એકોત્તરશતી/૧૭. બ્રાહ્મણ

Revision as of 07:26, 28 March 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બ્રાહ્મણ (બ્રાહ્મણ)}} {{Poem2Open}} અંધારી વનની છાયામાં, સરસ્વતીનદીના કિનારે સાંજનો સૂર્ય આથમી ગયો છે; સમિધના ભારા માથા પર લઈને ઋષિપુત્રો વનાન્તરમાંથી શાંત આશ્રમમાં પાછા આવી ગયા છ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


બ્રાહ્મણ (બ્રાહ્મણ)


અંધારી વનની છાયામાં, સરસ્વતીનદીના કિનારે સાંજનો સૂર્ય આથમી ગયો છે; સમિધના ભારા માથા પર લઈને ઋષિપુત્રો વનાન્તરમાંથી શાંત આશ્રમમાં પાછા આવી ગયા છે. સ્નિગ્ધ શાંત આંખોવાળી અને થાકેલી હોમ–ધેનુઓને ડચકારીને તે તપોવનની ગૌશાળામાં પાછી લઈ આવ્યા છે. સન્ધ્યા—સ્નાનથી પરવારી, બધા ભેગા થઈ, હોમાગ્નિના પ્રકાશમાં કુટીનાં આંગણામાં ગુરુ ગૌતમને ઘેરીને પોતપોતાના આસન પર બેસી ગયા છે. શૂન્ય અનન્ત આકાશમાં ધ્યાનમગ્ન મહાશાન્તિ છે; નક્ષત્રમંડળી હારબંધ ગોઠવાઈને બેસી ગઈ છે સ્તબ્ધ, નિઃશબ્દ કુતૂહલભરી શિષ્યમંડળીની પેઠે. એકાંત આશ્રમ એકદમ ચમકી પડ્યો, મહર્ષિ ગૌતમ બોલ્યાઃ ‘વત્સો, બ્રહ્મવિદ્યા કહું છું, ધ્યાનપૂર્વક સાંભળો,’ એવામાં અજલિમાં અર્ધ્ય લઈને એક તરુણ બાળકે પ્રાંગણમાં પ્રવેશ કર્યો. ઋષિનાં ચરણકમળની ફળફૂલપત્રથી પૂજા કરી, ભક્તિભાવપૂર્વક પ્રણામ કરી તેણે કોકિલકંઠે, અમૃત સરખા સ્નિગ્ધ સ્વરે કહ્યું, ‘ભગવન્, હું બ્રહ્મવિદ્યા શીખવાનો અભિલાષી છું, દીક્ષા માટે આવ્યો છું, કુરુક્ષેત્રનો વાસી છું—મારું નામ સત્યકામ.' આ સાંભળી સ્મિતહાસ્ય કરી મહર્ષિએ સ્નેહભર્યા શાંત શબ્દોમાં એને કહ્યું : ‘કુશળ હો, સૌમ્ય, તારું ગોત્ર શું? હે વત્સ, માત્ર બ્રાહ્મણને જ બ્રહ્મવિદ્યા મેળવવાને અધિકાર છે.’ બાળકે ધીરેથી કહ્યું: ‘ભગવન્, ગોત્રની મને ખબર નથી, રજા આપો તો માને પૂછીને કાલે આવીશ!' આટલું કહી ઋષિના ચરણમાં પ્રણામ કરી, સત્યકામ અંધારી ઘોર વન-વીથિમાં થઈને ચાલી ગયો; સરસ્વતીના ક્ષીણ સ્વચ્છ શાંત પ્રવાહને પગે ચાલીને પાર કરી, નદીના રેતાળ તટ પર નિદ્રા-નીરવ ગામના છેવાડે માતાની કુટિરમાં તેણે પ્રવેશ કર્યો. ઘરમાં સધ્યાદીપક બળતો હતો; માતા જબાલા પુત્રની રાહ જોતી બારણું પકડીને ઊભી હતી. તેને જોતાં જ છાતી સરસો ખેંચી એનું માથું સૂંઘી એનું કલ્યાણ કુશળ વાંચ્છયું. સત્યકામે પૂછ્યું : ‘કહે, મા, મારા પિતાનું નામ શું અને કયા વંશમાં મારો જનમ થયો છે? હું દીક્ષા માટે ગુરુ ગૌતમની પાસે ગયો હતો; ગુરુએ મને કહ્યું : વત્સ, માત્ર બ્રાહ્મણને જ બ્રહ્મવિદ્યા મેળવવાનો અધિકાર છે મા, મારું ગોત્ર કયું?’ આ સાંભળી માતાએ નીચું મોં કરી મૃદુકંઠે કહ્યું : જુવાનીમાં દારિદ્ર્યના દુઃખે અનેકની પરિચર્યા કરીને હું તને પામી છું. તું પતિહીન જબાલાના ખોળે જન્મ્યો છે, તારા ગોત્રની મને ખબર નથી, બાપુ!' બીજે દિવસે તપોવનનાં તરુઓની ટોચે પ્રસન્ન નવું પ્રભાત ઊગ્યું, ઝાકળથી સ્નિગ્ધ બનેલા તરુણ પ્રકાશ જેવા, ભક્તિનાં આંસુથી ધોવાયેલી નવી પુણ્યજટા જેવા, પ્રાતઃસ્નાનથી સ્નિગ્ધ સુંદર દેખાતા, ભીની જટાવાળા, પવિત્ર શોભાવાળા, સૌમ્યમૂર્તિ અને સમુજ્જવળ કાયાવાળા બધા તાપસબાળકો પ્રાચીન વડની છાયામાં ગુરુ ગૌતમને ઘેરીને બેઠેલા છે. પંખીઓનું કલકલ ગાન, ભમરાઓનું ગુંજનગીત અને જળનું કલતાન—એ બધાની સાથે તરુણ બાળકોના ગંભીર, મધુર અને વિચિત્ર કંઠમાંથી શાંત સામગાનના સમૂહ ધ્વનિ ઊઠે છે. એવામાં સત્યકામે પાસે આવી ઋષિના ચરણમાં પ્રણામ કર્યા, અને મોટી આંખો પહોળી કરી તે નીરવ ઊભો રહ્યો. પછી આચાર્યે આશીર્વચન કહી પૂછ્યું : હે સૌમ્ય, હે પ્રિયદર્શન, કયું ગોત્ર છે તારું?’ બાળકે ઊંચુ માથું કરી કહ્યું : ભગવન્, મારું ગોત્ર કયું તેની મને ખબર નથી. માતાને મેં પૂછ્યું, ત્યારે તેણે કહ્યું: સત્યકામ, અનેકની પરિચર્યા કરીને હું તને પામી છું. તું પતિહીન જબાલાના ખોળે જન્મ્યો છે. તારા ગોત્રની મને ખબર નથી!' આ વાત સાંભળીને શિષ્યોએ ધીમો ગણગણાટ શરૂ કર્યો—મધપૂડામાં માટીનું ઢેફું પડતાં માખીઓ ક્ષુબ્ધ અને ચંચળ બની જાય તેમ. બધા વિસ્મયથી વ્યાકુળ બની ગયા હતા—કોઈ હસ્યું, તો કોઈએ આ નિર્લજ્જ અનાર્યનો અહંકાર જોઈ એનો ફિટકાર કર્યો. ગૌતમ ઋષિ આસન પરથી ઊભા થયા અને બાહુ પ્રસારી બાળકને આલિંગન કરી બોલ્યા : ‘તું તાત, અબ્રાહ્મણ નથી, તું દ્વિજોત્તમ છે, તું સત્યકુળમાં જન્મેલો છે.’

(અનુ. રમણલાલ સોની)