રચનાવલી/૧૪૫
સદીઓ પહેલાં સંસ્કૃતમાં લખાયેલા મહાકવિ કાલિદાસના નાટક ‘અભિજ્ઞાન શાકુન્તલમ્'થી તો આપણામાંના ઘણાખરા પરિચિત હશે, પરંતુ આ જ નાટક પરથી કોઈ ગુજરાતીએ સંસ્કૃતમાં ‘છાયા શાકુન્તલમ્' નાટકની રચના કરી હોય એની જાણકારી બહુ ઓછા પાસે હશે. આ ગુજરાતી બીજું કોઈ નહિ પણ એકવારના સુરતની એમ.ટી.બી.કૉલેજના જાણીતા આચાર્ય જે. ટી. પરીખ છે. હાલોલમાં જન્મી ૧૯૩૮માં એ વખતની મુંબઈ યુનિવર્સિટીની સંસ્કૃત અને પ્રાકૃત વિષયો લઈને જે વખતે એમણે એમ.એ.ની ઉપાધિ મેળવી એ જ ગાળામાં એટલે કે વિદ્યાર્થીકાળમાં જ એમણે આ સંસ્કૃત નાટક ‘છાયા શાકુન્તલમ્'ની રચના કરી હતી. આ ઉપરાંત પણ એમના મનમાં એ વખતે બીજાં ત્રણ ચાર નાટકો રમતાં હતાં, પણ કોઈ ગુરુની ખોટી સલાહ મળી કે આવા ચાળા કર્યા વગર અભ્યાસમાં ધ્યાનમાં પરોવવું વધારે સારું કહેવાય – અને ‘છાયા શાકુન્તલમ્' પછી જે. ટી. પરીખ પાસેથી એક પણ નાટક ન મળ્યું; એનો વસવસો આ નાટક વાંચનાર સૌ કોઈને થશે. એમની ખરી ખૂબી તો એ હતી કે કાલિદાસના નાટકમાં એમણે ભવભૂતિના નાટકનો સ્વાદ ઉમેરી બિલકુલ સંસ્કૃત નાટકની ધાટીએ આ રચના કરી છે. કાલિદાસે મહાભારતમાંથી શકુન્તલાની કથા લીધેલી છે અને એમાં દુર્વાસાના શાપથી માંડીને કેટલાક નવા ફેરફારો કરીને જગતનું ચિરંજીવી નાટક સર્જ્યું; તો જે. ટી. પરીખે કાલિદાસના ‘અભિજ્ઞાન શાકુન્તલમ્'ને આધારે નવી રીતે ખૂટતી કડીઓ ઉમેરી, શકુન્તલાની કથા તો બધાને પરિચિત છે. કણ્વ ઋષિના આશ્રમમાં ઊછરીને મોટી થયેલી અપ્સરા મેનકાની પુત્રી શકુન્તલા યુવાવયમાં આશ્રમમાં આવેલા રાજા દુષ્યન્ત તરફ આકર્ષાય છે અને પાલક પિતા કણ્વની ગેરહાજરીમાં દુષ્યન્તની સાથે ગાંધર્વવિવાહ કરે છે. આ બાજુ દુષ્યન્ત રાજફરજ નિભાવવા પાછા ફરે છે અને શકુન્તલા બીજી બાજુ દુષ્યન્તના વિચારમાં ખોવાયેલી આવનાર અતિથિ દુર્વાસા ઋષિનું બેધ્યાન રહી સ્વાગત કરી શકતી નથી. આથી શકુન્તલાને દુર્વાસા શાપ આપે છે કે જેના સ્મરણમાં એ ખોવાયેલી છે, એ શકુન્તલાને ભૂલી જશે. ઋષિનો શાપ શકુન્તલા સાંભળતી નથી પણ એની એ સહચરી અનસૂયા અને પ્રિયંવદા સાંભળી જાય છે. ઋષિને વીનવે છે. ઋષિ શાપનું નિવારણ આપે છે અને કહે છે કે કોઈ પરિચિત એંધાણી બતાવતા પ્રિયજન એને યાદ કરી શકશે. સગર્ભા શકુન્તલાને કણ્વ દુષ્યન્ત તરફ વિદાય કરે છે, પણ માર્ગમાં દુષ્યન્તે આપેલી વીંટી નદીમાં પડી જતાં ભરસભામાં દુષ્યન્ત કુન્તલાને ઓળખવાનો અસ્વીકાર કરે છે. ત્યક્તા શકુન્તલાને મા મેનકા લઈ જાય છે. મારીચ મુનિના આશ્રમમાં શકુન્તલા ભરતને જન્મ આપે છે. આ બાજુ વીંટી ગળી ગયેલી માછલી માછીમારને હાથ ચઢતાં વીંટી દુષ્યન્ત પાસે પહોંચે છે અને દુષ્યન્તને વીંટી જોતાં બધું યાદ આવે છે. પોતાનાં કરેલા પર પસ્તાવો કરતાં દુષ્યન્તની વિરહપીડાની સાનુમતી દ્વારા શકુન્તલાને જાણ થાય છે. અંતે શકુન્તલા, ભરત અને દુષ્યન્તનું સુખદ મિલન થાય છે. આમ કાલિદાસના નાટકમાં શકુન્તલાને દુષ્યન્તની વિરહપીડાની માત્ર ખબર પડી પણ દુષ્યન્ત પોતાને કેટલો ચાહે છે, એની પ્રત્યક્ષ ખબર પડી નથી. વળી, દુષ્યન્તે શકુન્તલાનો ત્યાગ કર્યો એ તો દુર્વાસાના શાપને કારણે એની સ્મૃતિ જતી રહી હોવાને લીધે; એમાં દુષ્યન્ત તો નિર્દોષ છે. આ બંને વાતની ખાતરી જુદી રીતે કરાવવા જે. ટી. પરીખે સંસ્કૃત નાટકકાર ભવભૂતિના બહુ જાણીતા નાટક ‘ઉત્તરરામચરિતમ્'માં સીતાના ત્યાગ પછી શમ્બૂકવધ માટે પંચવટી જતાં રામને સીતા સાથેનાં પૂર્વ સ્મરણો ઊભરે છે. વળી સીતાની સખી વાસન્તી રામને સીતાના ત્યાગ વિશે પ્રશ્નો કરે છે. સ્મરણો અને પ્રશ્નોથી રામ વારંવાર મૂતિ થાય છે. મૂચ્છિત થતા રામને સંજીવની આપવા માટે ભવભૂતિએ ત્યાં ‘છાયા સીતા’ને નાટકમાં દાખલ કરી છે. મનુષ્યો અને વનદેવતા જોઈ ન શકે એ રીતે સીતાની ત્યાં હાજરી છે અને રામ સીતાનો સ્પર્શ અનુભવે છે પણ સીતાને સાંભળી કે જોઈ શકતા નથી. અદૃશ્ય રૂપે સીતા રામની પોતા તરફની ઉત્કટ લાગણીનો પ્રત્યક્ષ અનુભવ કરે છે અને પોતાનો ત્યાગ કર્યો છે એ વાતનું દુ:ખ ભૂલી જાય છે. બરાબર એ જ રીતે જે. ટી. પરીખે અત્રિના તપોવનમાં દાનવોનો પરાજય કરીને પાછા ફરતા કણ્વ ઋષિના આશ્રમની મુલાકાત લેતાં દુષ્યન્તને વર્ણવ્યો છે. આ જ સમયે મારીચના કહેવાથી તિરસ્કરણી વિદ્યા દ્વારા શકુન્તલા પણ સાનુમતી સાથે આશ્રમમાં અદૃશ્ય રૂપે હાજર છે. શકુન્તલાની દુ:ખદ ઘટના પછી કણ્વ અને આર્યા ગૌતમી બંને આશ્રમ તજીને હિમગિરિ પર ચાલ્યાં ગયાં છે. પણ શકુન્તલાની જૂની સહચરીઓ અનસૂયા અને પ્રિયંવદા આશ્રમમાં હાજર છે. દુષ્યન્ત આશ્રમમાં પહેલાં અનસૂયાને મળે છે અને શકુન્તલા સાથેનાં પૂર્વપ્રેમનાં સ્થાનોને જોતાં જોતાં અસહ્ય વિરહ પીડા અનુભવે છે. વળી અનસૂયાના પ્રશ્નોથી વારંવાર મૂચ્છિત થાય છે. આ દરમ્યાન ત્યાં પ્રિયંવદા પણ આવી પહોંચે છે. પ્રિયંવદા રહસ્ય ખોલે છે કે દુર્વાસા ઋષિના શાપની વાત એણે કોઈને કરી નથી. અનસૂયાને પણ નહીં અને જણાવે છે કે દુષ્યન્ત શકુન્તલાને ભૂલી ગયા હતા એનું કારણ દુર્વાસાનો શાપ હતો. આ દરમ્યાન દુષ્યન્ત વારંવાર મૂર્ચ્છિત થાય છે અને અદૃશ્ય રહેલી શકુન્તલા સ્પર્શથી દુષ્યન્તને સજીવન કર્યા કરે છે. દુષ્યન્ત શકુન્તલાની હાજરી અનુભવે છે. કહે છે : ‘આ સ્વપ્ન છે શું? મતિવિભ્રમ કે હશે આ? માયા હશે? અગર સત્ય શું આ? ન જાણું.' શકુન્તલાને અદશ્ય રૂપે હાજર રહીને ખાતરી થાય છે કે એના પોતાના જ બેધ્યાનપણાને કારણે એને દુર્વાસાનો શાપ મળેલો અને દુર્વાસાના શાપને કારણે દુષ્યન્તની સ્મૃતિ ચાલી ગયેલી અને વીંટી જોતાં એ સ્મૃતિ પાછી પણ કરી છે. દુષ્યન્તનો પોતા પ્રત્યેનો પ્રેમ એવો ને એવો ઉત્કટ છે. છેવટે દુષ્યન્ત દુર્ભાગ્યમાં હવે શેષ જીવ્યા સુધીનું રડવાનું જ રહ્યું છે એવા ભાવ સાથે વિદાય થાય છે. છાયા સીતાની જેમ છાયા શકુન્તલા પણ પોતાનો ત્યાગ થયેલો હોવા છતાં પ્રિયજનના ઉત્કટ પ્રેમનો અનુભવ કરે છે; અને એ અનુભવ આપણા સુધી પહોંચાડવો એવી નાટકકારની નેમ છે. કોઈ ગુજરાતીને સાથે સંસ્કૃતમાં થયેલી આ પ્રકારની રચના વિરલ છે. મૂળે ૧૯૫૩માં પ્રકાશિત થયેલા આ સંસ્કૃત નાટકનો ગુજરાતી અનુવાદ કરીને અને સંસ્કૃત નાટકનું સંપાદન કરીને રાજેન્દ્ર નાણાવટીએ ૧૯૮૬માં સંસ્કૃત સેવા સમિતિ દ્વારા એનું પ્રકાશન ઉપલબ્ધ કરાવ્યું છે.