સાર્ત્રનો અસ્તિત્વવાદ/૬. સાર્ત્રના અસ્તિત્વવાદનું મૂલ્યાંકન

From Ekatra Wiki
Revision as of 02:21, 13 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૬. સાર્ત્રના અસ્તિત્વવાદનું મૂલ્યાંકન


અસ્તિત્વવાદ કોઇ ફેશન ખાતર સ્વીકારવાની વિચારસરણી નથી. બુદ્ધિજીવી ગણાવા માટે અસ્તિત્વવાદ વિશે શિષ્ટાચાર ખાતર પણ કશુંક જાણવું જોઈએ અથવા તો વ્યક્તિ જે ક્ષેત્રમાં છે તેમાં અસ્તિત્વવાદને કોઇક રીતે સ્થાન આપવું જોઈએ એમ માનનાર વ્યક્તિઓ કોઈ ને કોઈ બહાને અસ્તિત્વવાદી શબ્દો કે વાક્યોનું આયોજન કરીને તત્ત્વજ્ઞાન વિશે કશુંક જાણ્યાનો વ્યર્થ આત્મસંતોષ મેળવે છે. સાર્ત્રની પોતાની કબૂલાત મુજબ અસ્તિત્વવાદ તત્ત્વજ્ઞાનનો એક સંપ્રદાય છે. અને બીજા વિશ્વયુદ્ધની ભયાનકતાનો તે આવેગાત્મક પ્રત્યાઘાત નથી. અસ્તિત્વવાદમાં સારા-નરસાનો ભેદ નથી, અસ્તિત્વવાદીઓ નાસ્તિક છે, રસ્તો ભૂલેલા વિચારકો છે અથવા તો ચાર્વાકવાદીઓ છે તેવા બધા આક્ષેપો પાયા વગરના છે તેવો લેખકનો મત છે. સાર્ત્રનો અસ્તિત્વવાદ મૂળભૂત રીતે તો એક તાત્ત્વિક (Metaphysical) સિદ્ધાંત છે એટલે જેમ પ્લેટો કે એરિસ્ટોટલ કે કાન્ટના સિદ્ધાંતોની બૌદ્ધિક આલોચના કરી શકાય છે તેમ સાર્ત્રના સિદ્ધાંતનું પણ તાત્ત્વિક મૂલ્યાંકન કરી શકાય છે. તેની મર્યાદાઓ અને દોષો તાત્ત્વિક વિવેચનની પરંપરા પ્રમાણે જુદા તારવી શકાય છે. સાર્ત્રના કે બીજા કોઈ અસ્તિત્વવાદને કોઈ ખાસ પક્ષપાતને કારણે સર્વોપરિતા આપવાની જરૂર નથી; તે જ પ્રમાણે કોઈ આધ્યાત્મિક ગર્વને લીધે આ વિચારધારાને નૈતિક રીતે બદનામ કરવાનો કોઇ હેતુ હોવો ન જોઈએ. તત્ત્વજ્ઞાનમાં અદ્વૈતવાદ જ સાચું જીવનરહસ્ય આપી શકે : એટલે અસ્તિવવાદમાં જે નિષ્ફળતા કે હતાશા છે તે અદ્વૈતના અસ્વીકારને લીધે છે તેવું માની શકાય નહીં. સાર્ત્રના સિદ્ધાંતોમાં રહેલી મુશ્કેલીઓ અને ખામીઓ પૉલ રોબિકઝેક, ડેસન અને કોલીન વિલસને સચોટ રીતે રજૂ કરી છે. મારી દૃષ્ટિએ આ ટીકાઓ સાચી છે અને સાર્ત્રના તત્ત્વજ્ઞાનમાંથી તેનો બચાવ કરવાનું શક્ય નથી. તેમ છતાં એવું માનું છું કે સાર્ત્રના અસ્તિત્વવાદની ટીકા તાત્ત્વિક ભૂમિકાએ જ થવી જોઈએ. અસ્તિત્વવાદ સ્વીકારવાથી નૈતિક અરાજકતા ફેલાશે અથવા તો લોકો નાસ્તિક બની જશે અથવા તો કોઈને કશી બાબત પર શ્રદ્ધા નહીં રહે તેવું દર્શાવીને તેનું મૂલ્યાંકન ન થઈ શકે તેવું હું માનું છું. કોઈ સિદ્ધાંતનાં પરિણામો ઉપરથી તેના તત્ત્વ વિષે નિર્ણય ન થઈ શકે. તે જ પ્રમાણે તેના ઉદ્ભવની પરિસ્થિતિ ઉપરથી પણ તેના મૂલ્ય વિશે કશું ન કહી શકાય. અસ્તિત્વવાદ વિશ્વયુદ્ધની ભૂમિકાએ ઘડાયો હતો તે સ્વીકારવાથી એવું ફલિત થતું નથી કે તેનું સિદ્ધાંત તરીકેનું સત્ય કે મહત્ત્વ પાંચ કે દશ વર્ષ ચાલે તેટલું જ હોય. પૉલ રોબિકઝેક ‘Existentialism-For and Against’ (1964)માં સાર્ત્રના અસ્તિત્વવાદની ટીકા કરતાં દલીલ કરે છે કે સાર્ત્રનો અસ્તિત્વવાદ નિરપેક્ષ (Absolute) સિદ્ધાંત છે. ‘અસ્તિત્વ સત્ત્વ પહેલાં આવે છે’ આ વિધાન સાર્ત્રના સિદ્ધાંતના પાયામાં છે. પરિણામે માણસના અસ્તિત્વનો અભ્યાસ એ જ અસ્તિત્વવાદનો મુખ્ય વિષય છે. હવે પ્રશ્ન એ થાય છે કોના અસ્તિત્વનો અભ્યાસ કરવો? જો આ કે તે વિશિષ્ટ અસ્તિત્વનો અભ્યાસ કરવો પડે તે માત્ર જીવનવૃત્તાંત કહેવાય, તત્ત્વજ્ઞાન નહીં. અને જો માનવીના અસ્તિત્વનાં સામાન્ય લક્ષણનો અભ્યાસ કરીએ તો પછી એ અભ્યાસ ‘સત્ત્વ’નો અભ્યાસ ગણાશે કારણ કે સત્ત્વ એટલે જે નિશ્ચિત, સાર્વત્રિક અને સામાન્ય છે તે. પરિણામે માત્ર અસ્તિત્વનો અભ્યાસ થઈ જ શકે નહીં. બધા અસ્તિત્વવાદીઓ અમુક અંશે ‘સત્ત્વવાદીઓ’ (Essentialists) ગણવા પડે. પોલ રોબિકઝેકના મતે સાર્ત્રના અસ્તિત્વવાદ સામેની તાત્ત્વિક મુશ્કેલીઓ નીચે મુજબ રજૂ કરી શકાય : (૧) સત્ત્વ અને અસ્તિત્વનો ભેદ પાડીને સાર્ત્ર એમ દર્શાવવા માગે છે કે માનવીની બાબતમાં અસ્તિત્વ સત્ત્વ પહેલાં આવે છે. ટેબલ બનાવવું હોય તો પહેલાં તેના ઘાટ (સત્ત્વ) મનમાં ઘડી લેવો પડે છે અને તે યોજના પ્રમાણે ટેબલને અસ્તિત્વ આપવામાં આવે છે. માણસ માટે આવી કોઇ પૂર્વયોજના હતી નહીં અને કોઈ દૈવી તત્ત્વે માણસનું આવું કોઈ સત્ત્વ ઘડ્યું નથી. સાર્ત્રની આ દલીલમાં તથ્ય જણાતું નથી કારણ કે (अ) અસ્તિત્વ ‘પહેલાં’ આવે છે એમ જો માનીએ તો ‘સત્ત્વ’ પછી ક્યારેક પણ ઘડાતું હોવું જોઈએ તેમ માનવું પડે—ભલે પછી આ ‘સત્ત્વ’ પોતાના મુક્ત પ્રયત્નોથી ઘડાતું હોય. પરંતુ સાર્ત્રના પછીના સિદ્ધાંતમાં આવો કોઈ ઉલ્લેખ આવતો જ નથી. માણસને જે સ્વાતંત્ર્ય છે તેને પરિણામે ગમે ત્યારે પોતાનું આખું જીવન છિન્નભિન્ન થાય તેવા નિર્ણયો લઈ શકે છે. તો પછી આ પરિસ્થિતિમાં માણસ પોતાનું ‘સત્ત્વ’ ઘડે છે તેમ કહેવું વાજબી છે? તે ઉપરાંત ‘સત્ત્વ’નો અર્થ શું? ‘સત્ત્વ’ એટલે જુદી જુદી વિશિષ્ટ વસ્તુઓમાં રહેલ સમાન ‘તત્ત્વ’. દા.ત. જુદાજુદા ટેબલમાં અમુક સમાન ‘ટેબલત્વ’ને સત્ત્વ ગણી શકાય. પણ ‘સત્ત્વ’નો આવો અર્થ લઈએ તો પછી દરેક વ્યક્તિ માટે તેનું અસ્તિત્વ પહેલાં આવે છે અને પછી ‘સત્ત્વ’ ઘડાય છે તેમ કહેવાનો અર્થ એવો થશે કે દરેક વ્યક્તિ પોતાનું જુદું સત્ત્વ ઘડે છે. આ પણ વિચિત્ર પરિણામ છે. ‘સત્ત્વ’ અને ‘અસ્તિત્વ’નો ભેદ સાર્ત્ર અમુક હદથી વધુ સ્પષ્ટ કરી શક્યા નથી કારણ કે (ब) સાર્ત્ર ‘સત્ત્વ’નું નિર્માણ કોણ કરે છે તે બાબત સ્પષ્ટતા કરતા નથી. [મારી દૃષ્ટિએ આ જ ટીકાને બીજી રીતે રજૂ કરી શકાય. સાર્ત્ર કહે છે કે અસ્તિત્વ પહેલાં આવે અને સત્ત્વ પછી આવે. માણસને જો સાર્ત્ર કલ્પે છે તેવું સ્વાતંત્ર્ય હોય તો ‘સત્ત્વ’ પણ માણસ પોતાની મરજી મુજબ ઘડી શકે. પરંતુ આમ હોય તો ‘સત્ત્વ’ શબ્દનો અર્થ કશો રહેતો નથી તે વ્યક્તિગત બની જાય છે. સાર્ત્રના સિદ્ધાંતમાં આ બાબત ઘણી અસ્પષ્ટતા છે. એક બાજુ સાર્ત્ર એમ જણાવે છે કે દરેક માણસ પોતાની પસંદગી કરે ત્યારે તે બધાં માણસો માટે પસંદગી કરીને મૂલ્ય ઉપજાવે છે. બીજી બાજુ સાર્ત્ર એમ પણ જણાવે છે કે માણસના અસ્તિત્વને કોઈ આધાર નથી. દરેક વ્યક્તિ એકલી છે અને તેની પસંદગી સાવ અંગત છે. બીજું, સાર્ત્ર અમુક વિધાનો માનવ અસ્તિત્વ વિશે કરે છે—જેવાં કે માણસ હમેશાં સ્વતંત્ર છે; તેના અસ્તિત્વને આધાર નથી; તમામ માનવસંબંધો સંઘર્ષથી ખરડાયેલા છે—આ વિધાનો સાર્વત્રિક છે. માત્ર ફ્રેન્ચ લોકોને એ લાગુ પડતા નથી. એટલે મને બે પ્રશ્નો થાય છેઃ (૧) માનવસ્વભાવ વિષે સાર્ત્રના વિધાનો શું માણસનું મૂળભૂત ‘સત્ત્વ’ (Essence) રજૂ કરતાં નથી? (૨) ઈશ્વરના મનમાં માણસનાં સ્વરૂપ કે સત્ત્વ વિશે કશો ખ્યાલ ન હોઈ શકે કારણ કે ઈશ્વર નથી અને માણસને આવું કોઈ નિશ્ચિત સત્ત્વ નથી એમ કહેનાર સાર્ત્ર શું પોતે માનવીના અસ્તિત્વ વિશેનાં સાર્વત્રિક લક્ષણો નક્કી કરતા નથી? અને જો તેમ હોય તો સાર્ત્ર અસ્તિત્વવાદી છે કે સત્ત્વવાદી ?] સાર્ત્ર લખે છે: ‘અસ્તિત્વ ધરાવતી બધી વસ્તુઓ કારણ વગર ઉત્પન્ન થઈ છે, નબળાઈને લીધે ટકી રહે છે અને અકસ્માતને કે અન્ય કારણે નાશ પામે છે. જન્મ અને મૃત્યુ નિરર્થક છે’. પૉલ રોબિકઝેક માને છે સત્ત્વને બહાર રાખીને માત્ર ‘અસ્તિત્વ’ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી આવો જ નિર્ણય આવે છે. સાર્ત્ર શૂન્યવાદી છે એમ અમુક અંશે કહી શકાય. માનવજીવનની અને આ જગતની અર્થહીનતા જો સ્વીકારીએ તો પછી જીવન અર્થયુક્ત છે કે અર્થહીન એમ નક્કી કરવાનાં ધોરણો હોઈ શકે ખરાં? કોના જીવનનો અર્થ હોવો જોઈએ ? જીવનને કઈ દૃષ્ટિએ અર્થ હોવો જોઈએ? અર્થહીનતા (Absurdity) સાપેક્ષ છે કે નિરપેક્ષ ? વિજ્ઞાનયુગમાં માણસોનું જીવન યંત્રવત બની ગયું છે. વિરાટ સમાજમાં વ્યક્તિનું કંઈ મૌલિક જીવન શક્ય નથી. આવા સંદર્ભમાં ઘણા વિચારકો જીવન અર્થહીન છે તેવું માને છે. લેખકને એક પ્રશ્ન મૂંઝવે છે. ‘શું વીસમી સદીનાં માણસોનું જ જીવન અર્થહીન છે તેમ કહી શકાય?’ લેખક એમ પણ માને છે કે સાદું જીવન એ જ સારું એમ સાબિતી વગર ધારી લેવાથી, આધુનિક માનવીનું જીવન જટિલ છે માટે અર્થહીન છે અથવા મૂલ્યોનું પતન થઈ રહ્યું છે તેમ માનવામાં માત્ર દુરાગ્રહ જ છે. ‘જીવન અર્થહીન છે’ એમ માનવામાં ‘અર્થ’ (Mean- ing) એટલે શું તે સ્પષ્ટતા કરી લેવી જોઈએ. ‘Absurdity’ વિષે લખતા સાર્ત્ર અને અન્ય લેખકોમાં આવું કોઈ પૃથક્કરણ જણાતું નથી. સાર્ત્રની જ્ઞાનમીમાંસા અને તત્ત્વમીમાંસાની સંપૂર્ણ સમીક્ષા વીલફ્રીડ ડેસને ‘The Tragic Finale’માં કરી છે. તેમના કેટલાક મુદ્દાઓ વિશે વિચારીએઃ (૧) સાર્ત્ર ‘Non-Being’ (અસત્) અને ‘Negation’ (નિષેધ) એ બન્ને વચ્ચે ગૂંચવાયા છે. માનવચેતના પ્રશ્નાર્થક અને નિષેધક વિધાનો કરી શકે છે એટલે કે વસ્તુનો અભાવ જાણી શકે છે. પરંતુ તેના ઉપરથી માનવચેતના સ્વયં શૂન્યરૂપ છે, તેના હાર્દમાં ‘અસત્’ છે અને સતરૂપ જગતમાં તે ‘અસત્’ દાખલ કરે છે તેવું ફલિત થતું નથી. જો ચેતના અસત્ રૂપ હોય તો સાર્ત્ર ચેતનાનાં જે જે કાર્યો વર્ણવે છે તે અશક્ય બની જાય છે. સાર્ત્રે પ્લેટોના ‘Sophist’ નામનો સંવાદ ધ્યાનપૂર્વક વાંચવો જોઈએ તેવું ડેસનનું મંતવ્ય યોગ્ય છે. પ્લેટોએ ‘Non-Being means a different Being’ તેવો સિદ્ધાંત આપ્યો છે. નિષેધ કરવો એટલે ભિન્નતા દર્શાવવી. સાર્ત્રે ચેતના વસ્તુરૂપ નથી તેમ કહે છે ત્યારે ચેતના વસ્તુઓથી જુદા પ્રકારનું અસ્તિત્વ ધરાવે છે તેમ સમજવું જોઈએ. વસ્તુરૂપ નથી માટે ચેતનાને પોતાનું કોઈ ‘સ્વરૂપ’ નથી તેવો સાર્ત્રનો સિદ્ધાંત અસ્વીકાર્ય છે. (૨) સાર્ત્ર ચેતનાને નિર્વૈયક્તિક અને નિરપેક્ષ માને છે. ‘હું છું’ એવું ભાન આપણી ચેતનામાં અંતર્ગત છે અને ‘હું’(Ego)ની કોઈ પણ પ્રકારની વ્યાખ્યા કે પૂરતી સમજૂતી કદાચ ન આપી શકાતી હોય તો પણ આપણામાં ‘હું છું, અને મારાં કાર્યોનો કર્તા છું’ તેવું ભાન અનિવાર્ય છે. પરિણામે ‘અહમ્’(Ego)નું અસ્તિત્વ માત્ર મનનાત્મક ચેતનાના પરણામે ઉદ્ભવે છે તેમ માનવામાં સાર્ત્રની ભૂલ છે. ડેસનનું આ મંતવ્ય સંપૂર્ણ રીતે યોગ્ય છે તેવું લેખક માને છે. જો કે ડેસન જ્યારે એમ જણાવે છે કે સાર્ત્રનું તત્ત્વજ્ઞાન એક કરુણ નિષ્ફળતા છે ત્યારે લેખક તેની સાથે સહમત નથી કારણ કે કોઈ પણ તત્ત્વજ્ઞાનની સંપૂર્ણ સફળતા કે નિષ્ફળતા જાણવાની આપણી પાસે કોઈ પ્રમાણભૂત કસેાટીઓ નથી. આ સંદર્ભમાં ‘Philosophy Today’ (1960) એ પુસ્તકના લેખક જોસ ફેરેટર મોરા સાથે લેખક સહમત છે. પ્રોફેસર મોરાને મતે, પશ્ચિમના તત્ત્વજ્ઞાનમાં વીસમી સદીમાં ત્રણ મુખ્ય તાત્ત્વિક વિચારધારાઓ છે અને તેની વહેંચણી કેટલેક અંશે ભૌગોલિક દૃષ્ટિબિંદુથી પણ અગત્યની છે. પશ્ચિમ યુરોપમાં એટલે કે મુખ્યત્વે ફ્રાંસ અને જર્મનીમાં માનવતાવાદી તત્ત્વજ્ઞાન છે. એંગ્લો-અમેરિકન જગતમાં (મુખ્યત્વે અમેરિકા અને ઇંગ્લેન્ડમાં) પૃથક્કરણાત્મક અને વિજ્ઞાનાભિમુખ તત્ત્વજ્ઞાન છે અને રશિયામાં ‘સમાજલક્ષી’ તત્ત્વજ્ઞાન છે. આમ ‘યુરોપિયન’, ‘એંગ્લો-અમેરિકન’ અને ‘રશિયન’ એમ ત્રણ જાતની તાત્ત્વિક વિચારધારાઓ પશ્ચિમમાં વીસમી સદીમાં પ્રવર્તે છે. સ્વાભાવિક રીતે જ અસ્તિત્વવાદ ‘યુરોપિયન’ તત્ત્વજ્ઞાન છે અને અન્ય યુરોપિયન સંપ્રદાયો કરતાં અત્યારે વધુ વર્ચસ્ જમાવે છે. યુરોપિયન સંપ્રદાય હોવાથી ‘માનવી’ અને તેની સમસ્યાઓ અસ્તિત્વદમાં કેન્દ્રસ્થાને છે, અને સાર્ત્રનો અસ્તિત્વવાદ નિરીશ્વરવાદી હોવાથી સંપૂર્ણ રીતે માનવતાવાદી છે એટલે ઐતિહાસિક સંદર્ભમાં જોઈએ તો સાર્ત્રની તત્વવિચારણા યુરોપિયન પરંપરા સાથે સુસંગત છે. અલબત્ત, આ વિચારધારાઓ વચ્ચે સામ્ય અને ભિન્નતાની ઘણી કક્ષાઓ છે, પરંતુ અમુકવાર એવું બને છે કે વિચારપદ્ધતિઓની ભિન્નતાને લીધે અથવા આ તત્ત્વજ્ઞાન અમુક જ વિચારપદ્ધતિમાં રહેલું છે તેમ માનવાને લીધે એંગ્લો-અમેરિકન ફિલસૂફો ફ્રાંસ અને જર્મનીના ફિલસૂફો સાથે કોઇ સહમતિ ધરાવતા નથી એટલું જ નહિ, એક પક્ષ બીજો પક્ષ શું કહે છે તે પણ સમજી શકતો નથી. દા.ત., ઇંગ્લેન્ડના એક પ્રતિભાશાળી તત્ત્વચિંતક પ્રેા. આયર લખે છે કે ‘Existentialism is an exercise in the art of misusing the verb to be.’ તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં ગેરસમજૂતીના સચોટ દૃષ્ટાંત તરીકે આ વિધાન લેખી શકાય.

ગ્રંથસૂચિ

(1)Allen- ‘Existentialism from Within’
(2) Barret William- ‘The Irrational Man’
(3) Barnes Hazel- ‘Humanistic Existentialism’
(4) Breisach Ernest- ‘Introduction to Modern Existentialism’
(5) Blackham H. J.- ‘Six Existentialist Thinkers’
(6) Dasen Wilfrid – ‘Tragic Finale’
(7) Heinemann F. H.- ‘Existentialism and Modern Predicament’
(8) Kern Edith- ‘Sartre’ (Essays)
(9) Kneller George- ‘Existentialism and Education*
(10) Kumming Robert- ‘Philosophy of J. P. Sartre’
(11) Marcel G.- ‘Philosophy of Existentialism’
(12) Molina- ‘Existentialism as a Philosophy’
(13) Olson Robert- ‘Introduction to Existentialism’
(14) Patka Fredrik- ‘Existentialism, Thinkers and Thought’
(15) Justus- ‘To Freedom Condemned’
(16) Roubickzek Paul ‘Existentialism-For and Against’
(17) Jaques- ‘To be or not to be’
(18) Colin- ‘Introduction to New Existentialism"
(19) W R. B. ‘Dictionary of Existentialism’
(20) Mora Ferrater- ‘Philosophy Today’
(21) Barret William- ‘Philosophy in 2oth Century’ vols.2, 3 and 4.