મારી લોકયાત્રા/૩. કૉલેજમાં

From Ekatra Wiki
Revision as of 15:48, 9 May 2023 by Meghdhanu (talk | contribs) (Undo revision 60962 by Meghdhanu (talk))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩.

કૉલેજમાં

હું એ સમયે નવી થયેલી તલોદ કૉલેજમાં દાખલ થયો હતો. તત્કાળે પૂરા સાબરકાંઠા જિલ્લામાં બે જ કૉલેજ હતી. એક મોડાસા અને બીજી તલોદ ગામમાં. મારી પાછળ મારા ગામનો કાંતિ ડાહ્યા પટેલ પણ દાખલ થયો હતો. અમે બંને નવી થતી પ્રજાપતિ બૉર્ડિંગમાં રહેતા હતા. પૈસા ખૂટી ગયા હોવાથી પ્રજાપતિ બંધુઓ બૉર્ડિંગને બારી-બારણાં બનાવી શક્યા નહોતા. ૨જાના દિવસે ઘેરથી ખીચડી અને લોટ લઈ આવતા અને જાતે રાંધી ખાતા. કૉલેજકાળમાં લિખિત જ્ઞાનની ઉપાસના શરૂ થઈ હતી. વધુ ને વધુ સમય કૉલેજના ગ્રંથાલયમાં સામયિકો અને પુસ્તકો વાંચવામાં પસાર થતો હતો. માતૃભાષા વહાલી હોવાથી પ્રથમ વર્ષમાં ગુજરાતી વિષય રાખ્યો હતો. બીજા વર્ષમાં હિંદીના પ્રોફેસ૨ સિંઘસાહેબને વિદ્યાર્થીઓ મળ્યા ન હતા. એમની સર્વિસ બચાવવા અમે કેટલાક મિત્રોએ ગુજરાતી છોડી રાષ્ટ્રભાષા હિંદી વિષય રાખ્યો હતો. એનો લાભ તત્ક્ષણ સિંઘ સાહેબને અને આગળ જતાં સર્વિસ મેળવવામાં અમને પણ થયો હતો. માતૃભાષાનો ૨સ સંતોષવા (અત્યારે સ્વ.) ખ્યાત કવિ-નાટ્યકાર ચિનુ મોદી વર્ગમાં બેસતો. આ માટે હિંદી વિષય લેતાં પહેલાં સિંઘસાહેબ સાથે ખાસ આ શરત મૂકેલી. માધ્યમિક શાળામાં વલીભાઈ અને અહીં ચિનુ મોદીની પ્રેરણાથી કવિતા લખવાની શરૂઆત કરેલી. રમણ સોની (આજના ખ્યાત ગુજરાતી લેખક-વિવેચક) પણ આરંભના તલોદ કૉલેજના વિદ્યાર્થી. એ સમયે ‘જગતના ધર્મો' ભણાવતા પ્રોફેસર પ્રકાશ ગજ્જરને પણ કવિતા રચવાનો શોખ. ૨જાના દિવસોમાં ચિનુભાઈ, પ્રકાશ ગજ્જર, રમણ સોની, હું અને કેટલાક કાવ્યબુભુક્ષો ગલતેશ્વર, ઉત્કંઠેશ્વર જેવાં પ્રકૃતિમંડિત સ્થળોએ કવિતાયાત્રા કાઢતા. પ્રકૃતિના સાંનિધ્યમાં સદ્યકવિતા રચી અંતકડી રમવા અને લખવાની સ્પર્ધા ચાલતી. સૂરજનાં અસ્ત થતાં કિરણો સમયે અમારી સર્જનસ્પર્ધા પરાકાષ્ઠાએ પહોંચતી. રજાના દિવસે વતનની પ્રકૃતિ સાથેનો સંબંધ પુનઃ જોડવા કલ્યાણસાગરની પાળે પુસ્તકો લઈને પહોંચી જતો. શિલાઓ તોડીને બહાર આવેલાં રાયણનાં વૃક્ષોની છાયામાં મારાં બેસણાં રહેતાં. પુસ્તક વાંચતો હોઉં અને બકરાં ચારવા આવેલી રબારી કન્યાઓ મને ઘેરીને બેસી જતી. ચારે બાજુ તાજાં ફૂલ ખીલતાં. કન્યાઓ પૂછતી, “બાબુ ભૈ, પોથી વાંસાં સાં?” હકારમાં માથું ધુણાવતો અને ફૂલ હસી પડતાં. પથ્થરો ખીલી ઊઠતા અને વાતાવરણ મહેકી ઊઠતું. કન્યાઓ કહેતી, “ગૉર્યોસન પોથીમાંથી શંક૨-પારવતીની વારતા વાંસાં.” હું કહેતો, “આ તો કૉલેજમાં ભણવાની પોથી છે. આમાં શંકર-પારવતીની વારતા ના હોય.” નિસાસા નાખીને બોલતી, “એવી નકાંમી પોથી હું કૉમની?” આનંદનો બધો વૈભવ સમેટી કન્યાઓ દૂર ગયેલાં બકરાં પાછળ ભાગતી. મને સુમિત્રાનંદન પંતની હિંદી કવિતાઓ પ્રકૃતિના સાંનિધ્યમાં માણવી ગમતી. રાયણનાં વૃક્ષોમાંથી વર્ષાનાં આછાં બિંદુ વરસતાં હોય, ઘોડાલિયા પહાડ પર ઘનશ્યામ (શ્રીકૃષ્ણ) જેવાં શ્યામ ઘન નયનરમ્ય લીલા રચતાં હોય, કલ્યાણીનાં કલકલ વહેતાં જળ સંગીત સીંચતાં હોય અને મારા ચિત્તમાં હિમાલયમાં આવેલા અલ્મોડાના પ્રકૃતિ- કવિ પંતની કલ્પનાઓ સાક્ષાત્ થતી હોય, મન-હૃદય-પ્રાણ પ્રકૃતિમય બની જતાં હોય, એ સમયે મારે મન જામળાના ડુંગરો અને પ્રકૃતિ જ હિમાલય અને અલ્મોડા બની જતાં. મારા ગામની પ્રકૃતિનો આ વૈભવ મારા કૉલેજકાળમાં જ સંકેલાવા માંડ્યો હતો. વૃક્ષોના માલિક બની બેઠેલા ઠાકોરે કાપવાના કરાર કર્યા હતા. પ્રકૃતિના આ નિર્મમ સંહાર પર એક કવિતા લખીને હૃદય વેરાન બની ગયું હતું. સદા-નીરા કલ્યાણી યુવાન વિધવાનાં સુકાયેલાં આંસુ જેવી બની ગઈ હતી. ગ્રેજ્યુએટ થયા પછી શ્રેયસ વિદ્યામંદિ૨ (અત્યારે કે. એમ. વિદ્યામંદિર), ઈડરમાં શિક્ષક તરીકે જોડાયો હતો. આ સમયે નાનાભાઈ પટેલ (આ માધ્યમિક શાળાના ચિત્રકાર) સાથે ઈડરના પહાડોનો ‘પથરે પથરો’ ગણી બધા ધર્મોનાં દેવસ્થાનોનાં દર્શન કર્યાં હતાં. વર્ષાઋતુમાં ડુંગરોના શિખરે ચડી વાદળો સાથે ગોઠડી કરી, ધરતી અને આકાશ સાથે સંવાદ રચતા. બે વર્ષ પછી રાજીનામું આપી બી.એડ્. (બેચરલ ઑફ એજ્યુકેશન)ની ઉપાધિ લેવા અમદાવાદ એસ.ટી.ટી. કૉલેજ, વાસણામાં આવવાનું બન્યું. પ્રકૃતિઘેલા આ જીવને ધુમાડો અને આગ ઓકતું અમદાવાદ ખાસ રાસ આવ્યું નહોતું. (અત્યારે સંજોગોએ આ અમદાવાદને મારો આવાસ બનાવ્યો છે અને અમદાવાદે મારું જીવન બનાવવા ઘણું આપ્યું છે.) ૧૯૭૦માં શેઠ કે.ટી. હાઈસ્કૂલ, ખેડબ્રહ્મામાં શિક્ષક તરીકે જોડાયો ત્યારે મારા માનસનો હિંદી સાહિત્યમાં પ્રવેશેલા ‘પ્રગતિવાદ’ અને ‘નયી કવિતા’એ કબજો કરી લીધો હતો અને તેના પ્રભાવ તળે કવિતા લખવાનો પ્રયત્ન કરેલો. આ સમયે લખેલી કવિતાના કેટલાક અવશેષો ચિત્તમાં ભાવાર્થરૂપે આજે પણ સચાવાયેલા છે :

બીજું એક મહાભા૨ત

શરશય્યા ૫૨ સૂતેલો હું
ધૃતરાષ્ટ્રની આંખો લઈ
મુઠ્ઠીમાં હવા પકડવાનો પ્રયત્ન કરું છું!
છતાં મારી આંખોમાં
અશ્વત્થામાનો વૈરાગ્નિ પ્રજળે છે!
મારા વાળમાં વાલખિલ્યો
ઊંધા મસ્તકે ટટળે છે!
મારા બોખલાયેલા મોંમાંથી
દ્રૌપદીનું અંતિમ વસ્ર
ખેંચતા દુઃશાસનની લાળ ટપકે છે!
મારી બંને જાંઘોમાં
પાંડુ અને ભીષ્મની કામવેદના
બળદ બની ગઈ છે.
છતાં મારાં જનનઅંગોમાં યયાતિ સળવળે છે!
મારું હૃદય કુરુક્ષેત્રના યુદ્ધ પછીની ગાંધારી!
સમુદ્રમંથન પછીના વાસુકિ નાગ જેવી મારી ભુજા
અભિમન્યુનું કોઈ ચક્ર ધારણ કરી શકશે?!

એકલવ્યનો અંગૂઠો

તે દિવસે તારા સાંનિધ્યમાં આવ્યો હતો
હૃદયની લીલીકચ ડાળ પર મારી ભોળી
ઇચ્છાઓનાં પારેવાં બેસાડીને
ત્યારે તેમની આંખોમાં ધૂળ ઉડાડવાનો
શો હતો તારો અર્થ?
છતાં ધૂળને મસ્તક પર ચડાવી
તારી અર્ચનાની મૂરત સરજી!
તો પછી તારા હોઠ પર સ્મિત ચોંટાડી
અર્જુન સાથે આવી મારું અંગૂઠિયું મસ્તક
રહેંસવાનો શો હતો તારો અર્થ?
આજે પાંચ હજાર વર્ષ પછી મારો અંગૂઠો
તારી સામે પ્રશ્નાર્થ બનીને ઊભો છે,
દ્રોણ મારો અપરાધ?
હે પાંડવોના ‘ડમી' ગુરુ,
ઉત્તર આપ!
નહીંતર મારો આ અંગૂઠો
‘એટમ’ બનીને ફાટશે!

આ સમયે ખબર નહોતી કે આ ‘એકલવ્ય' અને તેની પૂરી ભીલ જાતિ મારાં હૃદય-પ્રાણ-લોહીમાં આદિમ લય બની ફરી વળશે અને મારા જીવનને સર્વાંશે ચાલિત ક૨શે.

***