શૃણ્વન્તુ/નવીન કળાપ્રવૃત્તિ

From Ekatra Wiki
Revision as of 11:45, 28 June 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


નવીન કળાપ્રવૃત્તિ

સુરેશ જોષી

કોઈ કહે છે કે કવિતા, ટૂંકી વાર્તા, નવલકથા અને નાટક – આ સાહિત્યસ્વરૂપોમાં જે નવી ચળવળનો જુવાળ આવ્યો હતો તે ઓસરી રહ્યો છે. કોઈક વર્ગને માટે આ શુભ સમાચાર છે, કારણ કે એ વર્ગના એક પ્રવક્તાની દૃષ્ટિએ હજી તો ગાંધીયુગ જ ચાલી રહ્યો છે. હા, થોડાંક છમકલાં અપવાદ રૂપે અહીં તહીં દેખાતાં હતાં. પાડ પ્રભુનો કે એની અનિષ્ટ અસરોથી આપણું સાહિત્ય બચી ગયું! તો કેટલાક એમ પણ માનનારા છે કે આ આભાસી અથવા કૃતક નવીનતા હતી. ઊંડે ઊંડે તો એ જ વિધિનિષેધો, સંકોચક્ષોભ, નીતિપરસ્તી કામ કરી રહ્યાં છે. હજી કૌવત દેખાતું નથી, ઉગ્રતા દેખાતી નથી. એનો એ ગાડરિયો પ્રવાહ દેખાય છે. ચર્ચાસભાઓ ઠંડી છે. હજી ‘સમયના અભાવે’ ઘણા મૂળ મુદ્દાઓ ઉઠાવી જ શકાતા નથી. છીછરાપણું, ચબરાકિયાવેડા, ઉદ્ધતાઈનો બાલિશ દેખાડો, અભિનિવેશપૂર્વક ઉચ્ચારણ કરવાથી પૂર્વગ્રહ પણ સત્ય બની જાય એવી ભોળી માન્યતા – આ બધું દેખાય છે. પશ્ચિમના અનુકરણની વાત ફરીફરી આગળ કરવામાં આવે છે. એકલવાયાપણું, નિર્માનવીકરણ, શૂન્યવાદ, વિદ્રોહ, યુયુત્સા, વિધ્વંસકતા, મૂલ્યવિડમ્બના, નિરીશ્વરતા, અરાજકતા – આવી સંજ્ઞાઓ આપણા પરિસંવાદોમાં કાને અથડાયા કરે છે.

વિડમ્બના કદાચ વિદ્રોહનું એક અસરકારક સાધન છે. આ પહેલાં વ્યક્તિને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું. વ્યક્તિસ્વાતન્ત્ર્ય માટે શહાદતને બિરદાવવામાં આવી – ખાસ કરીને સાહિત્ય અને કળાના ક્ષેત્રમાં. હવે ‘કેમ્પ’ અથવા ‘મઠ’ અસ્તિત્વમાં આવ્યા. નવી રીતે સર્જનને અપૌરુષેય બનાવવાનો આગ્રહ રાખવામાં આવ્યો. વ્યક્તિ પોતાનું આગવાપણું આક્રમક રીતે આગળ કરવાને બદલે સમૂહનાં લક્ષણોને આત્મસાત્ કરી પોતાનો લોપ સિદ્ધ કરે એવી અપેક્ષા રાખવામાં આવી. સમૂહનો આશ્રય કશી અસલામતીને કારણે નહીં પણ જે સમાજનાં મૂલ્યો સામે વિરોધ છે તેનાથી અળગો સમાજ રચવાના હેતુથી લેવામાં આવ્યો. સ્વેચ્છાએ સ્વીકારેલું આ સામૂહિક અલગારીપણું અને એની આચારસંહિતા હવે ખરીતાઓ બહાર પાડીને કે લઘુ અનિયતકાલિકો દ્વારા કૃતિઓને એનાં નિદર્શન રૂપે રજૂ કરીને પ્રકટ કરવામાં આવે છે. આ અનિયતકાલિકો લાંબું આયુષ્ય ભોગવે, વળી પાછી એની રૂઢિનો લિસોટો પડે એવી વ્યવસ્થા કરવામાં આવતી નથી. સ્વેચ્છાએ એનું અલ્પાયુષ્ય સ્વીકારી લેવામાં આવ્યું હોય છે.

નિષ્ઠા, ગામ્ભીર્ય, સૌન્દર્યબોધ, ઉદાત્તતા, ઉન્નતિપ્રેરકતા – આવા કેટલાક શુકપાઠ ગઈ પેઢી કરતી હતી. હજુય, વયમાં યુવાન છતાં વાસ્તવમાં તો એ પેઢીના જ અવશેષરૂપ, કેટલાંક આ રટણ ચાલુ રાખે છે. એમની નજર અમરતા તરફ છે. નવી પેઢીને આવી અક્ષરતા કે અમરતાની કશી પડી નથી. આત્મરતિથી સજાવેલી પાકા પૂઠાની બાંધણીની કૃતિઓ હવે ઝાઝી દેખાતી નથી. સાહિત્યસભાના મંચ પરથી નહીં પણ સાઇકેડેલિક સંગીત, કનસીલ્ડ સોફટ લાઇટના વાતાવરણવાળા સાંકડા અવકાશવાળા, નીચી છતવાળા કોઈ ઓરડામાં કાવ્ય સાંભળો, નાટકના અંશો સાંભળો કે ટૂંકી વાર્તા સાંભળો ને એસ્પ્રેસો કોફીના ઘુંટડાથી એને ધોઈ નાંખીને ઊઠીને ચાલ્યા જાઓ એવી અપેક્ષા રહે છે. પોતાની કૃતિ પરત્વેનું મમત્વ એ એક પ્રકારની બાલિશતા છે. એ વિશે ચર્ચા પરિસંવાદ ગોઠવવા ખરા પણ તે પણ્ડિતો દ્વારા સંચાલિત પરિસંવાદોની વિડમ્બના રૂપે જ. આથી જ જોરશોરથી એમ પણ જાહેર કરવું કે અમે જ અમારી કૃતિને સમજતા નથી, માટે કોઈએ એવી ખખામાં પડવું નહીં.

ગઈ પેઢીએ મૂલ્યોનો ઉપયોગ કવચ રૂપે કર્યો. એથી જે પ્રત્યક્ષ સંવેદનાનું આક્રમણ ઇન્દ્રિયગ્રામ પર થયું તેનાથી એઓએ બચી જવાનું ઇચ્છ્યું, અનુભવમાત્ર મૂલ્ય વિશેના આવા આગ્રહને કારણે પૂર્વનિયત બની ગયો. રસચર્વણાને સ્થાને ચવિર્તચર્વણા જ અવશેષમાં રહી. આવો પ્રત્યવાય નવી પેઢીએ ન રુચ્યો. પ્રત્યક્ષતા આડે ઊભા કરેલા આવા અવરોધો, મૂલ્યને નામે insularityના જામેલા જાડા થર – આ બધું દૂર કરવા માટે તેજાબી દાહકતાની જરૂર હતી. આથી જે ગમ્ભીર હતું તેનું હાસ્યાસ્પદ રૂપ પ્રકટ કરવામાં આવ્યું. આમાં પોતાની જાતને બચાવી લેવાની આ પેઢીની દાનત નહોતી. પોતાને ભોગે પણ એણે આ વિડમ્બના સિદ્ધ કરી. ‘હું’ને નામે થતાં નવી કવિતામાંનાં નિવેદનો પર નજર નાંખો, કવિને ઉદ્દેશીને આપેલી સલાહો કે એને કરેલાં સમ્બોધનો જુઓ – આ હકીકતની પ્રતીતિ થશે.

છીછરી સફાઈ અને સૌષ્ઠવનો પણ આવો પ્રતિકાર થયો, સંસ્કૃતિને નામે જે આગળ ધરવામાં આવ્યું તે ખરેખર તો unmediated અનુભવને ટાળવાની તદબીરો જ હતી તે ખુલ્લું પડી ગયું. આ અન્તરાય, કૃત્રિમ ચળકાટના અબરખિયા પડને ભેદીને ફરી આદિમ વૃત્તિના મૂળ સ્રોત સુધી પહોંચી જવાના પ્રયત્નો શરૂ થયા. આ neoprimitivism આપણા નિર્વીર્ય અને પાણ્ડુરોગી ઊમિર્જીવનમાં નવા આવેગનો સંચાર કરે એવી અપેક્ષા સાથે સભાનપણે આચરવામાં આવ્યું. આદિ માનવપ્રજાઓની કળામાં સૌન્દર્ય વિશેનો ખ્યાલ, વિદગ્ધોનો હોય છે તેવો, નહોતો. એમાં વિકૃતીકરણ હતું. સભાનતાપૂર્વકનું આ વિકૃતીકરણ એક બાજુથી નવી કળામાં દેખાવા લાગ્યું તો બીજી બાજુથી કળામાંના સફાઈવાળા સૌન્દર્યને સ્થાને જાણી કરીને દરરોજના ઉપયોગની યન્ત્રયુગે ઉપજાવેલી વસ્તુઓને સંસ્કાર્યા વિના કળાના સન્દર્ભમાં ખેંચી લાવવામાં આવી. આ રીતે કળામય પદાર્થોનો કૃત્રિમ ભેદ લુપ્ત કરીને બધં એકાકાર કરી દેવાનો પ્રયત્ન થયો. આમાં પણ કળા વિશેની કેટલીક જડ માન્યતાઓનો ઉપહાસ કરવાની વૃત્તિ કામ કરતી જ હતી.

અમુક શિષ્ટ સમાજના સંસ્કૃતિનિયન્ત્રિત પ્રતિભાવોમાંથી વાસ્તવિકતાની વિભાવના ઉપજાવી લેવામાં આવતી હતી. આ વાસ્તવિકતાની સામેની પ્રતિક્રિયા કળાનાં સર્વ ક્ષેત્રોમાં જોવામાં આવે છે. એક દાયકામાં સૈકાને સમેટી લેતી આપણા જમાનાની તેજ રફતાર આપણી સંવેદનાનો ઘાટ અકળ રીતે બદલતી રહે છે. આ હકીકતની ઉપેક્ષા કરીને ભદ્ર વર્ગ ‘પ્રશિષ્ટ’ ધોરણોનો હાઉ ઊભો રહે છે. એ ધોરણોને આધારે જ વર્તમાન સર્જનાત્મક પ્રવૃત્તિનાં ગતિમર્યાદા નક્કી કરવાનો મુરબ્બીવટભર્યો હઠાગ્રહ રાખે છે. આ વર્ગ જેને કળા કહે છે તેની વિરુદ્ધને છેડે જઈને અ-કળાનું (દરેક સાહિત્યસ્વરૂપના પ્રતિસ્વરૂપોનું) નિર્માણ કરવાની પ્રવૃત્તિ સભાનપણે આચરવામાં આવે છે. આ રીતે કૃતિ સર્જન બનવાની સાથે જ એના પરમ્પરાગત સ્વરૂપનું વિવેચન પણ બની રહે છે. જૂનાં સાહિત્યસ્વરૂપો અને નવી સંવેદનાનું સંયોજન કરીને પણ વ્યંગ પ્રકટ કરવામાં આવે છે. વાસ્તવિકતાનો વિરોધ બન્ને છેડાથી થયો. ઉપરનો છેડો superrealism અને નીચેનો છેડો તે infrarealism. આમાં પુરાણકલ્પનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. રહસ્યમયતા, અર્થગર્ભતાની ઠેકડી ઉડાવવા જાણી કરીને કેળવેલી બાઘાઈ તથા અન્-અર્થકતા દાખવવામાં આવી. પણ્ડિતોની અર્થઘટનની પ્રવૃત્તિની પણ વિડમ્બના કરવામાં આવી.

સંભાર અને સ્વરૂપ વચ્ચેની રેખાને ભૂંસી નાંખવાનો પ્રયત્ન થયો. સાહિત્યનો ઉપયોગ મેથ્યૂ આર્નલ્ડના યુગથી અમુક વિચારસરણીના સમર્થન માટે કરવામાં આવે છે. સામાજિક પરિસ્થિતિનાં નિદાન પણ એ દ્વારા કરવામાં આવે છે. આ દૃષ્ટિએ અત્યાર સુધી સાહિત્યમાં કથયિતવ્યનું, સંભારનું જ ઝાઝું મહત્ત્વ રહ્યું છે. ભાષાનો ઉપયોગ કરનારું સાહિત્ય આનો સૌથી મોટો ભોગ બન્યું છે. બીજી કળાઓ તો આ જોહુકમીમાંથી મુક્ત થઈ ચૂકી છે. આમ છતાં આજનો કળાકાર પણ સંસ્કૃતિવિષયક અભિપ્રાયો કળા દ્વારા ઉચ્ચાર્યા વિના રહી શકતો નથી. એટલે અંશે એ હજુ સંડોવાયેલો છે, પૂરો અનાસક્ત નથી. આમ તો રૂપકગ્રન્થિના ઉપયોગને એ યાન્ત્રિક ને અકળામય ગણી હસી કાઢે છે, છતાં પોતાનાં ચિત્રોમાં એ સમકાલીન સમાજનો ઉપહાસ કરવા આવી જ રૂપકગ્રન્થિનો આશ્રય લે છે.

કળા કશાની અવેજીમાં નથી, કશાનું પ્રતીક નથી, કોઈ એની બહારના રહસ્ય તરફ અંગૂલિનિર્દેશ કરતી નથી. જીવનથી ભિન્ન એવો એ કોઈ અલૌકિક પ્રદેશ નથી. એ જીવનનો જ વિસ્તાર છે. એને ઇન્દ્રિયગોચર બનાવીને પ્રત્યક્ષતાથી સંવેદવાની છે. એમાંથી કશું કાઢવાનું નથી કે અહેવાલ આપવાનો નથી. પણ સંસ્કૃતિએ ઘણા અન્તરાયો ઊભા કર્યા છે. કળાકૃતિ અને આપણી સંવેદના વચ્ચે કેટલા પ્રાચીન સંસ્કારો, વિભાવનાઓ, અભિગ્રહો, પ્રતિગ્રહો અન્તરાયરૂપ બની રહે છે! આથી આપણી સંવેદના પોષણ પામ્યા વિનાની રહી જાય છે, ધીમે ધીમે જડ અને નિષ્પ્રાણ બનતી જાય છે. માટે એને આઘાત આપવા પડે છે.

નવીનો પણ એમની પોતાની રીતે પ્રચારવાદી બની રહે છે. એમનાં પણ કેટલાંક ગૃહીતો હોય છે. એ ગૃહીતોનું ઉચ્ચારણ સમ્પ્રદાયની આવશ્યકતા બની રહે છે. આ પણ સંવેદનાના સાહજિક વિકાસમાં આડે આવે છે. સમ્પ્રદાયની કૃતિનાં ટીકાટિપ્પણો રચવાની પ્રવૃત્તિ પણ હાથ ધરવામાં આવે છે, તો વળી એક બાજુથી વિવેચનની આખી પ્રવૃત્તિ પણ જ નિરર્થક અને અશક્ય ગણીને એનો છેદ ઉડાડી દેવાય છે. કેટલીક વાર આશયોને જ સિદ્ધ થયેલા ગણીને વધાવી લેવામાં આવે છે.

નવી કળાપ્રવૃત્તિમાં દુર્બોધતાનું તત્ત્વ રહેલું છે. આગલી પેઢીના કવિઓની દુર્બોધતા કરતાં આ પેઢીના કવિની દુર્બોધતા જુદી છે. આ દુર્બોધતા સમ્પ્રદાયના ગુહ્ય સંકેતોના સ્વીકારને કારણે કેટલીક વાર આવે છે, તો કેટલીક વાર જેઓ આ કળામાં દીક્ષિત નથી તેને બહાર રાખવા એનો સભાનપણે ઉપયોગ થાય છે. કેટલીક વાર પોતે અમુક જૂથનો છે એ બતાવવા ખાતર જ એનો સભાનપણે પ્રયોગ થાય છે.

જીવનનાં અન્ય ક્ષેત્રોમાં તેમ જ કળામાં ત્રિકાલાબાધિત સિદ્ધાન્તો હોઈ શકે નહીં. આથી કાવ્યશાસ્ત્ર અને રસમીમાંસાનાં આજ સુધીનાં ગૃહીતોને પડકારવાને માટે પણ કૃતિઓ રચાય છે. કેટલીક વાર ચતુરાઈથી કેટલીક અશક્તિઓને મૌલિકતાનો સ્વાંગ સજાવીને રજૂ કરવાના પ્રયત્નો પણ થાય છે. આમજનતાને સાથે રાખવાનો ઢોંગ કોઈક વાર કરવામાં આવે છે, પણ સરવાળે તો એનું જડભરતપણું ભાંડવામાં જ આવે છે. આ તબક્કાની ફલશ્રુતિ શી?

સપ્ટેમ્બર, 1969