સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/જીવનનો કલાધર
બાપુ અહીં ૧૯૧૫માં આવ્યા. ત્યારથી આખર સુધી એમની નિરંતર કર્મધારા ચાલી. આખાયે રાષ્ટ્રીય જીવન ઉપર તેનો ઘેરો પ્રભાવ પડ્યો. એવું કોણ હતું હિંદુસ્તાનમાં જે તે વખતે ગાંધીજીની બહાર જીવી શક્યું? એ વખતના તરંગમાં અમે સહુ ઊંચકાયા હતા. એ અમારી નહિ, યુગની ઊંચાઈ હતી. એમનો જન્મ થયો, ત્યારે ભારત અને દુનિયા માટે દીવો પ્રગટયો. ભારતમાતાની કૂખ સબળી છે. રામમોહન રાયથી માંડીને અનેક મહાનુભાવ વ્યક્તિઓ અહીં પાકી. ભારત જ્યારે દબાયું હતું, એના ઉપર ભીંસ હતી, એના શીલની કસોટી હતી, ત્યારે કેવી કેવી વ્યક્તિઓ બહાર આવી છે! જાણે એક નક્ષત્રામાળા પ્રગટી. એને માટે તો નવું આકાશ જોઈએ. પણ એ બધામાં ગાંધીજી જુદા તરી આવે છે. એક એક ગુણ લઈ ગોતવા જઈએ, તો તમને એ ગુણ બીજાઓમાં વધારે ખીલેલા જોવા મળશે. વિદ્વત્તા, બુદ્ધિશક્તિ, મુત્સદ્દીગીરી, શબ્દશક્તિ — આ બધા જ ગુણો છૂટાછવાયા બીજા ઘણામાં વધુ માત્રમાંયે જોવા મળશે. પણ આ બધા જ ગુણો એકમાં ભેગા થઈ જે સકળ પુરુષ થાય છે, તે દુનિયામાં વારંવાર જોવા મળતો નથી. જન્મ્યા ત્યારે તો બીજાં બધાં બાળકો જેવા જ સામાન્ય બાળક હતા. તેમાંથી આ વિભૂતિ થઈ કેવી રીતે? એમણે પોતાની જાતને કેવી રીતે ઘડી? આ ઘડતર દ્વારા બાપુએ મનુષ્યજાત આગળ જીવન જીવવાનું વ્યાકરણ રમતું મૂક્યું છે. તેમાં એકડો છે, સત્ય. પછી બીજું બધું તેમાં ઉમેરાય છે. પોતે ભૂલ કરતા, પણ તે સ્વીકારવાની શક્તિ એમની અજબ હતી. દેશભરમાં મોટું આંદોલન ચાલતું હોય, તેની વચ્ચેય હિમાલય જેવી ભૂલનો એકરાર કરી દેતાં તેઓ અચકાય નહિ. ગાંધી— ઇરવિન કરાર થયા. તેના અર્થઘટન અંગે કંઈક ભાંજગડ ઊભી થઈ. ત્યારે વાઇસરૉયે કહ્યું કે ગાંધીને પૂછો. સામા માણસનેય કેટલી હૈયાધારણ હશે! કેટલો વિશ્વાસ હશે કે આખા દેશનું સ્વરાજ્ય મળતું હોય, તોયે આ માણસ કદી ખોટું નહિ બોલે!
માનવજાતિને અનેક મહાન શિક્ષકો મળ્યા છે, અને મળશે પણ. ગાંધીજીની વિશેષતા હોય તો તે એ કે “હું મથામણ કરવાવાળો સામાન્ય જીવ છું” — એમ સ્ખલનશીલ સાધકની પેઠે એ માનવજાતિ આગળ રજૂ થાય છે, અને ધીમે ધીમે જીવનનાં અંતિમ મૂલ્યો સાથે સમરૂપ થવા કરતા દેખાય છે. એથી દરેક માણસને સાધનામાર્ગે ડગલું માંડવા પ્રેરણા મળે એવું છે. ડૉ. હરિપ્રસાદ દેસાઈ એક વાત કહેતા. આફ્રિકાથી નવાનવા આવેલા અને અમદાવાદમાં આશ્રમ સ્થાપીને રહેતા ‘ગાંધીસાહેબ’ પાસે પોતે અવારનવાર જતા. એક વાર એમનાથી અહોભાવથી કહેવાઈ ગયું : આપના જેવા તો કેમ કરીને થવાય? તરત જ ગાંધીજીએ જવાબ આપ્યો : કેમ ન થવાય? એક દિવસ હું તમારા જેવો જ હતો. તમારામાં ને મારામાં કશો ફેર ન મળે. પણ એક બાબતમાં ફેર હશે : મને જે દિવસથી સમજાયું કે આ રીતે વર્તવાનું છે તે દિવસથી — તે ઘડીથી હું એ રસ્તે ચાલવા માંડ્યો. એ પોતે મોહનદાસમાંથી મહાત્મા બન્યા. સામાન્ય માણસ પણ કેટલો આગળ વધી શકે છે, તે પોતાના જીવન મારફત એ બતાવી ગયા છે. અને આમ કરીને એમણે મનુષ્યજાતિને હંમેશ માટે મુશ્કેલીમાં મૂકી દીધી છે! તમારાં કોઈ બહાનાં, ગલ્લાંતલ્લાં ચાલવાનાં નથી. તમે ઉત્તમ ન થઈ શકો, તેવું એક પણ બહાનું ચાલવાનું નથી. ગાંધીજી જીવનના કલાકાર હતા, જીવનના શિલ્પી હતા. માનવી પૂર્ણતા તરફ કઈ રીતે પ્રગતિ કરી શકે છે, તેનો ઉત્તમ નમૂનો એમના જીવનમાંથી સાંપડે છે.
ગાંધીજીની એક જગદ્ગુરુ તરીકેની દેણ હોય તો તે છે, એમણે જગત આગળ મૂકેલું જીવન જીવવા માટેનું વ્યાકરણ. માણસ સત્યને અનુસરતાં પોતાના જીવનમાં પ્રયોગો કરતો જાય, એ પ્રક્રિયામાં જ એને માનવબંધુઓની સેવા કરવાની તકો સાંપડે છે. પણ સૌ પ્રત્યે પ્રેમભાવથી, એટલે કે દરેકમાં રહેલા સત્ય પ્રત્યે પૂરા આદરભાવથી, એ વર્તતો હોય છે. એટલે માર્ગમાં, ખાસ કરીને એને પોતાને સહન કરવાનું ભલે આવે — સત્ય દુભાતું નથી, સર્વનું કલ્યાણ જ નીપજે છે. આવી વ્યક્તિઓ જગદ્ગુરુપદને પામે છે, કેમ કે તેઓ પોતાની જાતને જીવનના છેલ્લા શ્વાસ સુધી કેળવતી હોય છે. એમનામાં જીવનભર કોઈ એક સ્થિર તેજરેખા દેખાતી હોય તો તે છે અવિચલ સત્યનિષ્ઠાની, અવિરત સત્યાચરણની.
ગાંધીજી આપણી વચ્ચે મનુષ્યદેહે ધર્મ વિચરતો હોય એ રીતે જીવન જીવી ગયા. અને તેમ છતાં ગાંધીજીએ ધર્મ વિશે કોઈ શાસ્ત્રા રચ્યું નથી. ગાંધીજીનો ધર્મવિચાર માત્ર શબ્દો દ્વારા પમાય એમ નથી. ધર્મનો શબ્દો દ્વારા પ્રચાર થઈ શકે, એ એમનાથી મનાતું નથી. ધર્મશ્રદ્ધા તો જીવનમાંથી મઘમઘવી જોઈએ, એ તો આપોઆપ જાતપ્રચાર કરતી હોય. હિંદુધર્મનું તાત્પર્યદર્શન મારા આચરણ સિવાય બીજા કશા મારફત હું કરાવી ન શકું, એમ એ કહે છે. કોઈ શાસ્ત્રાવચનના ચોકઠામાં ધર્મતત્ત્વને પુરાયેલું જોવાની ગાંધીજી ના પાડે છે, અને પોતાને સનાતની હિંદુ કહે છે તે પણ — અસ્પૃશ્યતા જેવા હિંદુધર્મ પરના મહાન ડાઘને ધોવામાં જિંદગી ખરચતા રહીને જ. તેઓ હિંદુધર્મને કોઈ સાંકડા સંપ્રદાયરૂપે જોતા નથી, પણ “એના ઉદરમાં સંસારની સર્વ વિભૂતિઓની પૂજાને સ્થાન છે,” એમ કહે છે. સાચા હિંદુ તો જ બની શકાય જો સર્વધર્મસમભાવ, બલકે સર્વધર્મમમભાવ, કેળવી શકાય. “જે ધર્મને વ્યવહારમાં ન લાવી શકાય, તે ધર્મ નથી” —એમ કહી તેઓ નીતિ પર ભાર મૂકે છે : “ધર્મ એટલે નીતિ, આત્માની દૃષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ.” છેલ્લું વાક્ય અત્યંત અગત્યનું છે. સત્ય માટેની ઝીણી કાળજી ન હોય, હૃદય અપાર કરુણાથી ભીંજાયેલું ન હોય, ને નીતિ ઉપર ભાર મૂકવામાં આવે છે ત્યારે — તેમાંથી ક્યારેક આસુરી ક્રૂરતા પ્રગટવાનો સંભવ રહે છે.
એમ કહેવાય છે કે મુત્સદ્દી, બહારવટિયા અને સંતો સૌરાષ્ટ્રમાં વિશેષ પાકે છે. ગાંધીજીમાં આ ત્રણેય શક્તિ પૂર્ણ કળાએ ખીલેલી છે. એમની હૃદયની શક્તિ અપાર હતી, ધર્મની શક્તિ અપાર હતી, પણ એમનામાં બુદ્ધિશક્તિયે અત્યંત એકાગ્ર ને તીવ્ર હતી. ગાંધીજીમાં શ્રદ્ધા તો હતી જ. પણ સાથે સાથે બુદ્ધિથી પવિત્રા થયું છે એવું આચરણ પણ હતું. દરેક વસ્તુને બુદ્ધિગમ્ય બનાવવી, વ્યવસ્થિત કરવી, એવું એમનું કાયમ વલણ રહ્યું છે. અંગ્રેજ મોટામાં મોટો મુત્સદ્દી, પણ એય જેની સામે હાંફી જાય એવો મુત્સદ્દી ગાંધી નીકળ્યો. એવી મુત્સદ્દીગીરી કરે કે કશું છુપાવે નહિ, બધી બાજી ઉઘાડી. સામા ભલભલા મુત્સદ્દીઓના હાથ હેઠા પડે. આ પહેલું શોધી કાઢયું જનરલ સ્મટ્સે. એણે કહ્યું : ગાંધી, તમારી સામે તો કઈ રીતે કામ લેવું? તમે તો જાતે સહન કરીને લડો છો. અમારું કશું બગાડતા નથી. મનમાં પણ અમારું બૂરું ઇચ્છતા નથી. અમે આફતમાં હોઈએ, ત્યારે ઊલટાના તમારી લડત સંકેલી લો છો. જે શિસ્ત તમારા માટે તમે પોતે નક્કી કરી હોય, તે બરાબર પાળો છો. તમને તે શું કરવું?
ગાંધીજીની પૂર્વે આ દેશમાં રેંટિયા કાંઈ નહોતા ચાલતા? પણ ગાંધીજીએ આખી એક નવીન જીવનરીતિના વિધાયક તરીકે રેંટિયાને આગળ ધર્યો છે તે, એમાં ભાવનાનો પ્રાણ ફૂંકીને. રેંટિયો એ ગાંધીજીનું મહાકાવ્ય છે. જીવનને યજ્ઞમાં ફેરવી નાખવું, એ એનો મર્મ છે. રેંટિયો એ વસ્ત્ર જેવી એક પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડે છે, સહેલાઈથી સૌ કોઈ ખેડી શકે એવો ઉદ્યોગ છે. બહુજનસમાજ શરીરશ્રમથી જ જીવે છે. બાકીના ભદ્ર વર્ગે પણ જીવવા માટેના શરીરશ્રમની જવાબદારી ઉઠાવવી જોઈએ. એવા શરીરશ્રમના પ્રતીકરૂપે રેંટિયાનો ઉપયોગ સરળતાથી થઈ શકે. જેટલો સમય તમે કાંતો તેટલો સમય, જીવવા માટેના જે શરીરશ્રમની જવાબદારી બીજાઓ ઉપર તમે નાખી છે તેની તમારી જાતને યાદ આપી શકો. ગાંધીજી કાર્યના માણસ હતા, શબ્દના નહીં. એક પલ્લામાં મણ પ્રવચન હોય અને બીજામાં અધોળ આચરણ, તો આચરણનું પલ્લું નમે, એ એમની શ્રદ્ધા. પણ એમણે જોયું કે શબ્દ પણ મોટી શક્તિ છે, કર્મને પ્રેરનારી શક્તિ છે. ક્યારેક શબ્દ કર્મ સમોવડો પણ નીવડે છે. એટલે એમણે શબ્દની શક્તિને પણ યોજી, ભરપૂર યોજી, સબળપણે, સફળપણે યોજી. ગાંધીજીનું જીવન એટલે કાર્યનો ઝંઝાવાત, હજારો-લાખો-કરોડોને ઢંઢોળી જાગ્રત કરી પરદેશી શાસન સામે ખડા કરવાનો ઉપક્રમ, હિંદની સાવ નંખાઈ ગયેલી પ્રજાને પગભર કરી દુનિયાના મહાનમાં મહાન સામ્રાજ્ય સામે ભિડાવવાનો ભગીરથ પુરુષાર્થ. એના ભાગરૂપે આગેવાનો સાથેની વાતચીતો, ચર્ચાઓ, સભાઓમાં અપાતાં ભાષણો — એ રીતે બોલાતો શબ્દ સેવા આપી રહ્યો હોય. તો સાથે સાથે નિવેદનો, અરજીઓ, છાપાંના લેખો, પત્રો, મુલાકાતોના અહેવાલો — આ બધું લેખિતરૂપે ચાલતું હોય. એમનાં ભાષણો-લખાણો મુખ્યત્વે ગુજરાતીમાં અને અંગ્રેજીમાં છે. છ દસકા જેટલા સમયમાં થયેલાં એ તમામ લખાણો મોટા દળદાર ૧૦૦ જેટલા ગ્રંથોમાં પ્રગટ થયાં છે. ચાલુ પ્રવાસો અને રાત-દહાડો એક કરતી પ્રવૃત્તિમાં ગાળનાર ભાગ્યે જ કોઈ લોકનેતા હશે, જેણે આટલો ગંજાવર શબ્દસમૂહ કામમાં લીધો હશે. આ વિપુલ શબ્દપુંજમાં એક એક શબ્દ ભરીબંદૂક છે. તે તે ક્ષણે તાકેલું નિશાન સર કરવાની પૂરી ગુંજાશ એ ધરાવે છે. ગાંધીજીની ભાષા સરળ પણ સબળ, સોંસરી, સચોટ, દિલ જીતી લે એવી છે. ટૂંકાં ટૂંકાં વાક્યો એ એમની ખાસિયત છે. ક્રિયાપદની પસંદગી ઉત્કૃષ્ટ હોય છે. વિશેષણને તો એ દૂર રાખે. કહે પણ છે, “ખરું જોતાં સત્યને વિશેષણના શણગારની જરૂર નથી. શુદ્ધ હકીકતમાં જે કળા છે, તે નકામાં વિશેષણોથી ખરડાયેલી હકીકતમાં નથી જ હોતી.” ગાંધીજીની શબ્દશક્તિ પ્રકાશ પાથરનારી છે. માનવજાતનો મહામૂલો એ વારસો છે.
શસ્ત્ર દેહને છેદી શકે છે, આત્માને નહિ, આત્મા તો અમર છે — એ સૂત્રા આ દેશમાં હજારો વરસોથી ઘૂંટાતું આવ્યું છે. પણ છેલ્લા કેટલાક સૈકાઓમાં આ સૂત્રા ઉચ્ચારનારાઓના જેવી દેહરખી પ્રજા ભાગ્યે જ ક્યાંય જોવા મળતી. આપણા યુગના સદ્ભાગ્યે એક પુરુષ એવો પાક્યો, જેણે પોતાનાં મૂઠી હાડકાંમાં આત્માની અમરતાને પ્રતિષ્ઠિત કરી, અને દેહને આંચ આવશે એ ડરે આત્માની કોઈ વસ્તુને કદી તલભાર પણ જતી કરી નહિ. આત્માની વસ્તુઓની સિદ્ધિ માટે દેહને એક અમોઘ સાધન તરીકે હંમેશાં સ્વસ્થ રાખ્યો; પણ આત્માની વાત સાધવા માટે, જરૂર પડે ત્યારે, એ દેહને ફેંકી દેવાને ક્ષણનો પણ વિલંબ કદી અનુભવ્યો નહિ. આવા જીવનને અનુરૂપ એનો અંત આવ્યો. મહાત્માજીને લગતી ઘણી વસ્તુઓ મહાન છે, પણ એમનું મૃત્યુ કદાચ સૌથી મહાન ઘટના છે.
[‘જીવનનો કલાધર’ પુસ્તક]