અન્વેષણા/૨૭. ડૉ. ભગવાનલાલ ઇન્દ્રજી : પુરાવિદ અને ઇતિહાસકાર
ભારતના મહાન પુરાવિદ ડૉ. ભગવાનલાલ ઇન્દ્રજીનો જન્મ તા.૭મી નવેમ્બર ૧૮૩૯ને રોજ જૂનાગઢમાં થયો હતો, અને તેમનું અવસાન ૪૯ વર્ષની નાની વયે તા. ૧૬મી માર્ચ ૧૮૮૮ને રોજ મુંબઈમાં થયું હતું. માત્ર ૧૫ વર્ષની બાળવયે એક પ્રકારની આપસૂઝ અને હયાઉકલતથી તેમણે ઇતિહાસસંશોધનનો આરંભ કર્યો. જે જમાનામાં ભારતવાસીઓમાં આ પ્રકારની શોધનો વ્યાસંગ નહિવત્ હતો તે જમાનામાં પુરાવસ્તુવિદ્યાની વિવિધ શાખાઓમાં મૌલિક અગત્યનું કામ તેમણે કર્યુ અને દેશપરદેશમાં નામના મેળવી. આ ક્ષેત્રના એક મહાન અગ્રયાયી–‘પાયેાનિયર’–તરીકે ગુજરાતમાં કે ભારતમાં જ નહિ, પણ ભારતીય પુરાવિદ્યાનું કામ જગતમાં જ્યાં થાય છે ત્યાં સર્વત્ર ભગવાનલાલનું નામ અને કામ સ્મરણીય રહેશે. પુરાવિદ અને ઇતિહાસકાર તરીકેની તેમની કારકિર્દીના તથા સઘન અભ્યાસ, સતત પરિશ્રમ, અખૂટ ધીરજ, સતત પ્રવાસ તેમ જ ક્ષેત્રકાર્ય અને વસ્તુનિષ્ઠ કલ્પનાશક્તિને પરિણામે ઇતિહાસ અને પુરાવિદ્યા વિષેના સંચિત જ્ઞાનમાં તેમણે કરેલા કીમતી ઉમેરાઓનો ટૂંકો પરિચય આ વાર્તાલાપમાં હું આપીશ. પ્રશ્નોરા નાગર જ્ઞાતિના એક વિદ્યાવ્યાસંગી કુટુંબમાં જન્મવાને લીધે સંસ્કૃતવિદ્યાનો વારસો તે ભગવાનલાલને ગળથૂથીમાંથી મળ્યો હતો. પ્રશ્નોરાઓમાં એ કાળે સાર્વત્રિક રીતે પ્રચલિત દેશી વૈદું તેઓ જાણતા અને જીવ્યા ત્યાં સુધી ગરીબોના લાભાથે ધર્માદા દવાઓ આપતા. પરંતુ તેમનો સૌથી ઊંડો રસ પુરાવિદ્યાનો હતો. જૂના લેખોની પ્રાચીન લિપિ ઉકેલવાની ચમત્કારિક શક્તિ ભગવાનલાલમાં હતી. નૃસિંહની ઉપાસનાથી એમને આ દૈવી શકિત મળી છે અને તેથી કોઈનાથી નહિ ઊકલતા શિલાલેખો તેઓ ઉકેલી શકે છે, એમ તેમના જ્ઞાતિબંધુઓ માનતા. જૂનાગઢના પાદરમાં, ગિરનારની તળેટીમાં એક ઐતિહાસિક ખડક છે. સમ્રાટ અશોકનું શાસન તથા ક્ષત્રપ રુદ્રદામન અને ગુપ્તવંશીય સમ્રાટ સ્કન્દગુપ્તના શિલાલેખો એના ઉપર કોતરેલા હોઈ એ ખડકનુ ઐતિહાસિક મહત્ત્વ કોઈ અગત્યના પ્રાચીન ગ્રન્થ જેવું છે. કિશોરવયના ભગવાનલાલ ત્યાં જતા અને નૈસર્ગિક કુતૂહલથી એ લેખો વાંચવાનો પ્રયત્ન કરતા. પુરાવિદ જેમ્સ પ્રિન્સેપે તૈયાર કરેલા પ્રાચીન લિપિના કોઠાને આધારે થોડા સમય બાદ ભગવાનલાલે એ લેખોને લગભગ સફળતાપૂર્વક વાંચ્યા. ‘રાસમાળા ' નામથી ગુજરાતનો ઇતિહાસ લખનાર અને આધુનિક સમયમાં ગુજરાતની વિદ્યાપ્રવૃત્તિને સૌ પહેલું ઉત્તેજન આપનાર અંગ્રેજ અમલદાર અલેકઝાન્ડર કિન્લોક ફૉર્બ્સનું આ યુવાનના પુરુષાર્થ તરફ ધ્યાન ખેંચાયું. તેમણે મુંબઈના ડૉ. રામકૃષ્ણ વિઠ્ઠલ ઉર્ફે ભાઉ દાજી લાડને આ ઊછરતા વિદ્વાનની સોંપણી કરી. ડૉ. ભાઉ દાજી મુંબઈના એ સમયના અગ્રગણ્ય નાગરિક, પરોપકારી દાકતર અને ભારતીય પુરાતત્ત્વના વિરલ અભ્યાસી હતા. ભાઉ દાજીને પણ પોતાનાં સંશોધનકાર્યોમાં ભગવાનલાલ જેવા સહાયકની જરૂર હતી. સને ૧૮૬૧થી લગભગ તેર વર્ષ સુધી ભગવાનલાલ ભાઉ દાજીની નોકરીમાં રહ્યા. એ સમય એમની સાચી અને સખ્ત તાલીમ તથા અનુભવનો હતો. એ વર્ષોંમાં ભગવાનલાલે મહારાષ્ટ્ર, એરિસા, મધ્યભારત, રાજસ્થાન, વાયવ્ય સરહદમાં શાહબાજગઢી, ઉત્તરપ્રદેશ અને ઠેઠ નેપાળ સુધીના સંશોધન પ્રવાસો કર્યા; તેમણે અને ભાઉ દાજીએ સાથે મળીને અનેક મૌલિક લેખો લખ્યા. ૧૮૭૪માં ભાઉ દાજીનું અવસાન થતાં તેમને થોડીક મુશ્કેલી પડી, પરંતુ બ્યૂલર, કોડ્રિંગ્ટન, ગિબ્સ, કેમ્પબેલ આદિ પુરાવિદ મિત્રોના બૌદ્ધિક સહકારમાં, પણ સ્વતંત્ર રીતે, ભગવાનલાલનો સ્વાધ્યાય-યજ્ઞ ઠેઠ એમના અવસાનકાળ સુધી સતત ચાલુ રહ્યો. એ કાળે યુરોપથી ભારત આવતો કોઈ પણ સંસ્કૃતજ્ઞ કે ભારતીય વિદ્યાનો રસિક ભગવાનલાલને મુંબઈમાં એમના નિવાસસ્થાને મળે નહિ એવું બને નહિ. ૧૮૭૭માં ભગવાનલાલ મુંબઈની એશિયાટિક સોસાયટીના માનાર્હ સભ્ય તરીકે ચૂંટાયા; સને ૧૮૮૩માં હોલેન્ડની લીડનયુનિવર્સિટીએ તેમને પીએચ. ડી.ની માનાર્હહ પદવી અર્પણ કરી; થોડા સમય બાદ ગ્રેટ બ્રિટન અને આયર્લેન્ડની રોયલ એશિયાટિક સોસાયટીના માનાર્હ સભ્ય તરીકે તેમની વરણી થઈ. ૧૮૮૬માં વિયેનામાં મળેલી સાતમી આંતરરાષ્ટ્રીય પ્રાચ્યવિદ્યા પરિષદમાં પ્રતિનિધિ તરીકે સૌરાષ્ટ્રના દેશી રાજાઓએ ભગવાનલાલને પસંદ કર્યા હતા; ત્યાં એમણે નિબંધ મોકલાવ્યો હતો, પણ અસ્વસ્થ તબિયતને લીધે હાજરી આપી શકયા નહિ. ફૉર્બ્સ સાહેબની ‘રાસમાળા’ પછી ગુજરાતનો પ્રમાણોપેત ઇતિહાસ ભગવાનલાલે આલેખ્યો છે. ‘બોમ્બે ગેઝેટિયર’ના પહેલા ભાગમાંનો પ્રાચીન કાળથી માંડી ઈ. સ. ૧૩૦૦ સુધીના ગુજરાતનો ઇતિહાસ, જેને આધારે પછીના સંશોધકો અને અભ્યાસીઓ આગળ ચાલ્યા છે તે, ભગવાનલાલે એ માટે કરેલા ગુજરાતી લખાણ ઉપરથી તૈયાર થયેલો છે. પુરા વિદ્યાના ત્રણ મુખ્ય વિભાગો છે: ‘એપિગ્રાફી’ અથવા પ્રાચીન લેખવિદ્યા, ‘ન્યુમિસ્મેટિક્સ' અથવા પ્રાચીન સિક્કાઓને લગતી વિદ્યા, અને ‘આર્કિયોલૉજી’ અથવા ઉત્ખનન દ્વારા શોધ. આ ત્રણેય ક્ષેત્રોમાં ભગવાનલાલે કેવું મૂલ્યવાન અને સ્મરણીય કામ કર્યું છે તે માત્ર થોડાંક ઉદાહરણો લઈને જોઈએ. પ્રાચીન ગુફાલેખોમાં વપરાયેલા સખ્યાંકો, જેમને પુરાવિદો ‘કેવ-ન્યુમરલ્સ’ તરીકે એળખે છે, તેમનું મૂલ્ય ભગવાનલાલે પ્રથમ વાર નક્કી કરી આપ્યું. મુંબઈ પાસે સોપારામાંથી અશોકના આઠમા શાસનલેખના ટુકડાઓ તથા એક સ્તૂપના અવશેષો શોધીને એ પ્રાચીન નગરના ઇતિહાસ ઉપર પહેલી વાર તેમણે પ્રકાશ નાખ્યો. ઓરિસામાં ભુવનેશ્વર પાસે ઉદયગિરિ—ખંડગિરિની ગુફામાંનો ઈ. સ. પૂર્વે પહેલી સદીનો જૈન રાજા ખારવેલનો પ્રાકૃત શિલાલેખ, જે ગિરનારના લેખો જેવો જ અગત્યનો દસ્તાવેજી પુરાવો છે, તે ભગવાનલાલે શુદ્ધ રીતે વાંચ્યો અને છપાવ્યો. એ લેખ ઉપરનું તેમનું વિવેચન મૌર્ય સંવતનો તથા ઈ. સ. પૂર્વે પહેલી-બીજી સદીમાં ઓરિસા ઉપર રાજ્ય કરનાર ચેટ વંશનો પ્રથમ પરિચય આપે છે. નાનાઘાટ તથા પાંડુગુફાના લેખોનું ઐતિહાસિક મૂલ્ય દર્શાવીને આન્ધ્રવંશના ઇતિહાસ વિષે નવી હકીકતો તેમણે બહાર મૂકી છે તથા સિક્કાઓને આધારે આન્ધ્રભૃત્ય વંશના કેટલાક રાજાઓનો કાલક્રમ નક્કી કરી આપ્યો છે. ઈલોરાના લેખોની શેાધ વડે દખ્ખણના રાષ્ટ્રકૂટોનો વિસ્મૃત ઇતિહાસ તેમણે શેાધ્યો છે તથા પશ્ચિમ ભારતમાં એક કાળે રાજ્ય કરતા બળવાન ત્રૈકૂટક રાજવંશનું અસ્તિત્વ પુરવાર કર્યું છે. ગુજરાતના ગુર્જર તથા ચૌલુક્ય વંશ અને કોંકણના શિલાહાર વંશને લગતી નવી હકીકતો તેમણે પ્રગટ કરેલા લેખોને પરિણામે બહાર આવી છે. નેપાળના ઇતિહાસ વિષે શાસ્ત્રીય શોધ કરનાર ભગવાનલાલ પહેલા જ વિદ્વાન છે. નેપાળના બાવીસ પ્રાચીન લેખો, ડૉ. બ્યૂલરના સહકારમાં, છપાવીને તથા નેપાળના ઇતિહાસ વિષે નિબંધ લખીને એ અક્ષુણ્ણ પ્રદેશમાં તેમણે પહેલી કેડી પાડી છે. મથુરાના જૈન લેખ પ્રગટ કરીને ઈ. સ. પૂર્વે પહેલી સદીમાં ત્યાં જૈન મન્દિરો હોવાનો પુરાવો આપ્યો છે તથા કોહમ ખાતેના સ્તંભ ઉપરનો ઈ. સ.ના પાંચમા સૈકાનો જૈન લેખ પ્રસિદ્ધ કર્યો છે. મથુરામાં એ પછી મહત્ત્વની પુરાતત્ત્વીય શેાધો થઈ છે અને આગમ સાહિત્યમાં “દેવનિર્મિત સ્તૂપ” તરીકે વર્ણવાયેલા કલામય પ્રાચીન સ્તૂપના અવશેષો મળ્યા છે એ વસ્તુ ભગવાનલાલનું એક અગ્રયાયી તરીકેનું મહત્ત્વ તથા આલોચક દૃષ્ટિ પુરવાર કરવાને પર્યાપ્ત છે. સને ૧૯૦૮માં બ્રિટિશ મ્યૂઝિયમના ભારતીય પ્રાચીન સિક્કાઓનું કેટલૉગ બહાર પાડતાં એ વિષયના નિષ્ણાત અભ્યાસી ઈ. જે. રૅપ્સન ભગવાનલાલને અંજલિ આપતાં લખે છે, “ભારતીય સિક્કાશાસ્ત્રના અભ્યાસી તરીકે મહાન ભારતીય વિદ્વાન પં. ભગવાનલાલ ઇન્દ્રજીનું મારા ઉપર જે ઋણ છે તેનો નમ્ર સ્વીકાર કર્યાં વિના હું રહી શકું નહિ. આ પુસ્તકનાં પાનાં ફેરવવાથી તુરત જણાશે કે તેમણે જે પાયો સારી અને સાચી રીતે નાખ્યો હતો, મોટે ભાગે તેના ઉપર જ મેં ઇમારત બાંધી છે.” સંશોધનના ખૂબ ઝડપથી વિકાસ પામતા ક્ષેત્રમાં ભગવાનલાલના અવસાન પછી વીસ વર્ષે રૅપ્સને કરેલો આ ઋણસ્વીકાર તેમની આગવી શક્તિઓનો કંઈક ખ્યાલ આપે છે. પરન્તુ ભગવાનલાલ કેવળ મહાન વિદ્વાન કે સંશોધક નહોતા. બુદ્ધિ સાથે હૃદયના ઉદાર ગુણો તેમનામાં હતા. એમના નિકટના મિત્ર અને સહકાર્યકર તથા ભારતીય વિદ્યાના મહાન વિશેષજ્ઞ ડૉ. જ્યેાર્જ બ્યૂલર તેમને વિષે લખે છે કે “ભગવાનલાલમાં ઈર્ષ્યા જેવી વસ્તુ નહોતી. બલકે બીજાઓનાં કામ અને ચારિત્ર્યમાંથી જે કંઈ સારુ લાગે એની તે હંમેશા મુક્તકંઠે પ્રશંસા કરતા. એમના નિર્ણયોમાં પણ રાષ્ટ્રીય અભિમાન કદી આડે ન આવતું.” એક સાચા શિષ્યને શોભે એવા પૂજ્યભાવથી ડૉ. ભાઉ દાજીને ભગવાનલાલ હંમેશા યાદ કરતા અને પોતાના બધા હસ્તલિખિત ગ્રન્થો અવસાન પહેલાં મુંબઈની એશિયાટિક સોસાયટીને તેમણે ભેટ આપ્યા, તે એવી શરતે કે ભાઉ દાજીનાં સંસ્કૃત પુસ્તકોની બાજુમાં જ એનું કબાટ રાખવું અને તેના ઉપર ‘ડૅા. ભાઉ દાજીના શિષ્ય ભગવાનલાલ ઇન્દ્રજીના સંગ્રહ' એ પ્રમાણેનું લખાણ મૂકવું. કપરી સ્થિતિમાંયે ધર્માથે દેશી વૈદું કરનાર ભગવાનલાલ જેવા નિર્લોભી હતા તેવા જ સાચા વિદ્યાભક્ત અને સત્યના ઉગ્ર પ્રેમી હતા. નાશિકના ગુફાલેખો વિષેના તેમના નિબંધની પહોંચ સ્વીકારતાં પ્રાચ્યવિદ્યાવિશારદ મૅક્સમૂલરે લખ્યું હતું, “તમે પોતાની જાતને એક પ્રામાણિક હૃદયબુદ્ધિના અભ્યાસી તરીકે સિદ્ધ કરી છે અને તેની મારી દૃષ્ટિએ ગમે તેવડા વિદ્યારાશિ કરતાં વિશેષ કીમત છે.” ભગવાનલાલના જીવન અને કાર્યમાંથી આપણા વિદ્યાર્થીઓ અને વિદ્વાનોને પ્રેરણા મળો તથા એમના જેવા પ્રામાણિક હૃદયબુદ્ધિના વધુ ને વધુ અભ્યાસીઓ અને સત્યશોધકો ભારતમાં અને ગુજરાતમાં પેદા થાઓ એ પ્રાર્થના!
[‘બુદ્ધિપ્રકાશ’, જાન્યુઆરી ૧૯૬૨]