મધુસૂદન ઢાંકી સાથે એક દીર્ઘ મુલાકાત/ગદ્ય સ્થપતિ ઢાંકીસાહેબ

From Ekatra Wiki
Revision as of 01:57, 3 June 2023 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search

ગદ્ય સ્થપતિ ઢાંકીસાહેબ

ઢાંકીસાહેબ ગામમાં હોય ત્યારે રોજ રોટલી ખાતા હોઈએ પણ કોઈ દિવસ ભાવતું ભોજન મિષ્ટાન્ન મળે તેવું લાગે. મિષ્ટાન્ન મિષ્ટ તો ખરું જ પણ પૌષ્ટિક પણ. કહે છે કે ગુરુદત્તાત્રયને ઘણા ગુરુઓ હતા એ અર્થમાં તેઓ મારા ગુરુ છે પણ ગુરુ અને શિષ્યનો જે પ્રાચીન સંદર્ભ છે તે અર્થમાં નહીં. કારણ કે તેમનું શિષ્યત્વ ગ્રહણ કરી તેમના જ્ઞાનને પામી તેમના ક્ષેત્રમાં આગળ વધતો નથી. તે ત્રેવડ પણ નથી. પણ તેમની જ્ઞાનસરિતાને તીરે બેસી જે કાંઈ ચાંગળું ઝીલાય છે તેનો લાભ અવશ્ય લઉં છું. ઢાંકીસાહેબને ગુજરાતમાં પ્રાચ્યવિદ્યામાં તેમના ક્ષેત્રના ગણતર માણસો અને તેમના સગાસ્નેહીઓ સિવાય વધારે માણસો ઓળખતા નથી. ઓળખવા જેવા છે. જાણવા જેવા છે. દેશવિદેશમાં તો તેમને ઘણા જાણે છે. ગુજરાતને કોઈએ ગાંડી ગુજરાત અમસ્તી જ થોડી કહી છે. એ ગાંડી એટલા માટે છે કે તેના રતનની વાત તો જવા દઈએ પણ તે પોતાને જ ક્યાં પૂરેપૂરી ઓળખે છે. હા, તો હું વાત કરતો હતો ઢાંકીસાહેબની, મધુસૂદન ઢાંકીની. ભારતના જ નહીં પણ વિશ્વના એક પ્રખર પૂરાતત્ત્વવિદ પ્રાચ્ય વિદ્યાવિદ. મૂળે અભ્યાસ જીયોલોજી-ભૂસ્તરશાસ્ત્રનો. તેમાંથી રસવહેણમાં હોર્ટીકલ્ચરીસ્ટ થયા. પણ અંદરથી કશુંક બોલાવ્યા કરતું સૌરાષ્ટ્રના પ્રાચીન ખંડેરો ભણી. પછી તો તે જ રસ પ્રધાનપણે ઊઘડ્યો. રસરુચિ વાંચન શોધકામ ને ખોદકામ. રાજકોટ જામનગરના મ્યુઝિયમના ક્યુરેટર થયા ત્યાંથી વળી અમદાવાદમાં પૂરાતત્ત્વખાતામાં આવ્યા. આપણા રતનનું જતન આપણે ન કરી શક્યા તે તેમને બનારસ સ્થાયી થવાનો યોગ થયો. વરસોથી તેઓ અમેરિકન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયન સ્ટડીઝના એસોસીયેટ ડાયરેક્ટર છે અને ભારતીય મંદિર સ્થાપત્ય ગ્રંથમાળાના પ્રધાન સંપાદક. વારાણસી ગયા પછી તો અનેક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મૅગેઝિનોમાં તેમના લેખો આવ્યા છે. આપણી પ્રાચીન સ્થાપત્ય કળા વિશે અનેક કોન્ફરન્સમાં તેઓ પ્રાચીન યુગના અર્વાચિન પ્રતિનિધિ બન્યા છે. તેમના ક્ષેત્રમાં તેમનું કામ છે, નામ છે. મારી એક ‘અશ્વત્થામા' કવિતામાં તેઓ હું તેમને મળ્યો તેના પંદરેક વ૨સ પહેલાં જ પાત્ર તરીકે ટપકી પડેલો. અમદાવાદ અવારનવાર આવે. દોઢ બે વરસ પહેલાં રેડિયો પર તેની લાંબી આર્કાઈવલ હેતુ માટેની મુલાકાત લેવા માટે આગ્રહ કર્યો. મારા આગ્રહ કરતાં તો તે આજીજી જ હતી. તેમણે નિઃસ્પૃહ ભાવે વાતને ટાળી. વધુ આગ્રહ ક૨વાથી તેમણે મને ટાળવા સિફતથી એક ડુંગરો વચ્ચે મુક્યો. મને કહે મારો ઈન્ટર્વ્યુ બીજા તો કોણ લે ! હા, ભાયાણીસાહેબ મારા ક્ષેત્રને, મારા બીજા રસ, રૂચિ અને કામને જાણે, જો તે ઈન્ટર્વ્યુ લે તો મને વાંધો નથી.' તેમને એમ કે તેમના ઈન્ટર્વ્યુ માટે આ છોકરો ભાયાણીસાહેબને વળી ક્યાં વાત ક૨શે ! ભાયાણીસાહેબ તેમના કરતાં ઉંમરમાં દસ બાર વરસ મોટાં અને તેમના વિષયના પ્રકાંડ પંડિત. પણ મને વિશ્વાસ કે સારા કામમાં ભાયાણીસાહેબ સ્થાન, ઉંમર જુવે નહીં. ભાયાણીસાહેબે તો તરત કહ્યું કે ‘હા, તારી Conspiracyમાં મારો સાથ છે. આપણે ઈન્ટર્વ્યુ લઈએ.' મેં કહ્યું ‘ઢાંકીસાહેબને તમને કહેતા સંકોચ થતો હતો કે તમારા જેવા વિદ્વાનને ઈન્ટર્વ્યુ લેવા માટે શરમમાં ન નખાય.' ભાયાણીસાહેબે સ્પોર્ટસમેન સ્પીરીટથી જવાબ ફટકાર્યો કે તેમના ક્ષેત્રમાં તેઓ વિદ્વાન છે.’ આમ તેમનો અઢી ત્રણ કલાક લાંબો ઈન્ટર્વ્યુ થયો. સાંભળવાની મજા પડેલી. જોકે એ ઔપચારિક મુલાકાતમાં તો જેટલું સંઘરાયું તેના કરતાં અનેકગણું તો તેમની સાથેની અનૌપચારિક બેઠકોમાં વહેતું જાય. ક્યાં કેટલું પકડવા બેસો ! વાતોના માણસ. વાતોમાં કાઢતા જાય. વાતો નીકળતી જાય. વાતો પણ કેટલી વિવિધરંગી, તેમની અનેકવિધ પ્રશિષ્ટ ક્લાસિક રુચિની દ્યોતક. વાતો નીકળે મંદિર, કેથેડ્રલ, મસ્જિદના સ્થાપત્યની. એ સ્થાપત્ય થકી તેમાં વ્યક્ત થતી ઈશ્વરની વિભાવનાની, ઈલોરાની ગુફામાં કિરાતવેશી ભવાનીની, અજંતાની ગુફામાં પ્રશમરસદિપ્ત ચિત્રોની, ભક્તામર સ્તોત્રના વસંતતિલકાના લય, હિલ્લોલની, માલકૌંસના શૈવ રૌદ્ર સ્વરૂપની હલકદાર ઠુમરીની, તેમણે પાળેલા મોરના બચ્ચાના આંખના ભાવની, ફોટોસ્ફીયર ફોનોસ્ફિયર અને જીનેટિક્સની. ચકાચૌંધ અંગ્રેજી, હલકદાર કાઠિયાવાડી વચ્ચે વચ્ચે ઘૂસી જતા હિંદી શબ્દો. રાગદારીના સૂરીલા નમૂના, ફ્રેંચ, અંગ્રેજીની મિમિક્રી એ બધું તેમાં ગુંથાતું આવે. તેઓ અમદાવાદ હતા ત્યારે બચુભાઈ રાવતને કલાપારખુ પારેખ થઈ તેમનું અને તેમની કલમનું મોલ પિછાણેલું ને તેમની પાસે કુમારમાં સ્થાપત્ય કલા પર સંગીતકારો પર કેટલાંય લેખો લખાવેલા. તે લેખો પણ સ્થાપત્ય જેવા જ પ્રશિષ્ટ કંડારેલી ભાષામાં લખાયેલા. ગુજરાતી ગદ્યની એક વિશિષ્ટ શૈલી તેમણે તેમના લેખોમાં ઊભી કરેલી. જુઓ ૧૯૭૯ના કુમારમાં પ્રગટ થયેલ ‘ગુપ્તકાળના શોભાંકનો'માંથી એક નમૂનો : ‘ગુપ્ત શોભનોના વળાંકોના ચારુચલન, તેના પિંડમાં દેખાતા સૂક્ષ્માતિસૂક્ષ્મ દળ-વિદળ નિપજાવતા, મુલાયમ સ્પર્શ-અનુસ્પર્શ, ને સ્વચ્છ તથા ઊંડા તાકાતભર્યા ઉતાર-ચડાવ, તેમાં પ્રતિચ્છન્ન રહેલાં બબ્બે, ત્રણ ત્રણ અને કેટલીક વાર તો ચારે પરિમાણો અને એનાં લાલિત્યભર્યા અંદાજ તેમજ ઉપસાવ ઉપાડ ને તે સૌ ઉપરવટ પ્રસ્તુત અલંકારોના અંતરંગમાંથી છલછલ ઊભરાતા રસના બહેલાવ ફેલાવ સામે મધ્યકાળના આકર્ષક છતાં થાકેલ-ઊતરેલ જણાતાં શોભનો ઊભા રહી શકે તેમ નથી. ને આજે તો એ બંને વચ્ચે ઘોડદોડ ક૨વાથી કોઈ અર્થ સરે તેમ નથી.' આ એક જ લેખમાં પ્રશિષ્ટ સંસ્કૃત શબ્દો સાથે મોકળાશ, નોખાનોખા જેવા કાઠિયાવાડી શબ્દો અને તાજગી, નુસ્ખા, કસીદા, ખૂબસૂરત, ગહેરાઈ જેવા ઉર્દૂછાંટવાળા શબ્દો પણ સહજ રીતે ભળી ગયા છે, અને સંગીતની પરિભાષા બહેલાવ-ફેલાવ ઉપાડ જેવા શબ્દોના ઉપયોગથી શિલ્પોને લયાન્વિત જીવંતતા પણ આપી. ૧૯૭૨માં સુરેશ જોષી સંપાદિત ‘ઉહાપોહ’નો એક આખો ૩૨ પાનાનો અંક કર્ણાટકી અને હિંદુસ્તાની સંગીતની રસકીય ખૂબીઓ, વિશેષતા અને મર્યાદાઓ બતાવતો તુલનાત્મક લેખ ‘આગિયો અને સુવર્ણભ્રમર’નો હતો. સંગીત જેવી અમૂર્ત કલા વિશે લખતાં લખતાં જુઓ તેમના ગદ્યનું અપૂર્વ ચલન. ‘દ્રાવિડી સંગીતની કેટલીક ચમત્કારપૂર્ણ અસરો કમ્પાયમાન બનતા સ્વરમાંથી જ ઉદ્ભવે છે. કર્ણાટકી સંગીતનો લોલિત-આંદોલિત સ્વર વિશિષ્ટ શક્તિથી સમૃદ્ધ બને છે. તે મુખ્ય સ્વરો વચ્ચે પડેલા અદીઠ અગાધ પ્રદેશમાં પ્રવેશી તેમાં રહેલી સૂક્ષ્મ આંતર-શ્રુતિઓને સ્પર્શી વિવિધ કાકુસ્વરોને જન્મ આપે છે, એથી મૂલસ્વરો સહસા જ્યોર્તિમય થઈ ઝગી ઊઠે છે...’ ‘આલાપચારીમાં કમ્પિતનાદ જે પળ કેમ્પ છોડી, સંસ્થિર બને છે તે પળે તેમાંથી શંખનાદશી સઘન નિનાદની નિષ્પતિ થતી અનુભવાય છે તો બીજી જ ક્ષણે સ્વર પટલને ભેદીને સ્વર-૨વ શ્રૂત્યંતરને પેલે પાર રહેલા સંગીતના ચોથા પરિમાણમાં પ્રવેશી જાય છે. તે ધન્ય પળે ગાનના વિવરમાં દિવ્યતા અવતરતી હોવાથી સહસા અનુભવ થાય છે.' હિંદુસ્તાની સ્વરો વિશે તેઓ કહે છે : ‘અહીં સ્વરો માધુરીમંડિત, પ્રશાંત ઊર્મિશીલ અને ઘનાકાર, ઘડીકમાં અરસપરસ જોડાતા તો ઘડીક એકરૂપ થઈ જતા પણ અંતે તો એક પ્રવાહરૂપે વહેતા અને એથી કર્ણાટકી સંગીતને મુકાબલે સવિશેષ સંયોજિત-અવયવિત અને એક૨સ જણાય છે... ભેદ યોગી અને ભક્તજન વચ્ચે હોય તેટલો છે; જોકે બંને પોતપોતાના આગવા અભિગમથી અંતે તો એક જ તથ્યને, અંતિમ યથાર્થતાને આંબવા પ્રયત્ન કરે છે, આંબી જાય છે.'

તેમણે લખેલા ‘ભારતીય દૂર્ગ વિધાન' પુસ્તકમાં દૂર્ગલક્ષણને વ્યંજિત કરતી તેમની ભાષો -

‘ગિરિદુર્ગ, જલદુર્ગ અને રણદુર્ગ એમનાં રોમાંચક પરિમંડલને આશ્રર્ય, પ્રભાવે રમણીય જરૂ૨ બની ઊઠે છે; પણ ત્યાંયે દૂર્ગનો બાંધો પ્રોન્નત, બળ અને દૃઢતાની પ્રતીતિ કરાવનાર અને એના પાસાં પડખલાં અને કોઠીઓનો લીલાવિલાસ, છન્દોલય રચી દેતાં ચોકોરના ભંગ, પ્રતિભંગ પણ વૈવિધ્યપૂર્ણ ચારિચારુ હોય. એની ઊંચાઈ, ચોડાઈ, બુરજોના ઢાળ અને કોઠી પરના કાંગરાઓનાં છાયાચિત્રોના ખેલ-પ્રતિખેલ આમોદકારી હોય તો જ તે પરિસરની ભૂ-લીલા તેમજ વ્યોમરેખાના લયમાં એકરસ થઈ સ્વત્વ નિજાકર ખોઈ બેઠા સિવાય એકકાર બની - અનોખી ચિત્રાત્મકતા પ્રગટાવી શકે છે.' દુઃખની વાત છે કે ઢાંકીસાહેબ હવે ગુજરાતીમાં લખતા નથી અને છપાયેલાં લેખો પણ વેરવિખેર પડ્યા છે. એ લેખો ગ્રંથસ્થ થાય તો તે વિષયના જ્ઞાન સાથે શૈલીનો પણ સ્વાદ આપણને જરૂર મળે. આવા માણસો પ્રાચીન સ્થાપત્ય જેવા હોય છે. તેમને જાણવા જ નહીં, જાળવવા જોઈએ. એમના માટે નહીં પણ આપણા સ્વાર્થ માટે કે જેથી આપણે થોડો વધુ વખત તેમાં રહી શકીએ.

***