રચનાવલી/૧૧૫
વૃક્ષ હજી મનુષ્યનો આદર્શ રહ્યો છે. ફળ આવતાં ગર્વ કર્યા વગર એનું નમી જવું, સ્વાર્થ વગર છાંયો આપવો, વાતાવરણમાં પ્રાણવાયુ ભરવો વગેરે કૃત્યો તો અનુકરણ કરવાં પાત્ર છે જ, પણ માથા પર આકાશ ઝીલીને એક જગ્યાએ મૂળિયાં નાખી વૃક્ષ જે એની જડ પકડે છે એનો મહિમા કદાચ આજના મનુષ્યની નજરમાં ખૂબ વધી ગયો છે. ઉદ્યોગ અને કોર્પોરેટક્ષેત્રે હાઈટેક અને ઇન્ફોટેકની વચ્ચે જીવતો મનુષ્ય વિશ્વના એક ખૂણેથી બીજે ખૂણે હાંફળોફાંફળો અંધાધૂંધ દોડી રહ્યો છે. એને પગ વાળીને કે પલાંઠી વાળીને પોતા તરફ નજર કરવાની થડીની ફૂરસદ નથી. યાંત્રિક પુનરુત્પાદનના ઢગલાઓ વચ્ચે વસ્તુએ પણ એનું મૂલ્ય ગુમાવ્યું છે. વાપરો અને ફેંકો, ફેંકો અને વાપરો. કોઈએ આપેલું ફૂલ કે કોઈને દીધેલી ભેટનું તો આ બધા વચ્ચે કેટલું મૂલ્ય હોય? દેશ વળી શું છે? ગામ શું છે? વતન કઈ ચીજ છે? ઘર કઈ બલા છે? મનુષ્ય મૂલ્ય વગરનો, મૂળ વગરનો જ્યાં છે ત્યાં અજાણ્યો છે. આવા કપરા સમયમાં મલયાલમ ભાષાના લેખક મલયાસૂરિ રામકૃષ્ણની ‘જડ’ (‘વેરૂલ’) નવલકથા કલ્પનામાં તો કલ્પનામાં આશ્વાસનનો એક રમ્ય ટાપુ રચી આપે છે. આમ તો, ૧૯૨૮માં જન્મેલા રામકૃષ્ણનને ઘણી પ્રગતિશીલ વાર્તાઓ લખી છે અને ‘પોન્નિ’, ‘યક્ષિ’, ‘અંચુસેન્ટ’, ‘યંત્રમ્' વગેરે લોકપ્રિય નવલકથાઓ પણ આપી છે. પરંતુ, મનોવિજ્ઞાનના અભિગમથી અને વ્યંગની વિશેષ શક્તિથી જડ નવલકથાનું સ્થાન નોખું છે. વતનનું ઘર વેચવા નીકળેલો નાયક ઘર વેચવાનો વિચાર માંડી વાળી આધુનિક જીવનશૈલીની સંકુચિત આત્મકેન્દ્રી સ્વાર્થી વૃત્તિમાંથી મુક્તિ મેળવે છે, પણ સાથે સાથે ભૂતકાળનાં સમૃદ્ધ સંવેદનોમાં પહોંચીને ભવિષ્ય માટેના નવા પુરુષાર્થનો સંકલ્પ કરે છે એ આ નવલકથાનો વિષય છે. નવલકથાનો નાયક રહ્યુ છે. અત્યંત ગરીબ પરિવારમાંથી માંડ માંડ આઈ. એ. એસ. કક્ષાએ પહોંચેલા રઘુને એક ધનાઢ્ય ઉદ્યોગપતિ પિતા મોટા દહેજ સાથે પોતાની પુત્રી ગીતા પરણાવે છે. રઘુના પરિવારને ગીતાનો પરિવાર અમુક નજરે જ જોતો હતો અને પૂરા આદર વગર વર્તતો હતો. પણ તેમ છતાં રઘુની બંને બહેનો અમ્મુલુ અને લક્ષ્મીએ એ કડવો ઘૂંટ ગળે ઉતારી લીધો હતો. રઘુનો પરિવાર મંડાયો. ગીતા ક્લબજીવનમાં રચીપચી રહી. પતિના હોદ્દાનો એને ગર્વ હતો. પોતાનાં બાળકો પડોશીઓ સાથે હળેમળે એ એને પસંદ નહોતું. રીતભાત માટે એ પૂરતી કાળજી રાખતી. એવામાં, પતિપત્ની વચ્ચે નવું મકાન બનાવવાની બાબતમાં ચડભડ શરૂ થઈ. પત્નીની ઇચ્છા હતી કે માત્ર સરકારી પગાર કે લોનમાંથી તો તદ્દન સાધારણ મકાન જ બને. પણ જો ગામની જમીન અને ઘર વેચી નાખવામાં આવે તો પોતાના પિતાની અને પોતાની પ્રતિષ્ઠા પ્રમાણેનો મોટો બંગલો તૈયાર થઈ શકે. શરૂમાં રઘુનું મને આમ કરવા રાજી નહોતું. એને થતું કે મદ્રાસમાં ઊછરેલી ગીતાને ગામની અને ઘરની મમતા નહીં સમજાય. પણ વારંવારની ઉશ્કેરણી પછી રઘુને પત્નીના કહેવામાં કંઈક તથ્ય જેવું લાગ્યું. રઘુ પોતાની કારમાં ગામ જવા નીકળી પડે છે. ગામ પહોંચતા પહેલાં, રસ્તામાં એક નાના કસબામાં રઘુ પોતાના વકીલકાકાને મળવા થોભે છે અને વાતચીતમાં કાકા પણ એને ઘરજમીન ન વેચવા માટે સમજણ આપવા પ્રયત્ન કરે છે. રઘુ, અંધારું થઈ જશે. એવું બહાનું કાઢી તરત ત્યાંથી રવાના થાય છે. ગામમાં રહેતી રધુની બંને બહેનોના પરિવાર રઘુની કાર આવીને થોભે છે તેથી ખુશખુશાલ થઈ જાય છે, પણ અચંબામાં પણ પડે છે. બંને બહેનો રઘુના બાપદાદાની જમીન પર થોડે થોડે અંતરે રહેતી હતી. પિતાએ અમુલને જમીનનો જે હિસ્સો આપેલો એમાં એણે ઘર ચણાવી દીધેલું. પણ લક્ષ્મી તો દમિયલ શિક્ષક પતિ સાથે લાકડાના તૂટ્યા ફૂટ્યા ઘરમાં જ રહેતી હતી. જમીન પરનું મુખ્ય મકાન પરદાદા આદિનારાયણે પોતાની દેખરેખમાં દેશી ઈંટોથી મજબૂત બંધાવેલું હતું. અમ્મુલુને ત્યાંથી રઘુ લક્ષ્મીને ત્યાં પહોંચ્યો અને ત્યાંથી ગોળ નાખેલી કૉફી પીને સ્નાન કરવા નદી તરફ ગયો. સ્વચ્છ નદીનાં શીતળ જળનો અનુભવ એને પ્રફુલ્લ કરી દે છે. એને વિચાર આવે છે કે મદ્રાસની ગીતા સ્નાનને માટે બાથટબથી વધીને કઈ નદીની કલ્પના કરી શકે! નહાતાં નહાતાં રઘુ ભૂતકાળનાં સ્મરણોમાં ખોવાઈ જાય છે. બહેન અમ્મુલુની આર્થિક સહાય ન મળી હોત તો એ આઈ.એ.એસ. ક્યાંથી થયો હોત! સ્નાન પછી રઘુએ અમ્મુલુને ત્યાં ભોજન કર્યું. દરમ્યાનમાં ઘરજમીન વેચવાની વાત આવતાં બેનબનેવી એના પર તૂટી પડે છે. અમ્મુલુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે આ રીતે ઘરજમીન વેચવાં એ અક્કલનું કામ નથી. ભોજન પતાવી રઘુ લક્ષ્મીને ઘેર સૂવા જાય છે. ત્યાં એને કબાટમાં દાદાની તલવાર નજરે પડે છે. એની મૂઠ આકર્ષક હતી. આ તલવાર રઘુને દાદાના સ્મરણમાં લઈ જાય છે.... અમ્મુલુએ આઈ.એ.એસ. થવામાં કરેલી આર્થિક સહાય, અમ્મુલુએ કહેલાં વચનોમાં રહેલી સચ્ચાઈ – આ બધું છતાં રઘુના મનમાં હજી ઘરજમીન વેચવાની ઇચ્છા તીવ્ર છે. એને ખબર છે કે અમ્મુલુ જીભની તેજ છે પણ એનું દિલ ખાસ્સું ઉદાર છે. અમ્મલુને ત્યાં પહોંચી ભાણેજ સાથે જમીન પર ચક્કર લગાવતા રઘુ ભાણેજને જામફળ અંગે પૂછે છે, તે સાંભળતા અમ્મુલુ રઘુ ૫૨ કટાક્ષ કરે છે અને રઘુ બગડે છે. પણ પાછળથી એને ખબર પડે છે કે જે ઠેકેદાર જોડે એ વેચાણની વાત નક્કી કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે તે અમ્મુલુના સૂચનથી જ આવેલો હતો ત્યારે રઘુને અમ્મુલુની મોટાઈ અને પોતાના નાના મનનો ખ્યાલ આવે છે. ઠેકેદાર સાથે જમીન સોદા માટે ફરતાં ફરતાં રઘુના મનમાં અનેક ભૂતકાળનાં સંવેદનો ખડાં થાય છે. પિતાના મૃત્યુ વખતે ચિતા માટે કપાયેલા આંબાના થડિયાને જોઈને રઘુ વધુ ભાવવિહ્વળ બને છે. આ બાજુ આધાર વિનાની થઈ જશે એ વિચારશી બેચેન બનેલી લક્ષ્મીને રઘુ પોતે એની વ્યવસ્થા કરશે એવું આશ્વાસન આપે છે ત્યારે લક્ષ્મી જણાવી દે છે કે મુંબઈમાં મામૂલી નોકરી કરતા દીકરા સાથે એ રહેશે પણ રઘુની ભીખ નહિ લે. આ બધા પ્રસંગોથી રઘુના મનમાં એક વાત દૃઢ થતી આવી કે મનુષ્ય અને વૃક્ષ બંનેનાં મૂળ જમીનમાં હોય છે. પોતે પોતાનું મૂળ કાપવા તૈયાર થયો છે એવો રઘુને અનુભવ થાય છે. એનું મન હવે નવી દિશામાં દોડી રહ્યું છે. એ પોતાની જમીનને સુધારીને ખૂબસુરત બાગમાં પલટવા અને એની વચ્ચે એક પોતાનું મકાન બનાવવા વિચારે છે. રઘુ લક્ષ્મીને વચન આપે છે કે એ જમીન નહીં વેચે. અને ડૂસકાં ભરેલા અવાજમાં એણે અમ્મુલની માફી માગી. એને થાય છે કે અસલી તથ્ય જાણવામાં એને કેટલા બધા દિવસો લાગ્યા!