એકોત્તરશતી/૬૫. છબિ

From Ekatra Wiki
Revision as of 02:18, 2 June 2023 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search


છબિ (છબિ)

તું શું કેવળ છબિ છે, માત્ર પટ પર આંકેલી? પેલી જે દૂર દૂર નિહારિકાઓ, જેણે આકાશમાં ભીડ જમાવી છે, આકાશના માળામાં ગ્રહ, તારા, રવિ દિવસ ને રાત અંધારના યાત્રી હાથમાં દીવો લઈને ચાલે છે, તું શું એમની જેમ સત્ય નથી? હાય છબિ, તું શું કેવળ છબિ છે? ચિરચંચલની વચ્ચે તું કેમ શાંત બનીને રહે છે? પથિકનો સંગ કર, હે પથહીન! બધાની વચ્ચે રાત ને દિવસ વસવા છતાં સ્થિરતાના ચિરઅંતઃપુરમાં બધાથી કેમ આટલી દૂર રહે છે! આ ધૂલિ ધૂસર અંચલ ઉપાડીને પવનના જોરે દિશદિશામાં દોડે છે. વૈશાખમાં એ વિધવાના આભરણ કાઢી નાંખીને તપસ્વિની ધરણીને ભગવા રંગના વસ્ત્રથી સજાવે છે. વસંતની મિલન ઉષાના સમયે એનાં અંગો પર પત્રલેખા આંકી દે છે. હાય રે ધૂલિ એ પણ સત્ય! વિશ્વના ચરણતલે લીન આ તૃણ એ પણ અસ્થિર છે, એથી એ બધાં સત્ય છે! તું સ્થિર છે, તું છબિ છે, તું કેવળ છબિ છે. એક દિવસ આ જ પંથે તું અમારી પાસમાં ચાલી હતી, તારી છાતી નિ:શ્વાસથી કંપતી હતી. વિશ્વતાલ સાથે તાલ મિલાવીને પોતાના નવા નવા છંદ અંગે અંગે તારા પ્રાણે કેટલા ગીતથી કેટલા નૃત્યથી રચ્યા હતા. એને આજે કેટલોય સમય થઈ ગયો. આ જીવનમાં મારા ભુવનમાં તું કેટલી સત્ય હતી. મારા ચક્ષુમાં આ વિશ્વમાં દિશાદિશામાં રૂપની પીંછી પકડીને રસની મૂર્તિ તેં જ આંકી. એ પ્રભાતે આ વિશ્વની મૂર્તિમતી વાણી તું જ હતી. એક સાથે પથ પર જતાં જતાં રાત્રિની આડશમાં તું થંભી ગઈ. ત્યાર પછી હું કેટકેટલા સુખદુઃખમાં રાત્રિદિન સામે ચાલ્યો છું. પ્રકાશ અને અંધકારની ભરતીઓટ આકાશના સમુદ્રમાં ચાલી છે. પથની બે બાજૂ પર પુષ્પોનાં ટોળાં નીરવ ચરણે અને વિવિધ વરણે ચાલ્યાં છે. તોફાની જીવનની નિર્ઝરિણી કિંકિણી બજાવતી બજાવતી સહસ્ત્ર ધારાઓમાં વસે છે. અજ્ઞાતના સૂરે દૂરથીયે દૂર ચાલ્યો છું. પથના પ્રેમમાં મસ્ત થયો છું. તું પથથી ઊતરીને જ્યાં ઊભી રહી ત્યાં જ થંભી ગઈ છે. આ તૃણ, આ ધૂલિ, પેલા તારા, પેલા શશીરવિ, સર્વની આડશમાં તું છબિ, તું કેવળ છબિ. શો પ્રલાપ કરે છે કવિ! તું છબિ? નહીં, નહીં, તું કેવળ છબિ નથી, કોણ કહે છે રેખાના બંધનમાં નિસ્તબ્ધ ક્રંદને તું સ્થિર રહી છે? અહો, એ આનંદ જો થંભી જાત તો આ નદી એના તરંગનો વેગ ખોઈ બેસત, આ મેઘ એના સોનેરી લેખને ભૂંસી નાખત. તારા સુંવાળા વાળની છાયા જો વિશ્વમાંથી અલોપ થઈ જાત તો એક દિવસ ક્યારેક ચંચલ પવનમાં ડોલતી માધવીવનની મર્મરમુખર છાયા સ્વપ્નવત્ બની જાત, તને શું ભૂલી ગયો’તો? તેં જીવનના મૂલમાં વાસ કર્યો હતો એથી આ ભૂલ થઈ. અન્યમનસ્કપણે પથ પર જતાં જતાં શું ફૂલને નથી ભૂલી જતા? તારાને નથી ભૂલી જતા? તો પણ તેઓ પ્રાણના નિઃશ્વાસવાયુને સુમધુર કરે છે. ભૂલની શૂન્યતામાં સૂર ભરી દે છે. ભૂલમાં રહ્યો એ કૈં ભૂલ્યો ન કહેવાય. વિસ્મૃતિના મર્મમાં બેસીને તેં મારા રક્તને ઝૂલે ઝુલાવ્યું છે, તું આંખની સામે નથી, આંખની અંદર તેં સ્થાન લીધું છે. તેથી તો આજે તું શ્યામલમાં શ્યામલ છે નીલિમામાં નીલ છે. મારા નિખિલ જગતને, તારામાં એના અંતરનો પ્રાસ મળ્યો છે. હું નથી જાણતો, કોઈ નથી જાણતું (કે) મારા ગીતમાં તારો સૂર વાગે છે. કવિના અંતરમાં તું કવિ છે, છબિ નથી, છબિ નથી, તું કેવળ છબિ નથી. કયા પ્રભાતમાં તને પામ્યો છું અને ત્યાર પછી રાતે તને ખોઈ બેઠો છું, ત્યાર પછી અંધકારમાં અગોચરમાં હું તને જ પામું છું, છબિ નથી, તું છબિ નથી. ૨૦ ઑક્ટોબર, ૧૯૧૪ ‘બલાકા’

(અનુ. નિરંજન ભગત)