રચનાવલી/૧૧૦

From Ekatra Wiki
Revision as of 11:30, 8 May 2023 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૧૦. મહાનાયક (વિશ્વાસ પાટીલ)


ભારતની સ્વતંત્રતાની ચળવળનાં મોટેભાગે બે જ પાસાં હજી સુધી ભારતીય પ્રજા સમક્ષ આવ્યાં છે; એક ગાંધીજીની અહિંસાવાદી અસહકારનું પાસું અને બીજું હિંસાવાદી ભાંગફોડિયા ક્રાંતિકારીઓનું પાસું, પરંતુ સ્વતંત્રતાની ચળવળનું એક બહુ જ મહત્ત્વનું ત્રીજું પાસું પણ છે અને તે પાસું છે, સુભાષચન્દ્ર બોઝના શિસ્તબદ્ધ આક્રમણ દ્વારા દિલ્હીના બ્રિટિશ રાજ્યશાસનને પરાજિત કરવાનો પુરુષાર્થ લઈને ચાલતું સૈન્યવાદી પાસું. દુર્ભાગ્યે સુભાષચન્દ્ર બોઝ અને એમની આઝાદ હિંદ ફોજ (ઇન્ડિયન નેશનલ આર્મી)ના સમગ્ર વિષયને દબાવી દેવામાં આવ્યો છે. સ્વતંત્રતા પૂર્વે અંગ્રેજો એમના સામર્થ્યથી ગભરાયા હતા અને સ્વતંત્રતા પછી સુભાષચન્દ્રને એક દેવમન્દિરમાં બેસાડી દેવામાં આવ્યા હતા. પરંતુ પરાક્રમી નેતાજી આઝાદી માટે અડધું વિશ્વ ખૂંદી વળેલા. પૂર્વ એશિયામાં ત્રીસ પાંત્રીસ હજાર યુદ્ધકેદીઓને ભેગા કરીને એમણે હિંદ પર આક્રમણ કરવા આઝાદ હિંદ ફોજની રચના કરેલી. મહિલાઓના હાથમાં બન્દૂક આપીને મહિલાઓને શક્તિશાળી હોવાનો વિશ્વાસ આપેલો. જપાન જેવા રાષ્ટ્ર એમને ‘મિત્રરાષ્ટ્ર' તરીકે સ્વીકારીને જબરો સહકાર આપેલો. નેતાજીની મહેચ્છા હતી કે બીજા વિશ્વયુદ્ધની તક ઝડપીને બ્રિટિશ સરકારને હચમચાવી પરાજિત કરી દેશને મુક્ત કરવો. એમના આ સમગ્ર પુરુષાર્થની કડીબદ્ધ જાણકારીનો આજ સુધી અભાવ હતો. એમનું કાર્યક્ષેત્ર જર્મન અને જપાન તેમજ પૂર્વ એશિયા રહ્યું હોવાથી નેતાજી અંગેનું સાહિત્ય જર્મન, જપાની, બ્રહ્મી, ફ્રેન્ચ, બંગાળી જેવી ભાષાઓમાં અને જગતનાં અનેક દફતરોમાં અટવાઈ ગયું હતું. આ બધી ભાષાઓમાં પડેલાં દસ્તાવેજોના અભ્યાસને ધ્યાન પર લઈ સુભાષચન્દ્ર બોઝના વ્યક્તિત્વનું અને એમના પુરુષાર્થનું સમસ્ત ચિત્ર આલેખવું એ એક પડકાર હતો. આવો પડકાર મરાઠીના પ્રસિદ્ધ નવલકથાકાર વિશ્વાસ પાટીલે ઝીલી લીધો છે. કોલ્હાપુર જિલ્લાના ખેડૂત કોમમાં જન્મેલા અને અંગ્રેજી સાહિત્યમાં અનુસ્નાતક થયેલા વિશ્વાસ પાટીલે ‘ઝાડાઝડતી' જેવી નવલકથા લખીને સાહિત્ય અકાદમી દિલ્હીનું પારિતોષિક મેળવ્યું છે; તો એમની ‘પાણીપત' નવલકથા પરથી તૈયાર થયેલું ‘રણાંગણ’ નાટક મરાઠી રંગભૂમિની સિદ્ધિ બની ચૂક્યું છે. સુભાષચન્દ્ર બોઝ પર એમણે લખેલી લગભગ ૮૦૦ પાનની બૃહદ નવલકથાની મરાઠી ભાષામાં એક વર્ષમાં ત્રણ આવૃત્તિ થઈ ચૂકી છે. જ્ઞાનપીઠ સંસ્થાએ એનો હિન્દી અનુવાદ કરાવી ‘મહાનાયક'ની રાણી ઝાંસી રેજિમેન્ટની ખ્યાતિપ્રાપ્ત કર્નલ લક્ષ્મી સહગલ દ્વારા એનું લોકાર્પણ ગયા ઑગસ્ટ મહિનામાં કરાવ્યું છે. વસંત કાર્નેટકર જેવા આ નવલકથાને મહાન કલાકૃતિ કહી અટકી જતાં નથી પણ એને શતાબ્દીની સર્વશ્રેષ્ઠ કલાકૃતિ કહે છે. અને ચન્દ્રકાન્ત બન્દિવડેકર જેવા એને શ્રેષ્ઠ ભારતીય નવલકથા કહે છે. આ દ્વારા અગત્યની વાત એ છે કે આ ચરિત્રાત્મક નવલકથા મહાનાયક'ના લેખક વિશ્વાસ પાટીલના ગંભીર લેખન પુરુષાર્થનું માહાત્મ્ય કરવામાં આવ્યું છે. કાવ્યનાયક થઈ શકે એવા સુભાષચન્દ્રનો નાયક રૂપે કરેલો સ્વીકાર તેમજ એમના જાદુઈ વ્યક્તિત્વનાં બધાં વિખરાયેલાં પાસાંઓને એકત્ર કરી એમાંથી સુડોળ કથા રચવાનો પડકાર વિશ્વાસ પાટીલને અનેક વર્ષોની તપશ્ચર્યામાં જોતરે છે. લેખક નેતાજીના વ્યક્તિત્વનો તાગ મેળવવા સંબંધિત દેશોમાં ફર્યા. જપાન, બ્રહ્મદેશ, થાઈલેન્ડ, જર્મની, ફ્રાન્સ, ઈંગ્લૅન્ડ, ઈટાલી, સ્વિત્ઝરલેન્ડનો પ્રવાસ ખેડ્યો. ત્યાંનાં દફતરોને ઊથલાવ્યાં, અનેક વ્યક્તિઓ અને સ્થળોની મુલાકાત લીધી. ચરિત્રનાયકના જીવનચરિત્રની સાથે સાથે એમના સમકાલીન મિત્રો અને વિરોધીઓના સંબંધોનો પણ અભ્યાસ કર્યો. વિપુલ ગ્રંથસંદર્ભો તપાસ્યા. અન્ય પાસે અનુવાદ કરાવી સામગ્રી હાથવગી કરી. છેવટે, સાહિત્યિક ભૂમિકા પર નેતાજીને એક સમર્થ નેતા અને બુદ્ધિજીવી તરીકે જ નહીં પણ એક સંવેદનશીલ પ્રેમી, પતિ અને પિતાના રૂપમાં પણ પૂરી નિષ્ઠા સાથે જીવંતપણે રજૂ કર્યા. નજીકના ભૂતકાળ પર નવલકથા લખવાનું કામ ખાસ્સું કપરું છે પણ આવું કપરું કામ પૂરતી લગન અને પ્રચંડ ક્ષેત્રકાર્ય દ્વારા વિશ્વાસ પાટીલે પૂરું કર્યું છે. ‘મહાનાયક’ નવલકથા આઝાદ હિન્દ ફોજના પ્રેમ સહેગલ ગુરુબક્ષ ધિલ્લોન અને શહાનવાઝ જેવા અફસરો પર બ્રિટિશ સરકાર દ્વારા લાલ કિલ્લામાં ચાલેલા ખટલાથી શરૂ થાય છે અને વિમાનમાં નેતાજીની અંતિમ યાત્રા આગળ પૂરી થાય છે. મહાત્મા ગાંધીની અહિંસક અસહકારની ચળવળ ચાલતી હતી ત્યારે નેતાજીએ સ્વતંત્રતા હાંસલ કરવાનો જુદો માર્ગ પસંદ કર્યો. ગુલામગીરીને નાબૂદ કરવા અખંડ ભારતની સ્વતંત્રતા માટે એમણે ઉગ્રમત પ્રણાલિ અપનાવી. ગાંધીજીને ચાહતા હોવા છતાં ગાંધીજીથી જુદા પડી બીજા વિશ્વયુદ્ધમાં હિટલર અને મુસોલિનીને એમણે સાધ્યા. જપાનની સહાય લીધી. ભારતમાં માઉન્ટ બેટનની મુસદ્દીગીરીને ઈમ્ફાળ અને કોહિમામાં જપાન ફોજ અને આઝાદ હિંદ ફોજ દ્વારા હંફાવી. પરંતુ હીરોશિમા અને નાગાસાકી પર થયેલા અણુબોમ્બના હૂમલા પછી જગતનો તખ્તો બદલાઈ ગયો. જપાન પડ્યું, નેતાજી રશિયાની મદદ લેવા ધાયા. નેતાજી સ્પષ્ટ હતા કે અંગ્રેજો એટલા ખરાબ છે કે એમને ભગાવવા માટે શયતાનની પણ મદદ લેવી પડે તો લેવા પોતે તૈયાર છે. પરંતુ માર્ગમાં જ જપાનનું બોમ્બર વિમાન તાઈપેઈ ખાતે ૧૮ ઑગસ્ટ ૧૯૪૫ને દિન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. આ બૃહદ નવલકથા ઉગ્ર લડવૈયા દેશભક્ત નેતાજીનાં વિવિધ પાસાંઓને, એમની પ્રતિભા અને એમનાં સાહસસંઘર્ષોને વિગતપૂર્વક નજીકથી વર્ણવે છે. ભારતના સ્વાતંત્ર્ય ઇતિહાસને સાચા અર્થમાં જાણવો હોય તો અત્યાર સુધી ઉપેક્ષિત રહેલા ‘ચલો દિલ્હી'ની સિંહ ગર્જના કરનાર નેતાજીના આ પુરુષાર્થથી દરેક ભારતીયજને પરિચિત થવું ઘટે છે. આ નવલકથા અથાક્ ક્ષેત્રકાર્ય દ્વારા બૃહદ ફલક પર કઈ રીતે પ્રામાણિક લેખન પ્રભાવશાળી બની શકે છે એનો એક નમૂનો પૂરો પાડે છે. ગુજરાતી ભાષામાં પ્રતિભા દવે દ્વારા ‘મહાનાયક’નો અનુવાદ પ્રસિદ્ધ થયો છે.