એકોત્તરશતી/૨૬. સ્વપ્ન

From Ekatra Wiki
Revision as of 02:24, 1 June 2023 by Meghdhanu (talk | contribs) (Added Years + Footer)
Jump to navigation Jump to search


સ્વપ્ન (સ્વપ્ન)


દૂર, બહુ દૂર, સ્વપ્નલોકમાં ઉજ્જયિની નગરીમાં શિપ્રાનદીને કાંઠે એકવાર હું મારી પૂર્વજન્મની પ્રથમ પ્રિયાની શોધમાં ગયો હતો, એને મુખે લોધ્રરેણુ, હાથમાં લીલાપદ્મ, કર્ણમૂળમાં કુન્દની કળી, માથામાં કુરુબકનું ફૂલ; પાતળી એની કાયા પર રક્તામ્બર નીવીબન્ધથી બાંધેલું; એના ચરણમાં આછો આછો નૂપુરનો રણકાર. વસન્તના એ દિવસે રસ્તા એળખતો આળખતો હું બહુ દૂર સુધી રખડ્યો હતો. મહાકાળના મંદિરમાં ત્યારે ગંભીર રવે સાંજવેળાની આરતી થતી હતી. બજારના રસ્તા સુમસામ હતા, ઉપર નજર કરતાં અંધારી હવેલી પર સંધ્યાનાં કિરણની રેખા અંકાયેલી દેખાતી હતી. પ્રિયાનું ભવન વાંકા સાંકડા દુર્ગમ માર્ગ પર એકાંતમાં હતું. એને દ્વારે શંખચક્ર આંક્યાં હતાં, એની બંને બાજુએ કદમ્બનાં એ નાનાં વૃક્ષ પુત્રવત્ સ્નેહ પામીને ઊછરી રહ્યાં હતાં. તોરણના શ્વેતસ્તમ્ભ પર સિંહની ગંભીર મૂર્તિ રૂઆબથી બેઠી હતી. પ્રિયાનાં કબૂતરા ઘરે પાછાં વળી ગયાં છે, સુવર્ણદંડ પર મયૂર નિદ્રામાં મગ્ન છે. એવે વખતે હાથમાં દીપ શીખા લઈને મારી માલવિકા ધીરે ધીરે નીચે ઊતરી આવી. સાન્ધ્યતારકને હાથમાં ધારણ–કરનાર સન્ધ્યા-લક્ષ્મીની જેમ એણે બારણા આગળ પગથિયા પર દેખા દીધી. એના અંગપરના કુંકુમની સુગન્ધે તથા એના કેશમાં કરેલા ધૂપની સુવાસે મારાં બધાંયે અંગ પર એનો રાગાવેશભર્યો નિશ્વાસ નાંખ્યો. એના અર્ધા સરી પડેલા વસ્ત્રમાંથી એના વામ પયોધર પર આલેખેલી ચન્દનની પત્રલેખા દેખાવા લાગી. નગરનો કોલાહલ શાન્ત પડી ગયો છે એવી શાન્ત સન્ધ્યાએ તે મારી આગળ પ્રતિમાની જેમ ઊભી રહી. મને જોઈ તે પ્રિયા ધીમેથી દીપને બારણા આગળ હેઠો મૂકીને મારી સામે આવી— મારા હાથમાં હાથ રાખીને નીરવે કરુણ દૃષ્ટિએ માત્ર પૂછ્યું : ‘હે સખા, કુશળ તો છે ને?’ એના મુખભણી જોઈ હું બોલવા ગયો, પણ હોઠે શબ્દ આવ્યા નહીં. એ ભાષા હું ભૂલી ગયો હતો. અમે બંનેએ બંનેનાં નામને ખૂબ યાદ કરી જોયાં, પણ કશું યાદ આવ્યું નહિ. અમે બંને એકબીજા ભણી મીટ માંડીને જોતાં વિચારે ચઢી ગયાં, અમારાં અપલક નયનોમાંથી ઝર ઝર અશ્રુ સર્યે ગયાં. આંગણામાંના વૃક્ષની નીચે અમે બંને કોણ જાણે શું શું વિચારતાં ક્યાં સુધી ઊભાં રહ્યાં! ક્યારે, શા મિષે એને સુકોમળ હાથ, સાંજવેળાએ માળામાં પાછા ફરતા પંખીની જેમ, મારા જમણા હાથમાં આવીને લપાઈ ગયો. એનું મુખ, નમી પડેલી દાંડીવાળા પદ્મની જેમ ધીમેથી મારી છાતી પર ઝૂકી પડ્યું, વ્યાકુળ ઉદાસ નિઃશ્વાસ આવીને નિઃશ્વાસ સાથે નિઃશબ્દે મળી ગયો. રાત્રિના અન્ધકારે ઉજ્જિયનીને એકાકાર કરીને લુપ્ત કરી દીધી. બારણા આગળનો દીપ પવનની ઝાપટથી કોણ જાણે ક્યારે હોલવાઇ ગયો. શિપ્રા નદીને તીરે શિવના મંદિરમાં આરતિ થંભી ગઈ. ૨૨ મે, ૧૮૯૭ ‘કલ્પના’

(અનુ. સુરેશ જોશી)