ. અને તે પ્રશ્ન કરે છે: હજારો પદાર્થો વચ્ચે ફેંકાયેલો માનવી પોતાના અધિકૃત સ્વને કેવી રીતે શોધી કાઢે છે? પોતે જ એનો જવાબ આપે છે: feeling દ્વારા. પરંતુ, લાગણીના સંબંધનોય તે બે પ્રકારે નિર્દેશ કરે છે. એક તો, હું જે વસ્તુ માટે લાગણી ધરાવતો હોઉં તેની સાથે હું ક્યા હેતુથી લાગણી ધરાવું છું તેની વાત; અને બીજી: મારી આ લાગણીઓ મારા મૂળરૂપને શોધવામાં મદદરૂપ છે ખરી? એ એની કસોટી છે. દુન્યવી વસ્તુઓ, હેતુઓ સાથે જોડાયેલી લાગણીઓ સુખદુ:ખ વગેરે છે. પરંતુ, આ રોજિંદા વ્યવહારથી પર, જે લાગણી અસ્તિત્વવાદી અનુભવે છે એ જુદા જ પ્રકારની છે. એ લાગણી આંતરિક વિષાદ (ennui) છે. હેડેગર આ તત્ત્વચિંતનમાં વિશેષ ઊંડો ઊતરે છે: humanbeing નો Being (સર્વવ્યાપ્ત અસ્તિત્વ) સાથેનો સંબંધ સમજાવતાં એ કહે છે કે માનવી જ્યાં સુધી Beingના પ્રકાશમાં ગતિ કરે છે ત્યાં સુધી તેનું અસ્તિત્વ અધિકૃત છે અને જ્યારે માનવીની ગતિ અન્ય પદાર્થો અને વસ્તુઓ પ્રતિ થાય છે ત્યારે તેનું અસ્તિત્વ અનધિકૃત બની જાય છે. માનવીના અધિકૃત અસ્તિત્વની તાત્ત્વિક ચાવી આપણને અહીં મળે છે. હેડેગર ઉમેરે છે કે ‘મારો આ વિષાદ વિશ્વમાંના મારા અધિકૃત અસ્તિત્વનો જ સાવાલ છે, જે મને સતત પરાયાપણાની લાગણી અનુભવાવે છે. આ વિષાદનું રહસ્ય જ એ છે કે હું વિશ્વમાં છતે વિશ્વની અંદર આત્મીયતા અનુભવી શકતો નથી. કેમ કે, તાત્ત્વિક રીતે, માનવી interworldy-entity નથી; એટલે એને માટે પરાયા – અજાણ્યાપણાનો ભાવ જ સહજ છે. અસ્તિત્વના ભારથી આવી જવાબદારી તેને માથે લદાયેલી જ છે. પરંતુ આ વિષાદ માનવીને તેના રોજિંદા દુન્યવી વ્યવહારની તુચ્છતામાંથી મુક્તિ અપાવે છે; અને ‘અધિકૃત બનવા’ એટલે કે ‘commitment’ સાથે પસંદગી કરવા’ ધક્કો મારે છે. હેડેગરની દૃષ્ટિએ માનવી માટે મૃત્યુની વાત પણ કોઈ એક સર્વસાધારણ અમૂર્ત મૃત્યુની નથી. પોતાના અંગત આગવા મૃત્યુની વાત જ માણસને તેના ‘બહિર્ ગમનની’ અંતિમ શક્યતાનો ખ્યાલ આપે છે. આ અન્-અસ્તિત્વ અસ્તિત્વનું જ એક લક્ષણ છે. આથી જ તો સાચા અધિકૃત અસ્તિત્વના સંદર્ભમાં મૃત્યુ બદલાઈ જાય છે. મૃત્યુની ભીતિને બદલે, being-unto-deathની સ્વસ્થતા પ્રગટે છે.

5

અસ્તિત્વવાદીઓની દૃષ્ટિએ માનવઅસ્તિત્વ (Being) સાથેનો સંબંધ, સાન્ત અને અનન્તની ચર્ચાના પ્રકાશમાં, વિશેષ ઊંડાણમાં ગયા વિના, જોઈ લઈએ: આ ક્ષેત્રે ખાસ કરીને યેસ્પર્સ અને હેડેગરે ઘણાં પાણી ડહોળ્યાં છે, જોકે યેસ્પર્સ મોટે ભાગે Beingના પર્યાયમાં transcendence શબ્દ વાપરે છે. (સાર્ત્ર પણ transcendence નો શબ્દપ્રયોગ કરે છે. પરંતુ તે મુખ્ય તો ભાષાકીય પ્રયોગ છે: man’s ability to choose freely પૂરતો જ છે).  યેસ્પર્સની માન્યતા એવી છે કે માનવી માટે Beingને જાણવાની કોઈ શક્યતા જ નથી. સમસ્ત વિશ્વની સમગ્રતા (totality)નું જ્ઞાન માનવી, (તેને વિશે ગમે તેટલું કહી છૂટે) objectively પામી શકે જ નહિ. મનુષ્ય તેને વિશે ગમે તેટલું કરી છૂટે પણ તે વિશ્વની સત્ય-વાસ્તવતા વર્ણવી શકે નહિ. છતાં, માનવી એવો પ્રયાસ કર્યા વિના રહી શકતો નથી એ પણ યેસ્પર્સ સ્વીકારે છે, એવું તે માને છે. (જોકે વિજ્ઞાનનું ક્ષેત્ર objectivity પૂરતું મર્યાદિત હોઈ ને તે સમસ્ત અજ્ઞાત અસ્તિત્વને આંબી શકે એમ નથી, એમ તે ફરી ફરી સ્પષ્ટ કરે છે.)  આમ, જો, વિશ્વને પૂર્ણત: જાણવું અશક્ય છે તો માનવીને પૂર્ણત: જાણવાનું ઓછું અશક્ય નથી. સામાજિક વિજ્ઞાનો માનવીનાં અમુક પાસાંનો જ અભ્યાસ કરી શકે: અખંડ–પૂર્ણ–સમસ્ત માનવીનો નહિ જ, કેમ કે માનવીની અખિલાઈ non-objective છે અને માનવીને તેના અસ્તિત્વ સાથે મળેલી પસંદગીની સ્વતંત્રતાને કારણે તેના વિશેની પૂર્વનિશ્ચિતતા વા મર્યાદા નક્કી કરવીય અશક્ય છે. વળી, વધુ જટિલતા એ કારણે છે કે beingના ત્રણ પ્રકારો છે: (1) subjective being એટલે કે હું છું તે જાગૃતિનું અસ્તિત્વ, (2) objective being એટલે કે અન્ય ઇતરેતર પદાર્થો જે મારે માટે વિચારના object રૂપે અસ્તિત્વ ધરાવે છે;(3) being-in-itself: જેને હેડેગર Being કહે છે તે અથવા યેસ્પર્સની ભાષામાં transcendence અને ઈશ્વરવાદીઓની ભાષામાં ‘ઈશ્વર’- રૂપી અગમ્ય તત્ત્વ. માનવીમાં આ ત્રણે તત્ત્વો હોઈને તે સૌથી જટિલ સમસ્યા છે. એટલે જ તો, સ્થળકાળ મર્યાદિત વિશ્વમાં સીમિત માનવીનીૂ વાત કરવી, અને ચૈતન્યપૂર્ણ માનવી જે પેલે પારની વાત વિચારે છે તથા અગમ્ય સાર્વત્રિક તત્ત્વમાં જે સહભાગી બને છે તેની વાત કરવી, એ બે વચ્ચે આભજમીનનું અંતર છે. વળી ત્રીજું ક્ષેત્ર તો spiritનું છે; જે એથીય અધિકતર અચિત્ય છે. યેસ્પર્સના કહેવા મુજબ માનવી આ ત્રણે છે. એટલું જ નહિ પણ, એ ત્રણેના સરવાળાથીય અધિક છે. આથી તે એવું સૂચવે છે કે આવા માનવી વિશેનું પૃથક્કરણ કરવાનું ઉચિત નથી, શક્ય નથી. એને વિશેનુું આલેખન જ પૂરતું છે. (અસ્તિત્વવાદી સાહિત્યસર્જનનું ચિંતનબીજ અહીં દેખાય છે.) તે ઉમેરે છે કે માનવી જ્યારે બાહ્ય પદાર્થોમાંથી નીકળીને subjectivityની આંતરસૃષ્ટિમાં પ્રવેશ કરે છે ત્યારે જ તેને એવી પ્રતીતિ થાય છે કે પોતે જ એ સર્વવ્યાપ્ત (encompassing) self-hood છે અને પોતે એમાં નિવાસ કરે છે. માનવી માટે આ અગમ્ય વિશેની અજ્ઞાતતા જરૂરી છે. કેમ કે તો જ માનવીની સ્વાધીનતા અને ઉત્સ્ફૂર્તતા માટે અવકાશ રહે છે. જો એ પૂર્ણ જ્ઞાત બની જાય તો માનવી માટે કશું કરવાનું જ ન રહે. હેડેગર વધુ ઊંડાં પાણીમાં ઊતરે છે. અસ્તિત્વવાદીઓની અમૂર્ત તત્ત્વમીમાંસામાં તે સૌથી આગળ છે. હેડેગરે, એનાં પાછલાં વર્ષો દરમ્યાન, પોતાની વિચારધારાને ‘અસ્તિત્વવાદી’ તરીકે ઓળખાવવા- નેબદલે Fundamental ontologic (મૂળભૂત વસ્તુસ્વરૂપવિદ્યા) કહેવું વધુ પસંદ કર્યું છે. આનું કારણ તે પોતે એવું આપે છે કે માનવીની rational objectivity તેની finite subjectivityનું જ પરિણામ છે. આથી પરમ અસ્તિત્વ (Being)ને બુદ્ધિપૂર્વક અવગત કરવાની એની પ્રક્રિયા અસ્થાને અયોગ્ય ગુનાહિત છે. કેમ કે એ પદ્ધતિ તો અસ્તિત્વના ધર્મ સહિતના મૂળ સ્રોતની ઝાંખી કરવી હોય તોય, તેણે તેના આદિમ પાયાના મનોભાવ (primeval basic mood)સુધી એટલે કે માનવીય લાગણીના મૂળ સ્રોત સુધી પાછા જવું જોઈએ. (અસ્તિત્વવાદી સાહિત્યસર્જનની પ્રેરણા અહીં પણ બીજરૂપે જોઈ શકીએ છીએ.)

6

યેસ્પર્સ અને હેડેગર બંનેનાં સર્વાતીતતા (transcendence) વિશેનાં અંતિમ વલણો જોવા જેવાં છે. યેસ્પર્સ માને છે કે માનવી માટે જે કંઈ પારગમન શક્ય છે તે, અંતે તો, શુદ્ધ સાન્તતા (pure finiteness અથવા deepest finiteness) પૂરતું જ છે. એનાથી વિશેષ અશર્ત-સમયાતીત અનંતતા શકય નથી. તે એમ પણ માને છે કે પરત્વ (transcendence) પોતે જ અન્તસ્ત્વ (immanence)માં સ્થિત છે. (હેડેગર immanenceને બદલે finiteness શબ્દ પ્રયોજે છે.) યેસ્પર્સ પરત્વ (transendence) અને અન્તસ્ત્વ (immanence)બંનેને ભિન્ન ગણાવે છે. તેના મતે, પરત્વ અન્તસ્ત્વને ઓળાંડી જાય છે. આમ છતાં, માનવઅસ્તિત્વની સીમિતતાને કારણે તે સદા નિષ્ફળ જાય છે; કેમ કે, અંતે, માનવી સીમિત ઘટના (મૃત્યુ) સાથે અંત પામે છે. ત્યારે હેડેગરના મતે સર્વાતીતતા (transcendence) પૂર્ણત: મૂલગામી રીતે સાન્ત (completely radically finite) છે; અને તેનું અસ્તિત્વવાદી અભિક્રમણ થાય છે. હેડેગરના transcendence માં કોઈ પરમ તત્ત્વને પામવાની વાત જ નથી. એને મતે, એ કેવળ આત્મશોધનની પ્રવૃત્તિ છે, જે અંતે, મૂળભૂત રીતે, સાન્તતાથી મર્યાદિત છે. ટૂંકમાં, એના મતે, સમય અને સ્થળથી પર અનિયંત્રિત Being જેવું metaphysical transcendence નથી. આ મતભેદો છતાં, બંને એક મહત્ત્વના મુદ્દા ઉપર સામ્ય ધરાવતા જણાય છે. યેસ્પર્સના મતે existence વિના transendence શક્ય જ નથી. અથવા સીર્વાતીતતા વિના અસ્તિત્વ તેની અર્થપૂર્ણતા ગુમાવી બેસે છે. હેડેગર પણ સૂચવે છે કે Being, અંતે તો, માનવીના aperture દ્વારા પ્રગટ થાય છે.4 આમ, બંને અવિનાભાવિ સંબંધથી સંકળાયેલા છે: "in transcendence there is the actual being." ટૂંકમાં, માનવી અનંતતયા —સાન્ત—અખિલાઈ (infinitely finite whole) સાથે સીધા સંબંધમાં ફેંકાયેલો છે, જેને કારણે માનવઅસ્તિત્વના બંધારણમાં જ સતત વ્યગ્રતાની સ્થિતિ અનિવાર્ય છે. પરિણામે, માનવીય અસ્તિત્વ પોતે જ અનંત વિસંવાદ બની જાય છે! અહીં સવાલ જરૂર ઊઠે છે કે આ અસ્તિત્વવાદી ચિંતન હતાશા અને નૈષ્ફલ્યની પ્રેરણા આપે છે કે પુરુષાર્થની? માનવીને ‘ઠંડી પિશાચી તટસ્થતાનો શિકાર બનાવે છે કે સહદેવી પૂર્વજ્ઞાન સહિત મરણિયો — જાગ્રત અને સન્નિષ્ઠ — સંગ્રામ ખેડવાનો સિસિફસનો રાહ ચીંધે છે? જવાબમાં યેસ્પર્સનું જ એક ટાંચણ રજૂ કરું: "The only heroism which still remains accessible to the man of today is that of work without applause and action without glory. The true hero is characterized by loyalty to his profession and he does not allow to be shaken from his path either by resistence or criticism... It is repugnant to dignity of man—dignity which is beyond all justification—to think that liberty, faith and authenticity will one day disappear, and be replaced by technical apparatuse. It is equally repugnant to think of death as the total negation of his existence. Man is more than whatcold be made of man in such perspective."

સંદર્ભ ગ્રંથો

Six Existentialist Thinkers: H.J. Blackham (Routeledge) Existentialism from Dostoevsky to Sartre: Walter Kaufmann (Meridian) Sociologism and Education: George F. Kneller (John Willey) Existentialism and Education: George F. Kneller (John Willey) Beyond Existentialism: J. Von Rintelen (George Allen) Introduction to Existentialism: Marjorie Grene (Phoenix Books) Dostoevsky, Kierkegard, Nietzsche and Kafka: William Huben (Collier) Existentialism and Indian Thought: k. Guru Dutt (Wisdom Library) Jean Paul Sartre: R. M. Alberes (Wisdom Library) The philosophy of Sartre: Mary Warnock (Hutchinson University) Beyond the Outsider: Colin Wilson (Arthur Barker) • પરબ: 1967:3
[મિતાક્ષર, 1970]

  1. દ્વારકા જ્ઞાનસત્ર(1966)માં સમયના અભાવે આમાંના થોડાક જ મુદ્દા રજૂ કરી શકાયા હતા.
  2. 1. beingનો મૂળ ગ્રીક શબ્દ છે: physis. એનો અર્થ છે the totality of things, પરંતુ તે as an-unfolding-processની રીતે; એટલે કે મૂળથી જ એમાં ગતિ, વિકાસ સ્ફૂર્તતાનાં લક્ષણો આરોપાયેલાં છે. પાછળથી physisમાંથી physicsનું અવતરણ થતાં અર્થ બદલાઈ ગયો, ઊલટાઈ ગયો. જડ પ્રકૃતિનાં સ્થિતિસ્થાપક, ગુણવાચક, ઇન્દ્રિયગમ્ય દ્રવ્યો એવો થઈ ગયો!
  3. 2. nothingનો અર્થ એવો પણ થાય છે કે no-thing એટલે કે thing (જડ પદાર્થ) નહિ તે; એટલે કે existence! હેડેગરે being ને Being વચ્ચેનો ભેદ પાડ્યો છે. being એટલે entity (પદાર્થથી માંડી માનવ); અને Being એટલે being ઉપરાંત સર્વવ્યાપ્ત અસ્તિત્વ. પેરેડૉક્સની ભાષામાં આ is-ness તે nothingness.
  4. 3 આપણી પુરાણકથામાં સગાળશાને ત્યાં ભગવાન અતિથિનું રૂપ લઈને જાય છે અને સગાળશા તેના દીકરા ચેલૈયાને ખાંડીને તેનું માંસ ધરાવે એવી માગણી કરે છે.