અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/માધવ ક્યાંય નથી મધુવનમાં (ફૂલ કહે ભમરાને)
Revision as of 10:05, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં : {{space}}{{space}}{{space}}માધવ, ક્યાંય ન...")
ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં :
માધવ, ક્યાંય નથી મધુવનમાં.
કાલિન્દીનાં જલ પર ઝૂકી
પૂછે કદંબડાળી,
યાદ તને બેસી અહીં વેણુ
વાતા'તા વનમાળી?
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પન્દનમાં :
માધવ, ક્યાંય નથી મધુવનમાં.
કોઈ ન માગે દાણ
કોઈની આણ ન વાટે ફરતી,
હવે કોઈ લજ્જાથી હસતાં
રાવ કદી ક્યાં કરતી!
નંદ કહે જશુમતીને, માતા વ્હાલ ઝરે લોચનમાં :
માધવ, ક્યાંય નથી મધુવનમાં.
શિર પર ગોરસમટુકી
મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન લાગ્યો,
ગયાં ભાગ્ય મુજ ફૂટી;
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમાં :
માધવ, ક્યાંય નથી મધુવનમાં.
(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૩૭-૧૩૮)