રમણલાલ જોષી

From Ekatra Wiki
Revision as of 16:41, 29 May 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{Poem2Open}} જોશી રમણલાલ જેઠાલાલ ૨૨-૫-૧૯૨૬) : વિવેચક, સંપાદક. જન્મ વિજાપુર તાલુકાના હિરપુરા ગામે. પ્રાથમિક શિક્ષણ વડનગરમાં. માધ્યમિક શિક્ષણ પિલવાઈમાં. ૧૯૫૦માં બી.એ. ૧૯૫૪માં એમ.એ. ૧૯૬રમાં પી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

જોશી રમણલાલ જેઠાલાલ ૨૨-૫-૧૯૨૬) : વિવેચક, સંપાદક. જન્મ વિજાપુર તાલુકાના હિરપુરા ગામે. પ્રાથમિક શિક્ષણ વડનગરમાં. માધ્યમિક શિક્ષણ પિલવાઈમાં. ૧૯૫૦માં બી.એ. ૧૯૫૪માં એમ.એ. ૧૯૬રમાં પીએચ.ડી. ૧૯૫૪થી ૧૯૫૯ સુધી ભાષાભવન, ગુજરાત યુનિવર્સિટીમાં રિસર્ચ ફેલો. ૧૯૫૯થી ૧૯૬૨ સુધી અમદાવાદની સર એચ. એ. આટર્સ કૉલેજમાં અધ્યાપક. ૧૯૬૨થી ૧૯૬૮ સુધી ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાં અધ્યાપક, ૧૯૭૯માં રીડર, પછી ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક અને છેલ્લે ભાષાભવનના અધ્યક્ષપદેથી ૧૯૮૬માં નિવૃત્ત. તે પછી કૉલેજ ડેવલપમેન્ટ કાઉન્સિલ ગુજરાત યુનિવર્સિટીમાં ડાઇરેક્ટર તથા ૧૯૮૮માં યુ.જી.સી. તરફથી એમિરિટ્સ પ્રોફેસર, ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ. ૧૯૮૪નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક. ‘ગોવર્ધનરામ એક અધ્યયન’ (૧૯૬૩), ‘અભીપ્સા’ (૧૯૬૮), ‘પરિમાણ’ (૧૯૭૯), ‘શબ્દસેતુ’ (૧૯૭૦), ‘પ્રત્યય’ (૧૯૭૦), "ભારતીય નવલકથા’– ૧ (૧૯૭૪), ‘સમાન્તર’ (૧૯૭૬), ‘વિનિયોગ’ (૧૯૭૭), ‘ગુજરાત સાહિત્ય સભાની કાર્યવાહી–૧૯૬૩નું ગ્રંથસ્થ વાઙ્મય’ (૧૯૭૭), ગોવર્ધનરામ’ (અંગ્રેજીમાં) (૧૯૭૯), ‘વિવેચનની પ્રક્રિયા’ (૧૯૮૧), ‘પ્રજ્ઞામૂર્તિ ગોવર્ધનરામ’ (૧૯૮૬), ‘નિષ્પત્તિ’ (૧૯૮૮) ‘પરિવેશ’ (૧૯૮૮) – ‘વિવેચનની આબોહવા (૧૯૮૯) એમના વિવેચનસંગ્રહો છે. એમના પાશ્ચાત્ય કાવ્યતત્ત્વવિચારકો વિષયક સિદ્ધાંતલેખો અને ચોક્કસ અભિગમથી કૃતિની આલોચના કરતા વિવેચનલેખોમાં તુલનાત્મક દૃષ્ટિકોણ જોવાય છે. પોતાને અભિમત વિચારને તેઓ પશ્ચિમના વિવેચકોનાં વિધાનોથી સમર્થિત કરે છે. ‘સ્વ. સાક્ષર નવલરામ લક્ષ્મીરામનું જીવનવૃત્તાંત અને કવિજીવન’ (૧૯૬૬) તથા ‘શબ્દલોકના યાત્રીઓ’–૧-૨ (૧૯૮૩) એ એમના ચરિત્રાત્મક ગ્રંથો છે. ‘અખેગીતા’ (અન્ય સાથે, ૧૯૬૭) સંશોધન-સંપાદનમાં એમના મધ્યકાલીન સાહિત્યના સ્વાધ્યાયનો પરિચય મળી રહે છે. ‘અખાની કવિતા’ (૧૯૮૫) એ એમનું અખાની કાવ્યતત્ત્વની દૃષ્ટિએ બળૂકી રચનાઓનું સંપાદન છે. એ ઉપરાંત ‘કાવ્યસંચય’ (અન્ય સાથે, ૧૯૮૧), ‘ઉત્તમલાલની ગદ્યસિદ્ધિ’ (અન્ય સાથે, ૧૯૭૨), ‘ગોવર્ધન પ્રતિભા’ (અન્ય સાથે, ૧૯૮૩) સંપાદનો પણ એમણે આપ્યાં છે. ૧૯૭૬થી ગુજરાતી સર્જકોનો લઘુપરિચય આપતી ગ્રંથશ્રેણીનું તેઓ સંપાદન કરે છે; તદનુસાર આજ સુધીમાં જુદા જુદા અભ્યાસીઓ દ્વારા લખાયેલા ૪૦ જેટલા ગ્રંથો પ્રકાશન પામ્યા છે.