કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૪૪. કવિવર રવીન્દ્રને
(વિયોગિની)
અમ આ પરતન્ત્ર દેશને
જગમાં સ્થાન ન માન વા હતું;
નિજ માતતણાં જ અંગજો
ગણી અસ્પૃશ્ય બન્યા હતા સ્વયમ્.
કરવી ફરિયાદ ના ઘટે
લીધી હાથેથી જ માગી જે દશા!
પણ સંસ્કૃતિ પુણ્ય પૂર્વની
અમથી નિન્દિત! હા, અસહ્ય એ.
તહીં તું ઉદિયો રવિસમો
પ્રતિભાપન્ન સહસ્ર ભર્ગથી,
તિમિરાવૃત ગૂઢ ગહ્વરો
અજવાળ્યાં વળી દીન આ મુખો.
ઘન થીજી ગયેલ જ્ઞાનને
વહતું ને રસરૂપ તેં કર્યું.
થઈ ઇન્દ્ર નભેથી ગર્જીને
વરસ્યો પશ્ચિમ પૂર્વ બેઉમાં.
ટહુક્યો ઉરભાવને ભરી
પૃથિવી ને પૃથિવીની પારના,
જન છો સહુ રક્ત જગ્તમાં
સુણવા ઉત્સુક કે તયાર ના.
કવિ તું, તું મહર્ષિ, આર્ય તું,
ગુરુ, દૃષ્ટા વળી ભૂત ભવ્યનો;
કર્યું જીવન શુભ્ર ગાઈ તેં
કર્યું મૃત્યુય અનન્ય મંગળ.
તુજ ભૌતિક દેહના લયે
કરવો હોય ન મોહ શોક વા,
કહ્યું તેં પ્રકૃતિ જ લૈ જતી
સ્તન એકેથી વછોડીને બીજે.
પણ વત્સ! અતીવ લાડીલા
પ્રકૃતિના, થઈ પૂર્ણ તૃપ્ત તેં
જગનેય ધર્યું’તું સ્તન્ય એ
તવ ઉચ્છિષ્ટ, હવેય પાઠવે.
૧૯૪૧
(વિશેષ કાવ્યો, પૃ. ૧૮-૧૯)