રચનાવલી/૯૮

From Ekatra Wiki
Revision as of 15:19, 3 May 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૯૮. પંથેર પાંચાલી (વિભૂતિભૂષણ બંદોપાધ્યાય) |}} {{Poem2Open}} કેટલીક નવલકથાઓ એટલી પ્રસિદ્ધ હોય છે કે દિગ્દર્શકો એના પરથી ચલચિત્ર તૈયાર કરવા પ્રેરાય છે, પણ ક્યારેક એવું બને છે કે દિગ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૯૮. પંથેર પાંચાલી (વિભૂતિભૂષણ બંદોપાધ્યાય)


કેટલીક નવલકથાઓ એટલી પ્રસિદ્ધ હોય છે કે દિગ્દર્શકો એના પરથી ચલચિત્ર તૈયાર કરવા પ્રેરાય છે, પણ ક્યારેક એવું બને છે કે દિગ્દર્શક ચલચિત્ર તૈયાર કરે છે ને નવલકથા પ્રસિદ્ધ થઈ જાય છે. બરાબર આવું જ બન્યું ૧૯૫૫માં, સત્યજિત રાયનું બંગાળી ચલચિત્ર 'પંથેર પાંચાલી' રજૂ થયું અને જોતજોતામાં એનું જગતનાં ઉત્તમ ચલચિત્રોમાં સ્થાન નિશ્ચિંત થઈ ગયું. અને એની સાથે બંગાળ બહાર ભાગ્યે જ ખ્યાતિ પામેલા બંગાળી નવલકથાકાર વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની નવલકથાને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી ચૂકી. અલબત્ત, બંગાળબહાર આ લેખકની જાણકારી ઓછી હતી. એનો અર્થ એવો નહોતો કે લેખક સશક્ત નહોતા. બંગાળી સાહિત્યમાં વિભૂતિભૂષણનું મહત્ત્વનું પ્રદાન છે. યુરોપીય સાહિત્યના સંપર્કથી એના અનુકરણમાં આધુનિકતા સાથે જે કૃતકતા અને કૃત્રિમતા પ્રવેશી ગયેલી એની વચ્ચે આ કૃતિએ લોકજીવનની નજીક રહીને સ્વાભાવિકતાને પુરસ્કારી છે. ગ્રામજીવન, એની કુદરત, એના માણસોના નાના નાના પ્રસંગો – વગેરેમાં આ લેખકે એનું મન પરોવ્યું આ અને જીવાતા જીવનની નજીક પહોંચીને એના મૂળમાં ઊતરવાનો પ્રયત્ન કર્યો છે. વિભૂતિભૂષણ એવો અનુભવ આપે છે જે આપણામાં ઊંડે ખૂંપી જાય, આપણો પોતાનો જ એક ભાગ બની જાય. આથી જ વિભૂતિભૂષણે દિલીપ રોય પરના પત્રમાં જણાવેલું કે ‘મોટી ઘટનાઓમાં મને શ્રદ્ધા નથી. રોજ-બરોજના જીવનમાંથી જાગતા સરલ આનંદ અને વિષાદમાંથી મને સાચું તત્ત્વ મળી આવે છે, જે ગામડાંની સીમમાં વહેતા વોંકળાની જેમ ધીરે ધીરે પણ સ્થિરતાથી વહ્યું જાય છે, જીવનની આસ્થા તરફ, એના આનંદ તરફ. કથા સાહિત્યે આટલી હદે માયાવી શા માટે બનવું જોઈએ? કોઈ કૂદાકૂદભરી કરામતની જેમ વાર્તાવસ્તુના કૃત્રિમ આયોજન કે ઊભી કરેલી ઘટનાઓ મને મંજૂર નથી. જુઠાણાંની જાળ વણવા માટે થઈને આપણે અમૂલ્ય વાસ્તવિકતાને શા માટે અવગણવી જોઈએ? નકલી સામગ્રી વેચનારાઓ સાથે મારે દોસ્તી નથી.’ વિભૂતિભૂષણનાં લખાણોમાં અસલિયત એમના જીવનમાંથી ઊતરી આવી છે. એમના પ્રપિતામહ વ્યવસાયે વૈદ્ય હતા, પણ પિતા મહાનંદે આજીવિકાના સાધન તરીકે પુરોહિત કાર્ય સ્વીકારેલું. ક્યાંક કથાકાર તરીકે શ્રોતાઓ સમક્ષ મહાભારત રામાયણની કથા પણ કહેતા. એ માટે દેશાટન પણ કરતા, દુર્ગાપૂજા વખતે ઘરે આવીને પાછા જતા રહેતા. આવા સંજોગોમાં વિભૂતિભૂષણ માતાની પાસે રહી ઊછર્યા. એમનું ભણતર પહેલાં બનગોંવ હાઈસ્કૂલમાં, પછી કલકત્તાની રિપન કૉલેજમાં, ત્યાંથી જ બી.એ. થયા પછી તત્ત્વજ્ઞાન સાથે એમ.એ.માં દાખલ થયા ત્યારે પિતાનું અવસાન થતાં જીવન વેરવિખેર બની ગયું. જાતભાતની નોકરી દરમ્યાન એમને જંગલના અંદરના પ્રદેશોનો, બંગાળના દૂરના ગ્રામપ્રદેશોનો અને કુદરતી અપાર સંપત્તિનો પરિચય થયો. આ અનુભવે જ એમને અનેક વાર્તાઓ, નવલકથાઓ, ડાયરી, આત્મકથાત્મક લખાણો, સ્મૃતિનોંધો, પત્રસાહિત્ય વગેરે લખવા પ્રેર્યા છે. આ બધામાં એમની પંથેર પાંચાલી' ‘આરણ્યક' આદર્શ હિન્દુ હૉટેલ જેવી નવલકથાઓ પ્રસિદ્ધ છે. ‘પંથેર પાંચાલી’ ઉપેન્દ્રનાથ ગાંગુલીના વિચિત્રા' માસિકમાં ૧૯૨૮-૨૯ દરમ્યાન હપ્તે હપ્તે પ્રગટ થઈ અને ૧૯૨૯ના છેલ્લા દિવસોમાં એનું પુસ્તકાકારે પ્રકાશન થયું. વિભૂતિભૂષણની નવલકથાઓમાં પંથેર પાંચાલી એમની ઉત્તમ નવલકથા રહી છે. એમાં પિતા મહાનંદનું પુરોહિતકાર્ય, એમનું દેશાટન, કુટુંબની ગરીબાઈ વગેરે પોતાના અનુભવોને લેખકે ખપમાં લીધા છે. ‘પંથેર પાંચાલી’ બંગાળના નિશ્ચિન્દિપુર ગામનો જૂની પરંપરાનો બ્રાહ્મણ હરિહર રે પોતાના કુટુંબનું પોષણ કરી શકતો નથી અને અંતે એને વધુ સારા જીવનની શોધમાં પોતાનું ગામ છોડવું પડે છે, એની કથા છે. આ કથાની આસપાસ પાત્રો, પ્રસંગો એવી રીતે ગોઠવાયાં છે કે ભારતીય જીવનની અનેક સમસ્યાઓ એમાંથી આકારિત થાય છે. નિશ્ચિન્દિપુરના એક ખૂણામાં પૂર્વજોના જર્જર ઓરડામાં પત્ની સર્વજયા, દીકરી દુર્ગા અને દૂરની વૃદ્ધ બહેન ઈન્દિરા સાથે રહેતો હરિહર જમાનવટુ કરી માંડ માંડ જીવનનો ગુજારો કરી રહ્યો છે, ત્યાં પુત્ર અપુનો જન્મ થાય છે. દુર્ગા અને અપુ ગામનાં બગીચાઓમાં, જંગલમાં, તળાવ પર, નદીના ઘાટ પર રમતા મોટાં થાય છે. અપુ મા પાસેથી કથાઓ સાંભળે છે અને પોતાની કલ્પનાનું જગત રચ્યા કરે છે. સર્વજ્યા અને ઈન્દિરા વચ્ચે અણબનાવ છે, પણ દુર્ગાને ઈન્દિરા તરફ લગાવ છે. છેવટે અતિવૃદ્ધ ઈન્દિરાનું અવસાન થાય છે. આ બાજુ દુર્ગા અને અપુ આખો દિવસ આમતેમ દોડ્યા કરે છે, શોરબકોર કરે છે અને ગામના નાના ખોરડાને જીવતું રાખે છે. હરિહર ગરીબાઈથી વાજ આવી ગામ છોડીને કામની શોધમાં જાય છે. વચમાં વચમાં એ પૈસા મોકલતો રહેતો. પછી તો પૈસા આવવા બંધ થયા અને કાગળ આવવા પણ બંધ થયા. સર્વજયા મૂંઝાતી રહી. એક દિવસ દુર્ગા માંદી પડે છે. વાસણકૂસન વેચીને સર્વજયા માંડ દિવસો કાઢે છે. દુર્ગા મૃત્યુ પામે છે. દુર્ગાના મૃત્યુથી અપુનું મન એકદમ બેચેન બની જાય છે. દુર્ગાપૂજા પહેલાં હરિહર દુર્ગા માટે સાડી અને અળતો તેમજ અપુ માટે કથાની પોથીઓ લઈને બંનેને બૂમ મારતો આવી ચઢે છે, પણ સર્વજયા ડૂસકે ડૂસકે રોઈ ઊઠે છે. દુર્ગા હવે ક્યાં? ત્યારબાદ, હરિહર અપુ અને સર્વજ્યા સાથે ગામ છોડે છે અને કાશી પહોંચે છે. ત્યાં પણ ગરીબાઈ પીછો નથી છોડતી. અપુને ગામનું મુક્ત વાતાવરણ મળતું નથી. એક દિવસ હરિહર પણ તાવમાં પટકાઈ મૃત્યુ પામે છે. મા દીકરો ગામ પાછા ફરવાનું વિચારે છે. અપુની કલ્પનામાં ગામની યાત્રા શરૂ થાય છે પણ પથદેવતા હસે છે. કહે છે ‘તારા ગામનું વાંસવન, બીટુ રાયનું વટવૃક્ષ – ત્યાં સુધી જ મારો રસ્તો જવાનો છે? દેશની સીમાને પાછળ છોડી વિદેશ સુધીની, સૂર્યોદયને પાછળ છોડી સૂર્યાસ્ત સુધીની, પરિચિત જગતની સીમાઓને પાર કરી લે. અપરિચિતની તરફ ચાલ્યા જવાનું છે.... આગળ વધ્યા કરવાનું છે.’ આ દરમ્યાન સર્વજ્યા અને અપુને શહેરમાં એક મોટી હવેલીમાં કામ મળે છે પણ હવેલીનો ખરાબ વ્યવહાર મા દીકરાનાં મનને કડવાશથી ભરી દે છે. એક દિવસ અપુને માલિક મારે છે; અને સર્વજ્યાને થાય છે કે ગામ તરફ જઈએ કે કાશી તરફ ચાલ્યા જઈએ? અપુ સૂતો છે. હળવી ઊંઘમાં છે. ગામના મુક્ત જીવનની ઘણી વાતો અપુના મનમાં આવ-જા કરે છે. ગામમાં પાછા ફરવાનો રસ્તો માનો કે સમાપ્ત જ નહોતો થતો.... રોજિંદા જીવનની નાની નાની ઘટનાઓના ઘેરા પડઘાઓ, બાળક જેવો કુદરત તરફનો પ્રેમ, સામાન્ય માનવીના મનની હલચલને પકડનારું સંવેદન – આ બધું આ નવલકથાને સચ્ચાઈનો રણકો આપે છે. લેખકનું અંગત અને આત્મકથાત્મક તથ્ય ‘પંથેર પાંચાલી'માં ઓગળીને કલારૂપ પામ્યું છે.