કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૧૪. લાઇબ્રેરીની બહાર પાગલ

From Ekatra Wiki
Revision as of 01:21, 14 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૪. લાઇબ્રેરીની બહાર પાગલ

લાઇબ્રેરીની બહાર
ડોલતો, ચાલતો, નકામો બેસી રહેતો
એક પાગલ….
ક્યારેક
ઊતરચડ થતાં પગથિયાં સાથે વાતો કરતો
ઉઘાડબંધ થતી બારીઓ સામે હસતો
ખરેલાં સૂકાં પાંદડાંને ફૂલો સમજી વીણ્યે જતો
અંદર જતા-આવતા
આંખો વિનાના ચહેરાઓમાં
અથડાતો, અટવાતો—
મનમાં ને મનમાં રડતો, ગૂંચવાતો…
ઉત્તરભરેલાં અનેક પુસ્તકો સામે
એક પ્રશ્નભર્યો
એ એકલો
અને આપણે આટલાં બધાં…
કોઈ એક ભાષાથી
એની સાથે વાત ન થઈ તે ન જ થઈ!
એક દિવસ
એ થાકીને આખરે
ઢળી પડ્યો—
અને આપણે
લાઇબ્રેરીનાં પુસ્તકો જેવાં,
અભરાઈ પર…!


(વિદેશિની, પૃ. ૧૧૬)