અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જગદીશ જોષી/અનુભૂતિ
પાંદડી તે પી પીને કેટલું રે પીશે
કે મૂળિયાંને પડવાનો શોષ?
આભ જેવા આભને હૈયામાં હોય કદી
જળના વરસ્યાનો અફસોસ?
એક પછી એક મોજાં આવે ને જાય
એને કાંઠે બેસીને કોણ ગણતું?
વાદળના કાફલાનું ગીત અહીં લ્હેરખીમાં
રેશમનો સૂર રહે વણતું;
ઉઘાડી આંખે આ જાગતા ઉજાગરાને
આઘાં પરોઢ આઠ કોશ!
નીંદરતી આંખ મહીં ઊમટી ને ઊભરાતું
જાગે છે સપનાંનું ટોળું,
કિરણોની એક એક કાંકરીઓ નાખીને
જંપ્યું તળાવ નહીં ડ્હોળું;
આખા આકાશને ઓઢીને ઠરવાનો
જળને છે ઝીણો સંતોષ!