રચનાવલી/૫૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૫૭. જલનિધિને-જૂહુ (ભૃગુરાય અંજારિયા)


ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ કવિતાની વાત નીકળે તો પહેલાં યાદ આવે કવિ કાન્તઃ મણિશંકર રત્નજી ભટ્ટ. ‘અતિજ્ઞાન', ‘વસંતવિજય', ‘ચક્રવાકમિથુન’, ‘દેવયાની’, ‘સાગર અને શશી' જેવાં એમનાં નખશિખ બેનમૂન કાવ્યો ગુજરાતી કવિતાનો અમૂલ્ય વારસો છે. તેમ, કવિ કાન્ત વિશે વાત નીકળે તો પહેલાં યાદ આવે ભૃગુરાય અંજારિયા. એમણે વર્ષો સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે ફરીને સંસ્થાઓ તેમજ વ્યક્તિઓની મુલાકાતો લઈને તેમજ જૂનાં સામયિકોનાં પાનાંઓ ઉથલાવી ઊથલાવીને કવિ કાન્તના જીવન અંગેની અને એમના સાહિત્ય અંગેની ઝીણામાં ઝીણી વિગતોને એકઠી કરી છે. એટલું જ નહીં, એક ઉત્તમ શોધનિબંધની તૈયારી કેવી હોઈ શકે એનો એ દ્વારા એક આદર્શ પૂરો પાડ્યો છે, પણ એમનો પૂર્ણતાનો આગ્રહ એવો હતો કે કાન્ત ઉપર એ સૌથી મોટા નિષ્ણાત ગણાયા છતાં એમની પાસેથી શોધનિબંધ પૂરો થયેલો ન મળ્યો. નાનપણથી માતાપિતાના અવસાનને કારણે સગાઓમાં ઊછરતા રહેલા ભૃગુરાયને જાતજાતના છત્તર તો મળતાં રહ્યા પણ હંમેશાં એમણે એકલતાનો અનુભવ કર્યો. વારસામાં તંદુરસ્તી સારી નહીં મળી હોવાથી શારીરિક કટોકટીનો સામનો કરતા જ રહ્યા. ક્યારેક સારી આજીવિકા મેળવી ન શકતા તેથી આર્થિક કટોકટી સહન કરતા રહ્યા અને આ બે કટોકટીની સાથે જીવન જીવવામાં અને ઊંચા મૂલ્યોને જાળવવામાં ક્યાંય બાંધછોડ ન કરવાને કારણે માનસિક કટોકટીનો સામનો પણ કરતા રહ્યા. તદ્દન પ્રતિકૂળ સંજોગો વચ્ચે એમણે ગુજરાતી શબ્દોની, જોડણીની, છંદોની, લેખકોની, સાહિત્યની એવી નાની નાની વીગતમાં મોટી મોટી પંચાતો કર્યે રાખી કે કોઈકને ભૃગુરાય વાંકદેખા લાગે પણ ઉત્તમને દિલચોરી વગર સ્વીકારવામાં ભૃગુરાયનો જોટો મળી શકે તેમ નથી. એમના જીવતાં તો એમણે સામયિકોમાં લેખો લખ્યા પણ કોઈ પુસ્તક બહાર પાડ્યું નહીં. એમના અવસાન પછી એમનાં પત્ની સુધાબેન અંજારિયા અને જયંત કોઠારી જેવા વિદ્વાનના સહકાર થી ‘કાન્ત વિશે’ ‘કલાન્ત કવિ અને બીજા વિશે' જોડણીકોશ' જેવાં એમનાં પુસ્તકો બહાર આવ્યાં છે. પણ એ બધામાં ભૃગુરાયે જુદી જુદી વ્યક્તિઓને આખા જીવન દરમ્યાન પત્રો લખેલા એ એમના પત્રવ્યવહારનો સંગ્રહ ‘રેષા રેષાએ ભરી જ્ઞાનઝંખા' નામે બહાર પડ્યો છે તે ખાસ ધ્યાનખેંચે તેવો છે. આ પુસ્તકમાં એમણે ક્યારેક લખેલાં કાવ્યોનો નાનકડો સંચય પણ પત્રવ્યવહારને અંતે મૂકવામાં આવ્યો છે. ભૃગુરાયની રસરુચિ ઉત્તમ પ્રકારની હતી. એમનું કાવ્ય અંગેનું વિવેચન ઉત્તમ પ્રકારનું હતું પણ એમનાં બહુ ઓછાં કાવ્યો ઉત્તમ પ્રકારનાં બની શક્યાં છે, તેમ છતાં એમનું ‘સંસ્કૃતિ' (૧૯૦૭ જુલાઈ)માં છપાયેલું 'જલનિધિને-જૂહુ' નામનું એક કાવ્ય ખાસ બચાવી લેવા જેવું છે. મુંબઈના જૂહુના દરિયાની અસરને ભૃગુરાયે સરસ રીતે આ કાવ્યમાં ઝડપી છે. આ કાવ્યના કુલ પાંચ ખંડ છે. દરેક ખંડમાં પહેલા ચાર ચાર પંક્તિના બે શ્લોકો અને છેલ્લે બે પંક્તિ એમ કુલ દશ પંક્તિ નિયમિત રીતે હોય છે. વસંતતિલકા છંદનો લય ભૃગુરાયે સુંદર રીતે પકડ્યો છેઃ ‘શી બેટથી બઢતી કીર્તનધૂન આવે' એવી પહેલી પંક્તિથી કાવ્ય શરૂ થાય છે. (અહીં કદાચ કોઈને ઉમાશંકર જોશીનાં ‘વિશ્વશાંતિ’ કાવ્યનો પ્રારંભ ‘ત્યાં દૂરથી મંગલશબ્દ આવતો’ નો પડઘો સંભળાય ખરો.) આપણને થાય કે આ બેટ ક્યો? પણ પછી બીજી પંક્તિમાં ‘ઓખા તટે’ એવો ઉલ્લેખ આવતા દ્વારિકાબેટનો ખ્યાલ આવે. સૌરાષ્ટ્રમાં જન્મેલા કવિ જૂહુ કાંઠે પહેલા પોતાના પ્રદેશના સમુદ્રને યાદ કરી રહ્યા છે. ભૃગુરાયે પછી તો સોમનાથનો અને દક્ષિણ ઘાટનો સમુદ્ર પણ પહેલા ખંડમાં યાદ કર્યો છે. દક્ષિણ ઘાટના સમુદ્રનું જે ચિત્ર દોર્યું છે તે જોવા જેવું છે. ‘જ્યાં ખંડિયેર મહીં વાયુવિલાપ જાગે/ જેમાં ગર્વગાન મહીં મગ્ન અટકી કોટ' ખંડિયેર અને વાયુના વિલાપ દ્વારા કવિએ વિનાશનો વેદના ભાવ ઊભો કર્યો છે, તો ગર્વગાનમાં મગ્ન કોટના વર્ણન દ્વારા એની સાથે સંકળાયેલી મનુષ્યની પરાક્રમકથાને યાદ કરી છે. પહેલા ખંડ પછી બીજા ખંડમાં કવિ તરત જૂહુનું વર્ણન કરે છે. જૂહુ કાંઠો એના નારિયેળી ઝુંડો, એની નિર્મળ કુદરતી શોભા અહીં શબ્દબદ્ધ થઈ છે.: ‘ આ પાસ તુંગ ઝૂલવે ત-પાન-પંખા/ પંખા કમાન રચતી તટ-છોળ તારી' નિર્મળ કુદરતી શોભા છેવટે કવિના હૃદયમાં પડછાઈ રહે છે. પ્રતિબિંબિત થવાના અર્થમાં કવિએ તદ્દન નવો શબ્દ પડછાઈ વાપર્યો છે. ત્રીજા ખંડમાં કવિ જુદી જુદી ઋતુમાં થતો સમુદ્રનો જુદો જુદો અનુભવ વર્ણવે છે પરંતુ ચોથા ખંડમાં પરોઢિયે અધીર થઈને સમુદ્રના હિલોળ સાથે રમવા જતાં કવિને સવારનાં સૂર્યકિરણો અને સમુદ્રનાં પાણી વચ્ચેનો અદ્ભુત અનુભવ છે : હિંડોળતાં જળદળો પર વાય વ્હાણાં જામે વિરાટ જળ-જ્યોતિ તણા શું રાસ' જળ અને જ્યોતિના રાસ વચ્ચે કવિ સમુદ્રનું દૂરથી ડરામણું અને નજીક કિનારે ઘુઘરિયાળું રૂપ પકડે છેઃ દૂરેથી છદ્મભય લોઢ ઉછાળી ડારે/આરે ગૂંથે ઘુઘરિયાળ તરંગમાળ' નારાયણ માટે મૃદુ સેજ બિછાવના૨ દૂરથી ડારતા સમુદ્રનું નાકથી કવિ વત્સલ રૂપ જુએ છે. છેલ્લા પાંચમા ખંડમાં સાંજની વેળા જૂહુ કાંઠાનો કવિએ અનુભવ વર્ણવ્યો છે. કદાચ કવિ કહે છે તેમ મુંબઈ છોડવાને કારણે એમની એ વિદાયવેળા છે. આ વિદાયવેળાએ ઊતરતી રાતમાં સમુદ્રનું ગાન કવિને ખુદને ગાતો કરી મૂકે છે. કવિ કહે છે : ‘ગીતોર્મિએ છલી રહ્યો મુજ રંક કંઠ' કવિનો રંક કંઠ ગીતથી છલકાઈ રહે છે. કવિ શું ગાય છે? બધો, પ્રજાપ્રજા વચ્ચેનો ભેદ ભૂલીને ચાહવાનું ગીત, પૂરેપૂરી અનુભૂતિ સાથે અને તે પણ કોઈપણ જાતના પ્રયત્ન વગર. તેથી કવિ કહે છે કે ‘એ ગીતમાં ગયું ગવાઈ ચહી જવાયું.’ કાન્તને માટે ખૂણોખાંચરો શોધતા રહેલા ભૃગુરાયનું ખૂણએખાંચરે પડેલું આ સારું કાવ્ય એકદમ ઉગારી લેવા જેવું છે.