વસુધા/અરે કે–
અરે કે હમણાંનું આ હૃદયને થયું છે જ શું?
બને છ નિત એવું કે રખડુ માર્ગમાર્ગો તણું
જરાક મહીં કોઈને નિરખી તુર્ત તેને જ તે
ગ્રહી નિજ વિષે લઈ કરી મુકે છ પોતાતણું,
અને લઘુક ઓરડી નિજની દેઈ સોંપી સુખે
અહોનિશ રહે ખડું નિજ ગૃહ-સ્થ–તેહનાતમાં.
ન એમ ગણશો જ કે ભમતું રૂપ પૂંઠે જ એ.
નથી નથી જ એવું કૈં, કંઈ બી હોય રૂપાળું કે
વિરૂપ, શિશુ કે યુવાન, જન કોઈ કેવું ય હો,
પરંતુ ઘડીમાં શું જાય છે બની જ કે કોઈ યે ૧૦
જરીક નજરે પડ્યું, કે બસ તેનું આવી બન્યું!
પુરા દુખ હતું જ કે હૃદય ઉગ્ર આત્મસ્થ આ
સદા ખડકી વાસીને જ સડતું’તું આ ખોળિયે,
નિમેષ પણ કોઈને અહીં ન સ્થાન ર્હેતું હતું.
હવે છ દુઃખ એટલું:-હૃદય એવું થૈ ગ્યું છ કે
સમાસ કરવો કશે અતિથિ થોકબંધ તણો
ઉકેલ ન જડે. અહીં લઘુક ઓરડીમાં જુનું
પડ્યું ગુણિયું એક ને નથી સુમાર સૂનારનો.
નિમંત્રણ અનેકને મુરખ દેઈ આવ્યું છ ને
ન સોઈ લવ છે કરી. — ફિકર ના અમારા સમાં ૨૦
અવસ્ત્ર જન કેરી, તે જ્યમત્યમે જ રહેશે પડી.
પરન્તુ વસતાં જ જે મખમલી ઊંચા ગાલીચે
જનોનું અહીં શું થશે? — ફિકર એ મને મૂંઝવે.
અરે ફિકર કેટલી પણ કરું હું? ક્યારે જ એ
મને પુછી કરે છ કામ?
અને બધું ય આમ કેમ નભશે જ? દ્હાડા બધા
જશે ક્યમ કરી સદા ઘટતી ટૂંકી પૂંજી વડે?
કદી મુરખ જે બની ગયું જ સાવ નાદાર કે
કદી અબુધ ગાંડું થૈ સળગી ઊઠ્યું જાતે જ તો
થશે શું જીવ! તારું રે? ૩૦
પણ હવે બને શું બીજું?
મળ્યું હૃદય જેવું, તેવું નભવ્યે જ છે છૂટકો.