જનાન્તિકે/વીસ

From Ekatra Wiki
Revision as of 01:37, 8 August 2023 by Meghdhanu (talk | contribs) (+નેવિગેશન ટૅબ)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વીસ

સુરેશ જોષી

સરુનાં વૃક્ષોની વચ્ચેથી સમુદ્ર દેખાય છે. વાડીમાંના ઝાડ ભૂવાની જેમ ધૂણે છે. દૂર અંધકારમાં સમુદ્રની ફેનરેખાથી શુભ્રતા કોઈ ડાકણના અટ્ટહાસ્ય જેવી દેખાય છે. પવન કાળના હાડપિંજરના એકેએક અસ્થિને હલાવીને હૃદયને ફફડાવી મૂકે છે. બારી આગળ એક કન્યા આંખને અણિયાળે અંધકારને વીંટતી બેઠી છે. અંધકારનો કાળો દોરો ક્યારે પૂરો થયો ને તડકાનો સોનેરી દોરો ક્યારે શરૂ થયો તેની એને ખબર પડવાની નથી. એ અન્યમનસ્ક છે. અન્ધકારને વીંટીને એ પોતાની જાતને ઉકેલવા મથે છે. પણ એ ક્યાંય એવી તો ગૂંચવાઈ ગઈ છે કે કશાક મંત્રની મદદ વિના એનો છૂટકારો થાય એમ લાગતું નથી. પણ અહીં મારા હૃદયમાં તો ભયનું ટોળું વળ્યું છે: અનેક સમયનાં, અનેક પ્રકારના ભય: બાળપણમાં એક શિયાળાની રાતે પવનથી બારી ખૂલી જવાની સાથે ઓરડામાં પેસી ગયેલા થરથર ધ્રૂજતા અંધકારના સ્પર્શથી થયેલો ભય, કિશોરવયમાં ગણિતના દાખલા રકમ વચ્ચે પહેલીવાર હૃદયનો આંકડો ખોઈ બેઠા હતા તે વખતનો ભય; યૌવનની શરૂઆતમાં ઓચિંતાની કોઈકની સચકિત દૃષ્ટિ સાથે ઠોકરાઈ પડતાં લાગેલો ભય; ને આજે ક્ષણ ક્ષણ વચ્ચેના પોલાણમાં ઘુવડની જેમ નિષ્પલક આંખે બેઠેલો ભય – આ એકબીજાથી અજાણ્યા ભય એમની અપરિચિતતાના ભારથી મારા હૃદયને રૂંધી નાખે છે.