પ્રતિસાદ/બે વિખ્યાત ભારતીય વિજ્ઞાનીઓ : એમનું ભાવવિશ્વ અને સામાજિક પરિવેશ

From Ekatra Wiki
Revision as of 16:33, 8 September 2023 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

જગદીશચંદ્ર બોઝે પોતાની અસ્મિતા (identity) ઊભી કરવાનો યત્ન કર્યો, પણ એ બન્યું નહીં, પણ કહેવું જોઈએ કે યત્ન પ્રભાવી રહ્યો. એમને માટે એક કાળે આત્મવિશ્વાસપૂર્વક હાથે ધરાતી નવી નવી શોધોના એ આશાભર્યા દિવસો હતા જ્યારે વિજ્ઞાનના પશ્ચિમી વર્ચસ્વને સફળતાપૂર્વક પડકાર કરવાનું સંભવિત લાગતું હતું; પછી બિનસલામતીભરી મતાગ્રહી જુદી જુદી વિચારસરણીય ભંગીઓ ધારણ કરવાનું પીડાભરી રીતે એમને ભાગે આવ્યું અને સાથે સાથે પશ્ચિમી વર્ચસ્વને તોડવામાં નિષ્ફળ જવાયું છે એ અવમાનનાભરી સભાનતા હતી; અને ત્રીજો કાળ આવ્યો જ્યારે નિષ્ફળતાનો સ્વીકાર કરવાનો પણ એમણે નકાર કર્યો – એ વળી વધુ મોટી નામોશી હતી. પણ બોઝની પીડાએ મને બતાવ્યું કે એમના પ્રત્યક્ષ બોધમાં કેટલી સૂક્ષ્મ દૃષ્ટિ રહેલી હતી, એમણે બતાવી આપ્યું કે વિજ્ઞાનની પશ્ચિમી સંસ્કૃતિ અફર નહોતી. વિજ્ઞાનમાં સ્વાયતત્તાની ભારતીય શોધ એ ખરેખર તો યુગોથી વિજ્ઞાનની સ્વાયતત્તા માટે ચાલી આવતા સંઘર્ષનો એક જરા જુદો ભાગ હતો.

પણ રામાનુજનને વશ કરવાનું વધુ મુશ્કેલ હતું. પોતાના વિજ્ઞાનના સાચાપણા વિશે એમને સંપૂર્ણ ખાતરી હતી અને પોતાના વ્યાવસાયિક સાથીદારોને એ માટે સહેજ પણ શંકા ઉઠાવવાનો એમણે અવકાશ ન આપ્યો. એમને ક્યારેય પોતાની જાત સિવાય બીજે પોતાને ન્યાય્ય ઠરાવવાની જરૂરત લાગી નહીં, એ પોતાનો આત્મવિશ્વાસ મંદ્ર સૂરમાં વ્યક્ત કરતા અને એને કદી વિજ્ઞાનના તત્ત્વજ્ઞાનનો મુદ્દો બનાવતા નહીં.

આશિષ નાંદી



બે વિખ્યાત ભારતીય વિજ્ઞાનીઓ : એમનું ભાવવિશ્વ અને સામાજિક પરિવેશ

વિજ્ઞાન એવો અભ્યાસનો વિષય છે જે અમુક પ્રકારની બૌદ્ધિક શિસ્ત, નિરપેક્ષતા, સંશોધનવૃત્તિ, વિષય પરત્વેની લગની અને ખાસ પ્રતિભા માંગી લેતો હોય છે. પણ વિજ્ઞાની ભાગ્યે જ શૂન્યાવકાશમાં જીવતો હોય છે. એનો કૌટુંબિક ઉછેર, એની વિજ્ઞાન-ઇતર માન્યતાઓ, એનો સામાજિક અને ભૌગોલિક પરિવેશ – આ બધાની અસર એ જે રીતે બંને સ્તર ઉપર રહી પરિસ્થિતિનો ઉકેલ લાવવા મથે છે એ ઉપર પડે છે. આ પરિપ્રેક્ષ્યમાં આશિષ નાંદીએ એના પુસ્તક ‘Alternative Sciences’માં બે સમકાલીન વિજ્ઞાનીઓના, જગદીશચંદ્ર બોઝ (૧૮૫૮–૧૯૩૭) અને શ્રીનિવાસ રામાનુજનના (૧૮૮૭-૧૯૨૦) જીવનઇતિહાસ તપાસ્યા છે એ જોવું રસપ્રદ થાય. કામ ખાસ્સું ભય પ્રેરનારું છે – છતાં યત્ન કરવાનો લોભ પણ ખાળી શકાતો નથી. આશિષ નાંદીનો પહેલો નિબંધ જગદીશચંદ્ર બોઝ ઉપર છે જેમણે પોતાની કારકિર્દી એક તેજસ્વી પદાર્થવિજ્ઞાની તરીકે શરૂ કરી અને પછી પોતાનો વિષય બદલી વધુ પ્રભાવક પ્લાન્ટ ફિઝિયોલોજિસ્ટ બન્યા. એમની કારકિર્દીની ટોચ ઉપર હતા ત્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઇન, બર્નાડ શૉ, હેન્રી બર્ગસન, આલ્ડસ હક્સલી અને રોમાં રોલાં જેવા એમના પ્રશંસકો હતા; એમને બોઝનું વિજ્ઞાન વધુ માનવીય સંક્લ્પનાવાળું લાગ્યું હતું અને સેન્દ્રિય (Organic) અને નિરિન્દ્રિય (inorganic) એ બે વિજ્ઞાન અંગેનો એમનો મત વધુ સુગ્રથિત લાગ્યો હતો. જ્યારે વિજ્ઞાનની વૈશ્વિક દુનિયામાં એમની પડતી પણ આવી ત્યારે એમના દેશવાસીઓ માટે તો એ ભારતીય વિજ્ઞાનના પ્રતીક તરીકે હંમેશાં સ્થાપિત રહ્યા હતા. બીજો નિબંધ શ્રીનિવાસ રામાનુજન ઉપર છે જે કદાચ આપણી વર્તમાન સદીઓમાં ઔપચારિક તાલીમ મેળવ્યા વગરની સૌથી મહાન ગણિતશાસ્ત્રીય પ્રતિભા છે. એ જ્યારે પચ્ચીસ વર્ષના હતા ત્યારે અકસ્માત જ એમની પ્રતિભાની જાણ થઈ; ત્યારે એ મદ્રાસમાં મહિને ૨૫ રૂપિયાના પગારે કારકુન તરીકે કામ કરતા હતા; એમણે ઉપસ્નાતક કક્ષાનાં સેકન્ડહેન્ડ અને જૂનાં કાલગ્રસ્ત પાઠ્યપુસ્તકોમાંથી ગાણિતિક પ્રશ્નોનો અભ્યાસ કરી છેલ્લાં સો વર્ષમાં થયેલાં મુખ્ય સંશોધનોનું ફરી પોતાની મેળે સંશોધન કર્યું હતું અને ગણિતશાસ્ત્રનાં અનેક ક્ષેત્રોમાં પોતાના સમકાલીનો કરતાં ઘણા આગળ હતા. આશિષ નાંદી કહે છે કે એમનો આ નિબંધ એ ખોજ છે કે કેટલી હદ સુધી રામાનુજનની સંસ્કૃતિએ અને આધુનિક જીવનશૈલીની એમની અસંપૃક્તાએ એમને જગદીશચંદ્ર બોઝ જે આંતરિક સંઘર્ષોમાંથી પસાર થયા એમાંથી એમને બચાવ્યા હતા; એટલી હદ સુધી એમની રૂઢિચુસ્તતાએ એક સર્જક-ગણિતશાસ્ત્રીની સ્વાયતત્તાને સુરક્ષિતતા બક્ષી અને કેટલી હદ સુધી ગણિતને એમણે અપેલા અંગત અર્થે એમને સાધાર વ્યક્તિગત તત્ત્વજ્ઞાન મેળવી આપ્યું, જેથી એ એક ક્રિયાશીલ ગણિતશાસ્ત્રી તરીકે મરણપર્યંત ટકી શક્યા. પ્રથમ આશિષ નાંદીએ જગદીશચન્દ્ર બોઝના જીવનઇતિહાસની દીર્ઘ વિશ્લેષીય તપાસ હાથ ધરી છે એ અતિ સંક્ષેપમાં જોઈએ. જગદીશચન્દ્ર બોઝનો જન્મ ઈ. સ. ૧૮૫૮માં પૂર્વ બંગાળમાં એક પૈસેટકે સુખી બ્રહ્મસમાજી કુટુંબમાં થયો હતો. મૂળ એ લોકો કાયસ્થ હતા; વિક્રમપુર એવું સ્થળ હતું જ્યાં પાણીદાર મા પોતાનાં સંતાનો પાસેથી આક્રમક હિમ્મતની માંગ કરતી. કાયસ્થો શક્તિ-સંપ્રદાયમાં આસ્થા ધરાવતા, બોઝના વડવાઓ ઢાકા નજીકના વિક્રમપુરમાંથી ઊતરી આવ્યા હતા; વિક્રમપુર બૌદ્ધિક પ્રવૃત્તિઓનું પણ ધામ હતું. આવા ગામના ઇતિહાસને કારણે એના વતનીઓની જેમ બોઝ પણ પોતાને ખાસ દરજ્જાના માનતા. પૂર્વ બંગાળના લોકો સાહસિક, જિદ્દી અને આક્રમક ગણાતા, પણ સાથે સાથે સંસ્કૃત શહેરીઓમાં ગ્રામીણ તરીકે એમની હાંસી પણ થતી અને એ રીતે બોઝની સ્વ-પ્રતિમાને ધક્કો પણ બેસતો. બોઝના પિતા બ્રહ્મસમાજી હતા અને માએ પોતાની હિંદુ રૂઢિચુસ્તતા બિલકુલ છોડી નહોતી. એક બાજુ પિતાનું એકદમ પશ્ચિમી આધુનિક ભણતર અને વ્યવસાય અને બીજી બાજુ શક્તિપંથી માનું ઘરમાં વર્ચસ્વ – આ બે વિરોધો વચ્ચે બોઝનું બાળપણ અને કિશોરાવસ્થા વ્યતીત થયાં. આવાં કુટુંબોમાં બાળક કોઈક સૂઝથી સમજી જતું હોય છે કે નવા અને જૂના વચ્ચેનું પોતે રણાંગણ છે અને કોઈક રીતે આ બંનેને પહોંચી વળવાની પ્રયુક્તિ એણે ઉપજાવી કાઢવાની છે. બોઝના કુટુંબમાં મા-બાપ, દાદા-દાદી અને પાંચ બહેનો હતી. માતા વામસુંદરી જગદીશચંદ્ર અને એના મિત્રો પ્રત્યે પ્રેમ ધરાવતી, છતાં જગદીશચંદ્રની પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા ઉપર અને એની રમતો અને હરવાફરવા ઉપર બંધનો પણ લાદતી, પણ મોટી પહેલી અથડામણ મા અને દીકરા વચ્ચે એની પુખ્તાવસ્થામાં ત્યારે થઈ જ્યારે વામસુંદરીએ બોઝને દરિયાપાર ઇંગ્લેન્ડ જઈ અભ્યાસ કરવાની ના પાડી દીધી. પછીથી વામસુંદરી પોતાના વલણમાં થોડાં ઢીલાં થયાં અને બોઝની સફર થઈ શકે માટે પોતાનાં થોડાં ઘરેણાં પણ વેચી કાઢ્યાં, છતાં બોઝના મનમાં માની અક્કડ હિંદુ-રૂઢિચુસ્તતાની પ્રતિમા કાયમ રહી, અને એમનામાં એક પ્રકારની આક્રમકતા માત્ર મા પ્રત્યે જ નહીં, પણ દુનિયા પ્રત્યે ઊભી થઈ. છતાં સાથે સાથે એમને માટે મા પ્રબળ ઇચ્છાશક્તિ, ખુલ્લેઆમ પડકાર, સહાય અને દૃઢ નિશ્ચયની પ્રતીક પણ હતી. આપણને ખબર નથી કે બોઝ કેટલી હદ સુધી પોતાના મા પ્રત્યેના દ્વિર્ભાવનો ઉકેલ લાવવામાં સફળ રહ્યા. બોઝના પિતા, ભગવાનચન્દ્રની એક સુસંસ્કૃત વ્યક્તિ તરીકેની ખ્યાતિ હતી. તે વખતની સંસ્કારિતા વ્યક્તિત્વનો સર્વતરફી વિકાસ સાધતી; આજના જેવો વ્યક્તિત્વનો એકતરફી વિકાસ સાધતો વિશેષજ્ઞોનો તે જમાનો નહોતો. નાના બોઝની કુતૂહલવૃત્તિ અને ઉત્સાહ અમાપ હતાં; બધી જાતના પદાર્થો એને આકર્ષતા, જીવન અને જીવન-પ્રક્રિયાઓમાં એના આ જીવંત રસ સાથે આક્રમકતા પણ એના મનનું રોકાણ કરતી. રણાંગણનાં રમકડાંઓ જેવાં કે તોપો અને તોપગોળાઓ સાથે એ રમતો રમતા. પક્ષીઓને પકડતા અને મારતા, સર્પોને પણ પકડી એમની સાથે રમતો રમતા. પિતા એને છૂટ આપતા, જ્યારે મા કડક હતી. જગદીશચંદ્ર મોટા થયા કે શિકાર એમનો મોટો શોખ બન્યો. એ જ્યારે એમના પછીના જીવનકાળ દરમ્યાન ઉગ્ર શાંતિવાદી બન્યા ત્યારે પણ શિકારી તરીકેની એમની સિદ્ધિઓની એ ગર્વભેર વાત કરતા. ભગવાનચન્દ્રે એમના પુત્રના ભણતરમાં ખાસ રસ લીધો. એમણે વનસ્પતિશાસ્ત્ર અને ભૌતિકવિજ્ઞાનનો પરિચય જગદીશચન્દ્રને કરાવ્યો. પિતા-પુત્ર વચ્ચે પરસ્પર આદર અને ઘનિષ્ઠતા ઊભી થઈ. આ રાષ્ટ્રવાદી પિતાએ જગદીશચન્દ્રને અંગ્રેજી શાળામાં મોકલવાને બદલે શિક્ષણ માટે એમણે જ સ્થાપેલી પાઠશાળામાં મોકલ્યા. જગદીશચન્દ્ર લખે છે, “આજે હું જાણું છું કે શા માટે મારા પિતાએ મને બંગાળી શાળામાં મોકલ્યો; હું મારી માતૃભાષા શીખું અને રાષ્ટ્રીય સંસ્કૃતિથી પરિચિત બનું એ એમનો ઉદ્દેશ હતો.” આ છતાં બોઝ એકાકી બાળક હતા. જ્યારે એ ૧૮૭૦માં કલકત્તામાં સેંટ ઝેવિયર સ્કૂલમાં જોડાયા ત્યારે અંગ્રેજી ભાષાના નબળા જ્ઞાને અને એમની ગ્રામીણ પૂર્વબંગાળીય રીતભાતે એમને એંગ્લો-ભારતીય વિદ્યાર્થીઓ સાથેના વ્યવહારમાં બેચેન બનાવ્યા. પણ પછી શિષ્યવૃત્તિ સાથે કૉલેજમાં જોડાયા ત્યારે એમની પરિસ્થિતિ સુધરી. ત્યાં જેસ્યુયિટ પાદરી ફાધર યુજિન લાફોં (૧૮૩૭–૧૯૦૮) સાથે એમની લાંબા કાળની ઘનિષ્ઠતા સ્થપાઈ. પ્રાયોગિક ભૌતિક વિજ્ઞાનના એ ખૂબ જાણીતા પ્રાધ્યાપક હતા અને કલકત્તાના સાયન્સ એસોસિયેશનના એક સ્થાપક હતા. બોઝને વનસ્પતિશાસ્ત્રજ્ઞ થવું હતું. પણ લાફોંએ એમને ભૌતિક વિજ્ઞાન તરફ વાળ્યા. બોઝે ભૌતિક વિજ્ઞાન સાથે લેટિન અને સંસ્કૃતનો પણ અભ્યાસ કર્યો. લાફોંએ ભૌતિકવિજ્ઞાન સાથે ધર્મ અને અધ્યાત્મને જોડ્યાં હતાં; આ રીતે બોઝ માટે પિતાની પરંપરા ચાલુ રહી અને એમની ઊઘડતી આવતી બૌદ્ધિક અસ્મિતા (આઇડેન્ટિટી) માટે માઈલસ્ટોન બની રહી. ઇંગ્લૅન્ડમાં પહેલાં એમણે મેડિસિનનો અભ્યાસક્રમ હાથમાં લીધો, પણ નાદુરસ્ત તબિયતને લીધે એ છોડી શિષ્યવૃત્તિ ઉપર વનસ્પતિશાસ્ત્ર શીખ્યા અને પ્રાકૃતિક વિજ્ઞાનોમાં કેમ્બ્રિજ અને લંડન યુનિવર્સિટીના સ્નાતક થયા. ઇંગ્લૅન્ડથી ૧૮૮૪માં ભારત પાછી ફરી બોઝ કલકત્તાની પ્રેસિડન્સી કૉલેજમાં ભૌતિક વિજ્ઞાનના પ્રાધ્યાપક બન્યા. ૧૮૮૭માં એમનાં લગ્ન થયાં. એમનાં પત્ની અબલા ચુસ્ત બ્રહ્મસમાજી હતાં. નિયમિત ધ્યાન અને પ્રાર્થનાઓ માટેના અબલાના આગ્રહે બોઝમાં વામસુંદરીવાળી જૂની સ્મૃતિઓ જગાડી હશે. અબલાએ ચાર વર્ષનો મેડિસિનનો અભ્યાસ પણ કર્યો હતો. આ કારણે એ બોઝના વૈજ્ઞાનિક શોખને ઉત્તેજન આપી શક્યાં. એમણે બોઝની સામાજિક અને વિજ્ઞાનકીય બંને જરૂરિયાતોમાં સક્રિય રસ લીધો. બોઝના ભત્રીજાએ અબલાની શાંત તાકાત અને સહેલાઈથી ક્ષુબ્ધ ન થાય એવા એમના સ્વભાવની વાત કરી છે. એ બંને નિઃસંતાન હતાં. આ હકીકત બંનેને ખૂબ નજીક લાવવામાં સફળ થઈ અને બોઝની સાર-સંભાળ લેવામાં અબલાની માતૃત્વની લાગણી સંતોષાઈ. બોઝના પિતા ૧૮૯૨માં અને મા ૧૮૯૪માં મૃત્યુ પામ્યાં. આ વખતે જગદીશચન્દ્રમાં મોટો ફેરફાર થયો અને એમણે પોતાની સંશોધનપ્રવૃત્તિ ગંભીરપણે શરૂ કરી. પોતાના જન્મદિવસે અબલાની સમજાવટથી બોઝે પ્રતિજ્ઞા કરી કે હવેથી એ વૈજ્ઞાનિક સંશોધનોને ગંભીરપણે લેશે અને પ્રકૃતિની રહસ્યમયતાને ઉઘાડી કરવાના યત્નમાં પોતે લાગી જશે. સંસ્કૃત અને બંગાળીમાં, પ્રકૃતિ એટલે કુદરત અને નારીત્વ આધારિત અંતિમ વાસ્તવ એમ બંને અર્થ છે, આમ મા-સમી પત્ની મારફત તરંગી બાળક અને ગૂંચવાયેલ કિશોરનો નવો જન્મ થયો. વિજ્ઞાનને માત્ર શોખ તરીકે એના પિતાની જેમ – જોવાના લોભમાંથી મુક્ત થઈ એમણે વૈજ્ઞાનિક કારકિર્દીને પૂર્ણ વ્યાવસાયિક ધોરણે અપનાવી, પણ આ ત્યારે જ શક્ય બન્યું જ્યારે નવો ગાઢ માતૃત્વનો અનુભવ જગદીશચન્દ્ર માટે પોતાની મૂળ મા સાથેની અસ્વીકાર કરેલી એકરૂપતા (આઇડેન્ટિફિકેશન) આંશિક રીતે પણ ફરી સ્થાપવામાં સહાયભૂત બન્યો. પ્રકૃતિની વ્યવસ્થાના કઠોર-નિર્મમ માળખામાં એ માતૃત્વના પુરાવાની ખોજ કરવા પ્રેરાયા. આ કાળ પાંચ વર્ષ (૧૮૯૪-૧૮૯૯) સુધીનો રહ્યો. આ સમય દરમ્યાન ઉપપત્તિઓ કરતાં સાધનોની વધુ શોધ રહી; બીજા તબક્કામાં (૧૮૯૯-૧૯૦૨) ‘he completed his responses in the living and non-living’ અને ત્રીજા તબક્કામાં (૧૯૦૩-૧૯૩૩) વનસ્પતિમાં પ્રતિભાવોના ફિનોમિનાની શોધનો આરંભ થયો. એમના પહેલા તબક્કાના સંશોધનને પશ્ચિમમાં સારો આવકાર મળ્યો. ભલે એટલા સર્જનાત્મક નહીં, પણ જગદીશચન્દ્રની પ્રખ્યાત ભૌતિક વિજ્ઞાની તરીકે ગણના થઈ. પણ પછી બોઝે ૧૮૯૯માં રૂઢિગત પશ્ચિમી વૈજ્ઞાનિક અભ્યાસની હદ છોડીને વનસ્પતિશાસ્ત્રમાં સંશોધન હાથ ધર્યું. આ વિષયનો ઔપચારિક અભ્યાસ એમને માત્ર ઉપસ્નાતક કક્ષાનો હતો. એમના સંશોધનના રસના આ ફેરફાર માટે કેટલાંક કારણો આપી શકાય. ભૌતિક વિજ્ઞાનમાં વધુ સંશોધન માટે આગળ જતાં સંકુલ ગણિતશાસ્ત્રનો આધાર લેવો પડે. એમના વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે ગણિતશાસ્ત્રીય વિગતો બોઝને અકળાવતી. ઉપરાંત વધુ જીવંત વસ્તુઓમાં જ્યાં માનવીય દૃષ્ટિકોણનો વધુ અવકાશ હોય એવા ક્ષેત્રમાં પૃચ્છા કરવાની એ તક શોધતા હતા. બોઝ કહે છે, “એક વખત મને ખબર નહોતી કે આ વૃક્ષોને આપણા જેવું જીવન હશે, આપણી જેમ ખાતાં હશે અને મોટાં થતાં હશે. હવે હું જોઈ શકું છું કે એ ગરીબાઈ, વેદના, દુઃખ પણ સહન કરે છે. આ ગરીબાઈ એમને ચોરી કરતાં, લૂંટ કરતાં પણ કરે છે... પણ એ લોકો એકબીજાને મદદ પણ કરે છે.” બીજી જગ્યાએ એક મિત્રને લખે છે, “માનો સાદ હું વારંવાર સાંભળું છું.... તું અને મારા બધા મિત્રો મને આશીર્વાદ આપો કે જેથી આ સેવક પોતાની બધી આત્મિક શક્તિથી માની સેવા કરી શકે.” બોઝના સંશોધનના આ વળાંકને સિસ્ટર નિવેદિતા સાથેની મૈત્રીથી પણ વધુ ઉત્તેજન મળ્યું. નિવેદિતાની ઓગણીસમી સદીના અંતભાગથી ઉપનિષદીય હિંદુત્વની મહાનતાને પુરવાર કરવાની શોધ ચાલુ જ હતી ત્યાં બોઝનાં સંશોધનો જેમાં ચૈતન્યમય અદ્વૈતવાદની (Vitalistic Monism) ભારતીય સંક્લ્પના ગર્ભિત હતી, એ એમને હાથ લાગી ગયાં; એમની મૈત્રી વિકસતી ગઈ અને બોઝના ગ્રંથોનું સંપાદન કરવાનું કામ એમણે હાથમાં લીધું. બોઝની પાયાની માન્યતા હતી કે “સજીવ અને નિર્જીવ વિશ્વને લગતી જીવન-પ્રક્રિયાઓ અખંડિત છે, વચ્ચે કોઈ રુકાવટ નથી; જીવનનાં આ બંને પાસાંઓ વચ્ચે રેખા દોરવી મુશ્કેલ છે.” બોઝના આ દૃષ્ટિકોણ પ્રત્યે પશ્ચિમી વિજ્ઞાનીઓના પ્રતિભાવો અલગ અલગ રહ્યા. કેટલાકને એ મેજિકલ અને રહસ્યમય એટલે કે નકામો લાગ્યો તો કેટલાકને આ જ કારણે આકર્ષિત કર્યા. પણ વૈજ્ઞાનિક જ્ઞાનની સંરચનાને ભારતીય તત્ત્વમીમાંસા કે રાષ્ટ્રવાદને માટે કદી ખાસ પ્રીતિ હોવાનું શક્ય ન્હોતું. એટલે કેટલાક પશ્ચિમી વિજ્ઞાનીઓનો બોઝના દૃષ્ટિકોણ માટે ઉત્સાહ હોવા છતાં આજે બોઝની વૈજ્ઞાનિક સામગ્રીનાં માત્ર વિદગ્ધ અને નીરસ અર્થઘટનો ઉપલબ્ધ છે. પાછું પોતાના કામ માટે વૈકલ્પિક ખુલાસાઓ આપી શકાય એ માટે બોઝનું મન ઉઘાડું નહોતું. એ એમની માના જિદ્દી દીકરા હતા. ટીકા માટેની એમની અસહિષ્ણુતા જાણીતી હતી. જીવનનાં છેલ્લાં પચ્ચીસ વર્ષ એ પોતાની સંકલ્પનાઓને ખાસ મુખ્ય ફેરફાર વગર વળગી રહ્યા. વાણીમાં એ વધુ આક્રમક થતા ગયા. એ એટલા ગુસ્સે થઈ જતા કે બોલતાં તોતડાવા લાગતા. આશિષ નાંદીએ જે રીતે જોયું છે એ રીતે આ વાણીની આક્રમકતા ખરેખર તો એમની લઘુતાગ્રંથિનું ઢાંકણ હતી; વામસુંદરીના દીકરાને પોતાના પૂર્વબંગાળીય સાંસ્કૃતિક ઉગમની અને પોતાની માતૃભાષા-બોલી માટે તીવ્ર લઘુતાગ્રંથિ હતી. એમનામાં સુપ્ત પડેલું વડીલપણું પણ હવે જાગૃત થવા લાગ્યું હતું. ગુરુ-શિષ્ય-પ્રણાલિ એમણે અપનાવી અને દૂરતા જાળવતા આચાર્યની એમની જાહેર પ્રતિમા વધુ કેળવી અને માણી. આશિષ નાંદીના શબ્દોમાં જોઈએ તો “Bose’s increasing paternalism was also associated with a poor self-image, a weakened ego, capacity to handle the professional criticisms that he faced.” બોઝે ૧૯૧૭માં કલકત્તામાં એક સંસ્થા સ્થાપી. એ સંસ્થાનું બાંધકામ એક અલંકૃત મંદિર જેવું હતું. ઉચ્ચ સંશોધનનું કેન્દ્ર સ્થાપવાનો એની પાછળનો હેતુ હતો : “to search for the ultimate unity which permeates in the universal order and cuts across the animal, plant and inanimate lives.” સંસ્થામાં કામ કરતી વ્યક્તિઓ માટે બોઝના નિયમો ખાસ્સા કડક હતા; જે સંસ્થામાં જોડાતાં એમણે લખી આપવું પડતું કે એ કોઈ દિવસ સંસ્થા છોડી જશે નહીં. એમની પાસેથી કઠોર સાદગીની અપેક્ષા રાખવામાં આવી, જોકે એ પોતે એ પાળતા નહીં. પૂર્વ બંગાળના વતનીઓની સંસ્થામાં પહેલી પસંદગી કરાતી. પણ એમની સાથેના વ્યવહારમાં પણ બોઝનો એક વિશિષ્ટ પ્રકારનો સ્વ-ધિક્કાર અને આક્રમકતા છતી થતી. એમના પોતાના ઉચ્ચાર જોકે વધારે પડતા પૂર્વ બંગાળના પ્રદેશના હતા છતાં કોઈ સંસ્થામાં પૂર્વ બંગાળની બોલીમાં બોલે તો સખત ટોણાં મારતા. સંસ્થાને મોટા ભાગનું અનુદાન બ્રિટિશ સરકાર પાસેથી મળતું હતું. બોઝ અંગત રીતે યુરોપિયનો પ્રત્યે વધુ ઊલટપૂર્વક વર્તતા, જ્યારે ભારતીયોને એમની નજીક આવવું આસાન નહોતું. છતાં બોઝના રાષ્ટ્રવાદ માટે કેટલાકે શંકા કરી છે એ બરાબર નથી. ૧૯૦૫ના બંગાળના ભાગલાની વિરુદ્ધના આંદોલનમાં એમની ભૂમિકા પૂરા રાષ્ટ્રવાદીની હતી. એમને જો પશ્ચિમ પ્રત્યે દ્વિર્ભાવ હતો તો તે બાબુ-રાષ્ટ્રવાદ સ્વયંનો દ્વિર્ભાવ હતો. બાબુઓનું સ્વદેશીપણું પશ્ચિમી ઘૂસણિયાખોરીની સામેની પ્રતિક્રિયા હતી; પ્રવૃત્ત વિજ્ઞાનીઓ માટે આ દ્વિર્ભાવ વળી વધુ ઊંડો હતો. પોતાના દેશમાં આધુનિક વૈજ્ઞાનિક સંશોધનના જાણકારો ન હોવાને લીધે એમણે સતત પશ્ચિમ પ્રત્યે મીટ માંડવી પડતી હતી અને સાથે સાથે પોતાના સ્વમાનની પણ રક્ષા કરવી પડતી હતી. બોઝ ૧૯૩૭માં મૃત્યુ પામ્યા. કોઈ પણ વિજ્ઞાનીની અસ્મિતા (આઇડેન્ટિટી) તદ્દન જ એના વિજ્ઞાનની ઔપચારિક સામગ્રી ઉપર કે એના વ્યક્તિત્વમાં રહેલાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરિબળોના નકાર ઉપર આધારિત રહી શકે નહીં. કોઈક સ્તરે તો વિજ્ઞાનની સામગ્રી અને સંસ્કૃતિએ સમુદાયના સામૂહિક અનુભવો સાથે મેળ બેસાડવો પડે. એ સાચું છે કે બોઝની સંસ્કૃતિ અને વિજ્ઞાન જે તબક્કામાં હતાં એણે બોઝની સર્જકતા ઘડી હતી અને એ અગત્યનો અંશ હતો. પણ એ પણ સાચું છે કે જેમ એ વિજ્ઞાનને માટે નિષ્ફળ ગયા તેમ એક ઊંડા અર્થમાં એમનો સમાજ અને વૈજ્ઞાનિક વર્ગ પણ એમને માટે નિષ્ફળ પુરવાર થયો. હવે આપણે આશિષ નાંદીની વિશ્લેષીય આંખે રામાનુજનના જીવન-ઇતિહાસ ઉપર નજર નાખી છે એ જોઈશું. શ્રીનિવાસ રામાનુજન ગરીબ તામિલ આયંગર કુટુંબમાં જન્મ્યા હતા. પારંપારિક રીતે તામિલ બ્રાહ્મણોમાં આયંગરો ઉચ્ચતમ દરજ્જો ધરાવતા હતા. આ વર્ચસ્વ અને અલગતા અને સાથે ગરીબાઈની ચિંતા એ રામાનુજનના જન્મ સમયનો પરિવેશ હતો. રામાનુજન એમના માબાપના પ્રથમ પુત્ર હતા. એમના બે ભાઈઓના જન્મ એમના પછી ઘણાં વર્ષે થયા હતા. આથી માબાપની અપેક્ષાઓ, દરકાર અને ગર્વના એ કેન્દ્ર હતા. મદ્રાસ અને કોચીન વચ્ચેના કુમ્બકોનમ નગરમાં રામાનુજનનું કુટુંબ રહેતું હતું. કુટુંબના લગભગ બધા સભ્યો, એમની મા પણ શિક્ષિત હતાં. પણ આ આધુનિક જીવનનો સંસ્પર્શ છતાં એમની જીવનશૈલી અત્યંત રૂઢિચુસ્ત હતી. અસાધારણ લાગે એ વાત એ હતી કે રામાનુજન સહિત આખા કુટુંબમાં એક અભાન આંતિરક આત્મવિશ્વાસ અને શ્રદ્ધા પ્રવર્તતી હતી; એ પોતાની જીવનરીતિના સ્વસ્થ સંપૂર્ણ સ્વીકારમાં અભિવ્યક્ત થતી હતી. કદાચ ગરીબાઈ અને આપત્તિ પ્રત્યેના ભારતીય વલણે પણ આમાં કોઈક ભાગ ભજવ્યો હોય. પરિવાર નામગિરિ દેવીનું મોટું ભક્ત હતું. આ દેવીની આસપાસ કૌટુંબિક પુરાણકલ્પનો પણ વીંટળાયેલાં છે, એક તો રામાનુજનનાં દાદા-દાદીએ નામગિરિની ખૂબ ભક્તિ કરી પછી પૌત્ર રામાનુજનનો જન્મ થયો હતો અને એમની દાદીએ મરતાં પહેલાં એમની માને સમાધિવસ્થામાં કહ્યું હતું કે પોતે પોતાના પૌત્ર મારફત બોલવાનું ચાલુ રાખશે. બીજું પુરાણકલ્પન આ પ્રકારનું હતું કે નામગિરિએ બાળક રામાનુજનના એક સ્વપ્નમાં આવી એની જીભ ઉપર લખ્યું હતું અને પછી એકાએક રામાનુજને પ્રગલ્ભતા પ્રાપ્ત કરી હતી. દેખાવમાં રામાનુજન એમની મા અને દાદી જેવા લાગતા હતા. પારંપરિક ભારતીય સંસ્કૃતિને જોતાં આપણે ખૂબ સાવધપણે જ રામાનુજનની પોતાની મા સાથેની એકરૂપતાની (આઇડેન્ટિફિકેશન) તીવ્રતર સજગતા, એમની ચોક્કસ નારીસમ સંવેદનશીલતા, એમનું અંતઃસ્ફુર્ત વર્તન અને એમની આદિકાળની મેજિકલ શક્તિ – માતૃત્વ સાથેની એમની વધતી જતી નિસ્બતની વાત કરી શકીએ છતાં બીજી બાજુ રામાનુજનના માનીતા દેવ વિષ્ણુના આક્રમક અવતાર નરસિંહ હતા. આ સંરક્ષક નરકેસરી દેવની પ્રતિમા પાછળથી રામાનુજન માટે ગણિતશાસ્ત્રમાં પ્રેરણા અને સર્જકતાનો સ્રોત બની રહી. આપણે એ નોંધવું જોઈએ કે રામાનુજનના ભારતીય સમકાલીનો અને જીવનકથાકારોને માતા-પુત્રનું નજીક હોવાપણું ધ્યાનપાત્ર લાગ્યું છે. હકીકતમાં તો ભારતીય પરંપરામાં પિતા-પુત્રના સંબંધ અંગે જે નિષેધો છે તે માતા-પુત્રની નિકટતા બાબતે નથી. ભારતીય પરંપરામાં માતા માત્ર નિકટ ઉષ્માભરી સત્તા જ નહીં, પણ બાળકના પહેલા પડકારનું નિશાન પણ હોય છે. ભારતીય પરિવેશમાં આ બધું સામાન્ય છે. છતાં રામાનુજનના સમકાલીનોને એમની મા પ્રત્યેની આસક્તિ ધ્યાનપાત્ર લાગી હોય તો એ અસામાન્યપણે ઊંડી હશે કે પછી ઊંડી અને સંઘર્ષમય બંને હશે. રામાનુજનનાં મા પોતે જ્યોતિષશાસ્ત્રી અને જ્યોતિષી-આંકડા-પારંગત હતાં. રામાનુજનને શરૂઆતથી જ માતાએ ગણિતશાસ્ત્રીય પ્રતીકો અને નંબરોની મેજિકલ ઊલટસૂલટમાં સાથી બનાવી દીધા હતા. પુખ્ત ઉંમરે પહોંચતાં સુધીમાં રામાનુજને માતાની રુચિઓ પ્રાપ્ત કરી લીધી હતી. પિતા, શ્રીનિવાસ કુપ્પુરવામી વિનમ્ર અને ભાગ્યે જ દખલગીરી કરતા; પુત્રની નિસબતો અને મહેચ્છાઓમાં એમને ગતાગમ પડતી નહીં. મા ક્યારેક પુત્ર માટે કસોટી બની રહેતી હશે, છતાં રામાનુજનની શોધ એમણે જ કરી એમ કહેવું જોઈએ. રામાનુજન પાંચ વર્ષે શાળામાં દાખલ થયા અને ૧૮૯૪માં પ્રાથમિક શાળાની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ આખા જિલ્લામાં પ્રથમ આવ્યા. શરૂઆતથી જ એમનામાં ગાણિતિક શક્તિઓ દેખાવા લાગી. એમણે જોયું કે મોટા ભાગના ગણિતના શિક્ષકો પોતા કરતાં વધુ અજ્ઞાન હતા, છતાં શિક્ષકો સાથે એ એકદમ નમ્ર અને આજ્ઞાંકિત રહેતા — જાણે કે પોતે આવી જાણકારી અને તેજસ્વિતા માટે માફી ન માંગતા હોય. રામાનુજન હંમેશાં એમના વર્ગના સાથીદારોની મજાકોના નિશાન બની રહેતા. એમને રામાનુજનની એકાંતપ્રિયતા અને ગણિતમાંની એમની એકચિત્તતા ભાગ્યે જ ગમે એવી હતી. રામાનુજનનો સંસ્કૃત-પ્રશિષ્ટ સાહિત્ય પ્રત્યેનો, સંતોની ઉક્તિઓ અને પુરાણો પ્રત્યેનો પ્રેમ વળી એથી પણ ઓછો એમને ગમે એવો હતો. વળી એ શિક્ષકોના માનીતા હતા એ પણ એમને ખૂંચે એવી વાત હતી. પંદરેક વર્ષની ઉંમરે રામાનુજન પોતાની મેળે ગણિતશાસ્ત્રનો અભ્યાસ કરવા લાગ્યા બીજા દરજ્જાના જી. એસ. કારના ગાણિતિક પુસ્તકનો એમણે અભ્યાસ કર્યો. રામાનુજનને કાર એ સાધારણ કોટિના ગણિતશાસ્ત્રી હતા એ ખબર ન હોવાને કારણે એમણે પોતાની લખવાની શૈલી હંમેશ માટે એ પુસ્તક ઉપરથી ઘડી. પ્રથમ વર્ગમાં શાળામાંથી ઉત્તીર્ણ થઈ શિષ્યવૃત્તિ મેળવી એ કૉલેજના પ્રથમ વર્ષમાં દાખલ થયા. કૉલેજમાં રામાનુજનને શરીરવિજ્ઞાનશાસ્ત્ર વિષય બિલકુલ ગમતો નહીં, અને પ્રથમ વર્ષમાં એ ઉત્તીર્ણ ન થઈ શક્યા. પછીના બે મહિના એમણે ગાણિતિક દૃષ્ટાંતોથી ભરેલી નોટબુકો સાથે આંધ્રપ્રદેશમાં રઝળપાટ કર્યો. ફરી કુમ્બકોનમ કૉલેજમાં જોડાયા, પણ ફરી નિષ્ફળ ગયા. માબાપની ચિંતાએ એમને ફરી મદ્રાસની કૉલેજમાં ધકેલ્યા, પણ કશું વળ્યું નહીં. આ પછી એમણે કૉલેજ-અભ્યાસ સદંતર છોડી દીધો. હવે એમણે પૂરતો સમય ગણિતશાસ્ત્રના પોતાના અંગત અભ્યાસની પાછળ ખર્ચવા માંડ્યો; પ્રખ્યાત થયેલી એમની ખાતાવહી જેવી નોટબુકો ગાણિતિક સૂત્રોથી ભરાવા લાગી. આ પરિસ્થિતિમાં ઘેરી નિરાશામાં આવી પડેલાં માબાપને એક જ ભારતીય મનોવૈજ્ઞાનિક રામબાણ ઉપચાર રામાનુજનનાં લગ્ન કરી દેવાનો લાગ્યો. માતાએ કન્યા શોધી કાઢી અને રામાનુજનનાં જાનકીદેવી સાથે લગ્ન થયાં. મા પ્રત્યેનો દ્વિર્ભાવ સંબંધ હોવા છતાં આશ્ચર્યકારક રીતે રામાનુજનનું લગ્નજીવન સારી રીતે ચાલવા લાગ્યું, પણ એ નિઃસંતાન લગ્નજીવન પુરવાર થયું. લગ્ન પછી તરત જ રામાનુજનને હાયડ્રોસિલનું ઓપરેશન કરાવ્યું હતું. લગભગ એક વર્ષે રામાનુજન પરદેશ ગયા, અને ત્યાંથી ખૂબ બીમાર થઈ પાછા ફર્યા અને પછી માત્ર એકાદ વર્ષ જાનકીદેવી સાથે એમને રહેવાનું બન્યું. લગ્નજીવનના સંઘર્ષો કે વિક્ષેપો છતાં ૧૯૦૭-૧૯૧૧ રામાનુજન માટે એકદમ ફળદાયી સમય હતો. એમણે ગણિતશાસ્ત્રજ્ઞ તરીકે જરૂરી આત્મ-સન્માન પ્રાપ્ત કર્યું. એમણે બેએક વ્યક્તિઓને કહ્યું કે એ કંઈ અગત્યનું કામ કરી રહ્યા છે અને ભગવાન નરસિંહ પોતે એમના કામમાં રસ લઈ રહ્યા છે. પણ યોગ્ય ઔપચારિક જ્ઞાનની તાલીમનો અભાવ એક જોખમકારક અવરોધ બની ગયો. પરિણામે એ કાળની એમની બધી શોધો ગઈ સદીમાં યુરોપમાં થયેલી શોધોનું માત્ર પુનરાવર્તન રહ્યું. પછીથી રામાનુજનને પોતાની વ્યર્થ મહેનત વિશે ખ્યાલ આવ્યો, પણ સાથે સાથે એમને પોતાની સિદ્ધિઓ વિશે પણ કંઈક ખ્યાલ આવ્યો. ૧૯૧૧ના અંતભાગમાં એમણે એમનું પહેલું પેપર પ્રસિદ્ધ કર્યું અને મદ્રાસનાં વૈજ્ઞાનિક વર્તુળોમાં એ વધુ જાણીતા થયા. બીજા વર્ષમાં જ એમનાં બે પેપરો એ જ સામયિકમાં પ્રસિદ્ધ થયાં. ૧૯૧૨માં મદ્રાસ પોર્ટ ટ્રસ્ટમાં એક કારકુન તરીકે મહિને રૂ. ૨૫/-ની નોકરી પણ એમને મળી. ૧૯૧૩ના આરંભમાં એક મોટી તક એમને માટે ઊભી થઈ; એ ત્યારે ૨૫ વર્ષના હતા. એમણે ૧૨૦ ઉપપત્તિઓનાં બેર સ્ટેટમેન્ટ્સ કેમ્બ્રિજના ખૂબ જાણીતા ગણિતશાસ્ત્રજ્ઞ જી. એ. હાર્ડીને મોકલ્યાં. આ આધુનિક કાળના બે ગણિતશાસ્ત્રજ્ઞ વચ્ચેના પ્રખ્યાત સહકાર તરફનું પહેલું પગથિયું હતું – કદાચ સૌથી વધુ અસાધારણ પૂર્વ-પશ્ચિમનો વૈજ્ઞાનિક સહકાર હતો. રામાનુજનની સામગ્રી મળતાં હાર્ડીનો પહેલો પ્રતિભાવ તો શંકાભર્યો હતો, પણ દિવસે પૂરો થતાં જ આ ભારતીય પત્ર લખનારની લાયકાત એમણે નાણી લીધી. હાર્ડી એક પત્રમાં લખે છે, “A single look at them is enough to show that they could only be written down by a mathematician of the highest class.” હાર્ડી અને બીજા ગણિતશાસ્ત્રજ્ઞ નેવિલની મદદથી રામાનુજનને કેમ્બ્રિજ તરફથી જોડાવાનું નિમંત્રણ મળ્યું. રામાનુજન ૧૯૧૪ની સાલમાં કેમ્બ્રિજ પહોંચ્યા, ટ્રિનિટી કૉલેજમાં એમને માટે જગ્યા થઈ. એમને શીખવવાનું કામ હાર્ડી અને લિટલવૂડ ઉપર આવી પડ્યું. એમણે જોયું કે એમના વિદ્યાર્થીનું આત્મસન્માન ન ઘવાઈ જાય એ રીતે આ શિક્ષણનું કામ કરવું પડશે. રામાનુજનની અત્યંત વિનમ્ર વર્તણૂકે એમને આવો ખ્યાલ બાંધવા પ્રેર્યા હતા. પણ આ ભારતીય લાગતો હતો એ કરતાં વધારે આત્મવિશ્વાસ ધરાવતો હતો. મદ્રાસના સમયથી એક પ્રકારની આંતરિક તાકાત એમના વ્યક્તિત્વનો અંશ બની ગઈ હતી. લિટલવૂડે જોયું કે રામાનુજન પોતાના કામમાં એટલા લીન હતા કે બીજું શીખવાનો એમની પાસે વખત જ નહોતો. હાર્ડીને પણ લાગ્યું કે રામાનુજન એની પાસેથી શીખ્યા એ કરતાં પોતે રામાનુજન પાસેથી વધુ શીખ્યા. આ વિચિત્ર ભારતીયને કેમ્બ્રિજમાં સનસનાટી અને દંતકથા થવામાં લાંબો કાળ લાગ્યો નહીં. ૧૯૧૬માં એમને યુનિવર્સિટીની માનાર્હ બી.એ.ની ઉપાધિ પ્રાપ્ત થઈ. ૧૯૧૮માં જ્યારે એ ત્રીસ વર્ષના હતા ત્યારે રૉયલ સોસાયટી અને ટ્રિનિટી કૉલેજના ફૅલો બન્યા. રામાનુજનના પશ્ચિમ સાથેના મુકાબલામાંની સૌથી વધુ અસાધારણ બાજુ એ એમનો હાર્ડી સાથેનો સંબંધ હતો. રામાનુજનની ગણિતશાસ્ત્ર પ્રત્યેની ચકિત કરી મૂકનારી તીવ્ર પ્રતિબદ્ધતાએ હાર્ડીમાં ખાસ આદર જગાડ્યો હશે. રામાનુજન પોતાને કોઈ બ્રાહ્મણ આચાર્ય તરીકે નહીં, પણ યોગી કે મિસ્ટિક તરીકે જોતા. રામાનુજનના અનુભવાતીતવાદથી જ માત્ર હાર્ડી પ્રભાવિત નહોતા થયા, પણ એમની અસાધારણ સુગ્રથિત છતાં નારીસમ શૈલીએ પણ એમને પ્રભાવિત કર્યા હશે. જાણે કે રામાનુજને પોતાનાં ઇતિહાસ અને સંસ્કૃતિનો લાભ લઈ પોતાની અસ્મિતા (આઇડેન્ટિટી) શોધી કાઢી હતી, જેનો પશ્ચિમી સંસ્કૃતિએ વ્યાખ્યાયિત કરેલું સ્ત્રીત્વ કિંમતી અને મહત્ત્વનો અંશ હતો. અહીં એવો નારીસમ બાંધાવાળો અને રીતોવાળો પુરુષ હતો જે બરાબર જાણતો હતો કે એ પોતાની મા અને દાદી જેવો દેખાતો હતો અને કદાચ પોતે દાદીનો અવતાર છે એ પુરાકલ્પનમાં પણ કંઈક અંશે માનવાવાળો હતો. સાથે એમનામાં એક ચોક્કસ સ્વ-સ્વીકૃતિ અને સ્વાયતત્તા હતી જેનો હાર્ડીમાં અભાવ હતો. આવા અનુકૂળ વાતાવરણમાં રામાનુજનની સર્જકતા ખીલી ઊઠી. કેમ્બ્રિજમાં હાર્ડીની સાથે લખાયેલાં એમનાં શ્રેષ્ઠ પેપરો છે. રામાનુજન યુનિવર્સિટીમાં પોતાની રીતનું ધાર્મિક જીવન પ્રમાણમાં ખાસ કોઈ મોટી મુશ્કેલી વિના જીવવામાં સફળ રહ્યા હતા – જોકે અંગ્રેજી આબોહવા અને અંગ્રેજી ખોરાકની એમની ફરિયાદ સતત ચાલુ રહેતી. રામાનુજનનું ભાગ્યે જ કોઈ સાથે હળવાભળવાનું થતું. એમની જે ખાવાની આદતો હતી એથી એ કૉલેજમાં ક્યારેય ભોજન લેતા નહીં – અને એથી એમને બીજા પંડિતો સાથે સંસર્ગમાં આવવાનું બનતું નહીં. માત્ર એક જ બાબતમાં એમણે પોતાના એકાકીપણામાંથી પોતાની સંસ્કૃતિ વિરુદ્ધ જઈને બહાર આવવાનો પ્રયત્ન કર્યો હતો. પત્ની સાથે એમણે પત્રવ્યવહાર કરવાનો પ્રયત્ન કર્યો. પણ રામાનુજનના પત્રો અને એમની ઉપરના જાનકીના પત્રો અચૂક રામાનુજનની મા આંતરી લેતાં કે એમનો નાશ કરતાં. છતાં રામાનુજને આની સામે કોઈ વિરોધ નોંધાવ્યો નહીં. પણ એમને એથી પીડા તો થઈ જ. મા પ્રત્યેનો એમનો સુપ્ત ક્રોધ થોડોક બહાર આવ્યો અને પોતામાં આત્યંતિક ગુનાહિત ભાવ અને સ્વ-ધિક્કારમાં પરિણમ્યો. વળી કદાચ આ સમય દરમ્યાન ભારતમાં પોતે થઈ ગયેલી શોધો પાછળ જે વખત બગાડ્યો હતો એમનો એમને પૂરો ખ્યાલ આવ્યો. આ બધાએ એમની પોતાની ઊંડી વ્યક્તિગત કટોકટીમાં કદાચ ઉમેરો કર્યો હોય. ૧૯૧૭માં એમણે આત્મહત્યા કરવાનો યત્ન કર્યો, પણ નિષ્ફળ ગયા. આત્મહત્યાનો બનાવ આપણને એ માનવા ન પ્રેરવો જોઈએ કે એમના કામ અને એમની સામાજિક પરિસ્થિતિ વિશે એમને કોઈ સંઘર્ષ હતો. એમણે પોતાની પરિસ્થિતિ અને કામ વચ્ચે સ્વયં-પર્યાપ્ત સંબંધ રચ્યો હતો. ૧૯૧૭ના મે મહિનામાં રામાનુજન હજી ઇંગ્લૅન્ડ જ હતા ત્યારે એમને ક્ષય રોગ લાગુ પડ્યો. જ્યારે નિદાન થયું ત્યારે રોગ ઘણો આગળ વધી ગયો હતો. રામાનુજન ૧૯૧૯માં મદ્રાસ પાછા ફર્યા, ૨૬ એપ્રિલ, ૧૯૨૦ને દિને એમનું મૃત્યુ થયું ત્યારે એમની ઉંમર ૩૨ વર્ષની હતી. બીમારીની ઘોર નિરાશા વચ્ચે પણ એ છેવટ સુધી કાર્યરત ગણિતશાસ્ત્રજ્ઞ રહ્યા. આશિષ નાન્દી લખે છે કે વિજ્ઞાન અને સંસ્કૃતિ વચ્ચે તડજોડ કરવાનો યત્ન કરતી, પરાયાપણાના ભૂત સાથે ઝઘડતી કે પારંપરિક પરિસ્થિતિ સાથે આધુનિક સ્વત્વનું જીવ ઉપર આવીને રક્ષણ કરતી વિભક્ત પ્રતિભા રામાનુજનની નહોતી. એમની કથા એક રૂઢિચુસ્ત પણ સુગ્રથિત વિજ્ઞાનીની કથા છે જેમને માટે પ્રાચીન અર્થો અને આધુનિક જ્ઞાન એક હતાં. એમને આખા જીવનકાળ દરમ્યાન મોટા પ્રમાણમાં માનસિક સંઘર્ષો હતા એેની ના પાડી શકાય નહીં, પણ એમના કામ ઉપર એના ભાગ્યે જ છાંટા ઊડતા. એમના માનસિક સંઘર્ષો પરાયા બાહ્ય વિશ્વને પહોંચી વળવાના એમના યત્નમાંથી ઊભા થતા હતા, પણ પોતાની અંદરના પરાયા સેલ્ફ સાથે એવો સંઘર્ષ એમનો નહોતો. ક્રિયાકાંડો કે રિવાજોમાં વ્યક્ત થતી પરંપરા કે વૈજ્ઞાનિક સત્યો એમની અંતરતમ્ અનુભૂતિના ભાગ હતા અને એ માટે એમને કદી ઓશિયાળાપણું લાગતું નહીં. એમણે ક્યારેય પોતાના ધાર્મિક વિચારોની આધુનિકતા સ્થાપવાનો કે પશ્ચિમી વિજ્ઞાનને ભારતીયતાનો ઓપ આપવાનો કે એમની લઘુતાની લાગણીઓનો પોતાની વ્યાવસાયિક સફળતાથી સામનો કરવાનો યત્ન કર્યો હોય એવો કોઈ પુરાવો નથી. રામાનુજન એમના સમકાલીન જગદીશચંદ્ર બોઝ જેવા અંદરથી રહેંસાયેલા, વટાળ-પ્રવૃત્તિ ચલાવનારા નહોતા; એમણે બોઝની જેમ વિજ્ઞાનમાં સ્વામી વિવેકાનંદ, રવીન્દ્રનાથ ટાગોર અને અરવિંદ ઘોષની જેમ ભારતનો સંદેશો પશ્ચિમને પહોંચાડવાનો અને પશ્ચિમનો સંદેશો ભારતને પહોંચાડવાનો યત્ન કર્યો નહીં. આ બધા પૂર્વના ભારતીયોને પશ્ચિમના રાજકીય અને સાંસ્કૃતિક વર્ચસ્વની અસર થતી અને એમને સામે થવા પ્રેરતી. એમનો મિશનરી ઉત્સાહ એ એક સ્તરે એમની થતી અવમાનનાની લાગણીને જ્વલંત ઓપ આપવાનો યત્ન હતો. રામાનુજન હિંદુ રૂઢિવાદને વધુ સાચી રીતે વરેલા હતા અને હિંદુ રૂઢિવાદે જેમ એના લાંબા કાળના ઇતિહાસમાં કદી મિશનરી આવેગ બતાવ્યો નહીં એવી જ રીતે રામાનુજનમાં હિંદુ રૂઢિવાદ માટે કદી મિશનરી આવેગ ઊભો થયો નહીં. આશિષ નાંદીએ અહીં આપણી સમક્ષ આ બે ભારતીય વિજ્ઞાનીઓની સર્વાશ્લેષી જીવનકથાઓ જે રીતે અમુક પરિપ્રેક્ષ્યમાં ઊઘડતી આવતી મૂકી છે તે એક દાદ માંગી લે એવી વાત છે. એક બાજુથી બધી જ મથામણો સાથેની તાજ્જુબ કરી મૂકે એવી જીવનકથા છે તો બીજી બાજુ એ કાળનો આખો ભારતીય પરિવેશ ધબકતો અનુભવાય છે. એક બાજુ વિજ્ઞાનની દુનિયામાં સર્વસત્તાધીશ પશ્ચિમ છે તો બીજી બાજુ પોતાનાં અણઘડ હથિયારો વડે શ્વસતી, ટક્કર ઝીલતી ભારતીય પ્રતિભાઓ છે. એમની નિષ્ફળતાઓ પણ આપણે માટે તેજસ્વી હાર છે. આ ઉપરાંત બંને સમકાલીન ભારતીય વિજ્ઞાની પ્રતિભાઓ સ્વયં એકબીજાથી કેટલી જુદી પડે છે અને કેવો તો બંને વચ્ચે પ્રકૃતિભેદ છે એ પણ આશિષ નાંદીએ વેધકતાથી બતાવ્યું છે. આ સંદર્ભમાં મને થાય છે કે શું આ રીતે આપણે કોઈ એક પણ સાહિત્યકારને લઈ અભ્યાસ કરી શકીએ – દૂર નહીં ને પાસેના જ ભૂતકાળમાં નજર નાખીને? જેમ કે સુરેશ જોષી. શું જાણીએ છીએ આપણે સુરેશ જોષીને એમના સાહિત્ય ઉપરાંત એમની અનેક વિષયી અંગત માન્યતાઓ વિશે? એમના અનેકાનેક અભિગમો વિશે? એ અસ્તિત્વને કઈ રીતે જોતા? એમની આ સાહિત્યિક વિભાવના તરફ એ કઈ રીતે આવ્યા? એમની ધાર્મિક માન્યતા શું હતી? એમનો આખો સામાજિક-સાંસ્કૃતિક માહોલ શો હતો? સમકાલીનો પાસેથી માહિતી મેળવવી એ એક મહત્ત્વનો સ્રોત બને. સુરેશ જોષીનું નામ તો એક દૃષ્ટાંતરૂપ છે. કોઈ પણ પ્રતિભાવંત સાહિત્યકાર લઈ શકાય. ખાસ્સો પડકાર છે. આશા રાખીએ કે આશિષ નાંદી આપણે માટે પૂરતા ઉદ્દીપક બને.

તા. ૨૦-૬-૯૪