શાંત કોલાહલ/શ્વાનસંત્રી
વ્યતીત રાત્રી ઠીક ઠીક
શીતલ હવા
હવે નિશ્ચલ અંધકાર
પોઢી રહ્યો ભૂમિ અને ભરી નભ.
નિતાન્ત શાન્તિ
ત્યહીં શ્વાન (મારી કને સૂતેલો)
કણસે, ભસી રહે.
અંધાર માહીં અણસાર કોઈ ના
આકાશમાં તારક અર્ધનિદ્રિત.
ને શ્વાનનો સતત શોર આટલો !
વળી વળી હું નીરખું ગલી મહીં
ને કોઈ ત્યાં, કોઈ દિશા મહીં ક્યહીં !
જરા કંઈ મર્મર શુષ્ક પર્ણની
હવા હશે, પન્નગ વા વિહંગમ
‘થવા કશું યે નહિ
ને છતાંય તે
આ શ્વાનનો શોર !(ન હેતુહીન !)
સંચાર કૈં વાયુ તણી લહેરમાં
બીજું કશું યે નહિ
ત્યાં સમીપની
કુટીરના દીપકનો અનાવૃત
પ્રકાશ ઓળામય હોલવાય.
ને વારું તો યે પણ શ્વાન માહરો
હજીય તે ક્રુદ્ર હતાશ ક્રંદતો.
એની કરીને અવહેલના
ફરી નિશ્ચિત હું લીન બનું
સુષુપ્તિમાં.
સવારના કોમલ વાયુસ્પર્શથી
જાગું,
કને જોઉં સૂતેલ
માહરો સાથી
પણે દ્વાર કુટીરનું રહ્યું
જૃંભાશું વિસ્ફારિત....
નિત્ય જેમ
આવે નહીં સૂર પ્રભાતગીતના
કર્મણ્યકિલ્લોલ ઝરંત કંઠના...
સાશંક હું સાદ કરું
ન ઉત્તર.
અવાજથી હું નીરખું ફરી ફરી.
ન કોઈ
આ પિંજર મેલી આમ જ
પ્રયાણ હંસે કીધ રાત્રિને વિષે.
હું શ્વાન બાજુ અવ શોચતો લહું
એ તો અવજ્ઞા થકી મૂક ઘોરતો
પર્યંકની પાંગઠની કને હજી.