પ્રથમ સ્નાન/બૂટ કાવ્યો
ટેબલ નીચે મોં ચડાવી બેઠા જેવા બેય
ઓલ્યો આમ તાકે ઓલ્યો તેમ
બોખા મોંનું કૂતરું લબડતી જીભે આવે, સૂંઘે ને ઓરું ખસે
આવે, સૂંઘે ને ઓરું ખસે.
રાતુડિયાઓ, ખત્રવટ મા ચૂકો,
ના લજવો માવડી ગાવડીનું દૂધ—કાં ત્રાગળાં બની બેઠાં?
રાતુડિયાં મારા ટેબલ નીચે સૂનમૂન.
ના છાપ્યું એક્કે પગલું.
ના ચમચમ ઝાંઝર બોલ્યાં.
ના ખદડૂક ઘોડા દોડ્યા.
અનુભવ—અધસંભોગેલી સિગારેટનું ધુમાડા ઉડાડતું ટોપકું
ઘા ભેગું છૂંદી નાખવાનો — છોડી
ભચ્ચાક્ દઈ કાદવમાં ભચકાયા, રામ!
એની બાંધેલી દોયડીનું ફૂમતું આમ ઝૂલે તેમ ઝૂલે
કાદવની હડ્ડી-પેશી દેડકીની જેમ કૂદીને પાલીસને પરણી બેસતાં
પાલીસનું કટાણું મોં.
રાતુડિયાંની માંયનું માજરું ભોંયરું પગનો પોપટો પૂરીને
બેઠું છે
પોપટો મરચું ના ખાય.
કે પોપટો કાદવડે જાય.
કન્ટ્રીની બાટલી ફદિયામાં મળે.
ફૂમતાનું દારોગું આમ ઝૂલે તેમ ઝૂલે.
પીઠની નીચે એડીના કૂલા
રાતુડિયાંની — ઊધઈએ ખાધાં ઇંધણાં—
—ની ફાંદ અચાનક ફૂટી, ને ફૂટતાં
ઝબક્યો દારોગો સા’બ ઝબક્યો.
હબક્યો દારોગો સા’બ હબક્યો કે પોપટો નાસી છૂટ્યો રે લોલ
પરપોટિયો ભાગી છૂટ્યો રે લોલ
પરણેલા પાલીસના કરોડ વગરના વાંસે
રાતુડિયાની એડીના કૂલા વીંઝાયા સબોસબ સબોસબ
બૂટ વિભૂતિ
પર્વતોમાં જે હિમાલય છે,
વૃક્ષોમાં જે અશ્વત્થ છે,
તે
સભાખંડ કે મંદિરના દ્વાર કે પગલૂછણિયા પાસેના ઝમેલામાં
આમતેમ એકબીજા સાથે ખૂણા રચતાં ખૂણા તોડતાં ચપ્પટ
એકબીજાની પાસે એકમેકનાં અર્ધાંગને ચૂસતાં
યુગ્મો.
ઊંધા તરુવરના મૂળને ટેટા બાઝ્યા. બાઝ્યા ને ફૂટ્યા,
ફૂટતાં જ સભાખંડ કે મંદિરના દ્વાર પાસે ખૂણા રચતા
તોડતા ચૂસતા અર્ધાંગને આજે
ગુજરાતીમાં હું દ્વિવચન, નહીં યુગ્મવચન શોધું છું.
ચર્માલયમાંથી તે બહાર પડી ચૂક્યું છે.
જે મુનિઓમાં વ્યાસ, કવિઓમાં ઉશનસ્, નરોમાં નરાધિ છે,
તે—મને શોધે છે.
અનેક રસ્તાઓ ભમે છે.
અનુભવી એસ. ટી. કંડકટરની ત્વરાથી એક પછી એક
પગ બદલતો પગ પછી પગને જળોની જેમ ચોંટતો તરછોડતો
લબરમૂછિયો
પોતાની સાથવાળા મૂછિયાને ઘસડતો, સંભોગતો સંભોગતો ઘસડતો
નપુંસકતાની ચરમ ટોચ બનીને મારી પરમખીણને શોધે છે.
મારા પગની રેખાઓ પર/ આજુબાજુ
ચરણામૃત બનવાની પિપાસાથી
ફીણ વળતા મોંવાળી અનેક રજ ચોંટી ચૂકી છે.
પર્વતોમાં જે હિમાલય નથી. વૃક્ષોમાં નથી જે અશ્વત્થ.
નથી મારામાં જે યુગ્મ.
તે સઘળું નથી.
તો કંદર્પની કાકી જેવી કાણી ચંપલો ચપલ દિવ્યચક્ષુનો
ડોળો બાંડો કરી
કોના વિશ્વરૂપને દર્શી રહી છે?
૧૨-૭-૭૪