ટોળાં અવાજ ઘોઘાટ/૯- આમ ખેંચીએ જરાક જોરથી
આમ એ ખેંચીએ જરાક જોરથી— તો ખચ્ ખેંચાઈને આવે બ્હાર. પણ ત્રીસ વર્ષથી એમ ખેંચ્યું નથી ખચ્. મન થાય છે કે ખેંચું— પણ એ કંઈ આમ આજુબાજુમાં હાથવગું નથી. એ માટે પ્લાન કરવો પડે, પ્રવાસ કરવો પડે. પણ પ્લાનની કે પ્રવાસની ઇચ્છા થતી નથી. જો કે મન થાય છે આમ ખેંચું અને ખચ્ ખેંચાઈને આવે બ્હાર, મૂળસોતું મન. ‘મૂળસોતું મન ખચ્ ખેંચાઈને આવે બ્હાર’ એવો અર્થ ક્યાંથી ટપકી પડ્યો? ખચ્ ખેંચાઈ આવે બ્હાર, એમાં જે ખચ્કાર સાથે હાથની પકડમાં કશુંક આવી જવું મૂળસોતું (જેમ કે કમળનું મૂળ.) તે સંવેદન માત્ર પર્યાપ્ત છે, રોમાંચ માટે; એમાં વળી ‘મૂળસોતું મન’ ખચ્ ખેંચી કાઢવાની વાત કેમ ઘૂસી ગઈ ? મૂળસોતું મન કે શૂળસોતું મન કે કુળસોતું મન કે ધૂળસોતું મન અને હવે બીજું કંઈ પ્રાસમાં તરત સૂઝતું નથી તેથી નિર્મૂળ મન.... ના પણ લયવશ લખવું હોય તો ‘નિર્મૂળસોતું’ મન; જોયું ને ‘નિ...’ અને ‘સોતું’એ પરસ્પર પોતું ફેરવી દીધું અને અંતિમક્ષણે જે મેં પીધું કર્ણરસાયન એ અપૂર્વ. એ જ લક્ષ્ય હતું એની ખબર પછી પડી અને અડીકડી-માં ભરેલો દારૂ ભડાકો કરે પછાડતાની સાથે જ, એ જ ચેતોવિસ્તાર. આમ ‘શાબ્દિક ટેવવશ’ થયા કરવું તે નિર્હેતુક નથી. હેતુની યાત્રા ચાલે છે શબ્દની માત્રા-ઓમાં. ક્ષણે ક્ષણે સ્વર-વ્યંજનનો રમણીય લટકો એનો લાગી જાય કાનને ચટકો જરાક અટકો— ફટકો પ્રાસમાં આવ્યો. ચાબૂકનો ફટકો. અને અન્ય એક આંખ મીંચકારીને કહેવાના અર્થમાં પણ ફટકો. કેરીનો કટકો અને રંગરસિયા હવે આટલેથી અટકો જેવા પ્રાસ તો ઘણા ઊછળે છે. પણ ત્રાસ થવાથી યાત્રા આગળ ચાલે છે. ‘ફાલે છે’ એવું સુઝ્યું, પણ શું ફાલે છે? પ્રજા ? ઘોંઘાટ ? ઊધઈ ? ઝાડ ? દેડકાં ? માખી ? મચ્છર ? ખચ્ચર ? ખચ્ચર તો ફાલી ન શકે. ચાલી શકે, દોડી શકે, ઊભાં રહી શકે, બેસી જાય, પેસી જાય— ક્યાં ? મનમાં અને અફાટ વનમાં મનમાં વનમાં ખચ્ચરો બોજા સાથે ધીમે ધીમે કે ઝડપથી ચાલી રહ્યાં છે દોડી રહ્યાં છે અથવા બેસી રહ્યાં છે કે બેસી પડ્યાં છે. ખચ્ચર ? ચાલો તરત કહો શેનાં ખચ્ચર ? ખચ્ચર શબ્દનાં-લાગણીનાં-વિચારનાં-ઇચ્છાનાં-વાસનાનાં-ઇઝમ્સનાં- ઇસ્થેટિક્સનાં-સ્મૃતિનાં-વિસ્મૃતિનાં-કૃતિનાં-વિકૃતિનાં-સંસ્કૃતિનાં- ગતિનાં-સતીનાં-પતિનાં-જતિનાં-મતિનાં-રતિનાં-વિરતિનાં- ખચ્ચર મનમાં અફાટ વનમાં... મનમાં જ શા માટે ? તનનાં નહીં ? નસેનસમાં, રક્તમાં, રક્તના, કોષેકોષમાં, મગજના તંતુએ તંતુમાં, રજોશુક્રમાં માતાપિતા દ્વારા સંતતિમાં— સતત સરકી રહ્યાં છે ખચ્ચરો. ક્યાં પહોંચવાનું છે ? ખબર નથી. બસ ચાલી રહ્યાં છે આ અત્યારે જેમ ચાલી રહ્યા છે તે કાગળ પર શબ્દો એક પછી એક તેમ ચાલી રહ્યાં છે ખીચોખીચ ખચ્ચરો નપુંસક. હવે આમ રમતાં રમતાં કશો અર્થ ઘૂસી ગયો હોય તો તે જેમ— ‘મૂળસોતું મન’ એ એક અનભિપ્રેત ગરબડ હતી જો કે તેથી જ રોમાંચક હતી. તેમ અહીં આ ખચ્ચરવાદ–બચ્ચરવાદ જે કંઈ ચાલ્યો કે ફાલ્યો અને એમાં આ નપુંસક લેખિનીપ્રયોગ મ્હાલ્યો તે અનભિપ્રેત હતું, અનપેક્ષિત હતું. એ આમ આવ્યું કૂવામાંથી જેમ અવાડામાં આવે તેમ પણ એને બહાર કાઢવાનું અભિપ્રેત નહોતું મૂળસોતું છતાં જે આવ્યું ખબ્ દેતું એ રોમાંચક છે. રોજ અસંખ્ય બૂટોને પૉલિશ કરનારો બૂટની ચમક જોઈને ચકિત થતો હશે? પણ જવા દો—
ગાત્ર છું એટલે ગળું છું.
પાત્ર છું એટલે ઢળું છું.
માત્ર છું એટલે મળું છું.
ફળ છું એટલે ફળું છું.
ખરેખર તો આ છેલ્લી પંક્તિઓને આધારે— આમ થોડી ક્ષણો પસાર થઈ ગઈ; એટલે કંટાળો નથી આવતો ગળ્યો ગળ્યો શીરો નથી ભાવતો. આમ એક પછી બીજી ક્ષણ સુધી પહોંચી જવાનું, કાલચક્રના ક્રમમાં અને ક્ષણોનો અંત નથી અને હું કંઈ સંત નથી કે નથી પંત પ્રાસવશ છું માત્ર જંત પણ કંઈ કશી ચંત નથી કે નથી આ માત્રાઓનો કાચો તંત કે તૂટી જાય કે ફુગ્ગાની જેમ ફૂટી જાય. એમાંની નિરવધિ શક્યતાઓ ખૂલતી જાય છે શાખા-પ્રશાખા ઝૂલતી જાય છે અને આ આપણી ડાગળી ડૂલતી જાય છે પણ એમ કંઈ કશું અભિપ્રેત નથી આપણને કે નથી એમ કશા અનૌચિત્ય-ફનૌચિત્યની પડી. આપણે તો અડીકડી— પછાડી, અને જે ભડાકો થયો..., પણ એમાંય ભડાકાની અપેક્ષા છે આ તો એનાથીયે વધુ રોમાંચક યાત્રા છે માત્રાઓની— અંતહીન. ‘ખંતથી ખેડી રહ્યો છું’ એમ લખાઈ ગયું પણ લખવું જોઈએ : ‘ખેડાઈ રહી છે’— અલબત યાત્રા, માત્રાઓની, અંતહીન. ‘છેડાઈ રહ્યો છું સિતારની જેમ’ એમ સૂઝ્યું પણ કોણ છેડનાર ? કેમ કે સિતારિસ્ટ સિતાર વગાડતો નથી એનાથી સિતાર વગાડાઈ રહી છે. જમનાદાસ જશોદાને જગાડતા નથી પણ જમનાદાસથી જશોદા જગાડાઈ રહી છે. અર્થાત્ છરી-ચપ્પુ-હાથો-હથોડી; પણ ક્યાં છે હાથ? હાથીભાઈ ચાલી શકતા નથી. લીમડાભાઈ ફાલી શકતા નથી. જમના નદી જેમ અટકી શકતી નથી કે દોડી શકતી નથી. અથવા સુકાઈ શકતી નથી કે બે કાંઠે છલોછલ થઈ શકતી નથી. એટલ જમના દોડે છે જમના છલકાય છે. જમના જાગી, ભેંશ ભાગી આ બધા પ્રયોગોમાં ક્રિયાપદનાં ચક્રો ચાલતાં નથી. જેમ કોઈ ચક્ર ચાલી શકતું નથી તેમ. તો હવે એનું શું ? આ ફસાયા છીએ તેનું ? અને કોઈ ફસાવનાર જ નથી તેનું ? કર્તાનો સર્વથા છેદ છે અને તેથી જ મને અતિશય ખેદ છે કે હું એક નિર્દોષ, ચોખ્ખું વાક્ય કે પંક્તિ લખી કે બોલી શકતો નથી. અને છતાં આ કાવ્ય–બાવ્યના ચક્કરમાં આમ ગોળ ગોળ ભમવાનું. અને પાછું એ આમ ગમવાનું ટેવવશ. હવે આમાં શું સર્જન અને શું વિસર્જન મિંયાગામ કર્જન— લખાઈ ગયું તો ય શું ? અને કાકડીનું શાક ચખાઈ ગયું તો ય શું ? અને ભૂલથી આ કૂંચી વગરનું તાળું વખાઈ ગયું તો ય શું ? અર્થાત્ અમુક સામગ્રી છે. અમુક સામગ્રીનું અમુક પરિણામ છે. આમાં આપણું કશું જ ચાલે તેમ નથી. આપણે જ ચાલી શકતા નથી. ચાલવાની ‘ઇચ્છા’ જ આપણે ઉત્પન્ન કરી શકતા નથી. એ તો, એટલે કે ઇચ્છા, થવી હોય તો થાય. અને છતાં કેટલું બધું થાય છે મારું બેટું ? એક અમસ્તું ટેટું અપરિસંખ્યેય વટવૃક્ષોને સંગ્રહી બેઠું છે ! મથી શકીએ છીએ મન : જો ઇચ્છા થાય તો. નહીં તો ખાવાનું છે, નાવાનું છે, ધોવાનું છે, રોવાનું છે, જોવાનું છે પણ ખાવાની ઇચ્છા થાય તો થાય નાવાની ઇચ્છા થાય તો થાય ધોવાની ઇચ્છા થાય તો થાય રોવાની ઇચ્છા થાય તો થાય અથવા ખબરે ન હોય ને રોવાઈ જાય, અચાનક. ઇચ્છા થાય તો માણસ ગાય કે નદીમાં જઈને નાય અને ઇચ્છા ન થાય તો ન થાય. ન થાય તો કંઈ ન કરે. પડ્યો રે એમ જ મૂંગો મૂંગો ઝાડની જેમ સુકાતો જાય, ખરતો જાય, ખખડતો જાય સૂનમૂન અને એક દિવસ લથડી પડે ધબ અર્થાત્ રામનામ સત્ય છે. તાત્પર્ય એ કે ઇચ્છાની મૂઠમાં આપણે જકડાયા છીએ પૂરેપૂરા પકડાયા છીએ સદંતર સપડાયા છીએ. છેલ્લી પંક્તિ લખવાની ઇચ્છા થઈ એટલે લખાઈ. અથવા મનમાં જન્મી પછી પરખાઈ અને આમ કાગળ પર રખાઈ તો પછી આ પંક્તિને મારી ઇચ્છા સાથે સંબંધ નથી. એ તો આવી— જેમ હું અને તું આવ્યા આ જગતમાં, ઇચ્છા વગર. અને જવું પડશે આ જગત છોડીને ઇચ્છા વગર. ‘આવ્યા’ ક્રિયાપદ ખોટું છે ભાષાનું આ જ તો દુઃખ મોટું છે. ‘જવું પડશે જગત છોડીને’ –ક્યાં ? મારો જન્મ : મારું મૃત્યુ. મારો કોઈ નહીં કર્તા : મારો કોઈ નહીં હર્તા. કર્તા-હર્તા હોય તો હેતુ હોય ધૂમકેતુ હોય નીલાકાશમાં મીનકેતુ હોય ચિદાકાશમાં પણ માત્ર હોય, અને આપણને હોવાની ખબર પડે. અર્થાત્ ‘ભાન’ એક પછી એક આવતા શબ્દોની ગતિમાં સૌંદર્ય સર્જાતું જાય અને કવિને અહો ! અહો ! થાય. એના મગજમાં આનંદની પવન-લહરીઓ આછી આછી વાય બસ આટલું જ પ્રગટ થયા પછી પરખાય છે જ્યાં પંક્તિ ત્યાં શેની ક્રાન્તદૃષ્ટિ ? ‘દર્શક’ને દેખાય જેમ મને આ કાગળમાં લખતા જતા અક્ષરો એક પછી એક દેખાતા જાય છે તેમ. બસ આટલું જ બાકી આ કળાનું બખડજંતર બેઝિકલી છે ફાટલું જ. પ્રાસમાં ઊછળી આવે છે કાટલું જ. પણ શેનું કાટલું ? જોખવાનું? કે શિયાળામાં શક્તિ માટે વાળીને ખાવાનું કાટલું ? સાચું કહું તો પૂર્વજોએ પકડાવેલું અથવા પકડાઈ ગયેલું ફસડાઈ ગયું છે માટલું જ— કવિતાનું. પ્રેય ઢોળાઈ ગયું છે શ્રેય રોળાઈ ગયું છે શ્રેય-પ્રેય કશું નથી હેય કે ઉપાદેય. પડ્યું છે બધું કટકેકટકા થઈને નીચે— શું કરું ? અથવા શું કરીશ ? અથવા શું થશે મારાથી ? બસ આમ આ દૃશ્ય ફ્રિજ થઈ ગયું છે. પૂરું થવાનું નથી નાટક ? ખૂલવાનું નથી કોઈ ફાટક ? મારો જ પ્રેક્ષક મને અનિમેષ તાકીને સતાવી રહ્યો છે— આ પરદા વિનાની રંગભૂમિ પર. (ઑક્ટોબર : ૧૯૭૬)