રચનાવલી/૧૮૮

From Ekatra Wiki
Revision as of 09:02, 9 May 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ૧૮૮. આર્સેનિયો (મોન્તાલે) |}} {{Poem2Open}} એકધારા લોખંડની સાંકળ જેવા જડબેસલાક માંડ માંડ ચસતા દિવસોથી કોણ વાજ નથી આવી ગયું? રોજિંદા નિત્યક્રમથી કોણ કંટાળી નથી ગયું? ઘરેડમાં રહેલા જ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૮૮. આર્સેનિયો (મોન્તાલે)


એકધારા લોખંડની સાંકળ જેવા જડબેસલાક માંડ માંડ ચસતા દિવસોથી કોણ વાજ નથી આવી ગયું? રોજિંદા નિત્યક્રમથી કોણ કંટાળી નથી ગયું? ઘરેડમાં રહેલા જીવનથી ઊબકો કોને નથી આવ્યો? દરરોજની દોડદોડ અને તોય ઠેરના ઠેર એવું સાવ ગતિ વગરનું નીરસ જીવવું કોને પસંદ છે? દરેક જણ કોઈ ચમત્કાર ઇચ્છે છે. દરેક જણ રાહ જુએ છે. કોઈ ચમત્કાર એને ઉગારી લે. આવો ચમત્કાર ઇટાલીના જાણીતા કવિ યુજિન મોન્તાલેએ પણ ઇચ્છેલો. સમયની રગશિયા ક્ષણોને તોડી નાખવા એણે જીવ પર આવી પ્રયત્ન કરેલો, પણ નિષ્ફળ ગયેલો. ચમત્કાર થતો થતો રહી ગયો. ચમત્કાર થયો જ નહીં. જૂઠા એકસૂરીલા જીવાતા જીવન સાથે એ જડાયેલો રહ્યો. આસપાસના જગતથી છૂટકારો પામી શકાય એવું મનુષ્યના ભાગ્યમાં લખાયેલું જ નથી. કવિ મોન્તાલેની આવી હતાશા એની પ્રસિદ્ધ કાવ્યરચના ‘આર્મેનિયો'માં પ્રગટ થઈ છે. મોન્તાલેની ‘આર્સેનિયો" કાવ્યરચના એના કાવ્યસંગ્રહ ‘કટલ માછલીના હાડકાં’માં સચવાયેલી છે. અન્ય રચનાઓની જેમ આ રચનામાં પણ કટલ માછલીનાં હાડકાં પ્રતીક બનીને આવ્યાં છે મોન્તાલે ૫૨ એના જન્મસ્થળ લિગુરિયાના દરિયાકાંઠાની અસર ખાસ્સી છે. આ દરિયાકાંઠા પર વિખરાયેલાં કટલ માછલીઓનાં હાડકાં (એટલે સમુદ્ર ફૅનો) મોન્તાલેના કાવ્યમાં વારંવાર ડોકાય છે. સમુદ્રકાંઠે આવાં સફેદ સમુદ્રફેનો દરિયામાંથી તણાઈ આવેલા કૂચડા જોડે, રેતી અને દરિયાઈ વેલાઓ વચ્ચે પડ્યાં રહે છે. દરિયાનું દરેક મોજું એને વારંવાર ઉપર તળે કરી આમતેમ ફંગોળે છે અને એમાં જીવન તેમજ ગતિનો આભાસ ઊભો થાય છે. ઓર્સેનિયો’માં જીવનની આવી જ ગતિ વગરની ગતિ-નિર્જીવ ગતિને મોન્તાલે રજૂ કરવા ધારી છે. ‘ઓર્સેનિયો’ એ મોન્તાલે પોતાના રચેલા પાત્રને દીધેલું કાલ્પનિક નામ છે. કાવ્યના આરંભમાં વંટોળ ચકરાતો ચકરાતો છતો પર અને ખુલ્લી જગ્યાઓમાં ધૂળ ઉડાડી રહ્યો છે. હૉટલોની ચળકતી બારીઓની સામે સૂતરાઉ કપડાંની ઝૂલ ઓઢીને ઘોડા ગતિહીન ઊભા છે. આર્સોનિયો’ દરિયા તરફ આગળ વધે છે. દિવસ વરસાદી છે અલપઝલપ સૂરજ દેખાઈ રહ્યો છે, ત્યાં કાંસીજોડાનો અવાજ સમયની જડબેસલાક ક્ષણોને તોડીફોડી નાખે છે. લાગે છે કે જાણે કોઈ બીજું જ જગત ખૂલ્યું. આર્સેનિયો આગળ વધે છે. દૂર ઊંચે જલસ્તંભ તોળાઈ રહ્યો છે. વંટોળમાં સમુદ્રી વાદળો આમતેમ ઘસડાઈ રહ્યા છે. એને થાય છે કે કાંઠાના કાંકરાઓને કચડતો પગ આજે ભલે પડતો, ભલે પગ દરિયાઈ વેલામાં આજે ગૂંચવતો. ઘણા વખતથી રાહ જોવાતી હતી એ ક્ષણ આવી ગઈ છે. આ ક્ષણ જ એને ગતિહીન ગતિ, જડબેસલાક સમયમાંથી ઉગારશે. ત્યાં તાડનાં ઝુંડ વચ્ચે વાયોલિનના સૂરના ફુવારા ઊડી રહ્યા છે. ઓચિંતો કડાકો થાય છે. આકાશના ભૂરા ખૂણે વ્યાધતારાના આછા પ્રકાશમાં તોફાન સારું લાગે છે. સાંજ એકદમ નજીક છે. રતુંબડ આકાશના પટ પર વીજળી ચમકે છે તો કિંમતી ધાતુના વૃક્ષની ડાળીઓ ફેલાતી લાગે છે. જિપ્સીઓના નગારાં તોફાનને તાલ આપી રહ્યાં છે કાંઠા પર અંધારુ સાંજને રાતમાં પલટે છે. પૃથ્વી અને આકાશ વચ્ચે કાળો પડછાયો છવાઈ જાય છે એકલદોકલ નૌકાઓ તરી રહી છે, એના દીવા ટમટમે છે. ને ઓચિંતો આકાશનો ધ્રુજારો. મુશળધાર વર્ષા, પાણીને શોષતી રેતી આસપાસ કાદવ કાદવ. કાંઠા પરની દુકાનોના લીરેલીરા, તંબુઓ, હોટલની બારીઓ પર ફાટીને ફફડતા કાગળના લેમ્પ આ બધા વચ્ચે તૂટું તૂટું મૂળિયાને બાઝી રહેલા નેતર જેવો આર્સેનિયો. શેરીઓ, પોર્ચ, દીવાલો, દર્પણો વેરવિખેર. આર્સેનિયો આ વિલાતી ક્ષણોમાં ચારેબાજુ ઠંડાગાર બેજાન વસ્તુઓના ઢેર વચ્ચે ઊભો છે. ગૂંગળાતા જીવન માટે એક તક ઊભી થઈ અને તારાઓની રાખ ભેગી એ તકને વંટોળ ક્યાંક ઉડાડી ગયો. તો આ છે આર્સેનિયોનું ચમત્કાર અંગે બંધાતુ અને વિખેરાતું આશાનું વિશ્વ. જીવનને કૌતુકથી જોનારા છે એમણે હંમેશાં કુદરતમાંથી આશ્વાસન શોધ્યું છે. કુદરતને મનુષ્યના સુખ-દુ:ખમાં ભાગીદાર સમજી છે. પણ મોન્તાલેનું માનવું જુદું છે. એક મુલાકાતમાં જણાવ્યું છે તે પ્રમાણે મોન્તાલે ૫૨ બર્ગસૉ અને બુઝુ જેવા ફિલસૂફોની અસર છે તેથી જ મોન્તાલે જીવનને એક લોખંડની સાંકળનું ગુંચળું કલ્પે છે, જે ચક્રાકાર ગૂંચળાનો ઉકલતો જતો છેડો છેવટે મૃત્યુમાં જઈને પડે છે. બહુ ગતિશીલ લાગે છે ખરું, પણ વાસ્તવમાં કોઈ ગતિ જ નથી. આર્સેનિયોના પાત્ર દ્વારા આપણા જીવનની બહુ દુ:ખતી રગ ઉપર કવિએ હાથ મૂક્યો છે. એમાં સમાધાન સાંપડતું નથી. ઘેરી હતાશાનો અનુભવ થાય છે. પણ આર્સેનિયોનો અનુભવ આપણને જીવનની કઠોર વાસ્તવિકતાનો સ્વીકાર કરવાની હામ આપી જાય છે. કવિની હતાશાની પાછળ મનુષ્યજાતિ માટે હામનો સંદેશ છે. જીવનમાં ચમત્કાર ભલે શક્ય નથી પણ ગમે તેવી પરિસ્થિતિમાં ઘોર હતાશા પ્રેરતી પરિસ્થિતિમાં પણ મનુષ્ય ટકી રહેવાનું જે કૌવત બતાવે છે એમાં જ મોટો ચમત્કાર પડેલો છે. કવિ મોન્તાલે લિગુરિયાના દરિયાકાંઠાને પોતાની રચનાઓમાં જીવતો ઝાલ્યો છે એથી એની અનેક રચનાઓમાં ખાતરી થાય છે. આ રચના પણ એવી જ ખાતરી જન્માવે છે.