કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૨૮. રોજ સાથે ને સાથે રહેવાનું...

Revision as of 01:53, 14 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૨૮. રોજ સાથે ને સાથે રહેવાનું...


     રોજ સાથે ને સાથે રહેવાનું હોય તો ફાવે નહીં.
હું તો તારી તો છું પણ હું તો મારી પણ છું.
      —કોઈ એના ઇશારે નચાવે નહીં.
હું તો ડાળી પર કળી થઈ ઝૂલતી રહું:
     મને ફૂલદાની હંમેશાં નાની લાગે,
પળપળનો સાથ ને યુગયુગની વાત
     મને જુઠ્ઠી અને આસમાની લાગે,
રોજ રોજ ગળપણ ખાવાનું હોય
     તો એવું એ સગપણ પણ ફાવે નહીં.
હું તો તારી તો છું પણ હું તો મારી પણ છું
      —કોઈ એના ઇશારે નચાવે નહીં.
વહેતી હવા એ તો પંખી નથી
     એને પીંજરામાં પૂરી પુરાય નહીં,
ચાંદની રેલાય અને ચાંદની ફેલાય
     એને મુઠ્ઠીમાં ઝાલી ઝલાય નહીં,
મને બાંધવા જશો તો છટકી હું જઈશ
     અને બટકી હું જઈશ: મને ફાવે નહીં.
હું તો તારી તો છું પણ હું તો મારી પણ છું
      —કોઈ એના ઇશારે નચાવે નહીં.


(વિદેશિની, પૃ. ૩૫૨-૩૫૩)