શાંત કોલાહલ/ધરુ

Revision as of 01:28, 28 March 2023 by Meghdhanu (talk | contribs) (+created chapter)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ધરુ


છલોછલ
ભરેલ ક્યારા મહીં ભાતના
ધરુ ચોપી રહ્યાં બેઉ અમે લળી લળી.
શેઢે ત્યહીં
જાંબુની ડાળ-દોરડે
હિંડોલતી ટ્હૌકતી વન્યપંખીણી સમી
અમારી દુહિતા...
અસીમ આ એકાન્ત એના થકી છે ભર્યું ભર્યું.

આવી-
ઘડી શ્રાવણ કેરું અંબર ભરી-
પળે વાદળ
(તેજછાંયના તરંગને લોલ વહેણ)
ખેતરે ઝીલાય એની જલતાપ ઝર્મર.

આમૂલ આણ્યાં
અહીં નવ્ય ભૂમિમાં ચોપી રહ્યાં તે ધરું !
ના, ધરું નહીં....
રે ન્યાળું એમાં સુકુમાર કન્યકાતણું
સમુત્ફૂલ્લ ગભીર આનન
(વિદાયના મંગલ પર્વનું)
અને
એને હું ન્યાળું ત્યહીં શસ્ય ધારતી.