અન્વેષણા/૨૬. ત્રિભુવનદીપક પ્રબન્ધ

Revision as of 16:07, 11 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ત્રિભુવનદીપક પ્રબન્ધ



‘પ્રબન્ધ’નો શબ્દાર્થ તો કંઈક ગ્રંથન કરવું, બાંધવું એટલો જ છે. કોઈ પણ ગ્રન્થરચનાને પ્રબન્ધ કહી શકાય. પણ મધ્યકાલીન ગુજરાતમાં ‘પ્રબન્ધ' નામ સંસ્કૃતમાં અને ગુજરાતીમાં બે જુદા જુદા પ્રકારની સાહિત્યરચના માટે વપરાયું છે. સંસ્કૃતમાં ‘પ્રબંધ' નામથી ઓળખાતો સાહિત્યપ્રકાર ખાસ કરીને ગુજરાત અને માળવાનો વિશિષ્ટ છે. ઐતિહાસિક પુરુષોનું પરંપરાગત ચરિત્ર આલેખતી, સાદા સંસ્કૃત ગદ્યમાં—અને કવચિત્ પદ્યમાં—રચાયેલી કૃતિઓને ‘પ્રબન્ધ' કહેવામાં આવે છે. આવા પ્રબન્ધોમાં સંસ્કૃત ગદ્ય કે પદ્યરચનાની વચ્ચે પ્રસંગેાપાત્ત અપભ્રંશ કે જૂની ગુજરાતીનાં લોકપ્રચલિત સુભાષિતો ટાંકેલાં હોય છે. ગુજરાતના સોલંકી યુગના ઇતિહાસ માટે તેની ઘણી અગત્ય છે. મેરુતુંગાચાર્યનો ‘પ્રબન્ધ-ચિન્તામણિ', રાજશેખરસૂરિનો ‘પ્રબન્ધકોશ', જિનપ્રભસૂરિનો ‘વિવિધતીર્થકલ્પ’ આદિ ગદ્યમાં રચાયેલા પ્રબન્ધોના વિશિષ્ટ નમૂનાઓ છે. બલ્લાલકૃત સુપ્રસિદ્ધ ‘ભોજપ્રબન્ધ’ પણ આ કોટિમાં આવે. પ્રભાચન્દ્રસૂરીનું ‘પ્રભાવકચરિત' એ સંસ્કૃત પદ્યમાં રચાયેલો એક મહત્ત્વનો પ્રબન્ધસંગ્રહ છે. આ પછી જૂના ગુજરાતી સાહિત્યમાં ‘પ્રબન્ધ’ શબ્દ કંઈક અર્થફેરથી વપરાયો છે. ‘ત્રિભુવનદીપક પ્રબન્ધ', ‘કાન્હડદેપ્રબન્ધ', ‘વિમલપ્રબન્ધ', ‘માધવાનલ-કામકંદલા પ્રબન્ધ' આદિ કેટલીક કૃતિઓનાં નામમાં ‘પ્રબન્ધ’ શબ્દ છે. પરંતુ અહીં, પ્રબન્ધનો અમુક વ્યાવર્તક લક્ષણોવાળો નિશ્ચિત પ્રકાર, સંસ્કૃત પ્રબન્ધની જેમ, હોય એવું સ્પષ્ટ થતું નથી. ઐતિહાસિક કે અર્ધ-ઐતિહાસિક સંસ્કૃત રચનાઓને ગુજરાતમાં ‘પ્રબન્ધ’ નામ આપવાની પરિપાટી હતી એ. આપણે જોયું. પદ્મનાભનો ‘કાન્હડદેપ્રબન્ધ’ અને લાવણ્ય સમયનો ‘વિમલપ્રબન્ધ’ એ જાલોરના ચૌહાણ રાજા કાન્હડદેવ તથા પાટણના ભીમદેવ પહેલાના મંત્રી વિમળશા વિષેનાં ઐતિહાસિક ગુજરાતી કાવ્યો છે, પણ અનેક હસ્તપ્રતોમાં એ કાવ્યોને ‘રાસ,' ‘ચરિત,' ‘રાસપવાડુ' એવાં નામ પણ આપેલાં છે. ‘ત્રિભુવનદીપક પ્રબન્ધ’ એક ષાડ્ગુણ્યમૂલક આધ્યાત્મિક રૂપક Allegory છે, છતાં એને પ્રબન્ધ કહેવામાં આવ્યો છે. ગણપતિનો ‘માધવાનલ-કામકંદલા પ્રબન્ધ’ એક લોકપ્રચલિત પ્રેમકથાનું આલેખન કરતી, શામળભટની પુરોગામી પદ્યવારતા છે. આમ ઐતિહાસિક કાવ્યો ‘રાસ્' તરીકે ઉલ્લેખાયાનાં અને કલ્પિત કથાઓને ‘પ્રબન્ધ’ નામ અપાયાનાં ઉદાહરણો છે. અર્થાત જૂના ગુજરાતી સાહિત્યમાં ‘પ્રબન્ધ' શબ્દનો આમ શિથિલ રીતે પ્રયોગ થયો છે, અને એક નિશ્ચિંત સાહિત્યપ્રકાર તરીકે ‘પ્રબન્ધ’ને ગણી શકાય કે કેમ એવો પ્રશ્ન રહે છે. ગમે તેમ, પણ ‘પ્રબન્ધ’ નામધારી કૃતિઓ વિષે વિચાર કરતાં આટલું ધ્યાનમાં રાખવું જરૂરી છે. આ પ્રકારની ‘પ્રબન્ધ’ તરીકે ઓળખાતી રચનાઓમાં ગુજરાતી ‘ત્રિભુવનદીપક પ્રબંધ' સૌથી જૂનો છે. એના કર્તા જયશેખરસૂરિ અંચલ ગચ્છના એક જૈન આચાર્ય હતા. ‘ત્રિભુવનદીપક પ્રબન્ધ'માં રચના વર્ષ આપ્યું નથી, પણ જયશેખરસૂરિએ પોતે જ સં.૧૪૬૨માં સંસ્કૃતમાં રચેલ ‘પ્રબોધચિન્તામણિ’નો એ ગુજરાતી પદ્યાનુવાદ છે, એટલે સં.૧૪૬ર પછી, વિક્રમના પંદરમા શતકના ઉત્તરાર્ધમાં ક્યારેક એ રચાયો હશે એમ ગણી શકાય. જયશેખરસૂરિ સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીના વ્યુત્પન્ન વિદ્વાન હતા, અને એ ત્રણે ભાષાઓમાં એમણે સાહિત્ય રચ્યું છે. સં. ૧૪૩૬માં તેમણે ‘ઉપદેશ ચિન્તામણિ' નામનો ૧૨૦૦૦ શ્લોક પ્રમાણનો બૃહત્ સંસ્કૃત ગ્રન્થ તથા સં. ૧૪૬રમાં ‘ધમ્મિલચરિત' મહાકાવ્ય રચ્યું છે. ‘જૈન કુમારસંભવ' પણ એમની એક વિશિષ્ટ સંસ્કૃત રચના છે. આ ઉપરાંત સંસ્કૃત અને પ્રાકૃતમાં એમની કેટલીક નાની કૃતિઓ મળે છે. ગુજરાતી રચનાઓમાં ૫૮ કડીનો ‘નેમિનાથ ફાગુ', આપણા મધ્યકાલીન સાહિત્યપ્રકારોમાંના ફાગુનો એક સારો નમૂનો રજૂ કરતો હોઈ, નેાંધપાત્ર છે. ગુજરાતી ગદ્યકાવ્ય ‘પૃથ્વીચંદ્રચરિત્ર'ના કર્તા માણિક્યસુન્દરે આ જયશેખરસૂરિ પાસે વિદ્યાભ્યાસ કર્યો હતો. એવું તેમણે પોતે જ એક સ્થળે કહ્યું છે. ‘પ્રબોધચિન્તામણિ’ના અનુવાદરૂપે રચાયેલા આ ‘ત્રિભુવનદીપક પ્રબન્ધ’ને એમાંના અધ્યાત્મોપદેશને કારણે કેટલીક હસ્તપ્રતોમાં ‘પરમહંસ પ્રબન્ધ’ કે ‘હંસવિચાર પ્રબન્ધ' એવું નામ આપવામાં આવ્યું છે. ‘હંસવિચાર’ નામ કર્તાને પોતાને પણ અભિમત છે, કેમકે કાવ્યના આરંભમાં, ૮મી કડીમાં તેમણે કહ્યું છે- પુણ્ય—પાપ બે ભઇ ટલઇં, દીસઇ મુકખુ—દુયારુ; -સાવધાન તે સંભલઉ, હરષિઇં હંસ વિચારુ. અર્થાત્ પુણ્ય અને પાપ ટળી જાય છે અને મોક્ષનું દ્વાર દેખાય છે; સાવધાન થઈને તમે આ ‘હંસવિચાર’ સાંભળો. હમણાં કહ્યું તેમ, આ કાવ્યકૃતિ એક આધ્યાત્મિક રૂપક છે. એમાંનાં પાત્રો જુદા જુદા ગુણોના પ્રતીક રૂપે આવે છે; એથી એવી રચનાઓમાંનો ધર્મોપદેશ સામાન્ય માણસો સહેલાઈથી ગ્રહણ કરી શકે છે, પણ સામે પક્ષે નિરૂપણ જડ અને યંત્રવત્ બની જવાનો સંભવ રહે છે. આપણા સાહિત્યમાં જૂનામાં જૂનું ઉપલબ્ધ રૂપક, તેરમા સૈકામાં રચાયેલું જિનપ્રભાચાર્યનું ‘ભવ્યચરિત’, જેમાં મોહરાજા ઉપર તીર્થંકરનો વિજય વર્ણવાયો છે, તે છે. રાજા કુમારપાળનો જૈનધર્મસ્વીકાર નિરૂપતું, યશઃપાલનું ‘મોહરાજ પરાજય' એ આ પ્રકારનુ એક સંસ્કૃત નાટક છે, અને તે ઉત્તર ગુજરાતમાં થરાદમાં ભજવાયું હોવાનો પણ ઉલ્લેખ મળે છે. એની સાથે સરખાવી શકાય એવું કૃષ્ણમિશ્રનું ‘પ્રબોધચન્દ્રોદય’ નાટક છે, જેમાં વેદાન્તદર્શનની શ્રેષ્ઠતા નિરૂપાઈ છે. એનો ગુજરાતી પદ્યાનુવાદ ‘પ્રબોધપ્રકાશ' નામથી, સોળમા સૈકાના વિષ્ણુદાસ ભીમ કવિએ કરેલો છે. પછીના સમયની ગુજરાતી રૂપકગ્રન્થિઓમાં પ્રેમાનંદનો ‘વિવેક વણજારો’ તથા જીવરામ ભટ્ટ કૃત ‘જીવરાજ શેઠની મુસાફરી’ સૌ પહેલાં ધ્યાનમાં આવે છે. એ બંને વાણિજ્ય મૂલક રૂપકો છે, અને તેમાં જીવને એક વેપારી તરીકે આલેખી, એના પુણ્યપાપનું સરવૈયુ આપ્યું છે. આ પ્રકારનાં બીજાં પણ કેટલાંક રૂપકો મળે છે. ‘ત્રિભુવનદીપક પ્રબન્ધ' આપણા સાહિત્યની જૂનામાં જૂની રૂપકપ્રધાન રચનાઓમાંનો એક છે, તે સાથે સાહિત્યિક ગુણવત્તાએ પણ અસાધારણ મહત્ત્વનો છે. ૪૩૨ કડીનું એ ઠીક ડીક લાંબું કહી શકાય એવું કાવ્ય છે. રૂપકગ્રન્થિની મર્યાદામાં રહીને, આવી સુદીર્ઘ રચના કરવા છતાં કાવ્યરસ અસ્ખલિત વહ્યો જાય છે એમાં કર્તાની સંવિધાનશક્તિનો, ભાષાપ્રભુત્વનો તથા એની કવિપ્રતિભાનો વિજય છે. કાવ્યનો છંદોબંધ, દુહા, ચોપાઈ, વસ્તુ, છપ્પય આદિ માત્રામેળ છંદોમાં તથા ગીતોમાં બંધાયેલો છે. ‘કાવ્ય' નામે ઓળખાવેલા અશુદ્ધ ભુજંગીનો પણ કોઈ ઠેકાણે પ્રયોગ છે. અક્ષરના, રૂપના, માત્રાના અને લયના બંધનથી મુક્ત, છતાં તેમાં લેવાતી છૂટ ભોગવતું પ્રાસયુક્ત ગદ્ય- જે ‘બોલી’ નામથી ઓળખાય છે તે પણ આમાં પ્રસંગોપાત્ત આવે છે. આ રૂપકગ્રન્થિનું કથાવસ્તુ આપણે સંક્ષેપમાં જોઈએ : પ્રારંભમાં પરમેશ્વર અને સરસ્વતીને પ્રણામ કરીને કવિ કહે છે કે ત્રણે ભુવનમાં જેનું તેજ પ્રસર્યું હતું. એવો પરમહંસ નામે રાજા હતો; એનો પ્રતાપ પ્રતિદિન વધતો હતો. એ બુદ્ધિમહોદધિ, બલવાન, અકલ, અજેય, અનાદિ અને અનંત હતો. કોઈ વાર સ્વર્ગમાં અને કોઈ વાર પાતાલમાં એમ એ ઇચ્છાનુસાર ત્રણે કાળમાં વિલસતો હતો. વૃદ્ધિ પામે તો એ ત્રિભુવનમાં પણ ન માય અને સુક્ષ્મ બને તો એક ઝીણા જંતુના શરીરમાં પણ સમાય. એની દીપ્તિ કરોડો સૂર્ય જેવી હતી. કોઈ કહેતું કે-આ જ અરંહિત છે, તો કોઈ કહેતું કે-આ જ હરિ, હર, અલખ અને અનંત છે. જેણે એને જેમ જોયો તેણે તેમ વર્ણવ્યો. ખરેખર તો મન અને ઇન્દ્રિયના બલથી એને સમજવો શક્ય નહોતો. જેમ કાષ્ઠમાં અગ્નિ, જમીનમાં ભેજ, પુષ્પમાં પરિમલ, ગોરસમાં ચીકાશ, તલમાં તેલ અને પાણીમાં ટાઢક રહે તેમ એ જગતમાં ઓતપ્રોત હતો. એ પરમહંસ રાજાને ચેતના નામે ચતુર રાણી હતી, અને બન્ને વચ્ચે ગાઢ પ્રેમ હતો. પણ એકવાર માયા નામે નવયૌવનાને પરમહંસે જોઈ, અને ત્યારથી તે માયામાં લુબ્ધ થયો. ચેતના રાણીએ રાજાને બહુ સમજાવ્યો, પણ તેણે માન્યું નહિ ત્યારે ચેતના અદૃશ્ય થઈ ગઈ અને માયા પરમહંસની માનીતી થઈ બેઠી. વિશ્વનું રાજ્ય છોડી દઈ પરમહંસે કાયાનગરી વસાવી, અને મન નામે અમાત્યને વહીવટ સોંપી દીધો. માયા અને મન બન્નેએ એક થઈ પરમહંસને કેદ કરી દીધો, અને મન પોતે રાજા થયો. આ મન રાજાને બે રાણીઓ હતી – પ્રવૃત્તિ અને નિવૃત્તિ. એમાંથી પ્રવ્રુત્તિનો પુત્ર મોહ અને નિવૃત્તિનો પુત્ર વિવેક નામે હતો. પ્રવૃત્તિની ભંભેરણીથી મન રાજાએ નિવૃત્તિ અને એના પુત્ર વિવેકને દેશવટો દીધો; અને પ્રવૃત્તિના પુત્ર મોહને રાજ્ય આપ્યું. હવે, મોહ રાજાએ અવિદ્યા નામે નગરી વસાવી. મોહનું લગ્ન દુર્મતિ સાથે થયું, અને એમને કામ, રાગ અને દ્વેષ એ ત્રણ પુત્ર તથા નિદ્રા, અધૃતિ અને હિંસા એમ ત્રણ પુત્રીઓ મળી છ સંતાન થયાં. મિથ્યાદર્શન એ મોહનો મંત્રી હતો. નિર્ગુણસંગતિ એ તેની સભા હતી અને દુરિત સિંહાસન ઉપર તે બેસતો હતો. ચાર્વાક એનો વહાલો બાલમિત્ર હતો. અમર્ષ એના ઉપર છત્ર ધરતો હતો. કપટ પુરોહિત, પ્રમાદ કોટવાલ, મદ શેલત, અને પાખંડી પ્રતિહાર એ તેના રાજ્યાધિકારી હતા. હાસ્ય અને શોકની ત્યાં મલ્લકુસ્તી થતી, કુકવિઓ રસોઈ કરતા, કલિ કોઠાર સાચવતો અને અસત્ય વચન રૂપી પાણિયારી પાણી ભરતી. મોહરાજાની આ સમૃદ્ધિ સાંભળીને નિવૃત્તિ એનો પ્રદેશ છોડીને દૂર ચાલી ગઈ. પ્રવાસે નીકળેલાં નિવૃત્તિ અને વિવેક પ્રવચનપુરી પાસેના આત્મારામ વનમાં વિમલ-બોધ નામે કુલપતિ પાસે આવ્યાં. કુલપતિએ પોતાની સુમતિ નામે પુત્રી વિવેકને પરણાવી. વિવેકને એ કુલપતિ પ્રવચનપુરીના અરિહંત રાજા પાસે લઈ ગયો; અરિહંત રાજાએ પ્રસન્ન થઈને વિવેકને ઉત્તમ જન્મવાળા દેશમાં પુણ્યરંગ પાટણનો રાજા બનાવ્યો. ત્યાં દંભ, કદાગમ અને પાખંડ નામે મોહરાજાના ગુપ્તચરો નગરમાં પેસવા આવ્યા, પણ જ્ઞાન નામે કોટવાળે એમને દાખલ થવા દીધા નહિ. માત્ર દંભ વેશપલટો કરીને અંદર આવી ગયો. તેણે વિવેકરાજાની સમૃદ્ધિ નજરોનજર જોઈ અને મોહરાજાને તે વિષે ખબર આપી. મોહરાજા તો આ સાંભળી ખૂબ ગભરાઈ ગયો, અને વિવેકને દેશવટો આપીને જીવતો જવા દીધો એ માટે પસ્તાવા લાગ્યો. પણ મોહરાજાના પુત્ર કાળકુમારે એને ધીરજ આપી. વસંતનો પ્રારંભ થતાં કાળકુમાર દિગ્વિજય માટે નીકળ્યો અને અનેક દેશોમાં વિજય કરીને મોહરાયની આણ પ્રસારીને તેણે પુણ્યરંગપાટણ તરફ પ્રયાણ કર્યું. ગુપ્તચરે આ સમાચાર વિવેક- રાજાને આપ્યા હતા. વિવેકે અરિહંત પ્રભુના સામંત સદુપદેશની પુત્રી સંયમશ્રી સાથે લગ્ન માટે કહેણ મોકલ્યું હતું, કેમકે એથી સર્વ શત્રુઓ નાશ પામવાનો યોગ હતો. એટલે એ સમયે તો યુદ્ધ નહિં કરતાં વિવેક અરિહંતની આજ્ઞાનુસાર પ્રવચનપુરી જવા માટે નીકળ્યો. પ્રજા પણ બધી પાછળ ગઈ. એટલામાં કાળકુમાર ત્યાં આવી પહેાંચ્યો. એણે ખાલી નગર ઉપર કબજો કર્યાં, પણ વિવેકને પીછો નહિં કરતાં તે પોતાના નગરમાં ગયેા. ત્યાં સર્વને આનંદ થયો અને પાપશ્રુત નામે ભાટે તો કાળકુમારના પવાડા ગાયા. બીજી તરફ મોહરાજાના, કલિકાળ નામે સુભટે પ્રવચનપુરીના. રાજ્યમાં ખૂબ રંજાડ કરવા માંડી, અને તેનો પોકાર અરિહંત રાજા સુધી પહોંચ્યો. એ સમયે પ્રવચનપુરીમાં સંયમશ્રીનો સ્વયંવર થતો હતો. વિવેકનાં અદ્ભુત પરાક્રમો જોઈ સંયમશ્રીએ એના કંઠમાં વરમાળ આરોપી. એ પછી તુરત જ વિવેક તપરૂપી હથિયાર ધારણ કરતી સંયમશ્રીને સાથે લઈ મોહને પરાજિત કરવા નીકળી પડયો. બન્નેનાં સૈન્ય શત્રુંજય પાસે સામસામાં આવી ગયાં. વિવેક અને મોહ વચ્ચે તુમુલ યુદ્ધ થયું, તેમાં વિવેકે બ્રહ્માયુધથી મોહનો વધ કર્યો. એ સમયે ગગનમાં ગંભીર દુન્દુભિ વાગ્યાં. પંચવર્ણનાં ચીર લહેક્યાં, દેવોએ ‘જય જય નંદા !’ એવો શબ્દ કર્યો અને કુસુમવૃષ્ટિ કરી. નિવૃત્તિ સાથેની સર્વ સ્ત્રીઓએ રણભૂમિ ઉપર રાસ લીધા અને સુશ્રુત નામે ભાટે વિવેકરાયની પ્રશંસાના છંદ ઉચ્ચાર્યાં. આ કુલક્ષય જોઈને મોહની માતા પ્રવૃત્તિ ઝૂરવા લાગી. મન પણ શોકાતુર થઈ ગયો. વિવેકે એને સમજાવીને શાન્ત કર્યો. મન રાજાએ વિવેકને રાજ્ય આપ્યુ, તોપણ મોહને એ ભૂલી શકતો નહોતો. વિવેકે મનને સમજાવ્યો કે, “તાત ! મોહની ભ્રમણા છોડી દો, સમતા આદરો; મમતા દૂર મૂકો. ચાર કષાયોને હણી પાંચે ઇન્દ્રિયોને જીતી શમરસના પૂરમાં ખેલો, ॐॐકારમાં સ્થિર રહીને પરમાનંદ પ્રાપ્ત કરો.” આ ઉપદેશને અનુસરવાનો પ્રયત્ન કરવા છતાં મનને ફરી ફરી મોહનું સ્મરણ થતું હતું. છેવટે તેણે આઠ કર્મરૂપી સહચરો સાથે શુક્લ ધ્યાનરૂપી અગ્નિમાં પ્રવેશ કર્યો. અત્યાર સુધી અજ્ઞાતવાસમાં રહેલી ચેતનાએ હવે અવસર આવેલો જાણી પોતાના પતિ પરમહંસ પાસે આવીને કહ્યું: “સ્વામી! માયાને લીધે તમારા ઉપર અનેક વીતક વીત્યાં. એ વીતક હવે શા સારુ સંભારવાં? તમે વિશ્વનું સામ્રાજ્ય મૂકી આ અપવિત્ર કાયાનગરીમાં કેમ બંધાઈ રહ્યા છો? આપે આપને વિમાસો ! ઊઠો, પોતાની શક્તિ પ્રકાશો! માયાનો લાગ હવે ટળી ગયો છે, મન-મહેતાએ અગ્નિપ્રવેશ કર્યો છે, અને કુટુંબસહિત મોહ રણક્ષેત્રમાં નાશ પામ્યો છે. માટે હે સ્વામી ! હવે વિના વિલંબે પ્રકાશો” ચેતના રાણીનો આ સંકેત મનમાં વસતાં પરમહંસ સચેત થયો અને પરમજ્યોતિ પ્રકાશ પામ્યો. કાયા મૂકીને પરમહંસ મોકળો-મુક્ત થયો. વિવેક ગમે તેમ તોયે મનની સંતતિ, માટે એને જુદો કર્યો, અને પોતે ત્રિભુવનનો પતિ થયો. ફાગણ જતાં આંબો ખીલે છે, ગ્રીષ્મ ઋતુ જતાં નદીમાં પૂર આવે છે, કૃષ્ણપક્ષ પછી ચંદ્રની વૃદ્ધિ થાય છે, સાગરમાં ઓટ પછી ભરતી આવે છે, દડો એકવાર પડીને પાછો ઊછળે છે, કપૂર કપૂરના ઠામમાં જ પડે છે. પુણ્યપસાયે ભાવઠ ભાંગી અને પરમહંસ રાજાએ પાછું રાજ્ય પ્રાપ્ત કર્યું. માનવ આત્માનો પરમાત્મા–પરમહંસ રૂપે પરમોત્કર્ષ નિરૂપતા અને સામાન્ય જનસમુદાયના ત્વરિત બોધ અર્થે સાંસારિક રૂપકગ્રન્થિના સ્વરૂપે એના કથાનકનું આયોજન કરતા આ કવિત્વમય પ્રબન્ધની સમાપ્તિ પણ કવિ, પરમહંસની સ્તુતિનાં ફિલસૂફીમય પદ્યોદ્વારા કરીને, એનું ‘પરમહંસ પ્રબન્ધ’ એ વૈકલ્પિક નામ સાર્થક બનાવે છે. જયશેખરસૂરિ કહે છે કે-એ પરમહંસ આત્મા જ સિદ્ધિપુરીનો પંથ બનાવે છે, એ જ જીવન છે, એ જ શિવ અર્થાત્ કલ્યાણનો ગ્રન્થ છે, અને એ જ મૂલ મંત્ર અને મણિ છે.

[‘સંદેશ’, દીપોત્સવી અંક, સં. ૨૦૧૦]