સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/બંગબંધુ મુજીબ

From Ekatra Wiki
Revision as of 12:24, 26 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ૧ વચ્ચે દીવાલ, પેલી બાજુ થડ્ થડ્ થડ્— ઘોરખોદુના ત્રિકમનો અવાજ... ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વચ્ચે દીવાલ, પેલી બાજુ
થડ્ થડ્ થડ્—
ઘોરખોદુના ત્રિકમનો અવાજ...
કારાવાસ—કોટડી છોડી
ગમે ત્યારે સૂવાનું એ માટી નીચે
ધરતીની હૂંફમાં.

‘તમે છૂટા છો. લો આ હાથ-રેડિયો.’
‘રવીન્દ્રસંગીત જરી સુણી લઉં.’

ઢાકા! બેનમૂન ઢાકા!
નીચે માનવ મહાસાગર આશાઅધીર
ચંચળ ઊછળતો,
વિમાન જરી ભલે ચકરાવા લે.
આ આંખો કેમે ના તૃપ્તિ પામે—
સોનાર બાંગ્લાની ઝાંખી કરતાં
મૃત્યુની પેલી પારથી આવેલા
આ માનવીની આંખો.

દસપંદર લાખ માનવી,
મધ્યમાં એક જણ—આશાબિંદુ;
દસપંદર માનવીના પરિવાર આગળ જેમ
કુટુંબનો કોઈ વડો આવી
વીતકની રાતની વાત માંડે.
દસપંદર લાખ હૈયાંમાંથી
વિરાટ એક હીબકું ઊઠે.
દસપંદર લાખ ચહેરા પર
એકાએક આશાની અરુણાઈ ચમકી ઊઠે.
એક નૂતન રાષ્ટ્રનો દેદીપ્યમાન
આકાર ઊઘડે.
રાષ્ટ્રપિતા પામી ધરતી ધન્ય બને.
‘બંગબંધુર જય!’
‘બાંગ્લાદેશેર જય!’

૧૫મી ઓગસ્ટ ’૭૫ના વહેલા પરોઢિયે...
લાખોની કતલની બેવકૂફી ગાનાર બેન
જોન બાયેઝ, તારું ફરી ગા કરુણ ગીત:
‘બાંગ્લાદેશ! બાંગ્લાદેશ!
એની એ પુરાણી વાત
તાજી કરે બાંગ્લાદેશ.’
ઘટનાઓનાં પૂરનાં વમળો,
સંજોગોએ—વિરોધીઓએ—કંઈક પોતેય—પ્રેર્યાં
ઘુમરાતાં વમળો ગ્રસી જાય...
રેખાયે ન રહે...
ઇતિહાસ મોં સંતાડે—
ને અર્ધી કાઠીએ ધ્વજ સ્વદેશે-વિદેશે.
રહે તોય વીર-છવિ
રાષ્ટ્રપ્રસૂતિની ક્ષણે અપલક આંખે જાગી
મૃત્યુના થડકારા ગણી રહેલ
થડ્ થડ્ થડ્!
[‘સંસ્કૃતિ’ માસિક: ૧૯૭૫]