અનેકએક/ક્ષણો... ત્રણ
ક્ષણો... ત્રણ
૧
આઘેનું ઓરું
ઓરું અડોઅડ
અડોઅડ અંતર્લીન થઈ જાય
એવી ક્ષણ છે
અંતરતમ સર્વત્ર હોય
ગતિ ગતિમાન
ગતિમાન ગતિવંત
ગતિવંત ગંતવ્ય હોય
એવી ક્ષણ છે
સામે
સામે ક્ષણરહિત હોય
એવી ક્ષણ છે
૨
પછીની ક્ષણો પછી યે
કોઈ ક્ષણ રહે
એવી ને એવી
એવું બને
પરમાણુથી ઝીણી
વિદ્યુતથી વેગીલી
ક્ષણક્ષણમાં વસે
એવું બને
૩
ક્ષણો
મને હંફાવે છે
હું હાંફું છું
કઈ ક્ષણે
આરંભી હશે,
મને ક્ષણોમાં
ક્ષણોને મારામાં
પસાર કરવાની આ રમત?
ક્ષણો
ધારણ કરે છે મને
તત્ક્ષણ
હું ક્ષણોને
૪
ક્ષણને
ઝીલી ઝાલી ઝુલાવી
પકડી પછાડી પડકારી ધુત્કારી
સ્વીકારી
નકારી હારી
ધારી
ક્ષણમાં
ઝૂલી ઝૂમી ઝૂઝી
વસી વહી ભળી
પ્રસ્તરી
ક્ષણથી
ઝૂકી
ડરી... ડગમગી... તૂટી
ખૂટી
છતાં... છ..તાં..
ક્ષણ
સરી ગઈ
૫
દરેક ક્ષણ
જે જે હોય
તે... તે... સઘળું
સમેટી
અથથી ઇતિ
લઈ જાય છે
દરેક ક્ષણ
ઉદ્ભવ લય
શૂન્ય શાશ્વતની
સંધિવેળા છે
૬
નથીની
ઉત્પત્તિ-લયની વચ્ચે
સ્થિતિ
અકળ છે
છેની
ઉત્પત્તિ-લયથી વ્યતિરિક્ત
અનુપસ્થિતિ
અકળ છે
ક્ષણોનો
છે-નથીની સહોપસ્થિતિમાં પ્રાદુર્ભાવ
અકળ છે
ક્ષણ
અકળ છે
૭
હે
સહસ્ર શીર્ષવદના સહસ્રાક્ષી સહસ્રપાદ
અગોચરા અશ્રાવ્યા અસ્પર્શ્યા
ક્ષણ...
તને
કેમ જાણું
અનન્યા હે!