મારી લોકયાત્રા/૫. ખેડુની શોધ

From Ekatra Wiki
Revision as of 14:29, 9 May 2023 by Meghdhanu (talk | contribs) (+created chapter)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૫.

ખેડુની શોધ

બળદ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની સરહદનો તો ખેડુ મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશની સીમા પરના ગામ ચચેરનો નક્કી કર્યો હતો. વતનમાં જતાં આપેલી રોકડ રકમ ખાવામાં ખર્ચાઈ ગઈ હોવાથી બસભાડા માટે ૩૦૦ રૂપિયાનું મનીઑર્ડર કર્યાને ૨૦ દિવસ વહી ગયા હોવા છતાં જગાભાઈ નાયકના આવવાના કોઈ વાવડ નહોતા. માથે ચોમાસું ગાજતું હતું અને કાળજાની કોર જેવાં મારાં ખેતરો વાવ્યા વિના પડી રહેશે તો આર્થિક નુકસાન કરતાંયે લોકની હાંસીનો ભોગ બનવાનો ભય મને સતાવવા લાગ્યો. ખેડૂતના જીવનમાં સ્ત્રીને સવારે ભેંશ દૂધ ના દે અને પુરુષને ભરચોમાસે ખેતી ના થાય એના જેવું બીજું ભારે દુઃખ નહીં. ખેડુ વિના નોધારા બની ગયેલા કુટુંબના સામૂહિક મનમાં શોક છવાઈ ગયો. વાવ્યા વિનાનાં કુંવારાં ખેતરો રાખીએ તો પાપના ભાગીદાર થઈએ એવા પરંપરામાંથી આવેલા ખ્યાલ ચિત્તમાં દૃઢ થયેલા હોવાથી ખેડુ લેવા દૃઢ નિર્ધાર સાથે અજાણ્યો પ્રદેશ અને અજાણ્યા લોકો (પારકી ભોમકા, પારકાં લોકો) તરફ એક પ્રાતઃકાળે ખેડબ્રહ્માથી છોટાઉદેપુર જતી બસમાં બેઠો. નમતા દિવસે પાવાગઢનાં જંગલોની પ્રકૃતિ પીતો છોટાઉદેપુરના ધંધોડા ગામના બસસ્ટૉપ પર ઊતર્યો. સાંજ ઢળી ચૂકી હતી. રસ્તો પૂછી ગામ વીંધી દક્ષિણ દિશા તરફ થોડેક ગયો તો વચ્ચે ઓરસંગ નદી અડધો કિલોમીટરનો પટ પાથરીને પડી હતી. ઉપરવાસમાં વરસાદ થયો હોવાથી નદીમાં પાણી આવ્યું હતું. પાણી કેટલું ઊંડું હોય એનો કોઈ અંદાજ આવતો નહોતો. મૂંઝાયેલા મનમાં વિચાર ઝબક્યો, “રાતે શાળાના શિક્ષકને ઘેર જાઉં. વહેલી સવારે ચચેર જઈશ.” ગામમાં શિક્ષક વિશે એક ભાઈને પૃચ્છા કરતાં જાણવા મળ્યું, “શિક્ષક તો છોટાઉદેપુર રહે છે. સવારે આવે છે અને બપોરે બજારમાં ધંધો કરવા બેસે છે.” મેં પ્રતિપ્રશ્ન કર્યો, “તો પછી બાળકોને ભણાવતો નથી?” ઉત્તર મળ્યો, “છોકરાં ભણે તો બકરાં કોણ ચારે? છોકરાં નદીએ અને માસ્તર શૅરમાં!” શિક્ષક પછી ગામમાં બીજું મહત્ત્વનું માણસ સરકારી ગ્રામસેવક. મેં એ ભાઈને ગ્રામસેવકના ઘર વિશે પૃચ્છા કરી. ઉત્તર મળ્યો, “એ તો ચોમાસે મહિનામાં એક દિવસ આવે છે, ગામમાં રહેતો નથી.” હવે હું ખરેખર મૂંઝાયો, “અજાણ્યા પ્રદેશમાં જાઉં તો ક્યાં જાઉં?" આ ભાઈને મારી કથની કહી. તેઓ મારી મદદે આવ્યા. પાસેના ઝૂંપડામાંથી બે જુવાનોને બોલાવી લાવ્યા. નદી ઉતારી સામે કિનારે આવેલું જગા દુલા નાયકાનું ઘર બતાવવાના ૧૦ રૂપિયા ઠરાવી, અમને ‘રામ રામ’ કરી રવાના થયા. અમે ઓરસંગના કિનારે આવ્યા. બંને જુવાન જાંઘિયા સિવાય ખુલ્લા ડિલે હતા. મેં પૅન્ટ ઢીંચણ ઉપર ચડાવ્યું. શિંગચણા અને પુસ્તકો ભીંજાય નહીં આથી બગલથેલો ખભે ઊંચે લટકાવ્યો. એક જુવાન લાકડીથી પાણી માપતો આગળ ચાલતો હતો. પહેલાના ખભે બીજાએ હાથ મૂક્યો હતો અને બીજાના ખભે હાથ મૂકી આંધળાની જેમ દોરવાતો, માછલીઓના સ્પર્શથી અકથ્ય અનુભૂતિ પામતો હું એમની પાછળ ચાલતો હતો. જળને ડહોળતા અમે અડધા કલાકે સામે કિનારે પહોંચ્યા. રાત્રિના પ્રભાવથી શ્યામવર્ણ ધારણ કરેલાં તાડનાં વૃક્ષો વચ્ચેથી પવનની લહેરખીઓ પસાર થતી હતી અને ખખડતાં પાનની લાંબી જિહ્વાઓ ભય જન્માવતી હતી. ભેખડ ચડીને બંને જુવાનો ઊભા રહી ગયા. દૂર ચાર-પાંચ ઝૂંપડાંના ઓછાયા દેખાતા હતા. એક દિશા ચીંધતો બોલ્યો, “પેલું દીવાનું અજવાળું દેખાય તે જગા દુલા નાયકાનું ઘર.” મેં આગ્રહ કર્યો, “મને તેના ઘેર મૂકીને પછી જાઓ. આ પ્રદેશ અને લોકોથી અજાણ છું.” બીજો કહેવા લાગ્યો, “તમે પણ અમારા માટે અજાણ્યા છો. એ નાયકા અને અમે રાઠવા છીએ. લેણા પૈસા માગવા માટે આવ્યા હો, અને અમે તમને ઘ૨ બતાવ્યું એવું તેઓ જાણે તો ભારે ઝઘડો થાય. તમારી સાથે આવવાની અમારી સરહદ અહીં પૂરી થઈ.” મારી પાસેથી દસ રૂપિયા લઈ બંને ધંધોડા તરફ ચાલતા થયા. થોડુંક ચાલીને મેં જગાના નામનો સાદ દીધો. જગો તો ન આવ્યો પણ ચાર-પાંચ ભસતા કૂતરા મારી સામે ધસ્યા. મારી પાસે શસ્રમાં ફક્ત થેલો હતો અને શત્રુઓથી બચવા અભિમન્યુના ચક્રની જેમ વીંઝતો જગાના નામની બૂમો પાડવા લાગ્યો. મારી બૂમો સાંભળી ઝૂંપડાંમાંના માણસો ધસી આવ્યા અને મને ઘેરી લીધો. કાળા બાળિયા જેવા પાંચ-સાત માણસો લંગોટી-ભેર ઊભા હતા અને હું ભયથી થરથરતો તેમની વચ્ચે અવાચક ઊભો હતો. લંગોટીનો રંગ શરીરના રંગ સાથે ભળી ગયો હતો અને મેં જાહેરમાં જૈન સાધુ સિવાય આવા અનાવૃત માણસો જોયા નહોતા. હતપ્રભ બનેલો હું અજાણ્યા મુલકમાં કેવા માણસો વચ્ચે ઘેરાઈને ઊભો હતો એની સમજ પડતી નહોતી. એટલામાં તો જગાનો પરિચિત અવાજ આવ્યો, “બાબુભૈ, આટલા મોડા કે પાથી?” મેં કહ્યું, “તને લેવા, બસ લેટ હતી આથી મોડો પડ્યો.” જગાની વાતોથી મને ‘હાશકારો’ થયો અને તેમનાથી દોરવાતો જગાના ઝૂંપડે પહોંચ્યો. તેમની જેમ ઘરમાં ગરીબી અનાવૃત થઈને હડીઓ કાઢતી હતી. ઘરમાં ચાર-પાંચ માટી અને પિત્તળનાં વાસણો અને વતનમાં આવતાં પહેલાં મેં સિલાઈ આપેલાં કપડાં સિવાય કંઈ જ નહોતું. તાડપત્રમાંથી વણેલી દોરીથી ભરેલા તૂટેલા ખાટલા ૫૨ મને બેસાડ્યો. જગાએ આપેલું પાણી પીતાં ચિત્તમાં એક વિચાર પ્રશ્નાર્થ બની ઝબક્યો, “આ લોકો આગંતુકને લૂંટી કેમ ન લેતા હોય?” થોડીક વાતો પછી થેલામાંથી શિંગચણા કાઢીને ઘરના સભ્યોને વહેંચવા લાગ્યો અને જગાને હું ભૂખ્યો હોવાનો ખ્યાલ આવ્યો. પૈસા વપરાઈ ગયા હતા અને ઘરમાં એક કાળી માટલીમાં થોડાક મકાઈના દાણા સિવાય કંઈ નહોતું. મને ન જમાડી શકવાની લાચારી તેના મુખ પર વ્યાપી ગઈ. તેની મૂંઝવણ પામી જતાં કહ્યું, “જગા, મને ભૂખ નથી; ચિંતા કરીશ નહીં.” “તમારેય પેટ તો છે ને? તેને ભૂખ્યું કેમ રખાય? લોટ તો ઉધાર લઈ આવું પણ દુકાન બે કિલોમીટર દૂર ધંધોડામાં છે. જતાં-જતાં તો બંધ થઈ જાય.” “તને મારી ચિંતા થતી હોય તો અહીં એવું તાત્કાલિક શું મળે?” “અહીં તો અત્યારે નદીના ભાઠામાં તડબૂચ સિવાય કંઈ નહીં મળે.” મેં પાંચની નોટ તેની સામે ધરી. અસ્વીકાર કરતો બોલ્યો, “આજે તો તમે મારા મહેમાન. મહેમાનના પૈસા ગાયના રુદર (લોહી) બરાબર! તમારા પૈસા આજે મારા કામના નહીં. મારા ઘેર આવ્યા અને તમારા પૈસે ખવડાવું એને જમાડ્યું કહેવાય, નહીં.” પાસે નાનો ભાઈ દેહલો બેઠો હતો. પૈસા તો તેની પાસે પણ નહોતા. છતાં તેની વહારે આવ્યો, “જગા, ચિંતા કરીશ નહીં. ચાલ, તડબૂચ લઈ આવીએ. તું પરદેશ જઈશ તો હું પાંચ દિવસ ભાઠામાં મજૂરી કરીને સાટું વાળીશ.” એ સમયે એક દિવસની મજૂરીનું વેતન એક રૂપિયો હતો. બંને ભાઈ નદીના ભાઠામાંથી ત્રણ તડબૂચ ઊંચકી લાવ્યા. બે તડબૂચના દાતરડા જેવા પાળિયાથી ટુકડા કરી લોટ બાંધવાની પરાતમાં મને ખાવા માટે આપ્યું. તેમાંથી ત્રણ ભાગના ટુકડા પાછા આપીને કહ્યું, “તમેયે ખાવો.” જગો બોલ્યો, “મહેમાન પહેલાં ખાય. ખાતાં વધે તો જ અમે ખાઈએ.” મારા ખાધા પછી જ કુટુંબે સરખા ભાગે વહેંચીને ખાધું. હું તૃપ્ત થયો હતો એથી એમનાં શ્યામળાં મુખ પર સંતોષ વરતાતો હતો. મોડી રાત સુધી અમે વાતો કરતા બેઠા. મેં તેને ઠપકો આપ્યો, “માથે ચોમાસું ગાજે છે છતાં જગા તું ન આવ્યો. ખાવામાં પૈસા વપરાઈ ગયા હતા એના સમાચાર મળતાં જ મનીઑર્ડર મોકલ્યું હતું. છતાં કેમ ન આવ્યો?” નવાઈ પામતાં એણે કહ્યું, “ખાતરી કરવા રોજ પુન્યાવાંટ ગામે જતો હતો પણ પોસ્ટમાસ્તર કહેતો કે એવું કોઈ મનીઓર્ડર આવ્યું નથી.’ મને તેના ઉત્તરથી વિશેષ આશ્વર્ય થયું. મેં કહ્યું, “સવારે પુન્યાવાંટ જઈને મનીઑર્ડરની ખાતરી કરીએ.” જગાના ભાઈ ભગાને ટી.બી.ની બીમારી હતી. મોડી રાત સુધી ખાંસતો રહ્યો. જગાના ઘરના વિચારો મનમાં ઊભરાવા લાગ્યા. આખી રાત ઊંઘ આવી નહીં. વહેલી સવારે તાડનાં ઊંચાં ઝાડ નીરખતો દાતણ કરવા બેઠો. ૬૫ વર્ષનો જગાનો બાપ દુલો લંગોટીભેર પીઠ પાછળ માટીનો ખાલી ઘડો બાંધી તાડના ઝાડ પર સડસડાટ ચડતો જોયો. કમરમાં દાતરડા જેવું પાળિયું બાંધ્યું હતું. ટોચે પહોંચી, પાળિયાનો ઘા કરી ખાલી ઘડો બાંધી, તાડી ભરેલો ઘડો પીઠ પાછળ લટકાવી તીર-વેગે નીચે આવ્યો. ચા તો અહીં ક્યાંથી હોય! દૂધીના કાચલામાં તાડી પીધી. ખટ્ટ-મીઠી તાડીથી મન પ્રફુલ્લિત થઈ ગયું. ચરણોમાં ગતિનો સંચાર થયો. ૩ કિલોમીટર ચાલીને અમે પુન્યાવાંટ પોસ્ટ ઑફિસમાં પહોંચ્યા. મનીઑર્ડર કર્યાની પહોંચ પોસ્ટમાસ્તરને બતાવી. તેણે કહ્યું, “મનીઑર્ડર આવ્યું તો હતું પણ પૈસા મેં વાપરી ખાધા છે. ગઈ સાંજે બીજાનું આવ્યું છે. તેમાંથી તમને આપું છું." હું કંઈ બોલું તે પહેલાં તો ૩૦૦ રૂપિયા ગણીને મારા હાથમાં મૂક્યા. ઘેર આવીને જગા અને તેની પત્ની હુજીએ વળગણી પર સાચવી રાખેલાં નવાં કપડાં પહેર્યાં. પતરાની એક નાની પેટીમાં ઘરવખરી લીધી. સાથે બે બાળકો- ચંપા અને જસ્યાને લીધાં. મેં દવા કરાવવા ભગાને આગ્રહ - કરી સાથે લીધો. જગાએ વૃદ્ધ માતા-પિતાને નમીને ચરણસ્પર્શ કર્યા. હુજીએ સાસુ-સસરાના ચરણોમાં સાડલાનો છેડો અડાડી આશીર્વાદ લીધા. નાનાભાઈ દેહલાને બંને ભેટ્યાં. પોતાનાં ઘર-ખેતર-વતનને નેત્રોમાં ભરીને મારી સાથે ચાલતાં ઓરસંગ નદીએ આવ્યાં. હુજીએ સમાજના રીતરિવાજ પ્રમાણે વાળેલો ચણિયાનો કછોટો છોડી નાખ્યો. પાંચેયે જણે જળ માથે ચડાવીને ધરાઈને પીધું અને નદીના આશીર્વાદ માગતાં બોલ્યાં, “મા, પાછાં આવ્યાં ત્યારે સાચાં!” હું તેમના ક્રિયા-કલાપ જોતો વિચારી રહ્યો હતો, “મારી ખેતીની લાયમાં વતનની માટી સાથે ચોંટેલાં એમને મૂળસોતાં ઉખાડી રહ્યો હતો. સમાજથી વિખૂટાં પાડી રહ્યો હતો.” ચિત્ત ગ્લાનિથી ભરાઈ ગયું. ધંધોડા જઈ અમે બસમાં ગોઠવાયાં. એક દિવસની ખેપ વિશે મન વિચારવા લાગ્યું. પુસ્તકમાં વાંચેલા સંસ્કૃતિ-સભ્યતા જેવા ભારે શબ્દોના અર્થ ચિત્તમાં ખૂલવા લાગ્યા. અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરેલો હું, નિરક્ષર લોકોના પ્રદેશમાં આવી ચડ્યો હતો. અક્ષર-સંસ્કૃતિએ શું આપ્યું? શિક્ષક બાળકોને ભણાવવાની ફરજ ચૂકી બજારે બેસી ધંધો કરે; ગ્રામસેવક ખેડૂતને માર્ગદર્શન આપવાના બદલે નવું બિયારણ વેચી ખાય; પોસ્ટમાસ્તર મનીઓર્ડરના પૈસા વાપરી નાખે; અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલો હું વ્યક્તિગત સુખ વાસ્તે એક પૂરા કુટુંબને ઘર-વતન અને ભૂમિ-પ્રદેશથી અળગું કરું; આવાં જીવનવિઘાતક મૂલ્યોને વિકસિત સંસ્કૃતિનું નામ આપીશું?! મન વિરુદ્ધ દિશામાં વિચારવા લાગ્યું. જેને આપણે આદિવાસી કહીએ છીએ, જે લંગોટીભેર છે, જેના ઘરમાં મૂઠી દાણા ન હોવા છતાં આગંતુકને લૂંટી લેવાને બદલે મહેમાન માને છે, મહેમાનને જમાડવા પાંચ દિવસની મફત મજૂરી ક૨વાનું શિરે લે છે, પાંસઠ વર્ષે પણ ૭૦ ફૂટ ઊંચા તાડના વૃક્ષ ૫ર ચડી આગંતુકને સ્નેહ – નીતરતા નેત્રે તાડી પાય છે ત્યારે જ તેને સંતોષ થાય છે, નદી જેવાં પ્રાકૃતિક તત્ત્વોને માતા ગણી, એના જળને વંદીને કૃતજ્ઞભાવે પીએ છે, આવાં જીવનવિધાયક મૂલ્યોના ધારકને શું કહીશું? તેની સંસ્કૃતિ-સભ્યતાને અવિકસિત કહીશું? હું આ આંતરિક માનવીય ગુણોથી છલકાતા કુટુંબને ક્યાં લઈ જઈ રહ્યો હતો? બસ પ્રકૃતિની સંસ્કૃતિથી વિરુદ્ધ દિશામાં જઈ રહી હતી. મારા દૃષ્ટિપથમાંથી તાડવૃક્ષોનું છેલ્લું ઝુંડ અદૃશ્ય થઈ રહ્યું હતું અને ચિત્તમાં તુલસીદાસની કવિતા ઝબકી. રામના વનગમનનો પ્રસંગ છે. માર્ગમાં ચાલતાં શ્રમિત થયેલ સીતાના મુખ ૫૨ પ્રસ્વેદનાં મોતી ચમકે છે. તે જોઈ દુ:ખી થતા રામ તાડપત્રનું છત્ર સીતાના શિરે ધરે છે. મને લાગ્યું કે માનવજાતે યાંત્રિક-વૈયક્તિક-ભોગવાદી સંસ્કૃતિનાં વિઘાતક પરિબળોના પ્રભાવથી બચી માનસિક-શારીરિક શાતા પામવી હશે તો પ્રકૃતિની સંજીવનીથી રસાયેલાં અને માનવીય ગુણોથી છલકાતાં લોકોને તેમના મૂળમાંથી ઉખાડવાને બદલે તેમની પ્રકૃતિ-સંસ્કૃતિના શરણમાં જઈ તેમના જીવનદર્શનમાંથી નવાં જીવનમૂલ્યો ઘડવાં પડશે. ‘લોક’ના આ નિર્વ્યાજ આંતરિક વૈભવનાં દર્શન પછી મારો ખેતી કરાવવાનો ઉત્સાહ ઓસરવા લાગ્યો હતો અને ‘આદિવાસી લોક’ તરફનું આકર્ષણ વધવા લાગ્યું હતું.

***