દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૯૨. ફેરફાર થવા વિષે

From Ekatra Foundation
Revision as of 15:27, 19 April 2023 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search


૯૨. ફેરફાર થવા વિષે

ઉપજાતિ વૃત્ત


કુંભારનું ચક્ર જુઓ ફરે છે,
દૃષ્ટિ ભણી ભાગ જુદો ધરે છે;
ક્ષણે ક્ષણે આ જગમાં લગાર
થતો દિસે તેમજ ફેરફાર.

પૃથ્વીતણી નિત્ય ગતિ વિચારો;
તેથી નિશા વાસર છે થનારો;
ક્ષણે ક્ષણે થાય નવો પ્રકાર,
થતો દિસે તેમન ફેરફાર.

રવી ઉગીને ચઢતો જણાય,
સાંજે જુઓ તે વળિ અસ્ત થાય;
સ્થિતી જણાયે ફરતી અપાર,
થતો દિસે તેમજ ફેરફાર.

જે જે ચીજો આ નજરે ગણાય,
ક્ષણે ક્ષણે કાંઈક તે ઘસાય;
અંતે પછી નાશ નકી થનાર,
થતો દિસે તેમજ ફેરફાર.

જે ચાલતા કે સ્થિર જીવ જામે,
વધી વધીને પરિણામ પામે;
પછી થવાનો ક્ષિણતા વિકાર,
થતો દિસે તેમજ ફેરફાર.

પૃથ્વી વિષે જે બહુ પર્વતો છે,
થતા દિસે તે પણ માપ ઓછે;
વિદ્વાન જાણે મનમાં વિચાર,
થતો દિસે તેમજ ફેરફાર.

વડી વડી જે નદિયો વહે છે,
તે સર્વદા ઓછી થતી રહે છે;
સદૈવ ચાલે નહિ એક ઠાર,
થતો દિસે તેમજ ફેરફાર.

સમુદ્ર પાછો હઠતો જણાય,
કોઈ સ્થળે તે વધતો જ જાય;
જ્યાં પૃથ્વિ છે ત્યાં જળ કોઈ વાર,
થતો દિસે તેમજ ફેરફાર.

જ્યાં વસ્તિ છે ત્યાં વન તો થવાનું,
અરણ્યમાં પૂર થશે પ્રજાનું.
બની રહે ઉત્તમ ત્યાં બજાર,
થતો દિસે તેમજ ફેરફાર.

જે કાળથી આ જગ નીપજ્યું છે,
નવું નવું રૂપ સદા સજ્યું છે;
રહે ન એક સ્થિતિ માસ બાર,
થતો દિસે તેમજ ફેરફાર.

જે જાતિનાં ઝાડ અગાઉ થાતાં,
તે જાતિનાં આજ નથી જણાતાં;
થયાં દિસે પથ્થરને પ્રકાર,
થતો દિસે તેમજ ફેરફાર.

હતા પશુ હાથી થકી ઉતંગ;
પરંભમાં પથ્થર રૂપ અંગ;
જોતાં જડે છે કદિ કોઈ ઠાર,
થતો દિસે તેમજ ફેરફાર.

પૂર્વે હતી વસ્તિજ મચ્છ કેરી,
વનસ્પતી તો પછિ થૈ ઘણેરી;
પક્ષી પશુ તે પછિ બેસુમાર,
થતો દિસે તેમજ ફેરફાર.