એકોત્તરશતી/૨૭. મદન ભસ્મેર પર

Revision as of 12:47, 28 March 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મદનભસ્મ પછી (મદનભસ્મેર પર)}} {{Poem2Open}} હે સંન્યાસી, પંચશરને ભસ્મ કરીને તેં આ શું કર્યું? તેં એને આખા વિશ્વમાં ફેલાવી દીધો! એની વ્યાકુળ વેદના વાયુમાં નિશ્વાસ નાખે છે. એનાં અશ્રુ આ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મદનભસ્મ પછી (મદનભસ્મેર પર)


હે સંન્યાસી, પંચશરને ભસ્મ કરીને તેં આ શું કર્યું? તેં એને આખા વિશ્વમાં ફેલાવી દીધો! એની વ્યાકુળ વેદના વાયુમાં નિશ્વાસ નાખે છે. એનાં અશ્રુ આકાશમાં દડે છે. રતિવિલાપના સંગીતથી આખું વિશ્વ ભરાઈ જાય છે. બધી દિશાઓ આપોઆપ રડી ઊઠે છે. ફાગણ માસમાં કોણ જાણે કોના ઇશારાથી એક પલકમાં અવની ધ્રૂજીને મૂર્છા ખાઈને પડે છે, એટલે આજે મને સમજાતું નથી કે હૃદયવીણાયંત્રમાં મહા પુલકથી શાની વેદના ગાજે છે, તરુણી બેઠી બેઠી વિચાર કરી કરીને મરી જાય છે, તેને સમસ્ત દ્યુલોક અને ભૂલોક મળીને શી સલાહ આપે છે. બકુલતરુના પલ્લવમાં શી વાત મર્મરી ઊઠે છે, ભ્રમર શી ભાષા ગુંજરી ઊઠે છે! સૂર્યમુખી ઊર્ધ્વમુખે કયા વલ્લભને સ્મરે છે, નિર્ઝરિણી કઈ પિપાસાને વહે છે! જ્યોત્સનાના પ્રકાશમાં કોનું વસ્ત્ર રોળાતું નજરે પડે છે, નીરવ નીલ ગગનમાં કોની આંખો(દેખાય છે)! કિરણોના ઘૂમટામાં ઢંકાયેલું કોનું મુખ દેખાય છે, તૃણની પથારીમાં કોના કોમલ ચરણ(દેખાય છે)! કોનો સ્પર્શ પુષ્પની વાસમાં પ્રાણ અને મનને ઉલ્લસિત કરીને હૃદયમાં લતાની પેઠે વીંટળાઈને ચડે છે—હે સંન્યાસી, પંચશરને ભસ્મ કરીને તેં આ શું કર્યું, તેં તો તેને આખા વિશ્વમાં ફેલાવી દીધો.

(અનુ. નગીનદાસ પારેખ)