ગંધમંજૂષા/તું

From Ekatra Wiki
Revision as of 03:38, 28 May 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{center|<big>'''તું'''</big>}} {{Block center|<poem> તું બારી બહાર તાકતી ઊભી હોઈશ તારી દૃષ્ટિને ગળી જતા અંધકારમાં, ત્યારે સૂકી તરસી ધરતી ૫૨ મેઘ ચડી આવે તેમ ચડી આવીશ. કોઈ અણધારી અધરાતે ઘેઘૂર વડની જેમ ઝૂકીશ તારી છ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

તું


તું બારી બહાર તાકતી ઊભી હોઈશ
તારી દૃષ્ટિને ગળી જતા અંધકારમાં, ત્યારે
સૂકી તરસી ધરતી ૫૨ મેઘ ચડી આવે
તેમ ચડી આવીશ.
કોઈ અણધારી અધરાતે
ઘેઘૂર વડની જેમ ઝૂકીશ તારી છાતી પર,
મારી છાતીની છાયામાં વડવાઈ ઉતારીશ તારી છાતીમાં
ધીમે ધીમે જળની જેમ જમીશ તારી છાતીમાં;
ગોપુરમના જીર્ણ શ્યામ શિખરોને
આવરે જેમ હિરત લીલ
તેમ આવરીશ તારી કાયાને માયા સ્પર્શલેપથી...
ઘડાયેલી તું – તને નખશિખ ફરી ફરી ઘડીશ મારા સ્પર્શથી;
અમથું એવું કાનની બૂટ પાસે કશું કહીશ
ને મધુર કંપની લહેર દોડી જશે દેહના ઢોળાવો પ૨થી...
એલચીનો દાણો કે દ્રાક્ષ
જેમ તેનું જમીનથી આકાશ સુધીનું રહસ્ય ખોલે મોંમાં
તેમ રહસ્ય ખોલીશ તારા મોંમાં...
પ્રસ્વેદનાં નવલખાં મોતી ચળક ચળકી રહેશે તારા ચહેરા પર
પછી
ધાનની કોઠીમાં કાચું સીતાફળ પાકે
કે
છીપમાં જળરત્ન સમું મોતી પાકે
તેમ પાકીશ તારી કસદાર કાયામાં;
તારી ડૂખમાં, તારી કૂખમાં...