કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૪. સાંજ

From Ekatra Wiki
Revision as of 01:49, 15 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪. સાંજ

નમેલી સાંજનો તડકો,
અહીં ચડતો, પણે પડતો,
ક્ષિતિજના ઉંબરામાં સૂર્ય ખાતો ઠેસ
અડવડતો.
અહીં પાકી ગઈ સડકો ઉપરનાં ઘર
બધાં ફિક્કાં અને જુઠ્ઠાં;
પણે સૌ મૌનમાં ઼ડૂબી ગયાં ખેતર,
બિચારાં સ્તબ્ધ છે ઠૂંઠાં!
પવન તો જંગલી, ગાંડો, વળી
સૌની તરફ કરતો અટકચાળું
ગયો છે જાત પર —
તે ઘૂમતો ફરતો અહીં ફૂટપાથ પર,
મોંથી વગાડી ડાકલું!
અશ્વત્થ (જાણે તેજહીણો દ્રોણસુત!)
ખખડી ગયો આ બંગલાની પાસ,
એનું થડ ભરે છે શ્વાસ,
એનું ઓસર્યું છે ઋત;
અને આ ચંદ્રમા (ક્ષયમાં રિબાતો કો કવિ),
જેની છવિ,
ઉચ્છિષ્ટ પીળું તેજ પાથરતી અહીં પૃથ્વી પરે
અંધારમાં તરતી સરે.

૧૯૫૨
(સાયુજ્ય, ૧૯૭૨, પૃ. ૪)